You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાણી રૂપમતી, જેમણે પતિને હરાવનાર દુશ્મન સાથે પરણવાને બદલે ઝેર પીધું
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર અને સંશોધક, લાહોર
આ દૃશ્ય સોળમી સદીના માલવાનું છે. આજની દિલ્હીથી દક્ષિણમાં લગભગ 700 કિલોમીટર દૂરનું આ ઐતિહાસિક ક્ષેત્ર મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની નજીક આવેલું છે.
લેખિકા માલતી રામચંદ્રનના જણાવ્યા અનુસાર, અહીં ખળખળ વહેતી નર્મદા નદીનું સંગીત સાંભળવા મળે છે. નદીની સાથે આગળ વધતા શિકારી બાઝ બહાદુરને એક અવાજ સંભળાય છે.
ચમેલીની સુંગધયુક્ત હવા ગીતની મધુરતાને સૂરીલા ટુકડાઓમાં ફેલાવી રહી છે. તેઓ અવાજનો પીછો કરે છે. "ચાલતાં-ચાલતાં તેમની નજર એક મોટા વૃક્ષ નીચે નૃત્ય-ગાયનમાં મગ્ન એક છોકરી પર પડે છે અને તેઓ મંત્રમુગ્ધ થઈને તેને નિહાળ્યા કરે છે. ગાયિકા સુમધુર રાગ છેડે છે અને બાઝ બહાદુર તેમના ગાયનમાં તલ્લીન થઈ જાય છે."
મિયાં બાયઝીદનું શાહી નામ બાઝ બહાદુર હતું. આમ તો તેઓ મધ્ય ભારતના માલવા રાજ્યના શાસક હતા, પરંતુ સંગીતમાં પણ પારંગત હતા. ઇતિહાસકાર અબુલ ફઝલે તેમને 'અદ્વિતીય ગાયક' ગણાવ્યા છે.
સૌંદર્ય તથા સ્વરનું આવું મિલન જોવા મળ્યું તેથી બાઝ બહાદુર દીવાના થઈ ગયા હતા. છોકરીએ બહુ ખચકાટ સાથે જણાવ્યું હતું કે તેનું નામ રૂપમતી છે.
એક લોકકથા મુજબ, લગ્નના પ્રસ્તાવનો જવાબ આપતાં રૂપમતીએ કહ્યું હતું કે "રેવા (નર્મદા નદી) માંડૂ (શહેર)માંથી વહેશે ત્યારે હું તમારી પરણેતર બનીશ."
બાઝ બહાદુર નદીમાં ઊતર્યા અને નદીને તેના વહેણથી 1,000 ફૂટ ઉપર આવેલા માંડૂમાંથી વહેવાની વિનંતી કરી. નદીએ તેમને જણાવ્યું હતું કે તેઓ તેમની રાજધાની પાછા જાય અને આંબલીનું એક ખાસ પવિત્ર વૃક્ષ શોધી લાવે. તેનાં મૂળમાં પાણીનો જે ફુવારો મળશે તે રેવાના પાણીનો હશે.
બાઝ બહાદુરે તે વૃક્ષ શોધી કાઢ્યું. તેનાં મૂળ ખોદીને તેમાંથી પાણીનો ફુવારો શોધી કાઢ્યો અને તેના પાણી વડે આખું સરોવર ભરીને રૂપમતીની શરત પૂરી કરી. એ સરોવરનું નામ રેવા કુંડ રાખવામાં આવ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાણી રૂપમતીનો નર્મદા પ્રત્યેનો પ્રેમ
માલતી રામચંદ્રન લખે છે કે બાઝ બહાદુરે રૂપમતીને પોતાની સાથે મહેલમાં આવવા કહ્યું ત્યારે રૂપમતીએ શરત મૂકી હતી કે તેને રોજ નર્મદા નદી જોવા મળશે તો જ તેઓ સુલ્તાનની સાથે મહેલમાં જશે.
એ વચન મુજબ બાઝ બહાદુરે મહેલમાં બે ગુંબજવાળી બંગલી બનાવી હતી, જ્યાં બેસીને રૂપમતી રોજ તેમની પ્રિય નદીને નિહાળતાં હતાં. પહેલી નજરે પ્રેમની આ કથાનું બયાન, બીજાં પુસ્તકો સિવાય અહમદ અલ ઉમરીના 1599ના એક પુસ્તકમાં પણ કરવામાં આવ્યું છે.
એમ એલ કરમ્પે 'ધ લેડી ઑફ ધ લોટ્સઃ રૂપમતી' નામના તે પુસ્તકનો અનુવાદ 1926માં 'માંડૂ કી મલિકાઃ વફાદારી કી એક અજીબોગરીબ કહાની' નામે કર્યો હતો.
'દરબાર-એ-અકબરી'માં મોહમ્મદ હુસૈન લખે છે કે "રૂપમતી પરીની પુત્રી જેવી હતી અને બાઝ બહાદુર તેના સૌંદર્યના દીવાના હતા. સોનામાં સુગંધ જેવી વાત એ કે રૂપમતી હાસ્ય, હાજરજવાબી, શાયરી અને ગાયનમાં બેજોડ હતાં, પૂનમના ચંદ્ર જેવાં હતાં."
કરમ્પનું કહેવું છે કે રૂપમતીને સંગીતકાર તથા કવયિત્રી તરીકે યાદ કરવામાં આવે છે. ભીમ કલ્યાણ રાગિણીનું સર્જન તેમણે કર્યું હતું.
'મુગલોં કે માતહત માલવા' નામના પોતાના શોધ નિબંધમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંશોધક સૈયદ બશીર હસને લખ્યું છે કે "રૂપમતીને રીતિ કાવ્યની ધારા સાથે સંબંધ હતો."
અલ ઉમરીના પુસ્તકમાં રૂપમતીએ 26 કવિતા લખી હોવાનું જણાવવામાં આવ્યું છે. એ પૈકીની કેટલીક કવિતા આ મુજબ છેઃ
मोहब्बत की बुलंदियों पर चढ़ना मुश्किल है
जैसे शाख़ों के बग़ैर खजूरों के गोल दरख़्त पर
ख़ुशक़िस्मत तो फलों तक पहुंच जाते हैं
बेनसीब ज़मीन पर गिर जाते हैं
રૂપમતી અને બાઝ બહાદુરની પ્રેમ કહાણી
1555માં મુસ્લિમ તથા હિન્દુ રિવાજ અનુસાર લગ્ન કર્યા બાદ છ વર્ષ સુધી આ બન્ને પ્રેમી ખુશીઓમાં ખોવાયેલા રહ્યા હતા.
ડૉ. તહઝીબ ફાતિમાના સંશોધન મુજબ, બાઝ બહાદુર કાયમ રૂપમતી સાથે જ રહેતા હતા. રૂપમતીને પણ બાઝ બહાદુર પ્રત્યે ઊંડો અને સાચો પ્રેમ હતો.
બન્ને એક ક્ષણ માટે પણ એકમેકથી દૂર રહી શકતા ન હતા. બાઝ બહાદુર રૂપમતીના પ્રેમમાં એવા બંધાઈ ગયા હતા કે તેમણે રાજપાટ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો.
"શેરશાહ સૂરીના પુત્ર સલીમ શાહ સૂરીના એક શક્તિશાળી શાસક દૌલત ખાને બાઝ બહાદુર પર હુમલો કરવાનું વિચાર્યું ત્યારે તેમણે તેમનાં માતાં મારફત પ્રભાવશાળી શાસકો સાથે, દૌલત ખાનને યુદ્ધથી દૂર રાખવા માટે ઉજ્જેન, માંડૂ અને બીજાં કેટલાંક ક્ષેત્ર તેમને હવાલે કરી દીધાં હતાં."
"એ પછી બાઝ બહાદુરે દૌલત ખાનની કોઈક રીતે હત્યા કરાવીને તેમનું મસ્તક સારંગપુર શહેરના દરવાજે લટકાવી દીધું હતું અને પોતાના જૂના વિસ્તારો ફરી કબજે કર્યા હતા. એ પછી રાયસેન અને ભલેસા પણ કબજે કરીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો, પરંતુ ત્યાર બાદ તેઓ ભોગ-વિલાસ અને સંગીતમાં ખોવાઈ ગયા હતા."
એ પરિસ્થિતિમાં તેમનું સામ્રાજ્ય વિખેરાવા લાગ્યું હતું. રાજપાટ પર દેખરેખમાં તેમની ગફલતને કારણે જાગીરદારો તથા અધિકારીઓને લોકો પર જુલમ કરવાની તક મળી ગઈ અને મોગલ સમ્રાટ જલાલુદ્દીન મોહમ્મદ અકબરનું ધ્યાન માલવા તરફ આકર્ષિત કર્યું હતું.
અકબરે માહમ અંગાના પુત્ર અધમ ખાનના નેતૃત્વ હેઠળ પોતાના સૈન્યને માર્ચ, 1570માં માલવા તરફ રવાના કર્યું હતું. બાઝ બહાદુર સારંગપુરમાં રહેતા હતા અને મુઘલ સૈન્ય સારંગપુર પહોંચ્યું ત્યારે બાઝ બહાદુર ત્યાંથી ત્રણ કોસ આગળ નીકળી ગયા હતા અને ત્યાં પડાવ નાખ્યો હતો.
જોકે, તેઓ અધમ ખાનનો મુકાબલો કરી શક્યા ન હતા. એ યુદ્ધમાં અધમ ખાનના હાથે અટગા ખાં માર્યા ગયા હતા. બાઝ બહાદુર હારીને દક્ષિણ-પશ્ચિમ તરફ નર્મદા નદી તથા તાપીની પાર ખાનદેશ તરફ ભાગી છૂટ્યા હતા. ખાનદેશ વિસ્તાર આજે મહારાષ્ટ્રમાં છે.
રૂપમતી ઝેર ખાઈને ઊંઘી ગયાં
મોહમ્મદ હુસૈન આઝાદ લખે છે કે "બાઝ બહાદુરના પરિવારમાં પુરાણું સામ્રાજ્ય હતું અને પાર વિનાની દોલત હતી. તમામ પ્રકારના હીરા-ઝવેરાત અને ભેટોથી તે સમૃદ્ધ હતું. તેમની પાસે હજારો હાથી હતા. તેમના ઘોડારમાં સંખ્યાબંધ અરબી અને ઈરાની અશ્વો હતા. આટલી ચિકાર દોલત હાથમાં આવતાંની સાથે જ અધમ ખાન મદમસ્ત થઈ ગયા હતા. તેમણે કેટલાક હાથી બાદશાહ અકબરને મોકલ્યા હતા અને પોતે અહીં જ અડિંગો જમાવ્યો હતો. જીતેલાં રાજ્યો તેમણે પોતે જ તેમના વફાદાર શાસકોમાં વહેંચી નાખ્યાં હતાં."
રૂપમતીના સૌંદર્ય તથા ગુણનું ગૌરવગાન સાંભળીને અધમ ખાન પણ લટ્ટુ થઈ ગયા હતા અને તેમણે સંદેશો મોકલ્યો હતો. તેના જવાબમાં રૂપમતીએ જણાવ્યું હતું કે "જાઓ, લૂંટાયેલા ઘરના લોકોની સતામણી ન કરો. બાઝ બહાદુર ગયા, બધું ચાલ્યું ગયું. હવે દિલ તૂટી ગયું છે."
અધમ ખાને ફરી કોઈ અન્યને મોકલ્યા. હૈયું તો માનતું ન હતું, પરંતુ રૂપમતી સમજી ગયાં હતાં કે આ રીતે છૂટકારો નહીં થાય. તેમણે બે-ત્રણ વખત મળવાનું ટાળીને, આખરે મળવાનું વચન આપ્યું.
એ રાત આવી ત્યારે રૂપમતી સવાર-સવારમાં સજી-ધજી, માથામાં ફૂલ નાખી, અત્તર લગાવીને ખુશખુશાલ મિજાજમાં ઓરડામાં ગયાં અને પગ ફેલાવીને સૂઈ ગયાં. બીજી તરફ અધમ ખાન તેમને મળવા તલપાપડ હતા. મળવાનો નિયત સમય થયો ન હતો, તેમ છતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા.
"તેઓ રૂપમતીને જગાડવા, હરખાતા-હરખાતા ઓરડામાં પ્રવેશ્યા હતા, પણ રૂપમતી કઈ રીતે જાગે? તેઓ તો ઝેર ખાઈને ઊંઘી ગયાં હતાં."
રૂપમતીના અંતિમ સંસ્કાર સારંગપુરમાં કરવામાં આવ્યા હતા. આ બધી ઘટનાઓને કારણે અધમ ખાનથી અકબર નારાજ હતા, પણ જ્યારે તેમણે તેમના સાવકા પિતાની હત્યા કરી ત્યારે તેની સજા સ્વરૂપે તેમને મૃત્યુદંડ આપ્યો હતો.
એ પછીના સમયમાં બાઝ બહાદુરે મુઘલ બાદશાહતનો સ્વીકાર કર્યો હતો અને સમ્રાટ અકબરના હાથ નીચે કામ કરવા લાગ્યા હતા. બાદમાં બાઝ બહાદુરને પણ તેમની પ્રેમિકાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો