અકબરનાં આયા અને મોગલ સામ્રાજ્યનાં સૌથી શક્તિશાળી મહિલા માહમ અંગાના પતનની કહાણી

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર તથા સંશોધક, લાહોર

માહમ અંગા મોગલ સમ્રાટ હુમાયુના દૂધ-શરીક ભાઈ (એક જ મહિલાને સ્તનપાન કરનાર) નદીમ ખાનનાં પત્ની હતાં અને એ નાતે તેમનાં ભાભી હતાં.

શેરશાહ સૂરી સામે હાર્યા બાદ હુમાયુ તથા તેમનાં પત્ની હમીદાબાનો બેગમ રાજકીય સમર્થન માટે ઈરાન ગયાં ત્યારે નદીમ ખાન તેમની સાથે હતા. પોતાના બે દીકરા કુલી ખાન તથા અધમ ખાન ઉપરાંત તેમનાં પત્ની પર મોગલ સામ્રાજ્યના નાનકડા વારસદાર અકબરના ઉછેરની જવાબદારી પણ હતી.

જોકે, માહમ અંગાએ અકબરને સ્તનપાન કરાવ્યું ન હતું, પરંતુ તેઓ અકબરને દૂધ પીવડાવનારી તથા તેમને દેખભાળ કરતી 10 મહિલાઓમાં અગ્રણી હતાં. તેમાં જીજી અંગા પણ સામેલ હતાં. તેમના પતિ શમ્સુદ્દીન મોહમ્મદ ખાન ઉર્ફે અતગા ખાને (દૂધ-શરીક ભાઈના પિતા) એક વખત હુમાયુનો જીવ બચાવ્યો હતો.

“પવિત્રતાનો નકાબ પહેરતાં માહમ અંગા અને બીજી સ્ત્રીઓના વિરોધને કારણે નિશ્ચલ જીજી અંગા કેટલાં દુખી હતાં અને શાહઝાદા તેમના સિવાય બીજા કોઈના દૂધ તરફ ધ્યાન જ નથી આપતા એવું હુમાયુ કહેતા ત્યારે તેમને કેટલું ખોટું લાગી જતું હતું,” તેનો ઉલ્લેખ અકબરનામામાં છે.

અબુલ ફઝલે અકબરની સાક્ષીએ એક ઘટના નોંધી છે. તે મુજબ, “પંદર મહિનાની વયના અકબર ત્યારે કંદહારમાં હતા. એક દિવસ માહમ અંગા અકબરની સેવામાં વ્યસ્ત હતાં. (હુમાયુના ભાઈ) મિર્ઝા અસકરીને જણાવવામાં આવ્યું હતું કે પરંપરા અનુસાર દીકરો ચાલતાં શીખે ત્યારે પિતા કે પિતાના મોટા ભાઈ અથવા તેમના સ્થાને હોય તેવી વ્યક્તિ પોતાની પાઘડી ઉતારીને તેનાથી એ દીકરો ચાલતો હોય ત્યારે તેને ઠપકારે છે.”

“હસરત જહાંબાની (હુમાયુ) તો હાજર નથી. તેથી તેમના સ્થાને આપ બુઝુર્ગ પિતા છો. તેથી કૃદૃષ્ટિથી બચાવતું આ શુકન આપ કરો. મિર્ઝાએ તે પળે જ પોતાના પાઘડી ઉતારીને મારી તરફ ફેંકી હતી અને હું પડી ગયો હતો.”

હુમાયુ તેમની સલ્તનત ફરી જીતીને પાછા ફર્યા ત્યારે અકબર 13 વર્ષના હતા. તેઓ દિલ્હી પાછા ફર્યા ત્યારે શાહી પરિવારની મહિલાઓ કાબુલમાં જ રહી હતી, પરંતુ માહમ અંગા તેમની સાથે આવ્યાં હતાં.

બીજા જ વર્ષે હુમાયુ મૃત્યુ પામ્યા હતા. 14 વર્ષના અકબરને તેમના સેનાપતિ બેરમ ખાને શહેનશાહનો તાજ પહેરાવ્યો અને ખુદને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા ત્યારે માહમ અંગા ત્યાં હાજર હતાં.

