જેલમાં જાતે સળગીને 'આત્મહત્યા' કરનાર કેદી ચાર હજાર કિમી દૂરથી જીવતો કેવી રીતે પકડાયો?

    • લેેખક, કૅથરિન આર્મસ્ટ્રોંગ
    • પદ, બીબીસી ન્યૂઝ

ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાની એક જેલમાં 'ફેસબુક રેપિસ્ટ' તરીકે જાણીતા બળાત્કાર, લૂંટ, હત્યા જેવા મામલામાં દોષિત થાબો બેસ્ટરે ખુદને આગ લગાવીને ‘આત્મહત્યા’ કરી લીધી હતી.

જઘન્ય ગુનાઓ કરનાર બેસ્ટરની આત્મહત્યાની ઘટના પ્રથમ દૃષ્ટિએ એકદમ સાચી લાગી.

મહિનાઓ સુધી પોલીસને ખબર પણ ન પડી કે ખરેખર તેઓ જેને મૃત માની રહ્યા હતા એ વ્યક્તિ પાડોશના દેશમાં જ હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અને પોલીસની શંકાના કારણે લગભગ એક વર્ષથી ખુલ્લેઆમ ફરી રહેલા બેસ્ટરની તાજેતરમાં જ ચાર હજાર કિલોમિટર દૂર આવેલા દેશ તાન્ઝાનિયામાંથી ધરપકડ કરવામાં આવી છે.

વાંચો તેના આરોપો, ધરપકડ, ‘આત્મહત્યા’ તેમજ ભાગીને પાછા પકડાવાની કહાણી...

'ફેસબુક રેપિસ્ટ' નામ કેવી રીતે પડ્યું?

બેસ્ટરને આ નામ તેની મૉડસ ઓપરેન્ડીના કારણે મળ્યું હતું.

તે ફેસબુકના માધ્યમથી સ્વરૂપવાન યુવતીઓના સંપર્કમાં આવતો હતો અને તેમને મળ્યા બાદ બળાત્કાર ગુજારીને તેમની હત્યા કરી નાખતો હતો.

વર્ષ 2012માં તેને પોતાની મૉડલ ગર્લફ્રેન્ડ નોમફન્ડો તિહુલુ પરના બળાત્કાર અને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

એક વર્ષ પહેલાં તે અન્ય બે મહિલાઓ પર બળાત્કાર અને લૂંટનો દોષી સાબિત થયો હતો.

ત્યાર પછી તે બ્લૂમફોન્ટેન શહેરમાં મંગાઉંગ સુધારક કેન્દ્રમાં સજા ભોગવી રહ્યો હતો.

આત્મહત્યા અને શંકા

ગત વર્ષે મે મહિનામાં મંગાઉંગ સુધારક કેન્દ્રમાં બેસ્ટરે ખુદને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાની વાત વહેતી થઈ હતી.

જોકે, સ્થાનિક મીડિયાએ ગયા વર્ષના અંતે તેના મૃત્યુ અંગે શંકા કરવાનું શરૂ કર્યું હતું.

છેલ્લા એક વર્ષમાં બેસ્ટરને લઈને સ્થાનિક મીડિયામાં ઘણા અહેવાલો ચમક્યા હતા.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે જોહાનીસબર્ગના એક સમૃદ્ધ ઉપનગરમાં કરિયાણાની ખરીદી રહ્યો હતો અને ત્યાં હવેલી ભાડે રાખીને રહેતો હતો.

આ અહેવાલોના કારણે દક્ષિણ આફ્રિકામાં આક્રોશ ફેલાયો હતો.

ત્યાર પછી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

આ વર્ષે માર્ચમાં હાથ ધરાયેલા વધુ પરીક્ષણોથી જાણવા મળ્યું કે તે દિવસે જેલમાં સળગીને મૃત્યુ પામનાર વ્યક્તિ બેસ્ટર ન હતી.

તે મૃતદેહ અન્ય કોઈ વ્યક્તિનો હતો, જેની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી હતી.

આ સાથે જ પોલીસે વધુ એક હત્યાનો ગુનો નોંધ્યો અને બેસ્ટરની શોધખોળ શરૂ કરી હતી.

ગયા શુક્રવારે તે તાન્ઝાનિયામાંથી પોતાની એક ગર્લફ્રેન્ડ અને અન્ય એક વ્યક્તિ સાથે પકડાયો છે. પોલીસે તેના પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરી છે.

ભાગવામાં કોણે મદદ કરી?

જેલમાં બંધ દોષિત ખુદને આગ લગાવીને આત્મહત્યાનું તરકટ રચે અને જેલમાં રહીને ખુદ જેવા જ અન્ય મૃતદેહની સગવડ કરે, તે કોઈના માનવામાં ન આવે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બેસ્ટરની જેલનું સંચાલન કરનારી બ્રિટિશ માલિકીની સુરક્ષા કંપની જી4એસના કર્મચારીઓ પર તેને ભાગવામાં મદદ કરવાનો આરોપ છે.

કંપનીના કહેવા પ્રમાણે આ ઘટનામાં ત્રણ કર્મચારીને બરતરફ કરવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે કંપનીના પ્રતિનિધિઓ બેસ્ટરના ભાગી જવા વિશે સંસદમાં ચાલી રહેલી સુનાવણીમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.