You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'કોઈએ છરી મારી દીધી, મારો દીકરો ઢગલો થઈ ગયો', પાટણમાં 'પ્રેમસંબંધ'માં થયેલી હત્યાનો કેસ શું છે?
"મારો દીકરો સૂતો હતો અને તેના મિત્રે કહ્યું 'ચાલ બહાર,' મેં ના પાડી. મેં કહ્યું કે ખાઈને બહાર જા. તેણે કહ્યું બસ દસ જ મિનિટમાં મસાલો ખાઈને આવું છું, પણ ઘડીકમાં સમાચાર આવ્યા કે રાહુલને કોઈએ છરી મારી છે. મારો છોકરો ઢગલો થઈ ગયો."
મૃતક રાહુલનાં માતા પાર્વતીબહેન નટવરજી ઠાકોર હૈયાફાટ રુદન સાથે પોતાની વેદના ઠાલવે છે. તેઓ વિલાપ કરતાં કહે છે, "તેના પપ્પા પણ નથી હવે હું કોના સહારે જીવીશ?"
પાટણમાં પ્રેમપ્રકરણને લઈને એક યુવાન રાહુલ ઠાકોરની હત્યા કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે પ્રેમપ્રકરણમાં રાહુલની હત્યા થઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકનો આરોપીની બહેન સાથે પ્રેમસબંધ હતો, જે આરોપીના પરિવારને પસંદ નહોતું.
શું છે સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર પાટણ શહેરના કનસડા દરવાજા આગળ રાહુલ ઠાકોર નામના 25 વર્ષના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે વિષ્ણુ ઠાકોર નામના યુવાને હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા રાહુલને 108 ઍમ્બ્યુલન્સ મારફતે સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબિબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતકના પરિવારજનો દ્વારા આ મામલે પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે મૃતક પર હુમલો કરનારા વિષ્ણુ ઠાકોર અને અન્ય એક યુવાન અલ્પેશ ભાટિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસને શંકા હતી કે હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોઈ શકે.
પાટણની એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર એ. એમ. પરમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પૂછપરછ દરમિયાન વિષ્ણુએ સ્વીકાર્યું કે મારી બહેનનો રાહુલ સાથે સબંધ મને પસંદ નહોતો."
પાટણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી, સીસીટીવી કૅમેરાના આધારે રાહુલની હત્યાના આરોપી વિષ્ણુ ઠાકોર અને તેને સહયોગ આપનારા અન્ય એક આરોપી અલ્પેશ ભાટિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારે આ અંગે માહિતી આપતાં કહ્યું, “રાહુલને જે યુવતી સાથે પ્રેમ હતો તે યુવતીના પિતા બંનેને સાથે જોઈ ગયા હતા, ત્યારબાદ આ હત્યા થઈ. યુવતીના પરિવારને તેમનો સંબંધ ગમતો નહોતો.”
પોલીસ સાથેની વાતચીત બાદ પઢિયાર જણાવે છે કે અગાઉ પણ બંને સાથે જોવા મળ્યા હતા પણ ત્યારે મામલો વધુ બગડ્યો નહોતો, પણ આ વખતે વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી.
શું છે આ ઓનર કિલિંગનો મામલો?
પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે રાહુલને તેના જ સમાજની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને પરિવારોની જાણબહાર એકબીજાને મળતાં હતાં. યુવતી પણ રાહુલ સાથે લગ્ન કરવા માગતી હતી. પણ યુવતીના પરિવારજનોને ખબર પડી ગઈ.
યુવતીનો ભાઈ વિષ્ણુ પહેલાંથી જ આ સંબંધના વિરોધમાં હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીએ પોલીસને નિવેદન આપીને આ મામલે ભાઈ કે પિતા વિરુદ્ધ ફરિયાદ કરવાનો ઇન્કાર કર્યો છે. જોકે, એણે રાહુલ સાથેના પ્રેમસંબંધની વાતનો સ્વીકાર કર્યો છે.
પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું છે "પરિવારને પસંદ ન હોવાથી અમે છુપાઈને મળતાં હતાં અને અમારા સંબંધથી તેમને સમાજમાં બદનામી થાય એવો ડર હતો. "
યુવતીએ પોલીસને જણાવ્યા અનુસાર જે દિવસે રાહુલની હત્યા થઈ એ દિવસે પણ એ મૃતકને મળી હતી.
‘રાહુલ પરિવારમાં એક જ કમાનારો હતો’
રાહુલનાં માતા પાર્વતી ઠાકોર કલ્પાંત કરતાં કહે છે, “મારી જિંદગી મારો પુત્ર હતો. કમાઈને મને તે આપતો હતો. હવે હું કેવી રીતે જિંદગી ગુજારીશ. દોઢ વર્ષ પહેલાં જ તેના પપ્પા ગુજરી ગયા.”
રાહુલ અને તેમનાં માતા પાટણ શહેરના પીપળાશેર ઠાકોરવાસમાં રહેતાં હતાં.
રવિવારની સાંજે તે તેમના ભાઈબંધ સાથે મસાલો ખાવા ગયો ત્યારે કનસડા દરવાજા નજીક તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ વિષ્ણુએ રાહુલના પેટમાં અને છાતીમાં ચાકૂ હુલાવી દીધું હતું. એ વખતે બંને વચ્ચે ઝપ્પાઝપી પણ થઈ. રાહુલ બચવા માટે રતનપોળ તરફ ભાગ્યા હોવાનું પોલીસ જણાવે છે. ભાગતાંભાગતાં રાહુલ બેભાન થઈ ઢળી પડ્યા અને એ વખતે આસપાસના લોકો તેને 108 ઍમ્બ્યુલન્સમાં લઈ હૉસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.