અતીક અહમદ અને અશરફની કૅમેરા સામે હત્યા, પોલીસ અને સરકારે શું કહ્યું?

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, પ્રયાગરાજથી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના પૂર્વ સંસદસભ્ય અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ પોલીસે પૂર્વ સાંસદ અતીક અહમદ તથા તેમના ભાઈની હત્યાની પુષ્ટિ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરો પત્રકાર બનીને આવ્યા હતા, ત્રણ હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના બાદ એક ઉચ્ચસ્તરીય બેઠક કરીને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ આયોગની પણ રચના કરવાની પણ જાહેરાત કરી છે.

પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્માએ ઘટના વિશે જણાવતા કહ્યું,"કાનૂની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અતીક અહમદ અને તેમના ભાઈ અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા આ દરમિયાન આ ઘટના બની છે."

પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ હૉસ્પિટલની બિલકુલ નજીક, પોલીસના ઘેરામાં ચાલી રહે ચાલી રહેલા અતીક અને અશરફ પર અત્યંત નજીકથી ગોળીઓ ચલાવી અને તેમની મોત બાદ ધાર્મિક નારેબાજી કરી હતી.

પોલીસ કમિશનર રમિત શર્માના જણાવ્યા અનુસાર, "પત્રકારો અતીક અહમદ અને તેમના ભાઈ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ અચાનક ગોળીઓ ચલાવી. ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે."

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાક્રમમાં એક પોલીસકર્મી ઘાયલ થયા છે અને એક પત્રકારને પણ સામાન્ય ઈજા થઈ છે.

પોલીસે આ હુમલાબાદ હૉસ્પિટલની આસપાસના વિસ્તારની નાકેબંધી કરી છે.

કોણ છે હુમલાખોરો?

પોલીસે જણાવ્યા અનુસાર ત્રણેય હુમલાખોરોને અટકમાં લેવામાં આવ્યા છે. જોકે પોલીસે હજી સુધી તેમની ઓળખ જાહેર નથી કરી.

પોલીસનું કહેવું છે કે હુમલાખોરોની પૂછપરછ થઈ રહી છે અને ત્યારબાદ જ અધિકૃત વિગતો આપવામાં આવશે.

કેવી રીતે થઈ હત્યા?

અતીક અહમદને પોલીસ જાપ્તામાં ગાડીમાંથી ઉતારી મેડિકલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. અતીક અને તેમના ભાઈના હાથ કડીઓમાં બાંધેલા હતા.

પત્રકારો અતીક અને તેમના ભાઈ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો.

ખૂબ જ ઝડપથી બનેલા આ ઘટનાક્રમમાં બંને ભાઈઓની હત્યા કરી દેવામાં આવી.

આ ઘટનાના વીડિયોમાં અતીક પોતાના ભાઈની સાથે પોલીસ જાપ્તાની વચ્ચે ચાલતા દેખાઈ રહ્યા છે.

એક પત્રકાર અતીકને સવાલ કરે છે અને અતીક બોલવાનું શરૂ જ કરે છે કે એક પિસ્તોલ કૅમેરામાં સામે આવતી જોવા મળે છે.

અત્યંત નજીકથી અતીકને ગોળી મારવામાં આવી બસ એ જ સમયે એક ગોળી અશરફને વાગી. ત્યારબાદ તાબડતોબ ગોળીબાર શરૂ થયો, બંને ભાઈ જમીન પર પડી ગયા. ગોળીબારની આ ઘટના મીડિયાના કૅમેરામાં કેદ થઈ ગઈ.

ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસની ગાડી હૉસ્પિટલની સામે આવીને ઊભી રહે છે, જેમાંથી પહેલા અશરફ અને પછી અતીક ઊતરે છે.

અતીક અહમદના વકીલ વિજય મિશ્રા પણ હત્યા દરમિયાન ઘટના સ્થળની નજીક હતા.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અતીક અહેમદ અને અશરફને ગાડીમાંથી બહાર કાઢીને લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે જ ગોળીઓનો અવાજ આવ્યો. જેમણે ગોળી ચલાવી હતી તેમને પોલીસે તરત જ પકડી લીધા અને ચારે બાજુ અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસનું કહેવું છે કે હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે, જ્યારે મીડિયા અહેવાલો અનુસાર હુમલાબાદ હુમલાખોરોએ આત્મસમર્પણ કરી દીધું હતું.

હત્યા પર પ્રતિક્રિયાઓ?

અતીક અહમદ અને તેમના ભાઈ અશરફની પોલીસ સુરક્ષા વચ્ચે પ્રયાગરાજમાં મીડિયા સાથે વાત કરતી વખતે અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ પોલીસે હજુ સુધી અતીક અને અશરફની હત્યા પર કોઈ નિવેદન જારી કર્યું નથી.

અતીક અને અશરફની હત્યા કૅમેરામાં રેકૉર્ડ થઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસ હુમલાખોરો પર જવાબી કાર્યવાહી કરતી જોવા મળી રહી નથી.

પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા અનુસાર, "તેમને ફરજિયાત મેડિકલ તપાસ માટે હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર જેમણે તેમની પર હુમલો કર્યો તેઓ ત્રણ લોકો હતા, જેઓ મીડિયાકર્મી તરીકે આવ્યા હતા. આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછ ચાલી રહી છે. જે લોકો પકડાયા છે, તેમની પાસે કેટલાક હથિયારો પણ છે. ગોળીબારમાં અતીક અહમદ અને તેમના ભાઈ અશરફના મોત ઉપરાંત એક પોલીસકર્મીને પણ ગોળી વાગી છે. સાથે એક પત્રકાર પણ ઇજાગ્રસ્ત થયા છે."

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ હત્યાકાંડ પર સવાલ ઉઠવાતા

ટ્વીટર પર લખ્યું છે કે, "ઉત્તર પ્રદેશમાં ગુના ચરમસીમાએ પહોંચી ગયા છે અને ગુનેગારોનું મનોબળ બુલંદ છે. જ્યારે પોલીસની સુરક્ષા વચ્ચે ગોળીબાર કરીને કોઈની હત્યા કરવામાં આવી શકે છે, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે."

ઉત્તર પ્રદેશ સરકારના જળઉર્જા મંત્રી સ્વતંત્ર દેવસિંહે એક ટ્વીટમાં લખ્યું છે કે, "આ જન્મમાં જ પુણ્ય અને પાપના હિસાબ થાય છે..."

લોકસભા સાંસદ અને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ યુપી સરકાર પર નિશાન સાધ્યું છે.

એક ટ્વિટમાં ઓવૈસીએ કહ્યું કે, "જે લોકો એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારા પણ આ હત્યા માટે જવાબદાર છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો