રશિયન મહારાણી એના પ્રથમ : એ મહારાણી જેમણે આકરી ઠંડીમાં એક નવદંપતીને બરફના મહેલમાં સુહાગરાત માણવા મોકલ્યું

    • લેેખક, દલ્હિઆ વેન્ચુરા
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

હકીકત એ છે કે તેઓ રશિયન કુલીન હતા અને તેણી એક ઈટાલિયન ધર્મશાળા માલિકની પુત્રી. તેઓ રાજકુમાર મિખાઈલ અલેક્સેવિચ ગોલિત્સિનને લુસિયાના ઉત્કટ પ્રેમમાં પડતાં અટકાવી શક્યા ન હતા.

બીજી હકીકત એ છે કે તેઓ ગુપ્ત રીતે કેથલિક ધર્મ અપનાવશે તો જ તેણી તેમની સાથે લગ્ન કરશે એવી શરત મૂકી હતી અને તેની સામે તેમને કોઈ વાંધો ન હતો.

જોકે, આ દંપતી 1732માં સાર્વભૌમ મૉસ્કોમાં પહોંચ્યું ત્યારે રશિયન એનાની નજરમાં તે અક્ષમ્ય પાપ હતું. તે પાપ માટે તેમને ઊંડો પસ્તાવો કરાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.

ગોલિત્સિન જેવા દરજ્જેદાર માણસ માટે રશિયન ઓર્થોડોક્સ ધર્મનો ત્યાગ અસ્વીકાર્ય હતો, ખાસ કરીને તે પ્રેમ માટે કરવામાં આવ્યો હોય તો.

ઝારિનાના મનમાં ભારોભાર કડવાશ વ્યાપી ગઈ હતી. કડવાશની લાગણી ક્યારેક ધિક્કાર કરતાં પણ વધુ ઘાતક સાબિત થતી હોય છે. તેના શાસનકાળને અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે અને તે રશિયન ઈતિહાસમાંના સૌથી વધુ દુઃખદ સમય પૈકીનો છે.

પુરુષ દ્વારા લખવામાં આવેલા ઈતિહાસને આધારે મહિલા વિશે કોઈ ધારણા કરવાનું અનુભવે આપણને શિખવ્યું છે, પણ રાજકુમાર ગોલિત્સિનને તેણીએ કરેલી સજાનું પ્રકરણ તો નિશ્ચિત રીતે જ તેની તરફેણ કરતું નથી.

ઝારનાં પુત્રી

ઈવાન પંચમનાં પુત્રી હતાં એના. ઈવાન પંચમ અજ્ઞાની તરીકે ઓળખાતા હતા અને તેઓ ઝાર એટલે કે સમ્રાટ હોવા છતાં માત્ર ઔપચારિક ફરજ બજાવતા હતા, જ્યારે 'પીટર ધ ગ્રેટ' તરીકે જાણીતા તેમના સાવકા ભાઈ પીટર વાસ્તવમાં શાસન કરતા હતા.

પિતાનું મૃત્યુ થયું ત્યારે એના ત્રણ વર્ષનાં જ હતાં. તેમના કાકાની સત્તા પર મજબૂત પકડ હતી. તેમણે 1710માં એનાને (હવે લાતિવિયા તરીકે ઓળખાતા) કોર્ટલેન્ડ અને સેમિગાલિયાના ડ્યુક ફ્રેડરિક તૃતીય વિલિયમ કેટલર સાથે પરણાવવાનું નક્કી કર્યું હતું.

ઉત્સાહિત એનાએ તેના વાગ્દતને પત્ર લખ્યો હતો. એ પત્રમાં લખ્યું હતું કે "મારા પ્રત્યેના પ્રેમની જાહેરાત કરી તેનાથી વધુ આનંદદાયક બીજું કશું નથી એ વાત હું આપને ખાતરીપૂર્વક જણાવવા ઈચ્છું છું."

"હું પણ તમારા જેવી જ લાગણી અનુભવું છું. હું આપણી આગામી મુલાકાતની રાહ જોઈ રહી છું અને એ વખતે મને આ લાગણી તમારી સામે અંગત રીતે વ્યક્ત કરવાની તક ઈશ્વરકૃપાથી મળશે."

તેમનાં લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યાં હતાં અને બે દિવસ પછી પિટર ધ ગ્રેટ દ્વારા તેની ઉજવણી વિચિત્ર રીતે કરવામાં આવી હતી, જેમાં નવદંપતિનાં લગ્ન વામન મહેમાન સાથે કરવામાં આવ્યાં હતાં.

'પિટર ધ ગ્રેટઃ અ બાયોગ્રાફી' નામના પુસ્તકમાં લિન્ડસે હ્યુજીસે લખ્યું છે કે "ભોજન સમારંભમાં વામન લોકો ઓરડાની મધ્યમાંના નાનકડા ટેબલ પર બેઠા હતા અને દરબારીઓ તેમને નિહાળતા હતા."

"તેઓ ખાસ કરીને વૃદ્ધ, કદરૂપા, ખુંધિયા, મોટા પેટવાળા વામનોને જોઈને ખડખડાટ હસતા હતા. નાના પગ હોવાને કારણે વામનો માટે ડાન્સ કરવાનું મુશ્કેલ હતું, તેઓ દારૂના નશામાં ચકચૂર થઈને પડી જતા હતા અને એકમેકની સાથે ઝઘડા કરતા હતા. આ બધું નિહાળીને દરબારીઓને મજા પડતી હતી."

વિધવાની વાત

લિન્ડસે હ્યુજીસ આ કાર્યક્રમને નવદંપતિ તથા સમગ્ર રશિયન દરબાર પ્રત્યેના પીટર ધ ગ્રેટના તિરસ્કારની અભિવ્યક્તિના કાર્યક્રમ તરીકે વ્યાખ્યાઈત કરે છે. તેમાં નવા વર બનેલા રાજકુમારે પ્રચૂર પ્રમાણમાં દારૂ પીધો હતો અને ટૂંક સમયમાં જ ઢળી પડ્યા હતા.

તેના બે મહિના બાદ, 17 વર્ષની એનાના હાથમાં તેના માટે અજાણ્યા પ્રદેશનો કારભાર સોંપીને, તેઓ મૃત્યુ પામ્યા હતા.

પોતાના ફરી લગ્ન કરાવી આપવાની વિનંતી એનાએ સંખ્યાબંધ પત્રોમાં કરી હતી, પરંતુ તેના કાકા પીટર ધ ગ્રેટે તેની એકેય વિનંતીને કાને ધરી નહોતી. તેઓ માનતા હતા કે એનાનાં ફરી લગ્ન કરવામાં આવશે તો તેમણે કોર્ટલેન્ડ અને સેમિગલિયા પરનો અંકુશ ગૂમાવવો પડશે.

તેથી તેમણે નિયતિનો સ્વીકાર કરવો પડ્યો હતો, પરંતુ વિશ્વના કોઈ ખૂણામાં તેમના માટે કશુંક આકાર લઈ રહ્યું છે એ તેઓ જાણતા ન હતા. પીટર ધ ગ્રેટના પૌત્રનું મૃત્યુ, તેઓ કોઈ બાળકના પિતા બને તે પહેલાં થયું હતું. તેથી એના તેમનાં અનુગામી બન્યાં હતાં.

મહારાણી તરીકે એનાની પસંદગી, સામ્રાજ્યની રાજગાદી માટે રશિયન વ્યક્તિને શોધવાના અને બળવો અટકાવવાના મરણિયા પ્રયાસોનું પરિણામ હતી.

બીજો કોઈ વિકલ્પ ન હતો, પરંતુ શ્રીમંત પરિવારો વડે બનેલી કારોબારી, રશિયાની સર્વોચ્ચ પ્રિવી કાઉન્સિલે, તેમાં ચાલાકી કરવાનું આસાન હશે એમ વિચારીને આ વિકલ્પ પસંદ કર્યો હતો, પણ તેમની ધારણા ખોટી હતી.

