You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનાનું દિલ, સોનાની જીભ... અને ઘણું બધું, એક મમીમાં છુપાયેલો છે કરોડોનો ખજાનો
- ઇજિપ્તમાં તૂતનખામેનના મમીની ભવ્યતા અને તેની સમૃદ્ધિ અંગે તો તમે જરૂર સાંભળ્યું હશે
- પરંતુ હવે તેના વૈભવનાં કીર્તિમાનોને પડકારતું વધુ એક મમી સામે આવ્યું છે
- જાણવા મળ્યું છે કે મમીનું દિલ સોનાનું છે
- બીજું આ મમીમાં શું શું ખાસ છે?
તૂતેનખામેનના વૈભવને હવે પ્રતિદ્વંદ્વિતા મળી રહી છે. ઇજિપ્તમાં 2300 વર્ષ પહેલાં સોનાના દિલ સાથે દફન કરાયેલ પ્રાચીન ઇજિપ્તના કુલીન વર્ગના એક યુવાનના મમીએ આ પડકાર ફેંક્યો છે.
આ મમી સૌથી પહેલાં 1916માં મળ્યું હતું, એવું મનાય છે કે આ કિશોરનું મૃત્યુ 14-15 વર્ષની ઉંમરમાં જ થઈ ગયું હતું.
જોકે, આ મમીને સદી કરતાં પણ વધુ સમય સુધી ડઝનો મમી સાથે કાહિરાસ્થિત ઇજિપ્ત સંગ્રહાલયના સ્ટોર રૂમમાં રખાયું હતું. વિશેષજ્ઞોએ અત્યાર સુધી તેનું ગહન અધ્યયન નહોતું કર્યું.
કાહિરા યુનિવર્સિટીના ડૉ. સહર સલીમના નેતૃત્વમાં એક ટીમે સીટી સ્કૅનર થકી આ મમીનું અધ્યયન કરવાનો નિર્ણય કર્યો અને તેમના આ નિર્ણયે ઘણું બધું બદલી નાખ્યું.
મમીની તસવીરોથી ખબર પડી છે કે મૃતકના દેહની અંદર અલગઅલગ 49 તાવીજ હતાં જેમાંથી ઘણાં સોનાનાં બન્યાં હતાં. આ જ કારણે આ મમીનું નામ ‘ધ ગોલ્ડન બૉય’ રાખવામાં આવ્યું છે.
ડૉ. સલીમે એક મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક લેખમાં આ જાણકારી આપી છે.
આ શોધ બાદ હવે આ મમીને ઇજિપ્તના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં પોતાની અલગ જગ્યા મળી ગઈ છે.
છૂપો ખજાનો
સ્કૅનથી એ વાતની ખબર પડી કે મૃતક પ્રાચીન ઇજિપ્તના ઉચ્ચવર્ગમાંથી, હતો કારણ કે ‘તેનાં દાંત અને હાડકાં સ્વસ્થ હતાં અને કુપોષણનો કોઈ સંકેત નહોતો.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના મૃતદેહને ઉચ્ચ સ્તરની મમી પ્રક્રિયાથી સંરક્ષિત કરાયો હતો. તેનાં મગજ અને શરીરનાં અંદરનાં અંગોને કાઢી લેવાયાં હતાં.
આ કિશોરની ખતનાની પ્રક્રિયા નહોતી થઈ. તસવીરોથી ખબર પડે છે કે પાટા નીચે આ કિશોરના શરીરમાં બે આંગળી જેટલી એક વસ્તુ લિંગ પાસે હતી. મૃતકના મોઢામાં જીભ પણ સોનાની હતી અને છાતીની નીચે દિલ જેવું સોનાનું બનેલું એક ઝીંગૂર હતું.
ડૉ. સલીમ પ્રમાણે પ્રાચીન ઇજિપ્તમાં લોકો મૃતકોના દેહો સાથે તાવીજ મૂકતાં જેથી તેમને આગામી જીવનમાં સુરક્ષા અને જીવનશક્તિ પ્રાપ્ત થાય.
વિશેષજ્ઞ કહે છે કે, “મોઢાની અંદર સોનાની જીભ એ હેતુસર રખાઈ હતી કે આગામી જીવનમાં મૃતક બોલી શકે.”
તસવીરોથી એ વાતની પણ ખબર પડે છે કે આ કિશોરના મૃતદેહને સેન્ડલ પહેરાવાયાં હતાં અને ફૂલમાળાથી સજાવાયો હતો.
ટૉલમી કાળ (ઈસવીસન પૂર્વે 332-30)ની મનાઈ રહેલ આ મમી વર્ષ 1916માં દક્ષિણ ઇજિપ્તના એદફૂ વિસ્તારમાંથી મળી આવ્યું હતું.
તેનાં છ વર્ષ બાદ બ્રિટનના પુરાતત્ત્વવિદ હોવાર્ડ કાર્ટરના નેતૃત્વમાં વૅલી ઑફ કિંગ્સમાં તૂતનખામેનનો મકબરો શોધાયો હતો.
‘ધ ગોલ્ડન બૉય’ને બે તાબૂતમાં સુરક્ષિત રખાયો હતો. તાબૂતના બહારના ભાગ પર યુનાની ભાષામાં વર્ણન અંકિત હતું જ્યારે અંદરનો ભાગ લાકડાનો બનેલો હતો. મૃતદેહ પર સોનાનું એક માસ્ક પણ હતું.
નુકસાન પહોંચાડ્યા વગર તપાસ
આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને લાગે છે કે આગળ હજુ વધુ ઘણી શોધો થશે.
ડૉ. સલીમ કહે છે કે, “19મી અને 20મી સદીમાં ઇજિપ્તમાં મોટા પ્રમાણમાં ખોદકામનું કામ થયું જેમાં સદીઓથી સંરક્ષિત પ્રાચીન મૃતદેહો બહાર આવ્યા, તેમાંથી ઘણા હજુ પણ ઢંકાયેલા છે અને પોતાનાં તાબૂતોમાં છે.”
“1835માં સ્થાપના બાદથી જ કાહિરાસ્થિત ઇજિપ્ત સંગ્રહાલય આવા ખજાનાના ભંડારનું કેન્દ્ર બન્યું છે. તેના ભોંયરામાં એવાં ઘણાં મમી છે જે દાયકાઓથી તાળામાં બંધ છે, જેમને ન ક્યારેય દેખાડવામાં આવ્યાં છે કે ના તેના પર કોઈ અભ્યાસ થયા છે.”
ડૉ. સલીમ જણાવે છે કે પહેલાં મમી પરથી પાટા હઠાવી દેવાતા હતા અને તેના પર પરીક્ષણ કરાતા. સંશોધન અને મનોરંજન માટે આવું કરાતું હતું જેનાથી ઘણાં મમીને નુકસાન પહોંચ્યું છે.
તેઓ કહે છે કે, “આજના સમયમાં કમ્પ્યુટરકૃત ટોમોગ્રાફી વગર નુકસાને મમીના અધ્યયનનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. આના થકી વૈજ્ઞાનિક નુકસાન પહોંચાડ્યા વગર મમીનું સ્વાસ્થ્ય, ઉંમર અંગે જાણી લે છે. તેમને પ્રાચીન ઇજિપ્તની માન્યતાઓ વિશે પણ ખબર પડી જાય છે.”
કમ્પ્યુટરકૃત ટોમોગ્રાફી રેડિયોલૉજીના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ વિકાસનું પ્રતીક બની ગયું છે. એક એકલી તસવીરનો ઉપયોગ કરવાના સ્થાને તેના શરીરના એક ભાગ (સૅક્શન)ની સેંકડો તસવીરો એકસામટી પાડવામાં આવે છે અને પછી તેના આધારે સંપૂર્ણ થ્રી-ડી મૉડલ વિકસિત કરાય છે.