એ ઘટના જેમાં 17 વર્ષ પહેલાં સોનિયા ગાંધી બચી ગયાં અને રાહુલનું સભ્યપદ રદ થઈ ગયું

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુરુવારે સુરતની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલી બે વર્ષની સજાના શુક્રવારે રાજકીય પડઘા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.

બરાબર 17 વર્ષ પહેલાં તેમનાં માતા સોનિયા ગાંધીનું પણ સભ્યપદ રદ થવાનું હતું, પરંતુ તેમના પોલિટિકલ મૅનેજરોએ 'પાણી પહેલાં પાળ' બાંધી હતી અને ગાંધી એ ઘટનાક્રમનો ઉપયોગ પોતાના અને પાર્ટીના લાભ માટે કરી શક્યાં હતાં.

રાહુલ ગાંધી સામેની આ કાર્યવાહીને આમ આદમી પાર્ટી, તૃણમુલ કૉંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ વખોડી કાઢી છે.

2019માં કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલે તેમના પરિવારની પરંપરાગત અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં અમેઠીની બેઠક પરથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સામે તેમનો પરાજય થયો હતો, જ્યારે વાયનાડ બેઠક ઉપરથી તેઓ વિજયી થયા હતા.

ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ પ્રમાણે, ઉપલી અદાલત દ્વારા સજામોકૂફ કરવામાં આવે તો વ્યક્તિ લોકસભાની ચૂંટણી લડી શકે, પરંતુ ઉમેદવારની પાર્ટીએ અખબાર અને પ્રસારમાધ્યમોમાં શા માટે દોષિત ઠરેલી વ્યક્તિને પાર્ટી ઉમેદવાર બનાવી રહી છે, તેવું જણાવવું પડે.

સોનિયા ગાંધીની ઉપર સંકટ

મધ્ય પ્રદેશના ઇંદૌરના ભાજપના કાર્યકર સંજય જારૌલિયાએ 18 માર્ચ, 2006ના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સમક્ષ એક અરજી દાખલ કરી હતી, જેમાં માગ કરી હતી કે સોનિયા ગાંધીએ સંસદસભ્ય તરીકે કાર્યરત હતાં અને રાષ્ટ્રીય સલાહકાર પરિષદનાં અધ્યક્ષા તરીકે પણ તેઓ કાર્યરત હતાં.

એક સાથે બે-બે 'લાભના પદ' (Office of Profit) ધારણ કરવા બદલ અનુચ્છેદ 102 (1) હેઠળ, લોકસભાના સભ્ય તરીકે તેમનું સભ્યપદ રદ કરવું જોઈએ. એવા મતલબની અરજી રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવી હતી.

નેશનલ ઍડ્વાઇઝરી કાઉન્સીલએ યુપીએનાં (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ) પહેલા કાર્યકાળમાં થયેલો એક પ્રયોગ હતો, જેમાં સમાજના અલગ-અલગ ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો અને સામાજિકકાર્યકરોની સમિતિ કેન્દ્રીય કૅબિનેટને યોજનાઓના ઘડતર સંબંધે સલાહ આપતી. યુપીએ દ્વારા નિર્ધારિત 'કૉમન મિનિમમ પ્રૉગ્રામ'નું ઘડતર થાય અને તેનો અસરકારક અમલ થાય, તે જોવાની તેમની જવાબદારી હતી.

આ સમિતિનાં અધ્યક્ષા સોનિયા ગાંધી હતાં અને તેમને કૅબિનેટ મંત્રીનો દરજ્જો મળેલો હતો અને પદને અનુરૂપ સુવિધાઓ મળેલી હતી. આ સિવાય સોનિયા ગાંધી તેમના પતિ રાજીવ ગાંધીના ફાઉન્ડેશન, તેમનાં સાસુ ઇન્દિરા ગાંધી નામના ટ્રસ્ટ અને જવાહરલાલ નહેરુના ટ્રસ્ટ સાથે સંકળાયેલાં હતાં. વિપક્ષના મતે આ તમામ પદ 'ઓફિસ ઑફ પ્રૉફિટ'નાં પદ હતાં.

કૉંગ્રેસ દ્વારા પાર્ટી અધ્યક્ષાનો બચાવ કરવામાં આવ્યો અને તે માત્ર 'સલાહકારની ભૂમિકા'માં હોવાની તથા અન્ય કોઈ લાભ કે વેતન ન લેતાં હોવાનું જણાવવામાં આવ્યું.

કૉંગ્રેસના પોલિટિકલ મૅનેજરોની આ એક ચૂક હતી. 'ધ પાર્લામૅન્ટ (પ્રિવેન્શન ઑફ ડિસ્કવૉલિફિકેશન) ઍક્ટ-1959ની' જોગવાઈઓ પ્રમાણે, અમુક પ્રકારનાં પદને 'લાભના પદ'ની વ્યાખ્યાની પરિઘમાંથી બહાર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ તેમાં એનએસીનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો.

ભાજપ સહિત વિપક્ષને લાગતું હતું કે વટહુકમ લાવીને સોનિયા ગાંધીને બચાવવાનો પ્રયાસ થશે, પરંતુ કૉંગ્રેસના વ્યૂહરચનાકારો દ્વારા આમાંથી બહાર નીકળવાનો બીજો જ રસ્તો કાઢવામાં આવ્યો હતો.

જોકે, આ પરિસ્થિતિ ઊભી થવા પાછળ ફિલ્મઅભિનેત્રી અને રાજ્યસભાનાં સંસદસભ્ય જયા બચ્ચનનો કિસ્સો જવાબદાર હતો.

