અતીક અહમદ હત્યાકાંડ: વિપક્ષી નેતાઓએ કાયદા વ્યવસ્થાની નિષ્ફળતાનો લગાવ્યો આરોપ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે રાત્રે અંદાજે 10.30 વાગે પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

પોલીસ અતીક અહમદ અને અશરફને પ્રયાગરાજની કેલ્વિન હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી, ત્યારે હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.

પત્રકારો તરીકે આવેલા હુમલાખોરોએ હૉસ્પિટલની સામે પોલીસના ઘેરામાં બંને પર ખૂબ જ નજીકથી ગોળીબાર કર્યો. ગોળીબાર બાદ હુમલાખોરોએ ત્યાં ધાર્મિક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ સમગ્ર ઘટના લાઈવ કૅમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. ઘટના સમયે અતીક અને અશરફ ચાલીને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.

પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની નોંધ લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાની પણ જાહેરાત કરી છે.

આ ઘટના બાદ રાજકીય નિવેદનો શરૂ થઈ ગયા છે.

ભાજપના નેતાઓએ શું કહ્યું?

ઉત્તર પ્રદેશના નાણા અને સંસદીય બાબતોના મંત્રી સુરેશકુમાર ખન્નાએ અતિક અહમદ હત્યાકાંડને સ્વર્ગીય નિર્ણય ગણાવ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "જ્યારે અત્યાચારનો અંત આવે છે અથવા અપરાધની પરાકાષ્ઠા થાય છે, ત્યારે આકાશમાંથી કેટલાક નિર્ણયો લેવામાં આવે છે. મને લાગે છે કે આ કુદરતનો નિર્ણય છે."

ઉત્તર પ્રદેશ સરકારના જળઉર્જા મંત્રી સ્વતંત્ર દેવ સિંહે એક ટ્વીટમાં લખ્યું છે કે, “આ જન્મમાં જ પુણ્ય અને પાપના હિસાબ થાય છે...”

વિપક્ષી પાર્ટીઓએ હત્યાકાંડ પર ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ હત્યાકાંડ પર સવાલ ઉઠાવ્યા છે.

તેઓએ ટ્વીટમાં લખ્યું છે કે, "યુપીમાં ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે અને ગુનેગારોના મનોબળ બુલંદ છે. જ્યારે પોલીસ સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા કરી શકાય છે, તો સામાન્ય લોકોની સુરક્ષાનું શું થશે."

"આનાથી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, એવું લાગે છે કે કેટલાક લોકો જાણીજોઈને આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે."

લોકસભા સાંસદ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ યુપી સરકાર પર નિશાન સાધ્યું છે.

એક ટ્વીટમાં ઓવૈસીએ કહ્યું કે, "અતીક અને તેમના ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેઓને હાથકડી પહેરાવવામાં આવી હતી. જેએસઆર (જય શ્રી રામ) ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીના કાયદા વ્યવસ્થાની નિષ્ફળતા છે. ‌ઍન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારા આ હત્યા માટે જવાબદાર છે."

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, “આપણા દેશનો કાયદો બંધારણમાં લખાયેલો છે, આ કાયદો સર્વોપરી છે. ગુનેગારોને સખતમાં સખત સજા થવી જોઈએ, પરંતુ તે દેશના કાયદા હેઠળ હોવી જોઈએ.”

“જે પણ આવું કરે છે અથવા આવું કરનારા લોકોનું રક્ષણ કરે છે, તેમને પણ જવાબદાર ઠેરવવા જોઈએ અને તેમના પર પણ સખત કાયદો લાગુ કરવો જોઈએ.”

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશની કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને સુપ્રીમ કોર્ટને આ મામલે સંજ્ઞાન લઈને કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેનાર મહુઆ મોઇત્રાએ હત્યાકાંડ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, તેઓ એ વાત પણ માની શકે છે કે સત્યપાલ મલિકના ઇન્ટરવ્યૂના કારણે નરેન્દ્ર મોદીની છબી ખરાબ થઈ રહી છે અને તેના પરથી ધ્યાન હટાવવા માટે ઉત્તર પ્રદેશમાં ગોળીબાર કરાવવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ સત્યપાલ મલિકે 'ધ વાયર' સાથેના તાજેતરના ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પુલવામા હુમલાથી લઈને ભ્રષ્ટાચાર સુધીના ગંભીર આરોપો લગાવ્યા હતા.

રાષ્ટ્રીય લોકદળ અને રાજ્યસભાના સાંસદ જયંત ચૌધરીએ આ હત્યાકાંડને ઉત્તર પ્રદેશમાં જંગલરાજ ગણાવ્યું છે.

તેઓએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “શું લોકશાહીમાં આ શક્ય છે?”

જન અધિકાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવનું કહેવું છે કે, “બંધારણનું એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે.”

તેઓએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "જ્યારે ગૅંગ સત્તા પર કબજો મેળવી લે છે, ત્યારે રામરાજ નથી આવતું, ગૅંગવૉર હોય છે. બંધારણનું એન્કાઉન્ટર કરીને પોલીસને રાજકારણ માટે સોપારી કિલર બનાવવામાં આવે છે.”

રાજ્યસભાના સંસદસભ્ય કપિલ સિબ્બલે ઉત્તર પ્રદેશમાં અતીક અહમદ અને તેમના ભાઈની હત્યા પર પ્રતિક્રિયા આપી છે.

