અમદાવાદ : 'સેક્સમૅનિયાક' ઠંડીમાં એક કલાક નાહ્યો અને ઉકેલાઈ ગયો બે મહિલાઓની હત્યાનો ભેદ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • અમદાવાદ પાસે આવેલા કણભા ગામમાં લાકડા વીણતી બે મહિલાઓની ધારિયાના ઘા મારીને હત્યા કરાઈ હતી
  • મૃતદેહો નદીના કોતરોમાંથી મળી આવ્યા હતા. આજુબાજુ ઝાડી ઝાંખરામાં પગલાના કોઈ નિશાન મળતા નહોતા
  • ડોગ સ્ક્વૉર્ડ પણ પગેરું મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ સંજોગોમાં ટેક્નિકલ સર્વેલન્સ શક્ય નહોતું
  • જે વ્યક્તિ સામાન્ય રીતે ન્હાવામાં પાંચ મિનિટમાં નહાઈ લેતી તે હત્યાના દિવસે એક કલાક નાહી મામલાની ગૂંચ ઉકેલાઈ ગઈ.

"અમદાવાદના કણભા ગામે બે મહિલાની હત્યાની કોઈ કડી મળતી નહોતી. અઠવાડિયાની મહેનતને અંતે અમને એક માહિતી મળી કે ચોકીદારી કરતો એક શખ્શ હંમેશાં લાકડાં વીણવા આવતી બહેનો પાસે કપડાં ધોવડાવતો હતો જે આજે જાતે પોતાનાં કપડા ધોતો હતો. પાંચ મિનિટમાં નાહી લેનારા આ શખ્સે એક કલાક લગાડ્યા અને શંકાઈ ગઈ. પોલીસે શંકાના આધારે એની તપાસ કરી તો તેણે ગુનો કબુલી લીધો. મહિલાઓ જાતીય સંબંધ બાંધવા તૈયાર નહોતી એટલે એણે એમને મારી નાખી હતી."

આ શબ્દો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે.એસ. સિસોદિયાના.

અમદાવાદ પાસે આવેલા કણભા ગામમાં લાકડા વીણતી બે મહિલાઓની ધારિયાના ઘા મારીને હત્યા કરાઈ હતી.

મૃતદેહોને નદીની કોતરમાંથી મળી આવ્યા હતા. આજુબાજુ ઝાડીઝાંખરામાં પગલાંનાં કોઈ નિશાન મળતાં નહોતાં. જે નિશાન મળ્યાં એની પોલીસે તપાસ કરાવી તો તે પશુપાલકોનાં જણાયાં હતાં.

પીએસઆઈ સિસોદિયા ઉમેરે છે, "ડોગ સ્ક્વૉર્ડ પણ પગેરું મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ સંજોગોમાં ટેકનિકલ સર્વેલન્સ શક્ય નહોતું."

પોલીસે મૃતક ગીતાબહેન ઠાકોર અને માંગીબહેન ઠાકોરના ગાંધીનગરના ડભોડા ગામમાં અને સાસરીના અમદાવાદના ઘુમા ગામમાં તપાસ કરી. તપાસમાં કોઈ ઝઘડો કે વિવાદ જણાયો નહોતો.

આવામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ પર જ આધાર રાખવો પડે એમ હતો.

પોલીસે આસપાસનાં ગામોના લોકો, નદીનાં કોતરોમાં લાકડા વીણવા જતા અને ઢોર ચરાવવા જતા લોકો સાથે વાતચીત કરી.

પીએસઆઈ જણાવે છે, "બે અઠવાડિયાં બાદ અમને લોકો પાસેથી માહિતી મળી કે આ બે મહિલાઓ ભુલાવડી ગામની ગોચરની જમીનમાં વહેલી સવારે લાકડાં વીણવા જતી હતી. એ સમયે અહીંના ખેતરમાં કામ કરતા રોહિત ચુનારાએ 48 વર્ષીય ગીતાબહેન ઠાકોરને લાકડા કાપવાના બદલામાં શરીર સંબંધ બાંધવાં કહ્યું હતું. ભાગી આવેલાં ગીતાબહેને આ વાત ગામલોકોને કરી હતી. "

રોહિત ચૂનારા વિશે પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે કાવિઠાના રોહિત ચુનારાને મહિલાઓ સાથેના દૂર્વ્યવહારને પગલે નાત બહાર મુકવામાં આવ્યો હતો. જેને પગલે રોહિત લાંભા ગામમાં મજૂરી કરતો હતો અને ત્યાં પણ મહિલાઓ સાથેના દૂર્વ્યવહારને પગલે ગામલોકોએ કાઢી મુક્યો હતો.

પીએસઆઈ કહે છે, "રોહિતના એક સંબંધીએ અમને ચોંકાવનારી વાત કરી કે રોહિતે એના સાળાની પત્ની પર બળાત્કારની કોશિશ કરી હતી. એ સમયે એના પિતા ચતુરભાઈએ ઠપકો આપ્યો તો રોહિતે પિતાનો જ કાન કાપી નાખ્યો હતો."

'એ દિવસે એ પાંચ મિનિટને બદલે કલાક નાહ્યો'

આજુબાજુના ખેતમજૂરોએ પણ જણાવ્યું કે રોહિત વ્યસની હતો અને વ્યસન માટે લોકો પાસેથી ધારિયું બતાવીને પૈસા પડાવતો હતો. પૈસા ન આપે તેને માર મારતો હતો. પત્ની સાથે પણ મારઝૂડ કરતો હતો.

ખેતમજૂરોએ એવું પણ જણાવ્યું હતું કે રોહિત ખેતરના બોરમાં સામાન્ય રીતે માંડ બે પાંચ મિનિટ નાહતો હતો પણ હત્યાના દિવસે ઠંડી ખુબ હતી છતાં એ એક કલાક નાહ્યો હતો.

સામાન્ય રીતે એ એનાં કપડાં લાકડા વીણવા આવતી મહિલાઓ પાસે ધોવડાવતો હતો પણ હત્યાના દિવસે લોકોએ તેને જાતે કપડાં ધોતા જોયો હતો.

એક ખેત મજૂરે પોલીસને બાતમી આપી કે તેમણે કપડાં પર લોહીના ડાઘા જોયા હતા અને રોહિતને તેના વિશે પૂછ્યું તો એણે કહ્યું કે એ ખારી નદીમાં સસલાનો શિકાર કરવાની વાત કરી હતી.

જોકે આસપાસ એમને ક્યાંય સસલાનો અણસાર પણ જણાયો નહોતો.

પોલીસને એક ખેડૂતે જણાવ્યું હતું કે રોહિતે એને સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા જવાની વાત કરી હતી.

આ તમામ કળીઓના ભેગી કરતાં પોલીસની શંકા વધારે બળવંત બની હતી. શંકાના આધારે પોલીસે રોહિતને પકડી લીધો અને શરૂઆતની આનાકાની બાદ એણે ગુનો કબુલી લીધો.

"મેં પિતાનો કાન કાપી નાખ્યો હતો"

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રોહિત ચુનારા કબુલ્યું, "મેં ઘણી મહિલાઓ સાથે ડરાવીધમકાવીને શરીર સંબંધ બાંધ્યો છે. જો કોઈ મહિલા મારી વાત ન માને તો હું એને લાકડા વીણવા નહોતો દેતો અને મારીને ભગાડી મૂકતો હતો."

આગળની કબુલાતમાં એ જણાવે છે, "મારા સાળાની પત્ની સાથે મેં શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી અને તેણે ના પાડી તો મેં તેને મારી હતી. તેણે અમારી નાતની પંચાયતમાં ફરિયાદ કરી એટલે મને દંડ થયો હતો. એ દિવસે મારા પિતાએ મને ઠપકો આપ્યો તો મેં એમનો કાન કાપી નાખ્યો હતો. બધા મામલા ઘરમેળે પતી ગયા હતા એટલે મારે ડર જતો રહ્યો હતો."

રોહિત કહે છે, "ગીતાબહેનએ મને શારીરિક સંબંધ રાખવાની ના પાડી અને ગામના લોકોને ફરિયાદ કરવાનું કહ્યું એટલે મેં ગુસ્સામાં આવી એને ડરાવવા ધારિયું ઉગામ્યું. મને એમ કે એ ડરીને ભાગી જશે પણ સામે થઈ એટલે મેં એને મારી નાખી."

"ગીતાને મારતા માંગીબહેન જોઈ ગઈ એટલે મેં એને પણ મારી નાખી. કપડાં પરના લોહીના ડાઘનું બહાનું કાઢવા સસલાના શિકારની વાત ઉપજાવી કાઢી હતી. બે અઠવાડિયાં સુધી હું પકડાયો નહીં. પોલીસ ગામમાં આંટા મારતી હતી એટલે હું સૌરાષ્ટ્રમાં ભાગી જવા માંગતો હતો પણ મારા શેઠ લગ્નમાં ગયા હતા, મારો 15 દિવસનો પગાર મળે એટલે હું ભાગી જવાનો હતો પણ એ પહેલાં પકડાઈ ગયો."

આવી માનસિકતા અંગે જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર જ્યોતિક ભચેચે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "આવા લોકોની માનસિકતા એવી હોય છે કે એમની જાતીય ઈચ્છા કોઈ પણ ભોગે પૂરી થવી જોઈએ. જો ઈચ્છાપૂર્તિ ન થાય તો આવા લોકો હિંસક બની જાય છે અને સામેની નિર્બળ વ્યક્તિને તાબે કરે છે. આમ એમની હિંમત ખૂલતી જાય છે. સમાજના ગરીબ વર્ગમાં મહિલાઓનું જાતીય શોષણ થાય ત્યારે પુરુષ કરતાં વધુ મહિલાને દોષિત ગણવામાં આવે છે. આ કારણે આવા કિસ્સાનું પ્રમાણ વધે છે."

તેઓ ઉમેરે છે, "ગામડાઓમાં અમુક જ્ઞાતિઓમાં પંચાયત દંડ કરે એવી પ્રથા છે એટલે પોલીસના ચોપડે કેસ નોંધાતા નથી અને એટલે કાયદાની બીક એમને નથી હોતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો