You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કિરણ પટેલ : કાશ્મીરમાં 'PMOના અધિકારી' બનીને ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર ગુજરાતી 'ઠગ' ખરેખર કોણ છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદ જિલ્લાના નાઝ ગામથી અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં સ્થાયી થયેલા કિરણ પટેલ કથિત રીતે ભાજપના નેતાઓ સાથે ઘરોબો હોવાનો દાવો કરતો હતો.
વર્ષ 2003થી તે અમદાવાદસ્થિત વિશ્વ હિંદુ પરિષદના કાર્યાલયમાં અવારનવાર જતો હતો અને પોતે ભાજપનો કાર્યકર હોવાની ઓળખ આપતો હતો. આ દરમિયાન પોતે ટૉન્ગોની ‘કૉમનવેલ્થ યુનિવર્સિટી’માં ઍડવાઇઝર હોવાનું સર્ટિફિકેટ બતાવતો. એણે પીએચડી કરી હોવાનો અને દિલ્હીના મીનાબાગ વિસ્તારમાં રહેતો હોવાનો દાવો કરતો હતો.
આ કિરણ પટેલ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને શ્રીનગરની સૅન્ટ્રલ જેલમાં રખાયો છે. કિરણ પટેલ વડા પ્રધાન-કાર્યાલયના વરિષ્ઠ અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં વીવીઆઈપી સુવિધા અને ઝેડ પ્લસ સુરક્ષા મેળવી હતી.
દેશભરમાં ચકચાર જગાવનારી આ ઘટનાએ કિરણ પટેલને ભલે રાષ્ટ્રીય મીડિયાએ સ્થાન આપ્યું હોય, આ પહેલાં પણ કિરણ પટેલ વિરુદ્ધ આ પ્રકારની છેતરપિંડીના આરોપ લાગી ચૂક્યા છે. અલબત્ત, એ તમામ ઘટનાઓ રાજ્યકક્ષાએ ઘટી હતી.
કાશ્મીર પોલીસના એડીજીપી વિજય કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસને મળેલી માહિતીના આધારે બીજી માર્ચે હોટલમાં દરોડો પાડ્યો હતો અને પટેલની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન કિરણ પટેલ પાસેથી 10 નકલી વિઝિટિંગ કાર્ડ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીરમાં નિશાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419, 420, 467 અને 471નો ગુનો નોંધાયો હતો.
જોકે, માત્ર કાશ્મીરમાં જ નહીં, ગુજરાતમાં પણ કિરણ પટેલ વિરુદ્ધ ગુના નોંધાયા છે અને લોકો એની છેતરપિંડીનો ભોગ પણ બન્યા છે. આ લોકોએ બીબીસી ગુજરાતીએ વાતચીત કરી હતી અને કિરણ પટેલ અંગે માહિતી આપી હતી.
એ વ્યક્તિ જે કિરણ પટેલને ઓળખે છે
ડૉ. અતુલ વૈદ્ય લાંબા સમયથી વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા છે અને પોતે કિરણ પટેલને મળી ચૂક્યા હોવાનો દાવો કરે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ડૉ. વૈદ્ય જણાવે છે, "વર્ષ 2003માં હું પહેલી વખત કિરણને મળ્યો હતો. તે નેતાઓને જોઈને કાયમ ઝૂકી જતો હતો. ખુદને ભાજપનો સામાન્ય કાર્યકર ગણાવતો અને પરિષદ કાર્યાલયમાં આવીને બધાનાં ખબરઅંતર પૂછતો હતો. પણ તેની સાથે કોઈ ગાઢ સંબંધ ન હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ દાવો કરે છે, "આચાર્ય ધર્મેન્દ્રજી (વિશ્વ હિંદુ પરિષદના નેતા)ના નિધન બાદ અમદાવાદના જગન્નાથમંદિરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો ત્યારે કિરણ મારી પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે તે વિદેશની યુનિવર્સિટીમાંથી ડૉક્ટર થઈ ગયો છે અને તેને પીએમઓ (વડા પ્રધાન-કાર્યાલય)માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેની જવાબદારી મળી છે."
ડૉ. અતુલ વૈદ્યના જણાવ્યા અનુસાર કિરણે તેમને કહ્યું હતું કે કાશ્મીર અને ઉત્તરાખંડમાં વિકાસનાં કાર્યોના પ્રોજેક્ટ તેમને આપવામાં આવ્યા છે. એ વખતે એણે ડૉ. વૈદ્યને દિલ્હીના કેટલાય નેતાઓ સાથેની તસવીરો પણ બતાવી હતી.
કિરણ પટેલે કાશ્મીરમાં કેવી સુવિધાઓ મેળવી?
કિરણ પટેલ પર સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસની દેખરેખ હેઠળ કાશ્મીરના અનેક હેલ્થ રિસોર્ટમાં પિકનિક પર ગયા હોવાનો આરોપ છે. આ દરમિયાન એણે કેટલાય વીડિયો પણ બનાવ્યા અને એને પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર પણ કર્યા.
કાશ્મીર પ્રવાસ દરમિયાન પટેલને સુરક્ષા અને બુલેટ પ્રુફ ગાડીઓ પણ આપવામાં આવી હતી.
ઇન્ટેલિજન્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, "ધરપકડ થઈ એ પહેલાં પણ કિરણ પટેલ પોતે પીએમઓમાં ઍડિશનલ ડાયરેક્ટર હોવાનું જણાવીને બે વખત કશ્મીર જઈ ચૂક્યો છે."
પોલીસનાં સૂત્રોના જણાવ્યા કહ્યું હતું કે, "કિરણ પટેલ કશ્મીર પ્રવાસ દરમિયાન વિવિધ બહાનાં કાઢીને સુવિધા મેળવતો હતો"
પટેલ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં એણે પૈસા અને સુવિધાની માગ કરી હોવાનો આરોપ પણ લગાવાયો છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર કિરણ પટેલની કાશ્મીરનો આ ત્રીજો પ્રવાસ હતો અને આ દરમિયાન એની ધરપકડ કરવામાં આવી હતી.
સરકારે દક્ષિણ કાશ્મીરમાં સરફરજનનાં ખેતરો ખરીદનારને શોધવા માટે પોતાને મોકલ્યો હોવાનું કિરણ પટેલે દાવો કર્યો હતો અને નવી દિલ્હી ખેતાના મોટા નેતાઓ તથા નોકરશાહોનાં નામે એણે કેટલાય આઈએસએસ અધિકારીઓ પર રોબ જમાવ્યો હતો.
2 માર્ચે કિરણ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો હતો અને બીજા દિવસે એની ધરપકડ કરી લેવાઈ હતી.
ભાજપના કાર્યકરને ફેરવ્યું પોણા બે કરોડનું ફુલેકું?
છેતરપિંડીની કંઈક આવી જ ઘટના બાયડમાં રહેતા ભાજપના કાર્યકર સાથે પણ ઘટી હોવાનો દાવો કરાયો છે.
પશુપાલનના વ્યવસ્થા સાથે સંકળાયેલા ભાજપના કાર્યકર આશિષ પટેલ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, "કિરણ પટેલ અને તેના ભાઈ મનીષ સાથે એક લગ્નમાં અમારો પરિચય થયો હતો. અમે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ અને અમારા મિત્રવર્તુળમાં પણ લગભગ પાસે 30-40 ગાયો છે. જેથી અમારે મોટી સંખ્યામાં દાણની જરૂર પડતી હોય છે."
"કિરણે અમને કહ્યું હતું કે તે પીએમઓમાં કામ કરે છે અને ગાંધીનગરમાં તેની ઘણા મંત્રીઓ સાથે સારી ઓળખ ધરાવે છે. તેણે અમને કહ્યું કે તે પશુઓ માટેનું દાણ સસ્તા ભાવે લઈ આપશે અને શરૂઆતમાં લઈ પણ આપ્યું. જેથી અમારો ભરોસો બેઠો."
આશિષ પટેલના જણાવ્યા અનુસાર આ ઘટનાક્રમ થોડાક સમય સુધી ચાલ્યો હતો અને બાદમાં કિરણ પટેલે આશિષ અને તેમના મિત્રો પાસે તમાકુમાં 1.75 કરોડનું રોકાણ કરાવ્યું અને ગુમ થઈ ગયો.
આ વિશે વાત કરતાં આશિષ કહે છે, "પૈસાની જવાબદારી મેં ઉપાડી હતી. જેથી લોકો મારી પાસે પૈસા માગવા આવતા હતા. મેં જ્યારે આ વિશે તેની સાથે વાત કરી તો લાલ લાઇટવાળી ગાડી લઈને આવતો અને મને ધમકાવતો. જેથી મેં કોઈ કાર્યવાહી ન કરી. જોકે, બાદમાં પોલીસ ફરિયાદ કરી હતી અને એને એને જેલભેગો કરાવ્યો હતો."
આ મામલે કિરણ પટેલ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અને તેનો કેસ હજી ચાલુ છે.
આશિષ પટેલના જણાવ્યા અનુસાર પોલીસ ફરિયાદ બાદ કિરણ પટેલે એમને 50 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે બાકીના પૈસા માટે કેસ હજી ચાલુ છે.
કિરણ પટેલનાં પત્નીનું શું કહેવું છે?
જોકે, કિરણ પટેલ વિરુદ્ધ માત્ર આ એક જ કેસ નથી. આ પહેલાં તેણે વડોદરામાં ભાજપના જ એક ધારાસભ્યની મદદથી ગરબાનું આયોજન કર્યું હતું અને લોકોના પૈસા લઈને ગુમ થઈ ગયો હતો. જેની સામે કોર્ટમાં કેસ થયો અને સમાધાન પણ થઈ ગયું હતું.
કિરણ પટેલના વકીલ નિસાર વોરા કહે છે, "કાશ્મીરના કેસમાં હજુ સુધી પૂરતી વિગતો મળી નથી પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કિરણ પટેલના એક મિત્ર કાશ્મીરમાં રહે છે. જેમને ઝેડ પ્લસ સિક્યૉરિટી મળી છે. જેની સાથે તેઓ ફરતા હતા. કાશ્મીરમાં હૉટલ લલિત પૅલેસના માલિક સાથે અણબનાવ થતાં તેમણે ફરિયાદ નોંધાવી છે."
આ સિવાયના જુદાજુદા કેસો વિશે વાત કરતા તેઓ કહે છે, "નરોડા સ્વામિનારાયણ મંદિરમાં બસ ભાડે આપવા મામલે પૈસાનો વિવાદ થયો હતો એ અને બાયડમાં 13 ચૅક રિટર્ન થયા હોવાનો એક કેસ છે જે કોર્ટમાં ચાલુ છે."
કિરણ પટેલના એક મિત્રની મદદથી બીબીસીએ તેમનાં પત્ની ડૉ. માલિની પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે તેમના પતિ દેશની સેવા કરે છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
જોકે, એક મીડિયા સંસ્થા સાથે વાત કરતાં એમણે કહ્યું હતું, "મારા પતિ એન્જિનિયર છે અને હું એક ડૉક્ટર છું. મારા પતિ એન્જિનિયર હોવાથી ત્યાં વિકાસનાં કાર્યો માટે ગયા હતા, એ સિવાય બીજું કંઈ નથી. એમણે કંઈ ખોટું નથી કર્યું. અમારા વકીલ આ વિવાદને જોઈ રહ્યા છે. મારા પતિ ક્યારેય કોઈ સાથે ખોટું નહીં કરે."