You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'બે પત્નીનાં મૃત્યુ બાદ મારો સગો બાપ મારી 11 વર્ષની બહેન પર બળાત્કાર કરતો'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારી માતાના નિધન બાદ પિતાએ બીજા લગ્ન કર્યાં. થોડા સમય બાદ બીજી પત્નીનું પણ અવસાન થયું. તેમના સ્વભાવના કારણે જ હું તેમની સાથે રહેતી ન હતી પણ તેમણે મારી નાની બહેનને અમારી સાથે આવવા દીધી નહીં અને આજે 11 વર્ષની મારી બહેન તેમની વિકૃતિનો ભોગ બની છે"
આ શબ્દો છે ગુજરાતમાં રહેતી 24 વર્ષીય સપનાના.
તેમના પિતા રમેશના સ્વભાવના કારણે તેમનાં માતા સપના અને તેમની બહેન રિંકુને લઈને પિયર ચાલ્યાં ગયાં હતાં.
પણ રમેશે નાની બહેન રિંકુને જવા દીધી ન હતી અને ત્યારથી જ આ ઘટનાનાં મૂળ રોપાયાં હતાં.
સમય જતાં સપના અને રિંકુનાં માતાનું અવસાન થયું અને રમેશે બીજા લગ્ન કર્યાં.
બીજા લગ્નથી બે સંતાનો થયાં બાદ તેમની બીજી પત્ની પણ 2020માં મૃત્યુ પામી.
કુલ ચાર બાળકો પૈકી ત્રણ બાળકો રમેશ સાથે રહેતા હતા. જે પૈકી રમેશે રિંકુ પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસમથકના પીઆઈ એચ. વી. રાઠોડના કહેવા પ્રમાણે, ગામના આગેવાનો સાથે સગીરા અમારી પાસે ફરિયાદ નોંધાવવા આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "શારીરિક તપાસમાં તેના પર બળાત્કાર થયો હોવાનું પુરવાર થતા પિતાની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે."
(ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં છે.)
'એમને દીકરો જોઈતો હતો પણ બે દીકરીઓ મળી'
એક દવાની કંપનીમાં પૅકેજિંગનું કામ કરતાં સપનાના કહેવા પ્રમાણે, રમેશનો સ્વભાવ નાનપણથી જ ગુસ્સાવાળો હતો.
તેઓ કહે છે, "લગ્ન બાદ તેમને દીકરો જોઈતો હતો પણ મારી માતાએ મને અને મારી નાની બહેનને જન્મ આપ્યો. જેથી તેઓ અવારનવાર મારી માતા સાથે ઝઘડો કરતા હતા."
વારંવારના ઝઘડાથી કંટાળીને તેમનાં માતા પુત્રીઓ સાથે એ જ ગામમાં આવેલા પોતાના પિયર ચાલ્યાં ગયાં હતાં. આ દરમિયાન રમેશે બીજા લગ્ન કરી લીધા હતા.
આ વિશે સપના જણાવે છે, "જ્યારે મારી માતા બંને દીકરી સાથે મામાના ઘરે આવી ત્યારે મારા પિતાએ નાની બહેન અમને સોંપી ન હતી. પિતાના સ્વભાવના કારણે જ અમે એક જ ગામમાં હોવા છતાં હું ક્યારેય તેમને મળવા જતી ન હતી."
તેઓ આગળ કહે છે, "થોડા સમય બાદ અમારી માતાનું અવસાન થયું અને બીજી બાજુ મારા પિતા બીજા લગ્નથી થયેલાં બે સંતાનો અને મારી નાની બહેન સાથે રહેતા હતા. અમે બધાં ભાઈ-બહેનો સંપીને રહેતાં હતાં અને સુખદુખની વાતો પણ કરતાં હતાં."
જોકે, વર્ષ 2020માં રમેશની બીજી પત્નીનું પણ અવસાન થયું. એ પછી રમેશ સાથે રહેતા તેનાં ત્રણ સંતાનો પૈકી 11 વર્ષીય રિંકુ સૌથી મોટી હતી અને તેણે ઘરનું કામ કરવાની જવાબદારી ઉપાડી લીધી.
18 માર્ચે અચાનક જ રિંકુએ સપનાને ફોન કર્યો અને ફોન પર રડતાંરડતાં કહ્યું, "પપ્પા રોજ રાત્રે મારા પર શારીરિક અત્યાચાર કરે છે અને જો ના પાડું તો મારે છે."
આ સાંભળીને સપનાએ તાત્કાલિક ગામના આગેવાનોને એકઠા કર્યા અને પોલીસસ્ટેશન ગયાં.
'સેક્સ્યુઅલ ફ્રસ્ટ્રેશન અને ઇમોશનલ ઍટેચમેન્ટ'
આ કેસની તપાસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસમથકના પીઆઈ એચ. વી. રાઠોડ કરી રહ્યા છે.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગ્રામજનો જ્યારે આ સગીરાને લઈને ફરિયાદ નોંધાવવા આવ્યા ત્યારે અમે ફરિયાદ નોંધીને જ્યારે તેના પિતાને પકડવા ગયા તો તે ત્યાંથી નાસી ગયો. નિયમાનુસાર અમે શારીરિક તપાસ કરાવી અને તેમાં પુષ્ટિ થઈ કે સગીરા બળાત્કારનો ભોગ બની હતી."
બાદમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ટૂંક સમયમાં આરોપીને પકડી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
જોકે, આ ઘટના પરથી એક સવાલ ઊભો થાય છે કે એક પિતા એ હદે વિકૃત કેવી રીતે થઈ શકે કે પોતાની સગી દીકરી પર બળાત્કાર ગુજારવા લાગે. તે પણ વારંવાર?
આ પ્રશ્નનો જવાબ આપતા મનોચિકિત્સક પાર્થ વૈષ્ણવ કહે છે, "બે પત્નીનાં મૃત્યુ થયાં બાદ એ વ્યક્તિ સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટ થયો હોઈ શકે છે. ભોગ બનેલી સગીરા પ્રથમ પત્ની દ્વારા થઈ હોવાથી કદાચ તેની સાથેનું ઈમોશનલ ઍટેચમેન્ટ પણ ઘટી ગયું હોઈ શકે છે."
તેઓ આગળ કહે છે, "આ કિસ્સામાં પિતાએ બે લગ્ન કર્યાં હતાં અને બંને પત્નીનું અવસાન થઈ ગયું હતું. તેને ખ્યાલ હતો કે આ સગીર દીકરી તેના પર આધારિત છે અને તેની લાચારીનો લાભ તેણે પોતાની શારીરિક ભૂખ સંતોષવા કર્યો. તેણે એ વાતનો પણ ફાયદો ઉઠાવ્યો કે સગીર દીકરી ડરના કારણે કોઈને કહેશે નહીં. આ પ્રકારનાં કૃત્યો 'સેક્સ્યુઅલી પર્વર્ટ' લોકો કરતા હોય છે."