'ફોનની રાહ જોઉં છું અને પુરુષો સાથે સેક્સ કરવા નીકળું છું', સેક્સવર્કર્સની અંધારી દુનિયામાં ડોકિયું

    • લેેખક, મોહમદ ગબોબે અને લયલા મહમૂદ
    • પદ, મોગાદિશુ તથા લંડન

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આંતરવિગ્રહનાં વર્ષો પછી લોકો હિંસાના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે બે યુવતી બીબીસીને જણાવે છે કે તેઓ સેક્સ વર્કની ગુપ્ત દુનિયામાં કેવી રીતે ખેંચાઈ આવી હતી. તેમની ઓળખ ગુપ્ત રાખવા માટે તેમનાં અસલી નામ બદલી નાખવામાં આવ્યાં છે.

મોગાદિશુનો ગતિશીલ અને ધમધમતો લિડો બીચ, સંઘર્ષને પાછળ છોડવાનો પ્રયાસ કરતું એક શહેર શું બની શકે તેની ઝલક આપે છે.

આ દરિયાકિનારે આવેલા રિસોર્ટ્સ, રેસ્ટોરાં, હોટલ્સ અને તાજું ભોજન વિશેષ આકર્ષણ છે, પરંતુ પાર્ટી, ડ્રગ્ઝ અને સેક્સ સંબંધી હિંસાની સાથેની અહીં એક અન્ય દુનિયા પણ છે.

મુખ્યત્વે મુસ્લિમ રાષ્ટ્રના આ શહેરના છુપાયેલા હિસ્સામાં સપડાયેલી સ્ત્રીઓ યુવાન, નિરાધાર અને ઘણી વાર નિસહાય હોય છે.

22 વર્ષની ફરદૌસા છેલ્લાં ત્રણ વર્ષથી સેક્સવર્કર તરીકે કામ કરે છે. તે મોગાદિશુના વર્ધીગ્લે જિલ્લામાંના એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગના લાલ પડદાવાળા ઓરડામાં આ કામ કરે છે.

પ્રાયમસના જોરદાર અવાજ વચ્ચે એક પાતળી યુવતી તેની સાથે શું થયું હતું તેનું વર્ણન નરમ અવાજમાં કરે છે.

ફરદૌસા જણાવે છે કે તે 19 વર્ષની હતી ત્યારે તેણે ઘર છોડી દીધું હતું. સોમાલી સમાજમાં આ દુર્લભ ઘટના છે. અહીં યુવતીઓ તેમનાં લગ્ન થાય તે પહેલાં પિતાનું ઘર છોડતી નથી. જોકે, ઘરમાં થતી સતામણી અથવા પરિવારના અન્ય સભ્યો સાથેના નિવારી ન શકાય તેવા મતભેદોને કારણે કેટલીક યુવતીઓ ઘર છોડી દે છે અને આવી યુવતીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

ફરદૌસા કહે છે કે “પહેલાં મેં ભાગી જવાનું વિચાર્યું ન હતું, પરંતુ સાવકી માતા સાથે લાંબો સમય રહેવાનું મારા માટે શક્ય ન હતું. હું નાની હતી ત્યારે મારી માતાનું મૃત્યુ થયું હતું અને મારા પિતાએ બીજા લગ્ન કર્યાં હતાં. મારી સાવકી માતા બહુ અપમાનજનક વર્તન કરતી હતી. તેમ છતાં મારા પિતા હંમેશા તેની તરફેણ કરતા હતા.”

ઘર છોડ્યા પછી ધ્યેયહીન ફરદૌસા એક પછી એક એમ અનેક મિત્રો બનાવતી રહી હતી. તેને એમ હતું કે દોસ્તો તેની રુચિઓનો ખ્યાલ રાખશે.

ફરદૌસા કહે છે કે “મને એમ હતું કે તેમને મારી દરકાર હતી, પરંતુ પાછળ જોઉં છું તો લાગે છે કે એ મારા ખરા દોસ્ત ન હતા.”

આખરે ફરદૌસા મોર્ફિન, ટ્રામાડોલ તથા પેથિડિન જેવા માદક પદાર્થોની વ્યસની બની ગઈ હતી અને લિડો બીચ પર અન્ડરગ્રાઉન્ડ પાર્ટીનો હિસ્સો બની હતી, જ્યાં તેનો પરિચય સેક્સ વર્ક સાથે કરાવવામાં આવ્યો હતો.

એ પછી ટૂંક સમયમાં ફરદૌસા મોગાદિશુના અંધારિયા અન્ડરવર્લ્ડમાં સરી પડી હતી અને ગ્રાહકોને સંતોષવા માટે હોટલ્સથી માંડીને અજાણ્યા ઘર તેમજ એકાંત સ્થળોએ જતી થઈ હતી.

ફોન દ્વારા સંપર્ક કરતા ભરોપાપાત્ર લોકોને તે હવે બરાબર જાણી ગઈ છે.

ફરદૌસા કહે છે કે “હું મારા ફોનની રિંગ વાગે તેની રાહ જોઉં છું અને પછી પુરુષો સાથે સેક્સ કરવા બહાર નીકળું છું. ઘણી વાર મારી સ્ત્રીમિત્રો, તેમની પાસે ગ્રાહક તૈયાર હોય ત્યારે મને ફોન કરે છે.”

‘વ્યસન સંતોષવા પૈસાની જરૂર હતી’

ફરદૌસા તમામ પ્રકારના ગ્રાહકો સાથે વ્યવહાર કરે છે.

તે કહે છે કે “આ પુરુષો અગાઉ મારી મહિલા મિત્રોના દોસ્તો હતા. એ પછી અલગ-અલગ, અજાણ્યા પુરુષો સાથે સેક્સ કરવાનું શરૂ થયું હતું. હું નિસહાય હતી અને શહેરની અન્ય અનેક યુવતીઓની માફક મને પણ વ્યસન સંતોષવા માટે પૈસાની જરૂર હતી.”

મોગાદિશુમાં આવી કેટલી યુવતીઓ છે તેના કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ફરદૌસા અને તેના જેવી અન્ય યુવતીઓની કથાઓ અહીંના જોખમી વાતાવરણની ઝલક જરૂર આપે છે.

23 વર્ષની હોડન છેલ્લાં અઢી વર્ષથી સેક્સવર્કર તરીકે કામ કરે છે. ફરદૌસાની માફક હોડન પણ ઘરેથી ભાગી છૂટી હતી અને મોગાદિશુની અન્ડરગ્રાઉન્ડ જીવનશૈલીમાં આવી ચડી હતી.

અહીં તેના જેવી અનેક, આર્થિક આધારવિહોણી યુવતીઓ છે.

બહાર ફૂટબૉલ રમતા બાળકોના અવાજ વચ્ચે હોડન એકધારા, શાંત સ્વરમાં વાત કરે છેઃ “હું મોટા ભાગના રાતો હોટલ્સમાં વિતાવું છું. મારા જેવી ઘણી યુવતીઓ આવું જ કરતી હોય છે. હોટલ્સમાં તમામ પ્રકારના પુરુષો સાથે મુલાકાત થાય છે, પરંતુ એ પૈકીના કોઈ સાથે વાસ્તવમાં જાઓ ત્યારે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે.”

સોમાલિયામાં સેક્સ વર્ક ગેરકાયદે હોવાથી આમાંની ઘણી યુવતીઓ ભગવાન ભરોસે હોય છે અને સત્તાવાળાઓ તરફથી કોઈ મદદ મળતી નથી.

બીબીસીએ આ લેખમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ બાબતે પ્રતિભાવ જાણવા મોગાદિશુ પોલીસ અને મહિલા તથા માનવાધિકાર વિકાસ મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

હોડનના કહેવા મુજબ, “ઘણી યુવતીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેઓ શરીર પર ચાઠાં સાથે પાછી આવતી હોય છે. બીજી જુવાન સેક્સવર્કર્સનો લાભ, તેમણે જેના પર ભરોસો કર્યો હોય એવા લોકો લેતા હોય છે.”

ફરદૌસા સાથે પણ આવું થયું હતું. એ કહે છે કે “અગાઉ હું પુરુષો સાથે તેમની પસંદગીના સ્થળે સેક્સ માટે જતી હતી, પરંતુ એક રાતે મને માર મારવામાં આવ્યો હતો. મારા ચહેરા પર ઉઝરડા પડ્યા હતા અને મને લોહી નિંગળતી હાલતમાં છોડી દેવામાં આવી હતી. સેક્સની કિંમત વિશેના મતભેદને લીધે એ થયું હતું.”

“એ ઘટના પછી કોઈ પુરુષ ગમે તેટલા પૈસા આપે તો પણ હું તેની પસંદગીના એકાંત સ્થળે જતી નથી. એ બહુ જોખમી હોય છે. હું હોટલ્સ પસંદ કરું છું, કારણ કે ત્યાં કોઈ નુકસાન નહીં પહોંચાડે અને પહોંચાડશે તો પણ હોટલમાં તમને મદદ કરવાવાળું કોઈ જરૂર હશે,” એમ ફરદૌસા કહે છે.

તે ઉમેરે છે કે “સેક્સ વર્ક સાથે સંકળાયેલી બધી મહિલાઓ આટલી નસીબદાર હોતી નથી. પુરુષો સાથે તેમના ઘરે કે એકાંત સ્થળે જતી સેક્સવર્કર્સ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. કેટલીક વખત તેમના પર એકથી વધુ પુરુષો બળાત્કાર પણ કરે છે. કેટલીક વાર એવી ઘટનાઓનું શૂટિંગ કરવામાં આવે છે અને પછી મહિલાઓને બ્લૅકમેઈલ કરવામાં આવે છે. તેમને શરણાગતિની ફરજ પાડવામાં આવે છે.”

‘પ્રિયજનોનો સામનો કરવો મુશ્કેલ’

હોડનના કહેવા મુજબ, સેક્સવર્કરને માદક પદાર્થો-દ્રવ્યો પીવડાવીને આવું ફિલ્મિંગ કરવામાં આવે છે. આ કૃત્યના કરવૈયાઓ તેમની પાસેથી પૈસા પણ માગે છે.

“સેક્સવર્કર એવું કરવાનો ઇનકાર કરે તો પુરુષો તેને માર મારે છે, શારીરિક શોષણ કરે છે અને વીડિયોનો ઉપયોગ સેક્સવર્કર સામે એક સાધન તરીકે કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં યુવતીને વધુ ત્રાસ આપવા માટે આવા વીડિયો શૅર કરવામાં આવે છે. આ ડિજિટલ બ્લૅકમેઈલનું એક સ્વરૂપ છે,” એમ હોડન કહે છે.

સેક્સવર્કર્સ ઉપરાંત સોમાલી સ્ત્રીઓના આ રીતે થતા બ્લૅકમેઈલનું દસ્તાવેજીકરણ બ્રિટિશ ટીવી નેટવર્ક ચેનલ-4ના તાજેતરના એક અહેવાલમાં કરવામાં આવ્યું હતું.

હોડન કહે છે કે “મારી પરિચિત અનેક યુવતીઓ સાથે આવું થયું છે. મોટા ભાગની એ સ્વીકારવામાં શરમ અનુભવે છે, પરંતુ આસપાસ શું ચાલી રહ્યું છે તે અમે બધા જાણીએ છીએ. આવું લાંબા સમયથી થઈ રહ્યું છે.”

સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2019થી 2020 દરમિયાન જાતીય હિંસામાં મોટો ઉછાળો આવ્યો છે અને સંઘર્ષ હેઠળના વિસ્તારોમાં આવા દુર્વ્યવહારનું પ્રમાણ બહુ જ વધારે છે.

અહેવાલમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે “કાયદા નબળા હોવાથી ગુનેગારો મનમાની કરે છે અને પીડિતાઓને બહુ ઓછો ટેકો સાંપડે છે અથવા જરાય મદદ મળતી જ નથી.”

ફરદૌસા કહે છે કે “સોમાલિયામાં અમારા જેવી મહિલાઓ માટે આધારની કોઈ વ્યવસ્થા નથી અને મદદ માગી શકાય તેવું કોઈ નથી. સામાજિક દબાણને કારણે પરિસ્થિતિ વણસે છે. તેથી આ પૈકીની ઘણી મહિલા, ખાસ કરીને વ્યસની મહિલાઓ મદદ મેળવવા માટે હાથ લંબાવતી નથી.”

સોમાલિયામાં અનેક મહિલા સંગઠનો છે, પરંતુ બીબીસીએ સંપર્ક કર્યો ત્યારે આ મુદ્દો સંવેદનશીલ હોવાને કારણે એકેય સંગઠન ટિપ્પણી કરવા તૈયાર ન હતું.

ફરદૌસા અને હોડન ભારપૂર્વક જણાવે છે કે સંગઠનો અને તંત્ર ટેકો આપે તો મહિલાઓ આવું ખતરનાક કામ કરે જ નહીં, પરંતુ એવું ન હોવાથી મહિલાઓ આ હિંસક અને શોષણકારી જીવનશૈલીમાં ધકેલાય છે.

ફરદૌસા કહે છે કે “વ્યસની યુવતીઓની હાલત કફોડી હોય છે. એ પૈકીની ઘણી પાસે રાતે આશરો લેવા માટે જગ્યા નથી. એવી યુવતીઓએ લીડો બીચ આસપાસની શેરીઓ અને શહેરના અન્ય વિસ્તારોમાં રાત પસાર કરવી પડે છે. અન્ય યુવતીઓ પુરુષો રાતે સહશયન કરે છે અને પછી તેમનું વધુને વધુ જાતીય શોષણ કરવામાં આવે છે.”

ફરદૌસા પાછળ નજર કરે છે અને તેની પાછળ બાળકને લઈને બેઠેલી એક યુવતીને જુએ છે. એ યુવતીનું નામ અમીના છે. તે અગાઉ સેક્સવર્કર હતી, પરંતુ ગર્ભવતી થયાં પછી તેણે એ કામ બંધ કરી દીધું હતું.

ફરદૌસા કહે છે કે “આ જીવન છોડીને ઘરે પાછા ફરવાનું અમીના મને કાયમ કહે છે, પણ તે એટલું સરળ નથી. પ્રિયજનોનો સામનો કરવો મુશ્કેલ છે. હું ત્રણ વર્ષથી મારા પરિવારને મળી નથી.”