સત્તા પોતાના હાથમાં ન રહે એટલે એનાએ ચોક્કસ શરતો સાથે દસ્તાવેજો પર સહી કરી હતી, પણ તેઓ મૉસ્કો આવ્યા પછી તેમણે એ કરાર તોડી નાખ્યો હતો, કાઉન્સિલ નાબૂદ કરી હતી અને આપખુદશાહીની પુનઃ સ્થાપના કરી હતી.

બરફનો મહેલ

નવાં મહારાણીને સરકારી બાબતોમાં બહુ ઓછો રસ હતો. તેમને તેમના પ્રેમી અર્ન્સ્ટ જોહાન બિરોન તથા દેશનું સંચાલન કરતા જર્મન સલાહકારોના નાના જૂથ પર બહુ ભરોસો હતો.

મહારાણીને ભવ્ય મનોરંજન, સેન્ટ પિટર્સબર્ગમાં ફાટફૂટ તેમજ પીટર ધ ગ્રેટ દ્વારા શરૂ કરવામાં આવેલી રશિયન એકૅડેમી ઑફ સાયન્સિસથી માંડીને વિશ્વના સૌથી મોટા ઘંટ પૈકીના એક ઝાર કોલોકોલ સુધીના ખર્ચાળ પ્રકલ્પો માટે મોટા પ્રમાણમાં નાણાં આપવામાં જ મુખ્યત્વે રસ હતો.

1729-1740ના શિયાળામાં મહારાણીએ તેમની કલ્પનામાંના એક પ્રકલ્પને મૂર્ત સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે સંપૂર્ણપણે બરફનો ફૂલ્લી ફર્નિશ્ડ મહેલ બનાવવાનો આદેશ આપ્યો હતો. વિજ્ઞાન અને જાદુના સંયોજનવાળા એ મહેલનું નિર્માણ અભૂતપૂર્વ હતું.

આદરણીય સ્થપતિ પીઓટર ઈરોપ્કિન અને વિજ્ઞાની જ્યોર્જ વુલ્ફગેન્ગ ક્રાફ્ટે નેવા નદીના કિનારે વિન્ટર પૅલેસ તથા નૌકાદળના વડા મથકની વચ્ચેના વિસ્તારમાં બરફની મોટી પાટોને થીજેલા પાણી વડે જોડીને આઈસહાઉસનું નિર્માણ કર્યું હતું. તેમાં ખુલ્લા મોંવાળી ડોલ્ફિનથી સુશોભિત રવેશની પાછળ, ઘડિયાળ સાથેનો એક ઓરડો, વાનગીઓ અને ભોજન સામગ્રી સાથેનો ડાઇનિંગ રૂમ, ગાદલાં, ધાબળાં અને પડદાવાળો એક ઓરડો હતો.

એ બધું બરફમાંથી બનાવવામાં આવ્યું હતું અને કુદરતી રંગોથી રંગાયેલું હતું. તેમાં પક્ષીઓ તથા પશુઓની ડરામણી આકૃતિઓ હતી અને સૌથી વધારે પ્રભાવશાળી હતો બરફમાંથી બનાવવામાં આવેલો આદમ કદનો હાથી.

આ મહેલને નિહાળનારાઓના જણાવ્યા અનુસાર, તે જીવંત હાથીની જેમ જોરથી ચીસ પાડી શકતો હતો. ચીસનો અવાજ તેમાં છૂપાયેલો માણસ ટ્રમ્પેટ ફૂંકીને કાઢતો હતો.

તે આઈસ હાઉસ, રશિયાએ ઓટ્ટોમન સામ્રાજ્ય પર મેળવેલા વિજયની ઉજવણી માટે મહારાણીએ કરેલો અકલ્પ્ય અપવ્યય હતો.

લોકોનાં લગ્ન કરાવવાં તથા ધર્મપરિવર્તન કરનાર રાજકુમારને સજા આપવી તે મહારાણીને ગમતું મનોરંજન હતું અને "તમામ કાફરો પરના સંપૂર્ણ વિજય"ની ઉજવણીનો આનાથી વધારે ઉત્તમ રસ્તો ક્યો હોય.