અકબર તેમને ખાનબાબા કહેતા હતા અને સંબંધમાં તેઓ તેમના ફુઆ પણ થતા હતા. અકબરના કહેવાથી શાહી પરિવારની મહિલાઓ કાબુલથી આગ્રા આવી ત્યારે માહમ અંગાએ શહેરની બહાર તેમનું સ્વાગત કર્યું હતું.

શહેનશાહની માહમ અંગા સાથેની ઘનિષ્ઠતાથી બેરમ ખાન ગભરાતા હતા, કારણ કે માહમ અંગા યુવા શાસક પર ધીમે-ધીમે પોતાનો પ્રભાવ તથા પ્રભુત્વ વધારી રહ્યાં હતાં, પરંતુ બેરમ ખાન આ બાબતે કશું કરી શકે તે પહેલાં માહમ અંગાએ બેરમ ખાનને મક્કાની ધર્મયાત્રા પર મોકલવા માટે અકબરની સંમતિ મેળવી લીધી હતી.

બેરમ ખાનનું મોત

આમ સત્તાવાર રીતે નહીં, પરંતુ ટેકનિકલી તેમણે બેરમ ખાનનો દેશનિકાલ કરાવ્યો હતો. બેરામ ખાન લાચાર થઈ ગયા હતા. 1561માં મુબારકખાન લોહાનીના નેતૃત્વ હેઠળની અફઘાનોની એક ટોળકીના હાથે ગુજરાતમાં મુસાફરી કરતી વખતે તેઓ માર્યા ગયા હતા. લોહાનીના પિતા 1555માં મચ્છીવાડાના યુદ્ધમાં મોગલો સામે લડતાં મૃત્યુ પામ્યા હતા.

મહમદ હુસેન આઝાદે ‘દરબારે અકબરી’ પુસ્તકમાં લખ્યું છે કે “ખાન-એ-ખાન બેરમ ખાનના દુશ્મનો તો ઘણા હતા, પરંતુ માહમ બેગમ, અધમ ખાન, તેમના દીકરા શહાબ ખાન, તેમના જમાઈ અને સંબંધીઓ એવા હતા કે જેમને બધા પ્રકારની વાત રજૂ કરવાની તક મળતી હતી.”

“અકબર તેમના અને તેમના સગાંઓના અધિકારને બહુ આદર આપતા હતા. એ પૈકીના જેને તક મળે તે અકબરને વાતેવાતે ઉશ્કેરતા હતા અને કહેતા હતા કે બેરમ ખાન તો હજૂરને બાળક સમજે છે અને આદર આપતા નથી. બલ્કે તેઓ એવું કહે છે કે મેં (અકબરને) તખ્તા પર બેસાડ્યા છે. હું ઇચ્છું ત્યારે તેમને ઉઠાડીને ગમે તેને બેસાડી શકું છું.”

“ખાન-એ-ખાનાએ જોયું કે દરબારીઓ તેમની વિરુદ્ધ થઈ ગયા છે ત્યારે તેમણે અરજી લખી હતી કે જે ઘરેલુ નોકર-ચાકર સાફ દિલથી સેવા કરે છે તેમના માટે આ ગુલામ (બેરમ ખાન) કશું ખરાબ વિચારતા નથી.”

મહમહ હુસેન આઝાદે આગળ લખ્યું છે કે “વાત એટલી વણસી ગઈ હતી કે તેમની અરજીની કોઈ અસર થઈ ન હતી. બહાર શહાબુદ્દીન અહમદખાન અભિભાવક થઈ ગયા હતા, જ્યારે માહમ અંગા અંદર બેસીને આદેશ આપવા લાગ્યાં હતાં અને એવી અફવા ફેલાવી હતી કે ખાન-એ-ખાના હજૂર એટલે કે અકબરની ખફગીનો ભોગ બન્યા છે.”

“જે પ્રધાનો અને દરબારના કર્મચારીઓ આગ્રામાં ખાન-એ-ખાના પાસે બેસતા હતા એ બધા દિલ્હી દોડી ગયા હતા. તેમના વફાદાર નોકરો તેમને છોડીને ચાલ્યા ગયા હતા. બીજી તરફ જે લોકો દિલ્હી જતા રહેતા હતા તેમને માહમ અંગા તથા શહાબુદ્દીન અહમદ ખાન ઊંચો હોદ્દા આપતા હતા અને જાગીર તથા સેવાની તક આપતા હતા.”

બેરમ ખાન સામે રજૂ કર્યા વિકલ્પ

અકબરનામાનાં અનેક પાનામાં અબુલ ફઝલે એક ફરમાન નોંધ્યું છેઃ “એક વખત શાહી સૈન્ય અને બેરમ ખાન વચ્ચે લડાઈ પણ થઈ હતી, પરંતુ બધા ઇતિહાસકારોએ એવું જરૂર નોંધ્યું છે કે બેરમ ખાનની દાનત ખરાબ ન હતી. બાદશાહની છાવણીનો ઉપરનો હિસ્સો દેખાયો ત્યારે તેઓ ઘોડા પરથી ઊતરી ગયા હતા.”

“પોતાના બખ્તરમાંથી તલવાર કાઢીને જાતે ગળામાં બાંધી, માથા પરના ફટકાથી પોતાના હાથ બાંધ્યા, પાઘડી માથેથી ઉતારીને ગળામાં લપેટી લીધી અને છાવણીની પાસે પહોંચ્યા. તેના સમાચાર સાંભળીને ખુદ અકબર ઊભા થઈ ગયા હતા. ખાન-એ-ખાના દોડીને તેમના પગ પર માથું મૂકીને રડવા લાગ્યા હતા.”

“બાદશાહ પણ તેમના ખોળામાં રમીને મોટા થયા હતા. તેઓ પણ રડી પડ્યા. તેમને ઉઠાડીને ભેટી પડ્યા અને જમણી બાજુ પાસે બેસાડ્યા. તેમના બાંધેલા હાથ ખોલી આપ્યા. પાઘડી મસ્તક પર મૂકી. એક પળ પછી અકબરે તેમને જણાવ્યું હતું કે ખાનબાબા હવે ત્રણ વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ કે શાસન કરવું હોય તો ચંદેરી તથા કાલપી જિલ્લા લઈ લો. ત્યાં જાઓ અને બાદશાહી કરો.”

“બીજો વિકલ્પ એ છે કે અમારી સાથે રહેવાનું પસંદ હોય તો મારી પાસે રહો. તમારા પ્રત્યેના આદરમાં જરાય ઘટાડો નહીં થાય. ત્રીજો વિકલ્પ એ છે કે હજ કરવાની ઇચ્છા હોય તો બિસ્મિલ્લાહ! તમારી રવાનગીનો સામાન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચંદેરી તમને આપી દીધું. તમે કહેશો ત્યાં નોકરો પૈસા મોકલી આપશે.”

ખાન-એ-ખાનાએ નિવેદન કર્યું હતું કે “હવે આયુષ્યનો અંતિમ પડાવ છે અને કોઈ ઇચ્છા બાકી નથી. અલ્લાના ઘરે પહોંચી જાઉં અને હજૂર (અકબર)ના સમૃદ્ધિસભર દીર્ઘાયુની પ્રાર્થના કરું એવી તમન્ના જ બાકી છે.”

આ રીતે હજની વાત નક્કી થઈ હતી. બાદશાહે તેમના માટે ખાસ વસ્ત્રો તથા ઉત્તમ અશ્વોની વ્યવસ્થા કરી આપી હતી. હાજી મહમદખાન સીસ્તાની તીન હઝારી અમીર (ક્ષેત્રીય શાસક) તેમના જૂના દોસ્ત હતા. બાદશાહે રસ્તામાં સલામતી માટે સૈન્યની સાથે તેમને પણ રવાના કર્યા હતા.

“સલીમશાહના મહેલોમાં એક કાશ્મીરી બીબી હતાં. તેમનાથી સલીમશાહને એક પુત્રી થઈ હતી. તે પણ ખાન-એ-ખાના સાથે હજ પર જવા રવાના થઈ હતી. તે ખાન-એ-ખાનાના પુત્ર મિર્ઝા અબ્દુર રહીમને બહુ ચાહતી હતી. અબ્દુરનું મન પણ તેની સાથે મળી ગયું હતું અને ખાન-એ-ખાના પોતાના દીકરાના લગ્ન તે છોકરી સાથે કરાવવા ઇચ્છતા હતા.”

“આ કારણે અફઘાન બહુ રોષે ભરાયા હતા. એક દિવસ મગરિબ એટલે કે સાંજના સમયે નમાઝ માટે નૌકામાંથી ઊતર્યા ત્યારે મુબારકખાન લોહાની 30-40 અફઘાનોને લઈને તેમની સામે આવી ગયા હતા. એ વખતે મુબારકે હાથ મિલાવવાના બહાને નજીક આવીને પીઠ પર ખંજર એટલું જોરથી માર્યું હતું કે તે છાતીમાંથી બહાર નીકળ્યું હતું. એક અન્ય જાલિમે મસ્તક પર તલવારનો ઘા કર્યો અને કામ તમામ થઈ ગયું હતું.”

લોકોએ આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે મુબારકે તેમને જણાવ્યું હતું કે મચ્છીવાડાની લડાઈમાં તેમના પિતા માર્યા તેનો બદલો લીધો છે.

સલ્તનતના નાયબ વડા બન્યાં અંગા

બેરમ ખાનની હત્યાનો અર્થ એ હતો કે માહમ અંગા મોગલ દરબારમાં પોતાની અદ્વિતિય વગનો ઉપયોગ કરી શકે તેમ હતાં.

ઘણા શ્રીમંતોએ માહમ અંગાને વફાદારીનું વચન આપ્યું હતું અને તેને બદલામાં ઢગલાબંધ ઇનામ મેળવ્યાં હતાં. માહમ અંગા પ્રતિભાશાળી અને યોગ્ય હતાં. શાહી પરિવાર તથા હરમનો અંકુશ તેમના હાથમાં હતો. તેથી તેમણે ટૂંક સમયમાં જ અકબરના દરબારી મામલાઓનું કામકાજ સંભાળી લીધું હતું.

મહિલાઓ માટે મસ્જિદ તથા મદરેસાનું નિર્માણ

માહમ અંગાએ 1561માં ખૈરુલ મનાઝિલ નામે માત્ર મહિલાઓ માટેની એક ઇમારતનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં મસ્જિદ તથા મદરેસા બન્ને હતાં.

ઐતિહાસિક ઇમારતો વિશે લખતા વરુણ ઘોષ માને છે કે હુમાયુના દીને પનાહ કિલ્લા(હવે પુરાના કિલ્લા)ની સામે અને શેરશાહ સૂરીના લાલ દરવાજા પછી તરત જ નિર્માણ પામેલી આ ઇમારત માહમ અંગાના સંકલ્પોને દર્શાવે છે.

તે ઇમારતના મુખ્ય દ્વાર પર ફારસી ભાષામાં આ શબ્દો અંકિત છેઃ “જલાલુદ્દીન મોહમ્મદ (અકબર)ના શાસનમાં આદરણીય માહમ અંગાએ નિર્માણ કરાવ્યું અને આ પવિત્ર કામમાં પવિત્ર પુરુષ શહાબુદ્દીન અહમદ ખાને (અંગાના જમાઈ) મદદરૂપ બન્યા.”

માહમ અંગાનું પતન

માહમ અંગાનું પતન તેમનાં કર્મોને કારણે નહીં, પરંતુ તેમના દીકરાને લીધે થયું હતું.

એક તરફ માહમ અંગા પોતાના સમર્થનમાં વધારો કરતાં હતાં અને બીજી તરફ અધમ ખાન તેમની મહેનતનાં ફળ ખાતા હતા. તેમની સમ્રાટ અકબર સુધી સીધી પહોંચ હતી અને તેમનું જીવન બેફિકર હતું.

માહમ અંગાને કારણે અધમ ખાન મોગલ ફોજના વડા બન્યા હતા. 1561માં સારંગપુરની લડાઈમાં મોગલ ફોજે વિજય મેળવ્યો હતો, પરંતુ અધમ ખાને તે લડાઈમાં જીતેલી મોટા ભાગની દોલત તથા ચીજો પોતાની પાસે રાખી લીધી હતી.

અકબરે માહમ અંગાના કહેવાથી અધમ ખાનને સજા તો કરી હતી, પરંતુ તે વિસ્તાર પર શાસનનું કામ પીર મોહમ્મદખાનને સોંપ્યું હતું.

નવેમ્બર, 1561માં અકબરે પોતાના પ્રિય સૈન્ય વડા જીજી અંગાના પતિ અતગા ખાનને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. તે નિર્ણયથી માહમ અંગા નારાજ થયાં હતાં.

અધમ ખાનની કહાણી

અધમ ખાને 1562ની 16 મેએ પોતાના સાથીઓ જોડે તેમના પર હુમલો કરીને તેમની હત્યા કરી હતી. એ પછી અધમ ખાન અંદરની તરફ ભાગ્યા ત્યારે નેમત નામના એક કિન્નરે તેમને રોક્યા હતા.

એ દરમિયાન થયેલી ધમાચકડી તથા ડરેલા લોકોની ચીસાચીસને કારણે અકબર ઊંઘમાંથી જાગી ગયા હતા. તેઓ બહાર નીકળ્યા હતા અને તેમણે અધમ ખાનને પકડી લીધો હતો.

અધમ ખાને પોતાના ગુનાના કારણ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અકબરે તેને એક મુક્કો મારીને નીચે પાડી દીધો હતો.

એ પછી અધમને એક માળની ઇમારતની છત પરથી નીચે ફેંકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 10 ફૂટની ઊંચાઈ પરથી પટકાવા છતાં અધમ ખાન જીવતો રહ્યો હતો.

તેથી અકબરે અધમ ખાનનું માથું નીચે રહે એ રીતે છત પરથી નીચે ફેંકવાનો આદેશ આપ્યો હતો. બીજી વખત અધમ ખાન બચી શક્યો ન હતો.

આ સમાચાર અકબરે પોતે માહમ અંગાને આપ્યા હતા. માહમ અંગાએ તેમને કથિત રીતે કહ્યું હતું કે “તમે સારું કર્યું.” જોકે, અધમ ખાનના મોતની માહમ અંગાને બહુ માઠી અસર થઈ હતી અને થોડા સમય પછી જ તેઓ મૃત્યુ પામ્યાં હતાં.

માહમ અંગાના બીજા પુત્ર કૂલી ખાન સંભવતઃ આ ગતિવિધિમાં સામેલ ન હતા. તેઓ અકબરના શાસનમાં આરામથી જિંદગી જીવતા રહ્યા હતા.

ભૂલભૂલૈયાની રચના

અકબરે તેમને દૂધ પીવડાવનાર માહમ અંગા (જેમને રજાઈ મા કહેવામાં આવે છે) અને પોતાના દૂધ-શરીક ભાઈ અધમ ખાનને દફનાવવા માટે એક મકબરો બનાવવાનો આદેશ આપ્યો હતો.

1830માં એક અંગ્રેજ અધિકારીએ તે મકબરાને પોતાનું નિવાસસ્થાન બનાવ્યો હતો અને તેમાંથી કબર હટાવી દીધી હતી. તેનો ઉપયોગ રેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન તથા પોસ્ટ ઓફિસ તરીકે પણ કરવામાં આવતો હતો.

ભારતના વાઇસરોય તથા ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને તેને ફરી મકબરામાં પરિવર્તિત કર્યો હતો. તેમના પ્રયાસોને કારણે અધમ ખાનના અવશેષો ફરી મૂળ સ્થાને પહોંચ્યા હતા, પરંતુ માહમ અંગાને અવશેષ ક્યારેય મળ્યા ન હતા.

આ ઇમારત વિશે આસારુસ-સનાદીદ પુસ્તકમાં સૈયદ અહમદ ખાને લખ્યું છે કે “તેની એક દિવાલમાં સીડી છે. બૂર્જની દિવાલ એ રીતે બનાવવામાં આવી છે કે તેની આજુબાજુ ફરીને આવી શકાય છે. તેમાં એક જગ્યાએ દૃષ્ટિભ્રમ થાય તેવી રચના છે. એ સ્થળે વ્યક્તિને એવું લાગે છે કે તે આ જ રસ્તેથી નીચે ઉતરી શકશે, પરંતુ નીચે ઉતરવાનો રસ્તો ખૂણામાં છૂપાયેલો છે. તેથી આ સ્થળ ભૂલભૂલૈયા તરીકે વિખ્યાત થયું છે.”

આ મોગલ શાસનકાળમાં બનેલા પહેલા મકબરાઓ પૈકીનો એક છે. શાહી આકાર-પ્રકારનું, કોઈ નકશીકામ કે સજાવટ વિનાનું અને મુલાકાતી માર્ગ ભૂલી જાય તેવું આ સ્મારક, અહીં દફનાવવામાં આવેલી વ્યક્તિઓના પતનનું પ્રતિક છે. એ લોકો ત્રીજા શહેનશાહ જલાલુદ્દીન અકબરના દરબારમાં સૌથી શક્તિશાળી હતા.