You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મોદી અટક’ મામલે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરનારા જજ એક સમયે હતા અમિત શાહના વકીલ
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ મામલે સુરતની જે સેશન્સ કોર્ટમાં પોતાની જાતને દોષિત ઠેરવનાર નિર્ણય પર સ્ટે આપવા માટે અપીલ કરી છે.
આ મામલાની સુનાવણી કરનાર જજ રૉબિન પૉલ મોગેરા છે, જેઓ ફેક ઍન્કાઉન્ટર મામલે ગૃહમંત્રી અમિત શાહના વકીલ રહી ચૂક્યા છે.
જજ બનતા પહેલાં રોબિન પૉલ મોગેરા ગુજરાતમાં વકીલાત કરતા હતા. તેમની વર્ષ 2017માં જિલ્લા જજ નિમણૂક કરાઈ હતી.
તેઓ વકીલ માટે નિર્ધારિત 25 ટકા ક્વૉટામાંથી જજ બન્યા છે. વકીલ તરીકે અમિત શાહ તેમના અસીલ રહી ચૂક્યા છે.
તેમણે સીબીઆઇ કોર્ટમાં અમિત શાહ વતી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક ઍન્કાઉન્ટરનો કેસ લડ્યો હતો.
પ્રજાપતિનું ઍન્કાઉન્ટર વર્ષ 2006માં થયું હતું. પ્રજાપતિ 2005માં સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટરવાળા મામલે સાક્ષી હતા.
આ બંને ઍન્કાઉન્ટરો વખતે અમિત શાહ ગુજરાતના ગૃહમત્રી હતા.
બાદમાં સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત ઘર્ષણ મામલામાં કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ની એક વિશેષ કોર્ટે અમિત શાહને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું એક સમયે રાજકીય પ્રતિદ્વંદ્વીના વકીલ રહી ચૂકેલા શખસે જજ તરીકે આવા મામલાની સુનાવણી કરવી જોઈએ?
શું આ નૈતિકપણે યોગ્ય છે? સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ શાશ્વત આનંદનું માનવું છે કે આ બધું જજની નૈતિકતા પર આધારિત છે.
તેઓ કહે છે કે, “મારા મતાનુસાર, ન્યાયાધીશે વકીલ તરીકે એક એવી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કર્યું હતું જે અપીલ કરનારના વર્તમાન રાજકીય વિરોધીઓ પૈકી એક છે. તેમણે મામલામાં સંભવિત પૂર્વાગ્રહના આરોપથી બચવા માટે અને નિષ્પક્ષ પ્રક્રિયાની સાથોસાથ ન્યાયતંત્રની ગરિમાના હિતને ધ્યાને લઈને પોતાની જાતને આ કેસથી અલગ કરી લેવી જોઈએ. પરંતુ તેમને આવું કરવા માટે ફરજ ન પાડી શકાય.”
આનંદ જણાવે છે કે કેસથી ન્યાયાધીશ અલગ થાય એ વાત અંગે કાયદામાં કંઈ કહેવાયું નથી, પરંતુ આ એક પરંપરા રહી છે.
શાશ્વત આનંદ કહે છે કે આ પરંપરાનું સૌથી જૂનું જાણીતું ઉદાહરણ 1852ના રોજ એક મામલાનું મળે છે.
1852નો આ મામલો બ્રિટિશ કોર્ટમાં ડાઇમ્સ વિરુદ્ધ ગ્રાન્ડ જંકશન કૅનાલ પ્રોપરાઇટર, 3 એચએલ કેસ નંબર 759 છે.
જેમાં લૉર્ડ ચાન્સેલર કૉટેનહેમે પોતાની જાતને મામલાથી અલગ કરી લીધા હતા, કારણ કે તેમની પાસે મામલામાં સામેલ કંપનીના કેટલાક શૅર હતા.
એ સમયથી તમામ ન્યાયાલયોમાં આ વાત એક પરંપરાગત અભ્યાસ સ્વરૂપે વિકસિત થઈ ગઈ.
