You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીયો પાર્ટનરને પ્રસન્ન કરવાની કળાને ભૂલી રહ્યા છે?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
- આ વિધિની વક્રતા છે કે જે ભારત દેશમાં કામસૂત્રની અવધારણા રચાઈ એ દેશના લોકો પ્રેમ સંવાદની અને સાથીને પ્રસન્ન કરવાની કળાને ભૂલી રહ્યા છે
- સાઈમન રેવેન નામના એક અંગ્રેજ લેખક માનતા હતા કે ‘સેક્સ એક ઓવરરેટેડ અનુભૂતિ જે માત્ર 10 સેકન્ડ પૂરતી અનુભવાય છે.’
- એક પ્રેમી તરીકે પુરુષ અને સ્ત્રીમાં બહુ ફરક હોય છે તથા તેમની સેક્સુઅલિટીમાં જમીન-આસમાનનું અંતર હોય છે, એવું કહેવાય છે
- સ્ત્રી-પુરુષના સંબંધમાં શરીરને સુગંધિત કરવાની કળાનું બહુ મહત્ત્વ છે
- સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને તાજો તથા રોમાચંક બનાવી રાખવા માટે તેમની વચ્ચે ક્યારેક લડાઈ-ઝઘડા થાય તે પણ જરૂરી છે
આ વિધિની વક્રતા છે કે જે ભારત દેશમાં કામસૂત્રની અવધારણા રચાઈ હતી અને ખજૂરાહો, દેલવાડા અને અજંતા-ઇલોરાના પથ્થરોમાં પ્રેમની ભાષા કોતરવામાં આવી હતી એ દેશના લોકો પ્રેમસંવાદની અને સાથીને પ્રસન્ન કરવાની કળાને ભૂલી રહ્યા છે.
સાઈમન રેવેન નામના એક અંગ્રેજ લેખક માનતા હતા કે ‘સેક્સ એક ઓવરરેટેડ અનુભૂતિ છે, જે માત્ર 10 સેકન્ડ પૂરતી અનુભવાય છે.’ તેમણે સવાલ પણ કર્યો હતો કે પ્રાચીન ભારતના શૃંગારિક સાહિત્યના અનુવાદની મહેનત કોઈએ શા માટે કરવી જોઈએ?
મેં આ જ સવાલ ચર્ચિત પુસ્તક ‘ધ આર્ટ્સ ઑફ સિડક્શન’નાં લેખિકા ડૉ. સીમા આનંદને કર્યો હતો અને પૂછ્યું હતું કે તેઓ સાઈમન રેવેનના અભિપ્રાય સાથે સહમત છે કે નહીં?
સીમા આનંદે કહ્યું હતું કે “હું જરાય સહમત નથી. હું માનું છું કે સેક્સ વિશેની આપણી વિચારધારા બદલાઈ ગઈ છે. સેક્સ બેકાર ચીજ છે, તે ગંદુ છે અને તે કરવું પાપ છે એવું શતાબ્દીઓથી આપણને શિખવવામાં આવતું રહ્યું છે, પણ સેક્સથી મળતા આનંદની વાત કોઈ કરતું નથી. ઈસવી સન 325માં કેથલિક ચર્ચે પોતાના કાયદા બનાવ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે શરીર ખરાબ ચીજ છે, શારીરિક સુખ વ્યર્થ છે અને તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી તે પાપ છે.”
“તેમનું કહેવું હતું કે સેક્સનો એકમાત્ર ઉદ્દેશ સંતાનને જન્મ આપવાનો છે. લગભગ એ જ સમયે ભારતમાં વાત્સ્યાયન ગંગાનદીના કિનારે બેસીને કામસૂત્ર લખી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે વાસ્તવમાં આનંદ બહુ સારી બાબત છે અને મહત્તમ આનંદ કઈ રીતે મેળવી શકાય.”
પશ્ચિમ અને પૂર્વની વિચારધારામાં આ પ્રકારનો વિરોધાભાસ આજના યુગમાં અવિશ્વસનીય લાગે છે. ‘અનંગ રંગ’ નામના પુસ્તકના અનુવાદક ડૉ. ઍલેક્સ કમ્ફર્ટે એટલા માટે જ જણાવ્યું હતું કે સાઈમન રેવેન જેવા લોકોની વિચારધારાને ખોટી સાબિત કરવા માટે જીવનસાથીને રિઝાવવાની કળા વિશે વધારેને વધારે લોકોને જણાવવું જોઈએ.
પુરુષ આગ તો સ્ત્રી પાણી
એક પ્રેમી તરીકે પુરુષ અને સ્ત્રીમાં બહુ ફરક હોય છે તથા તેમની સેક્સુઅલિટીમાં જમીન-આસમાનનું અંતર હોય છે, એવું કહેવાય છે.
સીમા આનંદે કહ્યું હતું કે “વાત્સ્યાયનના કહેવા મુજબ, પુરુષની ઈચ્છા આગ જેવી હોય છે, જે જનનાંગથી શરૂ થઈને તેના મસ્તક તરફ જાય છે. આગની માફક પુરુષ બહુ આસાનીથી પ્રજ્વલિત થાય છે અને એટલી જ આસાનીથી બુઝાઈ જાય છે. તેનાથી વિપરીત સ્ત્રીની ઈચ્છા પાણી જેવી હોય છે, જે તેના મસ્તકથી શરૂ થઈને નીચેની તરફ જાય છે. તેને પ્રદીપ્ત કરવામાં પુરુષની સરખામણીએ વધારે સમય લાગે છે અને એકવાર તે ઈચ્છા પ્રદીપ્ત થઈ જાય પછી તેને ઠંડી કરવામાં પણ બહુ સમય લાગે છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“પુરુષ અને સ્ત્રીને તેમના હાલ પર છોડી દેવામાં આવે તો તેમની ઈચ્છા વચ્ચે ક્યારેય સુમેળ સધાય નહીં. તેથી પુરુષે સ્ત્રીને રિઝાવવી પડે છે, જેથી તેના સ્નાયુના તંતુઓને ઉત્તેજિત કરી શકાય. આ પુસ્તક લખવાનો મારો હેતુ સ્ત્રીને રિઝાવવાની કળા દરેક વ્યક્તિના જીવનનું અંગ બની જાય એવું કરવાનો છે,” એમ સીમા આનંદે કહ્યું હતું.
સેક્સ વિશે વ્યાપક સંશોધન કરી ચૂકેલા ભારતના વિખ્યાત સેક્સોલોજિસ્ટ પૈકીના એક ડૉ. પ્રકાશ કોઠારી સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અંતરને બીજી રીતે સમજાવે છે.
સુગંધનું મહત્ત્વ
સ્ત્રી-પુરુષના સંબંધમાં શરીરને સુગંધિત કરવાની કળાનું બહુ મહત્ત્વ છે. કોઈ સ્ત્રી કોઈ પુરુષને આકર્ષિત કરવા ઈચ્છતી હશે તો તે તેને પોતાના વાળનો સ્પર્શ કરાવશે અને એક સુગંધ ફેલાવશે.
સીમા આનંદે કહ્યું હતું કે “મને ખસની સુગંધ બહુ ગમે છે. તે બહુ ગરમ ધરતી પર વરસાદનો પહેલો છાંટો પડે ત્યારે અનુભવાતી સુગંધ જેવી હોય છે. એ સુગંધને થોડા ભીના વાળ પર લગાવીને અંબોડો વાળવામાં આવે છે. સ્તન પર કેસર અને લવિંગના તેલનું માલિશ કરવામાં આવે છે.”
“તેનાથી સુગંધનું સર્જન થવાની સાથે ત્વચાનો રંગ પણ ખીલી ઉઠે છે. રસપ્રદ વાત એ છે કે આ અત્તરની મહેક દરેક શરીર પર અલગ-અલગ હોય છે.”