જયા બચ્ચન 'ગયાં'

જયા બચ્ચન સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર રાજ્યસભાનાં સંસદસભ્ય હતાં. આ સાથે તેમને ઉત્તર પ્રદેશ ફિલ્મ ડેવલ્પમૅન્ટ કૉર્પોરેશનનાં વડાં બનાવવામાં આવ્યાં હતાં. આ કૉર્પોરેશનનું કામ રાજ્યમાં ફિલ્મોદ્યોગને પ્રોત્સાહન આપવાનું તથા મુંબઈ કેન્દ્રિત ઇન્ડસ્ટ્રીને યુપીમાં શૂટિંગ વગેરે માટે પ્રોત્સાહન મળે તે જોવું હતું.

જયા બચ્ચન સંસદસભ્ય તથા કૉર્પોરશનનાં વડાં તરીકે વેતન અને લાભ લઈ રહ્યાં હતાં, એટલે ચૂંટણીપંચ માર્ચ-2006ના પહેલા અઠવાડિયામાં તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં.

ગેરલાયક ઠેરવવા સામે જયા બચ્ચને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને લાભના પદના મુદ્દે સ્પષ્ટતા માગી. રાષ્ટ્રપતિ દ્વારા બચ્ચનને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં. એ પછી આ મુદ્દો ઉછળ્યો હતો.

કૉંગ્રેસનો દાવ અને બચાવ

ચૂંટણીપંચ દ્વારા આ મુદ્દે વિચારણા હાથ ધરવામાં આવી, એ પહેલાં કૉંગ્રેસના પોલિટિકલ મૅનેજરોએ આ સંકટનો તોડ કાઢી લીધો. સોનિયા ગાંધીએ ન કેવળ સંસદસભ્યપદેથી, પરંતુ એનએસીનાં વડાંપદેથી પણ રાજીનામું આપી દીધું.

આ એક અસામાન્ય પગલું હતું, કારણ કે વિપક્ષને લાગતું હતું કે સોનિયા ગાંધીને બચાવવા માટે સરકાર દ્વારા પાછલી તારીખની અમલવારીથી વટહુકમ લાવવામાં આવશે.

બે વર્ષ પહેલાં (2004માં) વડાં પ્રધાનપદનો ત્યાગ કરનારાં સોનિયા ગાંધીએ વધુ એક વખત ત્યાગ કર્યો હતો. જ્યારે તેમણે 10-જનપથ ખાતે મીડિયા સામે પોતાના નિર્ણયની જાહેરાત કરી, ત્યારે તેમના દીકરા રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ત્યાં જ હાજર હતાં.

પોતાની આગવી છટાંમાં હિંદીમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તેઓ પોતાનાં વ્યક્તિગત હિતોને સાધવા માટે રાજકારણમાં કે જાહેરજીવનમાં નથી આવ્યાં.

તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે તેને 'સોનિયા ગાંધીની નૈતિકતા'નો મુદ્દો જણાવ્યો તો વિપક્ષે કહ્યું કે સોનિયા ગાંધીમાં સંસદનો સામનો કરવાની નૈતિક હિંમત ન હતી એટલે તેમણે આ છટકબારી અજમાવી.

સમાજવાદી પાર્ટીએ સોનિયા ગાંધી 'પોતાની જ યોજનામાં ફસાયાં' હોવાનું નિવેદન કર્યુ હતું. મુલાયમસિંહે કહ્યું હતું કે, 'શિકારીનો જ શિકાર થઈ ગયો.'

...અને પછી

સોનિયા ગાંધીને પગલે પગલે કરણસિંહ અને ગુરૂદાસ કામતે પણ તેમનાં પદ છોડી દીધાં. ભાજપના સંસદસભ્ય વીકે મલ્હોત્રા, સપાના અમરસિંહ ; ડાબેરી પક્ષોના સોમનાથ ચેટ્ટરજી, મોહમ્મદ સલીમ, અમિત્વા નંદી, સ્વદેશ ચક્રવર્તી વગેરે સુધી પણ એક કરતાં વધુ પદ ધરાવતા હતા, છતાં ચર્ચા સોનિયા ગાંધી વિશે જ રહી.

રાષ્ટ્રપતિ કલામે ભાજપના કાર્યકર જારૌલિયાની અરજી ચૂંટણીપંચને મોકલી આપી. જ્યારે ચૂંટણીપંચે આ વિશે લોકસભાના સચિવાલયને પત્ર લખ્યો, ત્યારે તેમને જાણ થઈ કે સોનિયા ગાંધી અગાઉ જ સંસદસભ્યપદેથી રાજીનામું આપી ચૂક્યાં છે.

અગાઉ જયંતી નટરાજન અને જે. જયલલિતાના કિસ્સામાં બન્યું હતું કે તેમની સામે 'લાભના પદ'ની અરજી થઈ હતી, પરંતુ તેમણે પોત-પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દીધાં હતાં, એટલે તેમને ગેરલાયક ઠેરવવાની કવાયત અટકાવી દેવામાં આવી હતી.

એવું જ સોનિયા ગાંધીના કિસ્સામાં થયું અને તેમને ગેરલાયક ઠેરવવાની અરજી નિરર્થક થઈ ગઈ, હોવાનો મત ચૂંટણી કમિશનર નવીન ચાવલા, બીબી ટંડન તથા એન. ગોપાલસ્વામીએ આપ્યો હતો.

સોનિયા ગાંધી ફરી એક વખત રાયબરેલીથી ચૂંટણી લડ્યાં અને ચૂંટાઈ આવ્યાં હતાં. એટલું જ નહીં, 2009ની લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટી અને યુપીએનું નેતૃત્વ કર્યુ હતું અને સત્તા સુધી પહોંચાડી હતી.