અમેરિકામાં રહેવાનું સપનું તૂટી ગયા બાદ હવે કેનેડામાં સ્થાયી થવું પણ અઘરુ બની રહ્યું છે?

    • લેેખક, નદિને યુસિફ
    • પદ, બીબીસી ન્યૂઝ, મોન્ટ્રીયલ, કૅનેડા
  • છેલ્લા કેટલાક સમયથી અમેરિકા થઈને કૅનેડામાં આશ્રય માટે પ્રવેશનારાની સંખ્યામાં વધારો થયો છે
  • ઘણા માટે કૅનેડાની છાપ ‘સપનાના દેશ’ અમેરિકા કરતાં વધુ આવકારદાયક દેશ તરીકેની છે
  • ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને અહીં આશ્રય માટે પહોંચી રહેલા લોકોને ઘણી વાર નિરાશ પણ થવું પડે છે
  • ઘણાં સમયથી આશ્રય શોધતા લોકોને આવકારવાનું કૅનેડા માટે શા માટે કપરું બનતું જઈ રહ્યું છે?

અપસ્ટેટ ન્યૂ યોર્કના અંતરિયાળ ગ્રામીણ હાઇવેના છેડે આવેલી બિનસત્તાવાર સરહદ પરથી ગયા વર્ષે લગભગ 40 હજાર લોકો કૅનેડામાં આશ્રય લેવા માટે પ્રવેશ્યા હતા.

આ સંખ્યા વિક્રમસર્જક છે. ઘણાએ આ પગલું એવું માનીને ભર્યું હતું કે કૅનેડા તેમને અમેરિકા કરતાં વધુ સારો આવકાર આપશે, પરંતુ કૅનેડા આ ધસારા સાથે સારી રીતે કામ પાર પાડી શકશે કે કેમ એ સવાલ છે.

શિયાળાના દિવસે રોક્સહામ રોડ ઠંડોગાર અને શાંત હતો. રસ્તાના છેડેથી આવતાં વાહનોનાં પૈડાંના અથવા બરફમાં લોકોનાં પગલાંના અવાજથી એ નીરવતામાં વિક્ષેપ સર્જાતો હતો.

કૅનેડામાં સ્થાયી થવાના ઇરાદા સાથે રોજ લગભગ 150 માઇગ્રન્ટ્સ અહીં આવે છે. એ પૈકીના ઘણાનો પ્રવાસ બહુ જ દૂર આવેલા બ્રાઝિલથી શરૂ થતો હોય છે અને અપસ્ટેટ ન્યૂ યોર્કનો આ હાઇવે તેમના ઘર સુધી વિસ્તરેલો છે.

રોક્સહામ રોડ એ સત્તાવાર બૉર્ડર પૉઇન્ટ નથી. અહીં કોઈ બૉર્ડર એજન્ટ હોતા નથી. માત્ર પોલીસ અધિકારીઓ હોય છે અને તેઓ કૅનેડામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતા લોકોની ધરપકડ કરે છે.

જોકે, રોક્સહામ રોડ આશ્રય મેળવવાના હેતુસર અમેરિકામાંથી કૅનેડામાં પ્રવેશવાના સુલભ સ્થળ તરીકે જાણીતો થયો છે.

કૅનેડાની છાપ યુદ્ધ તથા સંઘર્ષમાંથી બચવા ભાગેલા લોકોને મદદ કરતો દેશ હોવાની છે. આ પ્રતિષ્ઠાથી પ્રેરાઈને ગયા વર્ષે સૌથી વધુ માઇગ્રન્ટ આ ક્રોસિંગ મારફતે કૅનેડામાં પ્રવેશ્યા હતા.

માઇગ્રન્ટ્સના ધસારાને કારણે સરહદની બન્ને બાજુ પર હતાશા વધી રહી છે. હાઇવેની સલામતી વિશેની ચિંતા વધી છે અને આ પ્રવાસ કરતા લોકોના ભવિષ્ય બાબતે પણ સવાલ ઊઠી રહ્યા છે.

કૅનેડા માટે આશ્ચર્ય

2017માં રોક્સહામ રોડ મારફત અનેક માઇગ્રન્ટ્સે કૅનેડામાં પ્રવેશવાનું શરૂ કર્યું પછી આ માર્ગ તરફ દેશનું ધ્યાન ખેંચાયું હતું.

કેટલાક માને છે કે તત્કાલીન ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા દેશનિકાલ કરવામાં આવશે એવા ડરને કારણે આ માર્ગ અચાનક લોકપ્રિય બન્યો છે. અન્ય લોકો કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ ભણી આંગળી ચીંધે છે. એ ટ્વીટમાં ટ્રુડોએ લખ્યું હતું કે, “જુલમ, આતંક અને યુદ્ધથી ભાગી રહેલા લોકો, કૅનેડા તમને આવકારે છે.”

માઇગ્રન્ટ્સના ધસારાથી કૅનેડાના સત્તાવાળાઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મોન્ટ્રીઅલ ખાતેનું ઑલિમ્પિક સ્ટેડિયમ, કૅનેડામાં નવા પ્રવેશેલા લોકોની હૉસ્ટેલ તરીકે થોડા સમય માટે રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારે માઇગ્રન્ટ્સને ધસારાને એવી ચેતવણી આપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો કે કૅનેડામાં આગમનનો અર્થ અહીં સ્થાયી નિવાસની પરવાનગી મળી જશે એવો નથી.

કોવિડ-19 રોગચાળા દરમિયાન કૅનેડા સરકારે લીધેલાં આરોગ્ય કટોકટી સંબંધી પગલાં હેઠળ આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ સલામત આશ્રયની ઝંખના યથાવત્ રહી હતી.

કોવિડ-19 રોગચાળા દરમિયાન લાદવામાં આવેલાં નિયંત્રણો 16 મહિના પહેલાં હઠાવવામાં આવ્યાં પછી આશ્રય ઇચ્છતા હજારો લોકો અહીં આવ્યા છે.

કૅનેડા-અમેરિકાની સરહદે મૃત્યુ પામેલ ડીંગુચાના પટેલ પરિવારના દુ:ખદ અંતની કહાણી

  • ગત વર્ષે ગુજરાતના ડીંગુચાનો એક પટેલ પરિવાર કથિતપણે કૅનેડાની સરહદેથી અમેરિકા જતી વખતે આકરી ઠંડીમાં મૃત્યુ પામ્યું હતું
  • ગત વર્ષે બનેલ ડીંગુચાના ગુજરાતી પરિવારના ચાર સભ્યોની કૅનેડાની બૉર્ડરે બરફના તોફાનમાં ફસાઈ જતાં થયેલ મૃત્યુ એ આશ્રય માટે અન્ય દેશોમાં જતા મુસાફરોએ વેઠવી પડતી મુશ્કેલીઓનું ઉદાહરણ પૂરું પાડે છે
  • કલોલના ડીંગુચા ગામના જગદીશ પટેલ (39 વર્ષ), વૈશાલી પટેલ (37 વર્ષ) અને તેમનાં બાળકો વિહાંગી (11 વર્ષ) અને ધાર્મિક (ત્રણ વર્ષ)નાં મૃતદેહો ગત વર્ષે 19 જાન્યુઆરીએ અમેરિક-કૅનેડા સરહદ પરથી મળી આવ્યા હતા.
  • જ્યાંથી આ ચારેય મૃતદેહો આ વિસ્તાર એક કુખ્યાત બૉર્ડર ક્રોસિંગ સાઇટ છે.
  • આ મામલો સામે આવતાં હેડલાઇનોમાં છવાઈ ગયો હતો જે બાદ આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી
  • આ મામલે પોલીસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હતી

કેનેડા એક મૈત્રીપૂર્ણ દેશ

ઘણા ગુજરાતીઓ અમેરિકાથી કૅનેડા આવે છે. ઘણા લોકો રાજકીય અને ટોળકીઓ વચ્ચેની હિંસાથી ગ્રસ્ત હૈતીથી કૅનેડા આવે છે. વેનેઝુએલા અને કોલંબિયા જેવા લેટિન અમેરિકન દેશોમાંથી તેમજ દૂરદૂર આવેલા અફઘાનિસ્તાનમાંથી આવતા લોકોની સંખ્યા પણ વધી છે.

તેની સાથે બાઇડન વહીવટી તંત્રે, કોવિડ-19 રોગચાળા દરમિયાન ટ્રમ્પ વહીવટી તંત્રે અમલી બનાવેલી કેટલીક નીતિનો અમલ કરવાનું ચાલુ રાખ્યું છે. એ પૈકીનો એક નિયમ ટાઇટલ-42 છે. એ નિયમ અનુસાર, જેમનાથી કોરોના વાઇરસ ફેલાવાની સંભાવના હોય તેવા લોકોને પાછા મોકલવાની સત્તા બૉર્ડર એજન્ટ્સને આપવામાં આવી છે.

અમેરિકા-મૅક્સિકો સરહદેથી જમીન માર્ગે પ્રવેશતા લોકોને અટકાવવા માટે આ પગલાં લેવામાં આવ્યાં હતાં.

બીબીસી સાથે ક્યુબેકમાં વાત કરતાં કેટલાક માઇગ્રન્ટ્સે જણાવ્યું હતું કે તેઓ અમેરિકાને શરણાર્થીઓ માટે વધારેને વધારે નકામો દેશ ગણી રહ્યા છે. અમેરિકામાં આશ્રયના દાવાઓની સમીક્ષામાં વર્ષો લાગી શકે છે અને અમેરિકામાં આવા લોકોને આવકાર મળતો નથી.

જોશુઆ (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) ક્રિસમસના બે દિવસ પછી જ મોન્ટ્રેયલ પહોંચ્યા હતા અને હવે તેઓ ભાડાના એક મકાનમાં, પોતાના આશ્રયની અરજી વિશે નિર્ણયની રાહ જોતા અન્ય માઇગ્રન્ટ્સ સાથે રહે છે.

મૂળ વેનેઝુએલાના જોશુઆ મુસાફરીના દસ્તાવેજો વિના પાંચ વર્ષ ચિલીમાં રહ્યા હતા અને ત્યાંથી તેમણે કૅનેડા આવવાનો નિર્ણય કર્યો હતો.

જોશુઆએ કહ્યું હતું કે, “ઇમિગ્રન્ટ્સ માટે અન્ય દેશો બહુ મૈત્રીપૂર્ણ નથી.” જોકે, કૅનેડાએ તેમને આવકાર્યા છે.

અમેરિકા અને કૅનેડા વચ્ચેના કરાર

અમેરિકાથી આવતા માઇગ્રન્ટ્સને કૅનેડાની સરહદેથી જ પાછા મોકલવામાં આવશે, પરંતુ રોક્સહામ રોડથી નહીં, કારણ કે તે બિનસત્તાવાર ક્રોસિંગ છે. (આ બાબત કાયદાકીય શૂન્યાવકાશ સર્જે છે)

ક્રોસિંગ બંધ કરવાના સૂચનને ફગાવી દેતાં જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેની હજારો કિલોમિટરની અસુરક્ષિત સરહદને ધ્યાનમાં લેતાં એમ કરવું નિરર્થક બની રહેશે અને માઇગ્રન્ટ્સ અન્ય સ્થળેથી જોખમી રીતે સરહદ પાર કરવાના પ્રયાસ કરશે.

તેમણે કરાર માટે વાટાઘાટો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમેરિકન પ્રમુખ જો બાઇડન આ સપ્તાહે કૅનેડાની મુલાકાત લેવાના છે અને એ દરમિયાન આ બાબતે તેમની સાથે ચર્ચા કરવાની ટ્રુડોને આશા છે.

જોકે, નવા માઇગ્રન્ટ્સના આગમને લીધે ખાસ કરીને ક્યૂબેકમાં સામાજિક સેવાઓ પર ભારણ વધી રહ્યું હોવાથી જસ્ટિન ટ્રુડો પગલાં લેવાના દબાણનો સામનો કરી રહ્યા છે. ક્યૂબેકમાં ઘણા માઇગ્રન્ટ્સ રહે છે.

પોતાના પ્રદેશમાંની પરિસ્થિતિ અંગે જણાવતાં ક્યૂબેકના વડા ફ્રાંકોઇસ લેગોલ્ટે જણાવ્યું હતું કે સામાજિક સેવાઓ પર હદ બહારનું ભારણ છે અને તેના પરિણામે કેટલાક ઇમિગ્રન્ટ્સ ઘરવિહોણા છે.

તેમણે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, “આશ્રય શોધતા લોકોને ગૌરવભેર આવકારવાનું વધારેને વધારે મુશ્કેલ બની રહ્યું છે.”

અરજીની મંજૂરીની પ્રક્રિયામાં અસાધારણ વિલંબ

આશ્રય ઇચ્છતા લોકોની અરજીઓની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. જાન્યુઆરી, 2022માં એવી અરજીઓની સંખ્યા 56 હજાર 300 હતી, જે ડિસેમ્બર, 2022માં 26 ટકા વધીને લગભગ 71 હજાર થઈ ગઈ હતી.

અરજીની પ્રક્રિયામાં હવે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. ગયા વર્ષે કુલ પૈકીના 28 ટકા ઑર્ડર નકારવામાં આવ્યા હતા. તેનો અર્થ એ છે કે અરજી કરવાથી આશ્રય મેળવવામાં સફળતા મળશે તેની કોઈ ખાતરી નથી.

વર્ક પરમિટ માટે પણ લાંબો સમય રાહ જોવી પડે છે.

મોન્ટ્રેયલમાં આગંતુકોને મદદ કરતા વેલકમ સેન્ટર નામના સંગઠનમાં કામ કરતા મેરીસ પોઈસને જણાવ્યું હતું કે આશ્રય ઇચ્છતા લોકોને સોશિયલ સિક્યૉરિટી નંબર મેળવવામાં અગાઉ એક સપ્તાહનો સમય લાગતો હતો. હવે એ માટેની ઍપૉઇન્ટમૅન્ટ મેળવવામાં જ બે વર્ષ લાગે છે.

તેના પરિણામે ઘણા માઇગ્રન્ટ્સ માટે આર્થિક રીતે પગભર રહેવું મુશ્કેલ બની ગયું છે અને કેટલાક ફૂડ બૅન્ક તરફ વળ્યા છે તેમજ બીજી સામાજિક સહાય મેળવી રહ્યા છે.

મેરીસ પોઈસને કહ્યું હતું કે, “અમે નિ:સહાય લોકો બાબતે બહુ ચિંતિત છીએ. તેમણે આઘાત અનુભવવો પડ્યો છે. તેમને ભાષાની સમસ્યા નડી રહી છે. તેમની જરૂરી મદદ મળતી નથી.”

સપનાનો અંત

કૅનેડાથી પાછા ફરતા લોકોનું પ્રમાણ વધ્યું હોવાનું અમેરિકાના બૉર્ડર એજન્ટ્સના ધ્યાનમાં આવ્યું છે. અમેરિકાના બૉર્ડર પેટ્રોલ કર્મચારીઓએ જાન્યુઆરીમાં, ઉત્તરથી દક્ષિણમાં જવાનો પ્રયાસ કરતા 367 લોકોની ધરપકડ કરી હતી. આ સંખ્યા છેલ્લાં 12 વર્ષની કુલ સંખ્યા કરતાં વધારે છે.

રિપબ્લિકન પક્ષના સંસદસભ્યો ત્યારથી ઉત્તર સરહદે કટોકટી તોળાઈ રહી હોવાની વાતો કરી રહ્યા છે.

મોન્ટ્રૅઅલમાં આશ્રય ઇચ્છતા લોકો માટે કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે કેટલાક લોકો કૅનેડામાં કામ ન મળવાની હતાશાને કારણે અથવા પરિવારજનો માટે ઘરે પાછા ફરે છે.

કૅનેડામાં પડકાર વધી રહ્યા હોવા છતાં માઇગ્રન્ટ્સ વિક્રમસર્જક સંખ્યામાં રોક્સહામ હાઇવે ક્રોસ કરે છે અને કૅનેડાનો આકરો શિયાળો પણ તેમના રોકી શકતો ન હોય એવું લાગે છે.

અમેરિકા તરફની સરહદે ટેરી પ્રોવોસ્ટ અને ટાયલર ટેમ્બિની નામના ટેક્સી ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોને પ્લેટ્સબર્ગ બસ સ્ટેશન સુધી કોઈ ભાડું લીધા વિના મૂકી આવે છે, કારણ કે કેટલાક માઇગ્રન્ટ્સ અહીં પહોંચે ત્યાં સુધીમાં તેમના ખિસ્સું ખાલી થઈ ગયું હોય છે.

માઇગ્રન્ટ્સ સરહદ પાર કરે એ પછી તેમનો ભેટો રોયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ સાથે થાય છે. તેઓ માઇગ્રન્ટ્સને ચેતવણી આપે છે કે આગળ વધશો તો તમારી ધરપકડ કરવામાં આવશે.

કૅનેડા તરફની સરહદને 2017થી નાનકડા પોલીસ સંકુલમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. અહીંથી પ્રવેશતા લોકોના દસ્તાવેજો ચકાસવામાં આવે છે અને તેમને નજીકની હોટલોમાં બસ મારફત લઈ જવામાં આવે છે.

પ્રોવોસ્ટે જણાવ્યું હતું કે બીજી તરફ શું થશે તેનાથી અજાણ લોકો અંતિમ ડગલું ભરતા બહુ ખચકાય છે.

જોકે, જોશુઆ જેવા માઇગ્રન્ટ્સ માટે કૅનેડા માર્ગ પરનું છેલ્લું સલામત સ્થળ છે.

જોશુઆએ બીબીસીને કહ્યું હતું કે, “અમેરિકન સપનું તો વર્ષો પહેલાં મરી પરવાર્યું છે. મોન્ટ્રેયલ મારું નવું ઘર છે. મારું પોતાનું એકમાત્ર ઘર.”