આનંદ જણાવે છે કે, “સીઆરપીસીની કલમ 379 પણ એક ન્યાયાધીશ કે મૅજિસ્ટ્રેટને એ મામલાની સુનાવણી કરતા રોકે છે, જેમાં તેઓ વ્યક્તિગત રસ ધરાવે છે. આ સિવાય સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના નિર્ણયોમાં એ વાત માની છે કે જો ન્યાયાધીશ પક્ષપાત કરશે તેવી આશંકા હોય તો તેમણે પોતાની જાતને મામલાથી અલગ કરી લેવી જોઈએ.”
શાશ્વત આનંદનું કહેવું છે કે જે ન્યાયાધીશ સુનાવણીથી અલગ થવા માગે છે, તેમણે એ વાત સ્પષ્ટ કરવાની જરૂર છે કે તેઓ કેમ અલગ થઈ રહ્યા છે.
અમુક કેસોમાં જજોને પોતાની જાતને અમુક મામલાથી પોતાની જાતને અલગ કરી લેવા કહેવાય છે, પરંતુ તેઓ આવું નથી કરતા.
બંને પ્રકારનાં અમુક ઉદાહરણ જોવા મળે છે :
- એક ઉદાહરણમાં, તત્કાલીન ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાએ એમ. નાગેશ્વર રાવની દીકરીનાં લગ્નમાં સામેલ થવાની વાતનો હવાલો આપતાં વચગાળાના સીબીઆઇ નિદેશક એમ. નાગેશ્વર રાવની નિમણૂક વિરુદ્ધના મામલાની સુનાવણીથી પોતાની જાતને અલગ કરી લીધા હતા.
- જજ લોયા મામલે તત્કાલીન જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે (હાલના મુખ્ય ન્યાયાધીશ)ને વારંવાર સુનાવણીથી અલગ થવા કહેવાયું હતું, કારણ કે આ મામલે જેમના પર આરોપ લગાવાયા હતા, તેઓ બૉમ્બે હાઇકોર્ટના સીટિંગ જજ હતા, જ્યાંથી જસ્ટિસ ચંદ્રચૂડે જજ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેમણે કેસથી અલગ થવાની વાત નકારી દીધી હતી.
- સ્ટેરાઇટ સાથે સંબંધિત આ જ પ્રકારના મામલામાંં તત્કાલીન જસ્ટિસ એસ. એચ. કાપડિયાને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે હિતોની ટક્કર અને પૂર્વાગ્રહના આધારે કેસથી અલગ થઈ જવાની માગ કરી હતી, પરંતુ તેમણે આવું નહોતું કર્યું.
- 2016માં લાલકૃષ્ણ આડવાણી અને મુરલી મનોહર જોશી સાથે ભાજપ-વીએચપીના અન્ય નેતાઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરાનો મામલો ખતમ કરવા વિરુદ્ધ દાખલ કરાયેલ અરજીની સુનાવણીથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ગોપાલ ગૌડાએ કોઈ કારણ આપ્યા વગર જ પોતાની જાતને અલગ કરી લીધા હતા.
રાહુલ ગાંધીને સજા
પાછલા મહિને 23 માર્ચે સુરતની એક કોર્ટે 2019ના માનહાનિ મામલે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા.
સુરતના મુખ્ય ન્યાયિક મૅજિસ્ટ્રેટ એચ. એચ. વર્માએ કૉંગ્રેસ સાંસદને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત માનહાનિના ગુના અંતર્ગત દોષિત ઠેરવતાં બે વર્ષની જેલની સજા કરાઈ હતી અને 15 હજાર રૂપિયાનો દંડ પણ કરાયો હતો.
રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલાર જિલ્લામાં પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી... આ બધાની અટક મોદી કેમ છે? તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે.”
આ બાદ ભાજપના નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુનાહિત મામલો દાખલ કરાવ્યો અને દાવો કર્યો કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનથી મોદી સમુદાયની બદનક્ષી કરી છે.
કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયું હતું. શરૂઆતના દિવસોમાં જ્યારે તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે આ મોદી સરકારની તેમને ચૂપ કરાવાની કોશિશ છે.
રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું ત્યારે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીનું સભ્યપદ ગુમાવ્યું એ દિવસે એ ભારતીય લોકશાહીના ઇતિહાસનો સૌથી કાળો દિવસ હતો. ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં ઘણા કાયદાકીય મુદ્દા છે. જોકે, અમારી કાનૂની ટીમ દ્વારા યોગ્ય મંચ પર તેનો સામનો કરાશે.”
