ડૉ. ચગ આત્મહત્યા કેસ: સુસાઇડ નોટ છતાં ભાજપના સંસદસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવા હાઈકોર્ટ સુધી લડવું પડ્યું

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વેરાવળના તબીબ ડૉ. અતુલ ચગની આત્મહત્યાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી હતી. કોળી અને માછીમાર સમુદાયમાં વર્ચસ્વ ધરાવતા આ તબીબે આત્મહત્યા પહેલાં લખેલી અંતિમચિઠ્ઠીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના જૂનાગઢના સંસદસભ્ય રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતું.

પોલીસે પણ શરૂઆતના ત્રણ મહિના સુધી ફરિયાદ નોંધી ન હતી. જેથી ડૉ. ચગનો પરિવાર હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ તાજેતરમાં પોલીસ ફરિયાદ નોંધાતા હવે રાજેશ ચુડાસમા સામે વેરાવળમાં પોલીસસ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ફેબ્રુઆરીમાં ડૉ. અતુલ ચગે આત્મહત્યા કરી લીધી હતી અને અંતિમચિઠ્ઠીમાં તેમણે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું. વેરાવળના ટાવર ચોકમાં સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી પ્રૅક્ટિસ કરનારા ડૉ. અતુલ ચગ આસપાસના લોકો અને રાજકારણીઓમાં લોકપ્રિય હોવાથી તેમની આત્મહત્યાની ઘટના સમગ્ર પંથકમાં ચર્ચામાં રહી હતી.

પરિવારે તે સમયે આક્ષેપ કર્યો હતો કે રાજકીય દબાણના કારણે સંસદસભ્ય અને તેમના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી નહોતી. જોકે, પરિવારે કાયદાકીય લડત આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

કોણ હતા ડૉક્ટર અતુલ ચગ?

ટાવર ચોક અને આસપાસના વિસ્તારમાં જાણીતા ડૉ. અતુલ ચગની નવજીવન હૉસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર માટે આવતા હતા.

ડૉ. ચગ પોતાના દીકરા હિતાર્થને ડૉક્ટર બનાવવા ન માગતા હોવાથી તેમણે બ્રિટન મોકલ્યો હતો.

ડૉ. ચગના પારિવારિક મિત્ર ભાવેશ ઠક્કરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "તેઓ અથાગ રીતે ગરીબ દર્દીઓની સેવા કરતા હતા. એટલે જ તેમણે પોતાના ક્લિનિકની ઉપર જ ઘર રાખ્યું હતું. જેથી તેઓ દર્દીઓ માટે 24 કલાક ઉપલબ્ધ રહી શકે."

તેમણે આગળ કહ્યું, "અતુલ ચગને એકનો એક દીકરો હતો અને તે જ્યારે સાત વર્ષનો હતો ત્યારથી જ તેમનાં પત્ની નાસિક રહેવા ચાલ્યાં ગયાં હતાં. તેમણે પોતાના દીકરાને તેની ઇચ્છા મુજબ ભણવા દીધો હતો. તેઓ ગામના દર્દીઓને મેડિકલ સુવિધા મળી રહે તે માટે સજાગ હતા અને ગરીબ દર્દીઓની મદદ પણ કરતા હતા."

બ્રિટનથી અભ્યાસ કરીને ડિસેમ્બર મહિનામાં પાછા આવેલા ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારા પિતા એમ.ડી. સુધીનો અભ્યાસ કરીને વેરાવળમાં છેલ્લાં 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા."

તેઓ આગળ કહે છે, "આસપાસના ગામમાં તેમનું (ડૉ. ચગ) એક સારા ડૉક્ટર તરીકે નામ હોવાથી ઘણા દર્દીઓ આવતા હતા. તેમનો પરિચય સ્થાનિક આગેવાનો સાથે હતો."

વેરાવળના રહેવાસી સાહિલ ચગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ડૉક્ટર ચગ વેરાવળમાં મોટો બંગલો બનાવીને રહી શક્યા હોત, પરંતુ આસપાસનાં ગામડાંમાંથી આવતાં લોકો એસટીમાં આવે તો પણ ઝડપથી દવાખાને આવી શકે એટલે એમણે એસ ટી સ્ટૅન્ડની પાસે દવાખાનાની ઉપર જ પોતાનું ઘર બનાવ્યું હતું."

"એ 24 કલાક દર્દીઓની સેવા માટે હાજર રહેતા હતા. ક્યારેય મોડી રાત્રે આવેલા દર્દીને સારવાર વગર પરત મોકલ્યા ન હતા. ઘણી વખતે ગરીબ દર્દી આવ્યો હોય તો એના પૈસા લેતા ન હતા. ક્યારેક દર્દી પાસે પૈસા ના હોય તો એને ગામ પરત જવા માટે પૈસા પણ આપતા હતા."

સંસદસભ્યને પૈસા આપવાને આત્મહત્યા સાથે શું સંબંધ?

વિદેશમાં એમબીએ સુધીનો અભ્યાસ કરીને આવેલા ડૉ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારે ડૉક્ટર બનવું નહોતું, મારે એમબીએ કરવું હતું એટલે હું વિદેશ ભણવા ગયો હતો."

હિતાર્થના કહેવા પ્રમાણે, "વર્ષ 2008થી રાજકીય નેતા રાજેશ ચુડાસમા અને ડૉ. અતુલ ચગના સારા સંબંધ હતા. તેઓ અને તેમના પિતા નારણભાઈ ચુડાસમા અવારનવાર ડૉ. ચગના ઘરે અને હૉસ્પિટલ પર આવતા હતા."

રાજેશ ચુડાસમા જૂનાઢના ભાજપ સંસદસભ્ય અને કોળી સમાજના પ્રભાવશાળી નેતા છે.

તેઓ 2012થી 2014 સુધી જૂનાગઢના માંગરોળ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.

ત્યાર બાદ તેઓ 2014માં જૂનાગઢ બેઠક પરથી સંસદસભ્ય ચૂંટાયા હતા. 2019માં તેઓ ફરીથી સંસદસભ્ય ચૂંટાયા હતા.

તેમની પર આરોપ કરતા હિતાર્થ ચગ આગળ કહે છે, "મારા પિતા પાસે વધારાના પૈસા હોવાથી તેને અન્ય જગ્યાએ રોકાણ કરવા માટે રાજેશ અને નારણભાઈ ચુડાસમાને આપ્યા હતા. મારા પિતાએ તેમને ખાણ, ખેતી અને ઝીંગાના ધંધા માટે પણ પૈસા આપ્યા હતા."

"શરૂઆતમાં તેઓ પૈસા લઈને સમયસર પાછા આપી જતા હતા. રાજેશ ચુડાસમા ધારાસભ્ય અને બાદમાં સંસદસભ્ય બન્યા ત્યારે અમારી પાસેથી ટુકડેટુકડે પૈસા લઈ જતા હતા. આમ કરીને કુલ દોઢ કરોડ રૂપિયા લીધા હતા અને એ પૈસા પાછા આપ્યા નહોતા."

હિતાર્થ જણાવે છે કે "તેમના પિતાએ જ્યારે કડક ઉઘરાણી કરી તો તેમણે વેરાવળ કો-ઑપરેટિવ બૅન્કનો 90 લાખ રૂપિયાનો ચૅક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો."

હિતાર્થ કહે છે કે "જ્યારે એ ચૅક બાઉન્સ થયો ત્યારે હું ભારતમાં હતો. એક દિવસ જ્યારે તેમના પિતાએ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાને પૈસા બાબતે મળવા બોલાવ્યા તો મારી હાજરીમાં તેમણે કહ્યું હતું કે 'આખા દેશમાં અમારી સરકાર છે. કોઈ કેસ કરશો તો પણ અમને કંઈ નહીં થાય'."

