અસદ અહમદ : વિદેશમાં કાયદાના અભ્યાસના અભરખાથી લઈને ઍન્કાઉન્ટરમાં મૃત્યુ સુધી

ઉમેશ પાલ હત્યાકાંડના મુખ્ય આરોપી અને બાહુબલી નેતા અતીક અહમદના પુત્ર અસદ અહમદ અને તેના સાથી ગુલામ મોહમ્મદનાં ઝાંસી પાસે ગુરુવારે પોલીસના એક ઍન્કાઉન્ટર દરમિયાન મૃત્યુ થયાં હતાં.

નોંધનીય છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસને આ બંને આરોપીઓની તલાશ હતી. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનાં ઇનામ હતાં.

પોલીસના દાવા અનુસાર ઉમેશ પાલની હત્યા મામલે સીસીટીવીમાં બંને આરોપી ફાયરિંગ કરતાં દેખાયા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર ઍન્કાઉન્ટર બાદ બંને આરોપીઓના મૃતદેહો પાસેથી વિદેશી બનાવટનાં હથિયાર પણ મળી આવ્યાં હતાં.

નોંધનીય છે કે ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી અતીક અહમદે ગુરુવારે કોર્ટમાં હાજરી આપી એ જ દિવસે તેના પુત્રનું ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું.

પોલીસે ઍન્કાઉન્ટર બાદ આપેલા એક નિવેદન અનુસાર અસદ અને તેનો સાથીદાર પોલીસ જાપ્તામાંથી અતીક અહમદને છોડવવાની ફિરાકમાં હતો. જેની માહિતી પોલીસને મળ્યા બાદ થયેલા ઍન્કાઉન્ટરમાં બંનેનાં મૃત્યુ થયાં હતાં.

‘અસદને કરવો હતો કાયદાનો અભ્યાસ’

અસદ અતીકનો ત્રીજો દીકરો હતો. અસદનો જન્મ સપ્ટેમ્બર, 2003માં થયો હતો અને તે 19 વર્ષનો હતો.

અતીક અહમદના બે સગીર પુત્રોને પોલીસે પહેલાં જ ચાઇલ્ડ પ્રૉટેક્શન કમિટીના આદેશાનુસાર બાળસંરક્ષણગૃહ રાજરૂપપુરમાં રાખ્યા છે. તેમનાથી મોટા બે ભાઈઓ છે. એક અલી અને બીજા ઉમર.

બંને હાલ જેલમાં છે. અલી નૈની જેલમાં છે અને ઉમર લખનૌ જેલમાં. આમ તેઓ કુલ મળીને પાંચ ભાઈઓ હતા.

ઉત્તર પ્રદેશ પોલીસે બહાર પાડેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, અસદ સામે એક જ કેસ હતો અને તે ઉમેશ પાલની હત્યાનો હતો, જેમાં તે ઘટના બાદ ફરાર થઈ ગયો હતો.

ઉમેશ પાલની હત્યાસંબંધી સીસીટીવી ફૂટેજમાં અસદ ગોળીબાર કરતો જોવા મળે છે.

અસદે પ્રારંભિક શિક્ષણ પ્રયાગરાજમાં લીધું હતું અને પછી લખનૌની એક સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

અતીક અહમદના વકીલ વિજય મિશ્રાના જણાવ્યા મુજબ, અસદ વિદેશમાં કાયદાનો અભ્યાસ કરવા ઇચ્છતો હતો.

એણે પાસપોર્ટની અરજી પણ કરી હતી, પરંતુ પોલીસના નૅગેટિવ વેરિફિકેશનને કારણે તેનો પાસપોર્ટ બની શક્યો ન હતો અને તે પરદેશ અભ્યાસ કરવા જઈ શક્યો ન હતો.

અસદને 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં થયેલા ઉમેશ પાલ હત્યાકાંડ બાદ પોલીસ શોધી રહી હતી.

અસદ અહમદ 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના દિવસે સીસીટીવીમાં ખુલ્લા ચહેરે હાથમાં હથિયાર લઈને ફરતો દેખાયો હતો.