રાજકુમારની વાત

આ ઘટનાનાં વર્ષો પહેલાંથી મિખાઈલ અલેક્સેવિચ ગોલિત્સિન પાસેથી રાજકુમાર પદ છીનવાઈ ગયું હતું.

એના પ્રથમે તેની પ્રિય લુસિયાનો દેશનિકાલ કર્યો હતો, તેનાં લગ્ન રદ કર્યાં હતાં અને તેની પદવી પણ પાછી ખેંચી લીધી હતી. તેણે આદેશ આપ્યો હતો કે લુસિયાના તમામ સત્તાવાર દસ્તાવેજોમાં પણ તેણીના પ્રથમ નામથી જ સંબોધન કરવાનું રહેશે. પછીના સમયમાં તો એવું પણ થયું નહીં.

એના પ્રથમે તેને સત્તાવાર જોકર બનાવ્યા પછી તેમનું હુલામણું નામ 'ક્વાસ્નિક' રાખ્યું હતું. તેને ક્વાસ નામનું પરંપરાગત પીણું પીરસવાની તેમજ મહારાણી તથા તેમના મહેમાનોનું મનોરંજન કરવાની ફરજ પાડવામાં આવતી હતી.

જોકે, 1740ના શિયાળામાં સૌથી મોટો ફટકો મારવામાં આવ્યો હતો. મહારાણીએ તેમની પ્રિય લુસિયાનાં લગ્ન તેમના ખુંધિયા, કદરૂપા નોકર સાથે કરવાનો નિર્ણય લીધો હતો. જોકરનાં વસ્ત્રોમાં નાખુશ દંપતિને છઠ્ઠી ફેબ્રુઆરીએ ચર્ચમાં આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પછી તેમને એક પાંજરામાં પુરીને એશિયન હાથીની પીઠ પર બેસાડવામાં આવ્યાં હતાં.

હાથીના પાછળ ચાલતો રશિયન સામ્રાજ્યના તમામ પ્રતિનિધિઓનો રસાલો આઈસ હાઉસ પહોંચ્યો હતો, જ્યાં નવદંપતિએ સુહાગરાત ઉજવવાની હતી.

આઈસ હાઉસ પહોંચ્યા પછી રાણીએ નવદંપતિને, ગાત્રો શિથિલ કરી દે તેવી ઠંડીમાં મૃત્યુ પામતા પહેલાં તેમનાં લગ્નને પરિપૂર્ણ કરવાની વિનતી કરી હતી. ત્યાર બાદ નવદંપતિનાં તમામ વસ્ત્રો ઉતારીને ઓરડામાં પૂરી દેવામાં આવ્યું હતું.

રાજકુમાર અને લુસિયા પરના મહારાણીના પ્રચંડ ક્રોધનું કારણ એટલું જ હતું કે એ બન્ને એકમેકને જેવો પ્રેમ કરતાં હતાં, એવો પ્રેમ તેઓ કોઈને કરી શક્યાં ન હતાં. તેમણે જે હાંસલ કર્યું હતું એ તો પરિકથાની પ્રેરણા જેવું હતું.

અવદોત્યાને તેના પતિના જીવ પર જોખમ જણાયું ત્યારે તેણે મોતીના અત્યંત મૂલ્યવાન નેકલેસના બદલામાં આઈસ હાઉસના ચોકીદાર પાસેથી ફરનો કોટ મેળવ્યો હતો. મોતીનો એ નેકલેસ મહારાણીએ તેને લગ્નની ભેટ તરીકે આપ્યો હતો.

રશિયન-ફ્રેન્ચ ઈતિહાસકાર હેન્રી ત્રોયાટના જણાવ્યા અનુસાર, નવદંપતિ બીજા દિવસે બરફના કારાગારમાંથી બહાર નીકળ્યું ત્યારે તેમની હાલત બહુ ખરાબ હતી. રશિયાના મહારાણી એના પ્રથમ એ જ વર્ષે ઑક્ટોબરમાં મૃત્યુ પામ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો