અમેરિકામાં પાંચ વર્ષની ગુજરાતી બાળકીના હત્યારાને 100 વર્ષ કેદની સજા, શું છે મામલો?

અમેરિકામાં એક કેસમાં દોષિત વ્યક્તિને 100 વર્ષોની કેદની સજા ફટાકારાઈ છે. લૂસિયાનાની શેવરપૉર્ટ કોર્ટે આ સજા ફટકારી છે.

35 વર્ષની એક વ્યક્તિને એક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ સજા ફટકારાઈ. ગુનાની ગંભીરતાના કારણે જજે પહેલાં જે સજા આપી હતી એમાં વધારો પણ કરી દીધો હોવાથી સજા 100 વર્ષ થઈ ગઈ.

અમેરિકાની સ્થાનિક સમાચાર સંસ્થા શેવરપૉર્ટ ટાઇમ્સના અહેવાલ અનુસાર કૅડો પેરિશ ડિસ્ટ્રિક્ટ ઍટર્નીની ઑફિસે આ સજા સંભળાવી છે.

કેસ શું હતો?

કેસ ગોળીબારનો હતો. વાત એમ છે કે વર્ષ 2021માં એક હોટલમાં નીચે જોશેફ લી સ્મિથની લડાઈ થઈ ગઈ હતી. અને તેની પિસ્તોલમાંથી તે એ વ્યક્તિને ગોળી મારવા ગયો પરંતુ ગોળી ખરેખર તેને ન વાગી અને તેનો નિશાનો ચૂકી જતા ગોળી હોટલના નીચેના ફ્લૉર પર રૂમમાં રહેલી એક 5 વર્ષીય બાળકીને માથામાં વાગી હતી.

માયા પટેલ નામની 5 વર્ષની બાળકીનું હૉસ્પિટલમાં 3 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. હોટલ વિમલ પટેલ અને સ્નેહ પટેલની માલિકીની હતી અને તેનું સંચાલન પણ તેઓ કરતા હતા.

માયા અને તેના અન્ય ભાઈ-બહેન પણ તેમની સાથે ગ્રાઉન્ડ ફ્લૉર પરના યુનિટમાં તેમની સાથે રહેતા હતા.

માયા જ્યારે રૂમમાં રમી રહી હતી ત્યારે તેને મગજમાં એ ગોળી વાગી ગઈ હતી.

તાજેતરમાં જ આ કેસમાં જજે ચુકાદો આપીને આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા ફટકારી હતી. પરંતુ આરોપી હત્યાના કેસનો પણ હોવાનું જાણવા મળ્યા બાદ તેની સજા વધારી દેવાઈ હતી.

આરોપીને 60 વર્ષની કેદની સખત સજા કરાઈ તથા ન્યાયને અવરોધવા સહિતના ગુનાસર અલગ-અલગ 20-20 વર્ષની સજા કરાઈ.

ઉપરાંત તમામ સજા એક પછી એક લાગુ થશે એવો ચુકાદો કોર્ટે આપ્યો અને સાથે સાથે દોષિતને ન પેરોલ કે ન સજામાફીની રાહત આપી. 100 વર્ષની સજાનો કડક રીતે અમલ કરાશે.

કૅડો ઍટર્ની ઑફિસે કહ્યું, ‘સ્મિથ હત્યાના કેસનો આરોપી હોય તેની સજા વધારી દેવાઈ અને કુલ 100 વર્ષની સજા કરવામાં આવી છે.’

મધ્યપ્રદેશના ભોપાલમાં પણ એક આરોપીને 250 વર્ષની સજા થઈ

વધુમાં મધ્યપ્રદેશના સિહોરમાં પણ એક કોર્ટે એક કંપનીના ડિરેક્ટરને 250 વર્ષની સજા ફટકારી છે.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યાર સુધી ફટકારવામાં આવેલી આ સૌથી લાંબી સજા હોઈ શકે છે જે એક પછી એક અમલમાં રહેશે.

અહેવાલ અનુસાર સિહોર જિલ્લા અદાલતે ચીટ ફંડ કંપનીના ડિરેક્ટરને 250 વર્ષની સજા ફટકારી છે.

20 રાજ્યોમાં 35 લાખ રોકારણકારોને છેતરવાના 4000 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં આ સજા કરાઈ છે.

દોષિત બાલાસાહેબ ભાપકર સાઇ પ્રસાદ ગ્રૂપ કંપનીઝના અધ્યક્ષ છે. તેમની સાથે કોર્ટે અન્ય 5 વ્યક્તિને પણ સજા કરી છે. જેમાં પિતા-પુત્રને 5 વર્ષની સજા કરાઈ છે.

અહેવાલમાં જણાવાયું છે કે ફરિયાદ પક્ષ અનુસાર કંપનીએ 2009થી 2016 વચ્ચે ગામડામાં રહેતા લાખો લોકો પાસેથી નાણાં લીધાં હતાં. તેમને 5 વર્ષમાં નાણાં ડબલ કરી આપવાનો વાયદો કર્યો હતો.

ભાપકરે દૂધ વેચનાર તરીકે શરૂઆત કરી હતી અને પછી ગ્રામ્ય મહારાષ્ટ્રમાંથી અથાણાં, પાપડ અને કૃષિ ઉત્પાદનોની ફૅક્ટરીમાં કામ કરતી મહિલાઓને જોતરી. તેમને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં રોકાણ માટે કહી વાર્ષિક 18 ટકાના રિટર્નનો વાયદો કર્યો.

પણ કોઈ બાંધકામનો પ્રોજેક્ટ હાથ નહીં ધરાયો. છતાં આ સ્કીમ 20થી વધુ રાજ્યોમાં ફેલાઈ ગઈ હતી. સેબીએ ચારેય ડિરેક્ટરનો કંપની બંધ કરવા આદેશ આપ્યા હતા. પણ તેમણે બીજી કંપની સ્થાપી પૈસા એમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ કેસ ચાલ્યો હતો.