  • ગુરુવારે બપોરે ઉત્તર પ્રદેશના વકીલ ઉમેશ પાલની હત્યાના આરોપી અસદ અહમદ અને તેના સાથીદારનાં પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયાં હતાં
  • અસદ અતીક અહમદનો ત્રીજા નંબરનો દીકરો હતો અને પોલીસના આરોપ અનુસાર તે ઉમેશ પાલની હત્યા દરમિયાન સીસીટીવી ફૂટેજમાં હથિયાર સાથે દેખાયો હતો
  • અસદ અહમદ તેના પિતા અને ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી અતીક અહમદને છોડાવવા માગતો હોવાની યોજના બનાવી રહ્યો હોવાની પોલીસને જાણકારી મળી હતી
  • 19 વર્ષી અસદ અહમદ કાયદાના અભ્યાસ માટે વિદેશ જવા માગતો હતો પરંતુ પાસપોર્ટના નૅગેટિવ વેરિફિકેશનને કારણે જઈ શક્યો નહોતો
  • જાણો ઍન્કાઉન્ટર અને અસદની સંપૂર્ણ કહાણી

પોલીસે ઍન્કાઉન્ટર અંગે શું કહ્યું?

યુપી પોલીસના સ્પેશિયલ ડીજી, લૉ ઍન્ડ ઑર્ડર, પ્રશાંતકુમારે પત્રકારપરિષદમાં તેમની ટીમે જે 'ઍન્કાઉન્ટર' કર્યું એ અંગે જણાવ્યું છે. પોલીસનો દાવો છે કે બપોરે મળેલી સૂચના બાદ તેમણે પગલાં લીધાં હતાં.

પ્રશાંતકુમારે કહ્યું, "આ અથડામણમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કરનારા બે લોકો ઘાયલ થયા અને બાદમાં એમનાં મૃત્યુ થઈ ગયાં. મૃતકોની ઓળખ અસદ અહમદ અને ગુલામના રૂપે થઈ છે."

તેમણે ઉમેર્યું, "આ યુપી પોલીસ અને એસટીએફ માટે જરૂરી કેસ હતો કેમ કે એક કેસમાં પોલીસે જેને સુરક્ષા પ્રદાન કરી હતી એવા સાક્ષીની હત્યા કરી દેવાઈ હતી."

પોલીસનું કહેવું છે કે તેમણે એક આરોપી અરબાઝને પ્રયાગરાજમાં એક ઍન્કાઉન્ટર દરમિયાન પકડ્યો હતો પરંતુ ગોળીના ઘાને કારણે અરબાઝનું મોત થયું. આરોપ છે કે અરબાઝ હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ગાડીનો ડ્રાઇવર હતો.

ઉત્તર પ્રદેશના એડીજી લૉ ઍન્ડ ઑર્ડર પ્રશાંતકુમારે કહ્યું, “આ ઘટનામાં સામેલ અરબાઝ પહેલાં ઘાયલ થયો હતો અને તેની પાસેથી 32 બૉરની પિસ્તોલ મળી આવી હતી. તેના પર આરોપ છે કે ઘટનાના દિવસે જે ક્રેટા ગાડીનો ઉપયોગ થયો તેનો તે ડ્રાઇવર હતો. આ દિવસે તેના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.”

આ સિવાય પોલીસે વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન નામના એક આરોપીને પણ ઍન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આરોપ હતો કે તેમણે હુમલામાં ઉમેશ પાલ પર સૌથી પહેલી ગોળી ચલાવી હતી.

ઑપરેશન અંગે વિગતો આપતાં ગુરુવારે બપોરે પ્રશાંતકુમાર અને યુપી એસટીએફના એડીજી અમિતાભ યશે જણાવ્યું કે, “યુપી એસટીએફ 24 ફેબ્રુઆરીના રોઝ થયેલા શૂટઆઉટના વૉન્ટેડ આરોપીઓને ટ્રેક કરીને ઇન્ટેલિજન્સ એકઠી કરી રહી હતી. પોલીસને માહિતી મળી કે અસદ અને ગુલામ અતીક અહમદ અને તેના ભાઈ અશરફને સાબરમતી (ગુજરાત)થી બરેલી (યુપી)ની જેલમાં લાવનાર પોલીસ જાપ્તા પર હુમલો કરી તેને પોલીસ સંકજામાંથી છોડાવવા માટે તૈયારી કરી રહ્યા હતા.”

આ દરમિયાન એસટીએફની ટીમને અસદ અને ગુલામ ઝાંસીમાં હોવાની માહિતી મળી.

તેમણે કહ્યું કે, “ટીમને બંને આરોપીઓ હથિયાર સાથે બાઇક પર અવરજવર કરી રહ્યા હોવાની વાત જાણવા મળી. એસટીએફની ટીમ બંને આરોપીઓને પરીછા તટબંધ રોડ પાસે બપોરના 12.45થી એક વાગ્યા વચ્ચે ટ્રેક કરવામાં સફળ રહી. તેમનો પીછો કરતી વખતે તેમને આત્મસમર્પણ કરવા જણાવાયું. જોકે, બંનેએ ફાયરિંગ કરવાનું અને સ્થળ પરથી ભાગવાની કોશિશ કરવાનું શરૂ કરી દીધું. પ્રતિક્રિયાના ભાગસ્વરૂપે એસટીએફની ટીમે પણ ફાયરિંગ કર્યું. બંનેને ગોળીઓ વાગી અને સ્થળ પર જ તેમનાં મૃત્યુ થયાં. એસટીએફને આરોપીઓના મૃતદેહો પાસેથી વિદેશી બનાવટની 7.62 બોરની પિસ્તોલ અને .455 બોરની રિવોલ્વર મળી આવી.”

ઉમેશ પાલ મર્ડર કેસ

વર્ષ 2005માં બીએસપી એક ધારાસભ્ય રાજુ પાલના હત્યાના કેસમાં ઉમેશ પાલ એ મુખ્ય સાક્ષી હતા.

આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજ વિસ્તારમાં ધૂમગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરની બહાર જ તેમની અને તેમની સુરક્ષા માટે તહેનાત બે પોલીસકર્મીઓની હત્યા કરાઈ હતી.

આ હત્યા બાદ ઉમેશ પાલનાં પત્ની જયા પાલે અતીક અહમદ તેમના ભાઈ અશરફ, અસદ, ગુલામ અને અન્યો પર ગુનો નોંધાવ્યો હતો.

આ ઍન્કાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપતાં જયા પાલે મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને પોલીસતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “તેમણે જે કર્યું એ બરાબર છે. મુખ્ય મંત્રીજીએ તેમની દીકરીના પતિના હત્યારાને સજા આપી છે. હું આભાર વ્યક્ત કરું છું. તે પિતાતુલ્ય છે. ન્યાય થયો છે.”

તેમણે મીડિયા સાથેની વાતચીતમાં અન્ય આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

જ્યારે તેમને પુછાયું કે અન્ય કોની-કોની સામે કાર્યવાહી થાય તેવી તેમની ઇચ્છા છે, આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “હું એ સરકાર પર છોડું છું. સરકાર મને ન્યાય આપી રહી છે.”

ઉમેશ પાલનાં માતાએ કહ્યું, “આજે જે બંને બંદૂકધારીઓને મારી નખાયા છે તેમણે પાપ કર્યો હતો. તેમને આજે સજા મળી છે. અમને વિશ્વાસ છે કે અમને પૂર્ણ ન્યાય મળશે.”

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યે આ કાર્યવાહી બદલ એસટીએફનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પીટીઆઈને કહ્યું કે, “જો તમને ગુનો નહીં કરો તો તમને કોઈ અડકશે પણ નહીં. અને જો ગુનો કરશો તો કોઈને છોડાશે નહીં.”

તેમણે કહ્યું કે, “આ ભાજપ સરકાર છે, સમાજવાદી પાર્ટીની નહીં. અહીં ગુનેગારોને નહીં છોડાય.”

નોંધનીય છે કે ઉમેશ પાલની હત્યા મામલે પોલીસે આઇપીસીની કલમ 147 (રાયોટિંગ), 148 (ઘાતકી હથિયારો સાથે રાયોટિંગ), 149, 302, 307 અને 506 અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. અતીક અહમદ રાજુ પાલના મર્ડર કેસમાં પણ આરોપી છે.