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે અતીક અહમદ હત્યાકાંડ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “યુપીમાં બે હત્યાઓ થઈ છે.”

તેઓએ લખ્યું છે કે પહેલી હત્યા અતીક અહમદ અને અશરફની થઈ હતી અને બીજી હત્યા કાયદો અને વ્યવસ્થાની થઈ છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ સંસદસભ્ય અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની ગઈકાલ રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું છે કે, "અતીક વારંવાર કહેતો હતો કે જો તે યુપી જશે, તો તેને મારી નાખવામાં આવશે. આ વાત સાચી સાબિત થઈ ગઈ છે. તે પોલીસના ઘેરામાં હતો. વીડિયો કૅમેરા દેખાઈ રહ્યા છે."

તેઓએ લખ્યું છે કે, "એક ફૂટ, દોઢ ફૂટના અંતરથી આવીને એ યુવક પિસ્તોલ સાથે ગોળીબાર કરે છે. આ કેવી રીતે શક્ય છે. મને આમાં કોઈ મોટા ષડયંત્રની ગંધ દેખાય છે.

સાંસદ કુંવર દાનિશ અલીએ ટ્વીટ કર્યું છે કે, “બંધારણીય ન્યાય વ્યવસ્થાની મીડિયા સામે ગોળીબાર થયો અને લોકો તમાશો જોઈ રહ્યા છે. આ અવિશ્વસનીય ઘટના મોટા ષડયંત્ર હેઠળ થઈ છે.”

એએનઆઈ સમાચાર એજન્સી અનુસાર, અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે, "ઉત્તર પ્રદેશમાં જે કંઈ થઈ રહ્યું છે, તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. જો કાયદાનું શાસન નહીં રહે તો આવી ઘટનાઓ કોઈપણ સાથે બની શકે છે. યુપીમાં જે બન્યું તે સરળ છે, પરંતુ કાયદા વ્યવસ્થાને જાળવી રાખવી મુશ્કેલ છે."

અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની કૅમેરા સામે થઈ હત્યા, એ પછી શું થયું?

અતીક અહમદ અને અશરફ પૂર્વ ધારાસભ્ય રાજૂ પાલની હત્યાના કેસમાં જેલમાં હતા. રાજૂ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યાના મામલે અતીક અહમદને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.

અતીક અહમદના દીકરા અસદનું ગુરૂવારના દિવસે ઉત્તર પ્રદેશન પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝાંસીમાં કથિત ઍન્કાઉન્ટર કર્યું હતું.

અસદ સાથે ગુલામ મોહમ્મદ નામની અન્ય એક વ્યક્તિનું મૃત્યુ પણ આ ઍન્કાઉન્ટરમાં થયું હતું. ગુલામ મોહમ્મદ અસદના સાથી હોવાનું કહેવાય છે.

આ અગાઉ શનિવારે જ અતીકના દીકરા અસદ અને ગુલામના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અતીક અહમદ હત્યાકાંડમાં પોલીસે હજી સુધી હુમલાખોરોના નામ નથી જાહેર કર્યા. જોકે, પોલીસે કહ્યું છે કે, આ મામલે તેમણે ત્રણ લોકોને પકડ્યા છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.

બીજી તરફ પ્રયાગરાજમાં હત્યાની રાત પછી સવારે રસ્તાઓ પર સન્નાટો છવાયેલો હતો.

પ્રયાગરાજથી બીબીસીના સંવાદદાતા અનંત ઝણાણેએ કહ્યું હતું કે પ્રયાગરાજમાં જે હૉસ્પિટલ સામે અતીક અહમદ અને તેના ભાઈ અશરફની હત્યા થઈ ત્યાં સવારે સન્નાટો પ્રસરેલો હતો.

હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગની બહાર જે સ્થળે હત્યા થઈ હતી ત્યાં કોઈ પણ વ્યકિત બહાર રસ્તા પર દેખાતી નહોતી. જોકે, રવિવારે બજાર બંધ રહેતું હોવાથી ઘટનાસ્થળની નજીકના વિસ્તારમાં લોકોની અવરજવર બંધ છે.

ઘટનાસ્થળને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે. હૉસ્પિટલની બન્ને તરફના રસ્તા પર પોલીસે બૅરિકેડિંગ કરી દીધું છે.

આ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ થઈ રહ્યુ છે. માર્ગો પર સવારે મીડિયાની હાજરી પણ જોવા મળી રહી છે.

અતીક અહમદ અને તેમના ભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સ્વરૂપરાની હૉસ્પિટલમાં થશે, જે કાલ્વિન હૉસ્પિટલથી લગભગ ત્રણ કિલોમિટર દૂર છે.

મોડી રાત્રે આપવામાં આવેલા એક આદેશમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ફિલ્ડમાં સતર્કતા રહેવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી જાહેર થયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “ઉત્તર પ્રદેશમાં શાંતિ વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ, એમાં તમામ પ્રદેશવાસીઓ સહકાર પણ આપી રહ્યા છે. સામાન્ય જનતાને કોઈ પ્રકારની પરેશાની ન થાય તેનું ધ્યાન રાખવું.”

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કાયદા સાથે કોઈ રમત ન કરે.

સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે અને પોલીસદળો પેટ્રોલિંગ કરી રહ્યાં છે.