હિતાર્થ આગળ જણાવે છે, "એ દિવસ પછીથી મારા પિતાને વારંવાર ધમકીઓ મળવા લાગી હતી. જેના કારણે તેઓ હતાશ થઈ ગયા હતા."

તેમના પરિવાર મુજબ હતાશામાં આવ્યા બાદ ડૉ. અતુલ ચગે 12મી ફેબ્રુઆરીએ પોતાના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી.

મામલો કેવી રીતે હાઈકોર્ટ સુધી પહોંચ્યો?

ડૉ. ચગે આત્મહત્યા કરી ત્યાર પછી તેમના પલંગ નીચેથી એક લીટીની સુસાઇડ નોટ મળી આવી હતી. હિતાર્થનું કહેવું છે કે "તેમના પલંગ પરથી એક લીટીની સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે 'રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું'."

હિતાર્થનો આક્ષેપ છે કે આ તમામ પુરાવા આપ્યા બાદ પણ પોલીસે સંસદસભ્ય રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ ન નોંધતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા હિતાર્થે કહ્યું, "મારા પિતાના અવસાનના 93 દિવસ બાદ ફરિયાદ નોંધાતા હવે મને ન્યાયતંત્ર પર ભરોસો બેઠો છે."

હિતાર્થના વકીલ ચિરાગ કક્કડે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હાઈકોર્ટમાં ગયા બાદ પોલીસે આઈપીસીની કલમ 306, 506(2) અને 114 અંતર્ગ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. 93 દિવસની લડાઈ બાદ ફરિયાદ નોંધાતા હવે અમને ભરોસો છે કે ડૉ. અતુલ ચગને ન્યાય મળશે.

આ અંગે બીબીસીએ વેરાવળ પોલીસસ્ટેશનના ઇન્સપૅક્ટર એસ. એમ. ઈશરાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

રાજેશ ચુડાસમાએ શું કહ્યું?

સાંસદ રાજેશ ચુડાસમાનો પક્ષ જાણવા માટે બીબીસીએ તેમના ચોરવાડ ખાતેના અને દિલ્હી ખાતેના નિવાસસ્થાને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

જોકે, ડૉ. અતુલ ચગની આત્મહત્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમનો પરિવાર પણ ડૉ ચગના મૃત્યુથી આઘાતમાં છે અને તેમણે પોલીસ તપાસમાં સહકાર આપવાની વાત પણ કહી હતી.

12 ફેબ્રુઆરીના દિવસે ડૉ ચગનો મૃતદેહ તેમના ઘરથી લટકતો મળી આવ્યો હતો. તેમના ઘરેથી કથિત સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તેમણે રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર તેમને આ પગલું લેવા માટે ધકેલવાનો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢમાં મીડિયા સાથે વાત કરતા રાજેશ ચુડાસમાએ કહ્યું કે, “ડૉ ચગે આત્મહત્યા કરી છે. જ્યારે હું રાજકારણમાં નહોતો ત્યારથી મારો અને મારા પરિવારનો ડૉ ચગ સાથે 35 વર્ષ જૂનો સંબંધ હતો. ”

“તેમના મૃત્યુથી મારા પરિવારને આઘાત લાગ્યો છે. પોલીસ ડૉ ચગના પુત્રના આરોપોની તપાસ કરી રહી છે. અમને તેમના પરિવાર સાથે પૂર્ણ સહાનુભૂતિ છે. અને અમે સિસ્ટમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સહકાર કરીશું."

રાજેશ ચુડાસમાએ આગળ કહ્યું, "અંગત કારણોસર ડૉ ચગ એકલવાયું જીવન જીવતા હતા. મારો પરિવાર તેમને 15-17 વર્ષથી ટિફિન મોકલતો હતો. આટલા ગાઢ સંબંધોને કારણે, મારો પરિવાર આઘાતમાં છે. હું તેમની શાંતિ માટે પ્રાર્થના કરું છું."