સીમા આનંદ સલાહ આપે છે કે દરેક સ્ત્રીએ તેની હેન્ડબેગમાં પણ પર્ફ્યુમ સ્પ્રે કરવું જોઈએ, જેથી તેને ખોલવામાં આવે ત્યારે તમને સુગંધની અનુભૂતિ થાય અને તમારો મૂડ એકદમ મસ્ત થઈ જાય.
સ્ત્રીઓ તેમનાં પગરખાં કે સેન્ડલની અંદર પણ આ પર્ફ્યુમનો સ્પ્રે કરે તો ઉત્તમ, કારણ કે પગમાં ઘણી બધી ઈન્દ્રીય હોય છે અને તેના પર સુગંધની અસર થતી હોય છે.
તાજગી માટે ક્યારેક ઝઘડવું પણ જરૂરી
સીમા આનંદે વધુ એક રસપ્રદ વાત કહી હતી કે સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને તાજો તથા રોમાચંક બનાવી રાખવા માટે તેમની વચ્ચે ક્યારેક લડાઈ-ઝઘડા થાય તે પણ જરૂરી છે.
સીમા આનંદે કહ્યું હતું કે “વાત્સ્યાયનના કહેવા મુજબ, સ્ત્રી-પુરુષ વચ્ચે ગાઢ પ્રેમસંબંધ અને પારસ્પરિક વિશ્વાસ હોય ત્યારે જ એ લડાઈ સફળ થાય છે, પરંતુ તેમની વચ્ચે કડવાશ હોય તો આ પ્રકારની લડાઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને તેનો કોઈ ઇલાજ હોતો નથી.”
“આવો ઝઘડો હંમેશાં પુરુષ શરૂ કરે છે. સ્ત્રી નારાજ થઈને બરાડે છે. પોતાનાં ઘરેણાં ઉતારીને ફેંકી દે છે. ચીજો તોડી નાખે છે અને તેને પુરુષ પર ફેંકે છે, પરંતુ એ લડાઈનો એક નિયમ છે કે ભલે ગમે તે થાય, સ્ત્રી ઘરના બહાર ડગલું મૂકતી નથી. તેનું કારણ પણ કામસૂત્રમાં જણાવવામાં આવ્યું છે.”
“પહેલી વાત તો એ કે પુરુષ તેને મનાવવા માટે તેની પાછળ ઘરની બહાર જતો નથી. તેથી સ્ત્રીનું અપમાન થશે. બીજી વાત એ કે તે લડાઈનો અંત પુરુષ સ્ત્રીના પગ પકડીને માફી માગી ત્યારે આવે છે અને એ કામ ઘરની બહાર કરી શકાતું નથી.”
પ્રેમની અભિવ્યક્તિની ગુપ્ત ભાષા
કામસૂત્રની વાત માનીએ તો પ્રણયનિવેદનની પણ એક ગુપ્ત ભાષા હોય છે. પ્રેમની અભિવ્યક્તિ માત્ર શબ્દો દ્વારા કરી શકાતી નથી.
સીમા આનંદે કહ્યું હતું કે “તમે જીવનમાં ભલે ગમે તેટલા સફળ હો, ભલે ગમે તેટલા ધનવાન હો, બુદ્ધિમાન હો, પરંતુ તમને પ્રેમની ગુપ્ત ભાષા ન આવડતી હોય તો બધું નકામું છે. તમારી પ્રેમિકા શું કહેવા ઇચ્છે છે તે તમે ક્યારેય સમજી નહીં શકો અને પ્રેમમાં ક્યારેય સફળ નહીં થઈ શકો.”
“જૂના જમાનામાં આ કળા એટલી વિકસેલી હતી કે લોકો તેમના પાર્ટનર સાથે વાત કર્યા વિના પણ સંવાદ કરી શકતા હતા. દાખલા તરીકે, તમે કોઈ મેળામાં ગયા હો અને તમારી પ્રેમિકા દૂર ઊભેલી દેખાય ત્યારે તમે કાનના ઉપરના હિસ્સાને સ્પર્શ કરો તો તેનો અર્થ, તું કેમ છે એવું પૂછવા જેવો થતો હતો”
“પ્રેમિકા પોતાના કાનની બૂટ પકડીને તમારી તરફ જુએ તો તેનો અર્થ એવો થતો કે તે તમને જોઈને બહુ રાજી થઈ છે. એક પ્રેમી પોતાનો એક હાથ દિલ પર રાખે અને બીજો મસ્તક પર તો તેનો અર્થ એવો થતો હતો કે પ્રેમિકા વિશે વિચારી-વિચારીને તેનું માથું ભમી ગયું હતું, હવે આપણે ક્યારે મળીશું?”
“આ રીતે બન્ને વચ્ચે ગુપ્ત સંવાદ થતો હતો.”
બૌદ્ધિક વાતો પણ એટલી જ મહત્ત્વની
આમ તો સ્ત્રી-પુરુષને ઉત્તેજિત કરવા માટે બન્નેનાં શરીરમાં અનેક ‘ઇરોટિક નર્વ્ઝ’ હોય છે, પરંતુ ઉત્તેજનાનું સૌથી વધુ કામ મસ્તક કે બન્નેની બૌદ્ધિક ક્ષમતા કરે છે.
સીમા આનંદે કહ્યું હતું કે “આજકાલ આપણા સમાજમાં એક શબ્દનો બહુ ઉપયોગ થાય છે. તે છે સેપિઓસેક્સુઅલ. તેનો અર્થ એ થાય છે કે કેટલીક સ્ત્રીઓ માત્ર બૌદ્ધિક વાતોથી જ ઉત્તેજિત થાય છે. વાત્સ્યાયને લગભગ 2,000 વર્ષ પહેલાં પ્રેમની જે 64 કળાની વાત કરી હતી, તે પૈકીની 12 તો મસ્તક સંબંધી છે.
“વાત્સ્યાયનને કહેવા મુજબ, પ્રેમીઓએ શબ્દ કોયડા ઉકેલવાની રમત રમવી જોઈએ. તેઓ વિદેશી ભાષા જાણતા હોવા જોઈએ. તેઓ એકમેકની સાથે સમજદારીપૂર્વક વાત નહીં કરી શકતા હોય તો પ્રેમની રમતમાં પાછળ રહી જશે અને બન્ને વચ્ચેનું આકર્ષણ ગૂમ થઈ જશે.”
10 સેકન્ડ લાંબુ ચૂંબન
સીમા આનંદે તેમના પુસ્તકમાં એક આખું પ્રકરણ માત્ર ચુંબનની કળાને સમર્પિત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, ચુંબનની પ્રક્રિયામાં ચહેરાનાં 34 અને શરીરનાં 112 સ્નાયુ હિસ્સેદાર બનતાં હોય છે.
સીમા આનંદ સલાહ આપે છે કે “દિવસ દરમિયાન તમે બીજું કશું કરો કે ન કરો, પરંતુ પાર્ટનરને દિવસમાં કમસે કમ એક વખત, ઓછામાં ઓછું 10 સેકન્ડ લાંબું ચુંબન અવશ્ય કરજો. વ્યાપક સંશોધન પછી મેં શોધી કાઢ્યું છે કે એક સામાન્ય ચુંબન વધુમાં વધુ ત્રણ સેકન્ડનું હોય છે. ત્રણ સેકન્ડ પછી લોકો વિચારવા લાગે છે કે હવે બહુ થયું.”
“10 સેકન્ડ બહુ લાંબો સમય હોય છે. દરેક પ્રેમિકાને તે યાદ રહે છે, કારણ કે તેની અસર થાય છે. તે દર્શાવે છે કે પ્રેમીના જીવનમાં પ્રેમિકાનું વિશેષ સ્થાન છે. સારા ચુંબનની તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. તેનાથી માથાનો દુખાવો તથા બ્લડ પ્રેશરની બીમારી મટી જતી હોવાનું પણ જાણવા મળ્યું છે.”
પગ વડે પ્રસન્ન કરવાની કળા
સ્ત્રી-પુરુષ વચ્ચેના શારીરિક સંબંધમાં પગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ બાબત પર બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવી છે. સીમા આનંદ માને છે કે પાર્ટનરને પ્રસન્ન કરવાની કળામાં પગ કંઈક ખાસ હોય છે અને સ્ત્રીઓએ તેમના ચહેરાથી વધારે ધ્યાન તેમના પગની દેખભાળ પર આપવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે “આપણા શરીરમાંની તમામ નસનો છેડો પગમાં હોય છે. પગ આમ પણ શરીરનું સૌથી સંવેદનશીલ અંગ હોય છે. આજકાલ હાઈ હિલ્સના સેન્ડલ સ્ત્રીઓના પગને જકડી લે છે. હું માનું છું કે સ્ત્રીએ તેના પગ વડે કોઈને પ્રસન્ન કરવા હોય તો તેણે બેસીને પગમાંથી સેન્ડલ કાઢવા જોઈએ અને પગને ડાબે-જમણે થોડા વાળવા જોઈએ. પછી તેને દેખાડવા જોઈએ. ખરેખર પગ પણ શરીરના સૌથી સુંદર અંગો પૈકીના એક હોય છે.”
“ઘણી સ્ત્રીઓ પોતાના ચહેરા પર બહુ મેક-અપ કરે છે, હાથમાં મેનીક્યોર કરાવે છે, પણ પગ પર પૂરતું ધ્યાન આપતી નથી. તેમની એડીની ચામડી ફાટેલી હોય છે. સ્ત્રીએ તેના પગને સુંદર બનાવી રાખવાના પ્રયાસ કાયમ કરવા જોઈએ, કારણ કે તે સ્ત્રીના શરીરનું સૌથી સેક્સી અંગ હોય છે.”
ભોજન અને સેક્સ
સેક્સમાં ભોજનનું પણ આગવું મહત્ત્વ છે. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું અને કઈ રીતે ખાવું તે બધું મહત્ત્વનું હોય છે.
સીમા આનંદે કહ્યું હતું કે “સેક્સ પહેલાં ભોજન કરવામાં આવે તો શરીરની બધી ઊર્જા ભોજન પચાવવાના કામમાં લાગી જાય છે. તેનાથી આપણા રિફ્લેક્સીસ ધીમા પડી જાય છે અને સેક્સ માટેની ઊર્જા બચતી નથી કે સેક્સની ઇચ્છા પણ થતી નથી.”
ભોજન હંમેશાં સેક્સ પછી જ કરવું જોઈએ અને સારું ભોજન કરવું જોઈએ. વાત્સ્યાયનના કહેવા મુજબ, સેક્સ પછી ભોજન વખતે પ્રેમી તેની પ્રેમિકાને બહુ પ્રેમથી જમાડે છે. પહેલાં તે દરેક વાનગી ચાખે છે અને તેને સ્વાદિષ્ટ લાગે તો જ એ તેની પ્રેમિકાને ખવડાવે છે. ડેટ પર જઈએ ત્યારે સારી રેસ્ટોરાંમાં ભોજન લેવાનું આપણે વારંવાર કહેતા હોઈએ છીએ.
“ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ હોય, ગમે તેટલી સારી વાતો કરો કે ફ્લર્ટિંગ કરો, પણ ભોજન બાદ શરીરની ક્ષમતા પર અસર તો થાય જ છે એટલે બન્ને પ્રેમી એકમેકની અપેક્ષા સંતોષી શકતા નથી.