બિલકીસબાનો કેસના દોષિતને સરકારી કાર્યક્રમમાં સંસદસભ્ય, ધારાસભ્યની સાથે સ્ટેજ પર સ્થાન અપાયું

બિલકિસબાનો ગૅંગરેપ કેસમાં જેલમુક્ત કરવામાં આવેલા 11 દોષિતોમાંથી એક શૈલેષ ભટ્ટને શનિવારે દાહોદ જિલ્લામાં યોજાયેલા, ગુજરાત સરકારના એક કાર્યક્રમમાં ભાજપના સંસદસભ્ય અને ધારાસભ્ય સાથે પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પક્ષના દાહોદના સંસદ સભ્ય જસવંતસિહં ભાભોર અને લિમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે એક મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષ ભાભોર એ જસવંતસિંહ ભાભોરના ભાઈ છે.

63 વર્ષના શૈલેષ ભટ્ટ અને ભાભોર બંધુઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર બોર્ડની યોજના માટે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કરમાડી ગામમાં યોજાયેલા એક ભૂમિપુજન કાર્યક્રમમાં એક જ મંચ પર હાજર રહ્યા હતા.

દાહોદના જિલ્લા માહિતી વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી તસવીરોમાં શૈલેષ ભટ્ટ જસવંત સિહ ભાભોર અને સિંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતાબહેન ડામોરની વચ્ચે પહેલી હરોળમાં બેઠેલા જોઈ શકાય છે.

આ મંચની પાછળ લગાવવામાં આવેલા બેનરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને સંસદ સભ્ય જસવંતસિહં ભાભોરની તસવીરો લગાવવામાં આવી હતી.

બીબીસીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહે જણાવ્યું હતું કે, બિલકીસબાનો ગૅંગરેપ કેસમાં દોષિત સાબિત થઈને જેલમુક્ત થયેલા શૈલેષ ભટ્ટને મંચ પર સ્થાન આપવાની બાબત સમગ્ર વિસ્તારમાં ચર્ચાસ્પદ બની છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલ અનુસાર શૈલેષ ભટ્ટે અખબારને જણાવ્યું હતુું કે, "એ એક જાહેર કાર્યક્રમ હતો જેમાં મેં હાજરી આપી હતી...મારે બીજું કંઈ નથી કહેવું."

જ્યારે સંસદસભ્ય જસવંતસિંહ ભાભોરે મંચ પર શૈલેષ ભટ્ટની ઉપસ્થિતિ મુદ્દે કરવામાં આવેલા સવાલોના જવાબ આપવા માટે કરવામાં આવેલા ઇન્ડિયન એક્સ્પ્રેસના પ્રયાસોનો કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો.

જોકે, તેમના ભાઈ અને લિમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરને આ અહેવાલમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, "ધારાસભ્ય તરીકે હું આ કાર્યક્રમમાં એટલો વ્યસ્ત હતો કે મેં એ જોયું જ નહીં કે મંચ પર કોણ બેસવાનું હતું. એ (ભટ્ટ) કાર્યક્રમમાં હાજર હતા કે નહીં તેની ચકાસણી કરીશ."

દાહોદના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓે અનુસાર ભટ્ટને આ કાર્યક્રમમાં કોણે આમંત્રણ આપ્યું હતું તે બાબતો તેઓ "અજાણ" હતા.

મહિલા સંસદસભ્યે કરી ટીકા

આ ઘટનાની પશ્ચિમ બંગાળની ક્રિષ્નાનગર લોકસભા બેઠકનાં તૃણમૂલ કૉંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રાએ ટીકા કરી છે.

તેમણે સંસદસભ્ય અને ધારાસભ્ય સાથે શૈલેષ ભટ્ટની મંચ પરની હાજરીની તસવીર ટ્વીટ કરીને લખ્યું છે, "બિલકીસબાનોનો બળાત્કારી ગુજરાતના ભાજપના એમપી, એમએલએ સાથે મંચ પર."

તેમણે વધુમાં લખ્યું છે કે, "હું આ રાક્ષસોને પાછા જેલમાં જોવા માગું છું અને (કારાગારની) ચાવીને ફેંકી દેવા માગું છું. અને હું ઇચ્છું છું કે ન્યાયની હાસ્યાસ્પદ નકલને અનુમોદન આપતી આ શેતાન સરકારને મતોથી ઉખાડી નાખવામાં આવે. હું ઇચ્છું છું કે ભારત તેની નૈતિકતાને પુનઃ પ્રાપ્ત કરે."

જસવંતસિંહ ભાભોરે પણ ટ્વીટ કર્યું

આ સમગ્ર કાર્યક્રમમાં શૈલેષ ભટ્ટની ઉપસ્થિતિથી વાકેફ ન હોય તે રીતે ભાજપના દાહોદના સંસદસભ્ય જસવંતસિંહ ભાભોરે કાર્યક્રમની વિગતો આપતું ટ્વીટ તસવીરો સાથે કર્યું હતું. આ તસવીરોમાં પણ શૈલેષ ભટ્ટ મંચ પર દેખાઈ આવે છે.

તેમણે એ ટ્વીટમાં લખ્યું, "દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકા ખાતે કડાણા ડેમ બલ્ક પાઈપલાઈન આધારિત લીમખેડા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત રકમ ૧૦૧.૮૯ કરોડના કામોનું ભૂમિ પૂજન કર્યું. જેમાં લીમખેડા તાલુકાના ૪૩ ગામ, સિંગવડ તાલુકાના ૧૮ ગામ તથા ઝાલોદ તાલુકાના ૩ ગામને આ યોજનાનો લાભ મળશે."

શું હતો બિલકીસબાનો ગૅંગરેપ કેસ?

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારના 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.

એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો. બિલકીસ તે સમયે ગર્ભવતી હતાં.

બળાત્કાર ગુજારાયા બાદ અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.

તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવાયું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું કે, "પોલીસ અને તંત્રે હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતા નથી."

2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી.

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.