રાહુલ ગાંધીએ 3 એપ્રિલના રોજ સુરતમાં જજ મોગેરાની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
જજે ‘મોદી સરનેમ’વાળા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર એ જ દિવસે જાહેર કરાયેલા પોતાના આદેશમાં તેમની સજા સસ્પેન્ડ કરી દીધી હતી.
તેમને તેમની અપીલ અંગે પેન્ડિંગ સુનાવણી માટે જામીન પણ આપી દેવાયા હતા અને રાહુલ ગાંધે 15 હજાર રૂપિયાનું જામીન બૉન્ડ આપવાનું કહેવાયું હતું.
જજ રૉબિન પૉલ મોગા 2014માં અમિત શાહના વકીલ હતા. જૂન, 2014માં વકીલ મોગેરાએ અમિત શાહનું પ્રતિનિધિત્વ કરતાં પોતાના અસીલને વ્યક્તિગતપણે રજૂ રહેવાના મામલે બે વખત છૂટ આપવાની અપીલ કરી હતી.
જજે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. અમુક દિવસ બાદ જ જજની બદલી થઈ ગઈ હતી અને તેમની જગ્યાએ જસ્ટિસ બી. એચ. લોયાની નિમણૂક કરાઈ હતી.
બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશીલકુમાર મોદીએ પણ રાહુલ ગાંધી પર વધુ એક ગુનાહિત મામલો દાખલ કરાવ્યો છે.
આ મામલામાં બિહારની એક વિશેષ કોર્ટે રાહુલ ગાંધીને તલબ કર્યા હતા, જ્યાં તેઓ વ્યક્તિગતપણે સામેલ નહોતા થઈ શક્યા. હવે કોર્ટે 25 એપ્રિલના રોજ હાજર રહેવા જણાવ્યું છે.
તાજેતરમાં સાવરકર વિરુદ્ધ ટિપ્પણીને લઈને પણ રાહુલ ગાંધીને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે સહિત ઘણા ભાજપ અને શિવસેનાના નેતાઓએ તેમની ટિપ્પણીઓ માટે તેમને ‘દંડિત’ કરવાની માગ કરી છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના અન્ય મામલા
રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના અન્ય પણ કેટલાક મામલા દાખલ કરાયા છે.
વર્ષ 2014માં ભિવંડીની એક કોર્ટે તેમને આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંટે મિશ્રા તરફથી દાખલ કરાયેલ ફરિયાદ આધારે આઇપીસીની કલમ 499 અને 500 અતંર્ગત માનહાનિના વધુ એક મામલે સમન્સ પાઠવ્યો હતો.
મહાત્મા ગાંધીની હત્યા માટે કથિતપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને દોષિત ઠેરવવા માટે રાહુલ ગાંધી વિરુદ્ધ એક આપરાધિક ફરિયાદ દાખલ કરાઈ હતી.
આરએસએસના એક કાર્યકર્તાની ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં કૉંગ્રેસની એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આ તેમની શૈલી છે. તેમના દ્વારા ગાંધીજીની હત્યા કરાઈ; આરએસએસના લોકોએ ગાંધીજીને ગોળી મારી અને આજે તેના લોકો ગાંધીજીની વાત કરે છે.”
રાહુલ ગાંધી પોતાના વિરુદ્ધ થયેલા આ કેસને રદ કરવા માટે બૉમ્બ હાઇકોર્ટ પહોંચ્યા, પરંતુ તેમને રાહત નહોતી મળી.
આ બાદ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા, પરંતુ ત્યાં પણ તેમને રાહત નહોતી મળી.
સુરતની કોર્ટ દ્વારા બે વર્ષની સજા સંભળાવાયાના અમુક દિવસ બાદ રાહુલ ગાંધી એક નવા માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની એક ટિપ્પણી સંબંધે અમુક અઠવાડિયાં પહેલાં હરિદ્ધારની એક કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે.
રાહુલ ગાંધીએ જાન્યુઆરીમાં એક ભાષણમાં આરએસએસને ‘21મી સદીના કૌરવ’ ગણાવ્યા હતા.