અમદાવાદ : વૉટ્સઍપ પર મૅસેજનો જવાબ આપ્યો અને ઠગ લઈ ગયો દોઢ લાખ, કઈ રીતે થઈ ઠગાઈ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • અમદાવાદ ખાતે અમુક દિવસો પહેલાં એક મહિલા સાથે યૂટ્યૂબ પર વીડિયો જોઈને સ્ક્રીનશોટ મોકલી આપી કમાણી કરવાની લાલચ આપી છેતરપિંડી કરાયાનો મામલો સામે આવ્યો હતો
  • આ કેસમાં ફરિયાદી મહિલાને કથિતપણે નોકરી આપવાનું કહી ‘ઠગો’એ વિશ્વાસ સંપાદિત કરી રોકાણ કરાવ્યું હતું
  • શરૂઆતમાં માત્ર 150 રૂપિયાનો લાભ કરાવી મહિલાને ‘ઠગો’એ એવાં તો જાળમાં ફસાવ્યાં કે તેમણે સમયાંતરે દોઢ લાખ રૂપિયા ‘ઠગો’નાં ખાતાંમાં જમા કરાવી દીધા
  • આખરે કેવી રીતે આચરાયો આ ગુનો અને આવી ઠગાઈથી બચવા શું કરવું? જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ

"મારું નામ ઝારા છે. તમારું સીવી ચેક કર્યું છે, શું તમે નોકરીની શોધમાં છો?"

આ એક વૉટ્સઍપ મૅસેજનો જવાબ આપવો અમદાવાદ શહેરના બોપલનાં રહેવાસી 38 વર્ષીય મહિલાને દોઢ લાખમાં પડ્યો છે. તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર બન્યાં છે.

ઠગાઈનો ભોગ બનનાર મહિલા સાથે યૂટ્યૂબ મારફતે વીડિયો લાઇક કરાવી, ચેનલ સબસ્ક્રાઇબ કરાવી અને કમાણી કરવાની લાલચ આપી દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સુમન (બદલાયેલ નામ) નામનાં આ મહિલા થયેલી કથિત છેતરપિંડી મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડીના ગુના સંદર્ભે IPCની કલમ 406, 420, 114 અને આઇટી ઍક્ટની કલમ 66(સી), 66(ડી) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે આ સમગ્ર પ્રકરણ અંગે હવે તપાસ હાથ ધરી છે.

સરકાર અને ઘણી સંસ્થાઓ ઓનલાઇન ઠગાઈથી બચવા માટે જાતજાતના સંદેશાઓ થકી જાગૃતિ અભિયાન ચલાવે છે, તેમ છતાં ઠગાઈ કરનાર લોકો કોઈને કોઈ પ્રકારે સમાજના દરેક સ્તરના લોકોને છેતરી જાય છે, અને આવા કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે.

જોકે, દરેક વખત આ ગુનો આચરનારા લોકો કોઈને કોઈ નવી પ્રક્રિયા અનુસરીને લોકોની ‘મહેનતની કમાણી’ સેરવી લેતા હોય છે.

આ કિસ્સામાં પણ કંઈક એવું જ થયું. સુમન ભાવસારને વિશ્વાસમાં લઈને તેમની સાથે સાવ અલગ પ્રકારે ઠગોએ છેતરપિંડી કરી.

તેમની સાથે બનેલી ઘટનામાં ઠગોએ અપનાવેલી રીત અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમની ફરિયાદની છણાવટ કરી હતી.

150 રૂપિયા જમા કરાવી બાદમાં દોઢ લાખ પડાવી લીધા

ફરિયાદમાં લખાયેલી વિગતો અનુસાર સુમન એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યાં હતાં. પરંતુ તેઓ વધારાના સમયમાં પાર્ટ ટાઇમ કામ કરવાની ઇચ્છા ધરાવતાં હતાં.

તેઓ કામની શોધમાં હતાં.

આ દરિમયાન 8 ડિસેમ્બર 2022ના રોજ બપોરે બાર વાગ્યે વૉટ્સઍપ પર ઉપર વાત કરી એ પ્રમાણેનો મૅસેજ આવ્યો.નોકરીની શોધમાં રહેલાં સુમનએ મૅસેજ મોકલનાર સાથે નોકરી સંદર્ભે વાત કરવાનું શરૂ કર્યું.

આ વાતચીત દરમિયાન જ તેમને યૂટ્યૂબ ચેનલ ઉપર આવતી જાહેરાત જોઈ, ચેનલ સબસ્ક્રાઇબ કરીને અને તેના સ્ક્રીનશૉટ શૅર કરવાથી આર્થિક લાભ થશે તેવું જણાવવામાં આવ્યું.

તેમણે વૉટ્સઍપ મૅસેજ થકી મોકલાવાયેલ લિંક થકી વીડિયો જોઈને તેના સ્ક્રીનશૉટ શૅર કર્યા, અને તેમના ખાતામાં તરત જ ‘ઠગો’એ 150 રૂ. જમા કરાવી દીધા. પરંતુ જ્યારે આ થયું ત્યારે સુમનને કદાચ ખબર નહીં હોય કે આ 150 રૂપિયાની અણધારી આવક તેમના માટે દોઢ લાખના નુકસાન માટેનો ભણકારો હતી.

વિશ્વાસ સંપાદન કર્યા બાદ ઠગાઈ

એક અજાણ્યા વૉટ્સઍપ મૅસેજ બાદ થોડાક જ સમયમાં દોઢસો રૂપિયાનો લાભ થયો આ વાત મૅસેજ મોકલનારની વાતો માનવા માટે એક પ્રેરકબળ સાબિત થઈ.

ફરિયાદમાં અપાયેલી વિગતો અનુસાર તેમને મૅસેજ કરીને ટેલિગ્રામ લિંક મોકલવામાં આવી, જે બાદ તેમને એક ટેલિગ્રામ ગ્રૂપમાં સામેલ કરી લેવાયાં.

આ ગ્રૂપમાં 11 ડિસેમ્બર દરરોજ એક હજાર રૂપિયા ભરીને 1,300 રૂપિયા મેળવવાની લાલચ આપતી યોજના મુકાઈ.

જેમાં ફરિયાદીએ પૈસા જમા કરાવ્યા અને તેમને 1,300 રૂપિયા મળી પણ ગયા. આ બાબતે તેમનો વિશ્વાસ વધુ દૃઢ બનાવ્યો.

આ બાદ ફરિયાદ અનુસાર ફરિયાદીને વધુ એક લિંક મોકલાઈ જેમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની વાત કરી દસ હજાર રૂપિયા જમા કરાવવા કહેવાયું.

આ સમગ્ર પ્રક્રિયામાં વિશ્વાસ કરી બેઠેલાં ફરિયાદીને યોજના પસંદ પડતાં દસ હજારની ચુકવણી કરી પરંતુ ફરિયાદ મુજબ ‘ઠગો’એ તેમને આ ચુકવણી યોગ્ય રીતે ન થઈ હોવાનું કહીં. વધારે પૈસા પડાવવાનું ચાલુ રાખ્યું.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ફરિયાદીને શંકા પણ ગઈ. જ્યારે તેમણે અધવચ્ચેથી પૈસા પરત માગવાની શરૂઆત કરી ત્યારે તેમને સામેથી ‘ઠગો’એ વધુ લાલચ આપી હતી અને કથિતપણે કહ્યું હતું કે જો ફરિયાદી વધુ 50 હજાર રૂપિયા જમા કરાવશે તો તેમના જમા કરાવેલા દોઢ લાખની સામે તેમને એક લાખ 90 હજાર રૂપિયા મળશે.

વધુ એક વખત ફરિયાદી ‘ઠગો’ની લાલચમાં આવી અને ચાર ચુકવણી દરમિયાન દોઢ લાખ રૂપિયા ગુમાવી બેઠાં હતાં. જ્યારે તેમને પોતે ઠગાઈનો ભોગ બન્યાં હોવાની વાતનું ભાન થયું તે બાદ તેમણે કાયદાકીય કાર્યવાહી કરવાનું ઠરાવ્યું હતું.

ઠગાઈથી બચવા શું ધ્યાન રાખવું?

બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ. પી. ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે આ કેસમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ કેસમાં અમે જે બ‌ૅન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેની બૅન્ક પાસેથી માહિતી માંગી છે."

આ સિવાય તેમણે છેતરપિંડીથી બચવા માટે કેટલાક ઉપાયો સૂચવ્યા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી આ પ્રકારના કિસ્સામાં પૈસા મેળવવા માટેની કાર્યવાહી માટે અપનાવાતી રીત જણાવતાં કહે છે કે, “જો બનાવ બન્યા બાદ સમયસર પોલીસને જાણ કરાય તો પૈસા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોય તે ફ્રીઝ કરી શકાય છે. આવું કરવાથી તે પૈસા પરત મેળવી શકાય છે. જો એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય તો તે એકાઉન્ટધારકની માહિતી મગાવી ત્યાર બાદ તેની ધરપકડ કરી શકાય છે."

સાઇબર ઍક્સપર્ટ ડૉ. વિશાલ થલોટીયાએ આ કેસ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે,"આ કિસ્સામાં પણ વર્ષોથી જે ગુનો આચરવા માટેની રીત અપનાવાય છે, તે જ વાપરવામાં આવી છે. એ છે લાલચ. લોભ, લાલચ અને શૉર્ટકટ થકી પૈસા કમાવવાની રીત શોધવી એ છેતરપિંડી તરફ જતો માર્ગ જ છે.”

“યૂટ્યૂબ ચેનલ થકી વીડિયોના સ્ક્રીનશોટ મગાવીને વળતર આપીને ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કરી લેવાયો અને પછી ઠગો ઠગાઈની જાળ વધુ ફેલાવતા ગયા. અહીં વધુ નફાની લાલચ અને સરળતાથી વિશ્વાસ કરી લેવાના માનવસ્વભાવને કારણે ફરિયાદીને નાણાકીય નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.”