જો 10 વર્ષ પહેલા રાહુલ ગાંધીએ એ વટહુકમ ફાડ્યો ન હોત તો આજે તેમનું સંસદસભ્ય પદ બચી ગયું હોત...

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સંસદમાં ચૂંટાયેલા રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ લોકસભાના સચિવાલયે રદ કરી દીધું છે. લોકસભા સચિવાલય દ્વારા આ પગલું વર્ષ 1951ના લોક પ્રતિનિધિત્વ કાયદા અને બંધારણના અનુચ્છેદ 102 (1) હેઠળ ભરવામાં આવ્યું હોવાનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધી લોકસભાના આ પગલાંથી બચી શક્યા હોત જો તેમણે 10 વર્ષ પહેલાં લોકસભામાં લાવેલા એક ખરડાને જાહેરમાં ફાડી ના નાખ્યો હોત તો...

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 23 માર્ચે ક્રિમિનિલ ડિફેમેશન એટલે કે ફોજદારી માનહાનિ કેસમાં દોષિત ઠેરવી 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજા સામે અપીલ કરવા તેમને 30 દિવસ આપ્યા છે અને ત્યાં સુધી સજાનો અમલ સસ્પેન્ડ રાખ્યો છે.

જોકે, લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને થયેલી સજાના ચુકાદાને ધ્યાનમાં રાખીને 24 માર્ચના રોજ તેમનું સંસદસભ્ય પદ જાહેરનામા બહાર પાડીને રદ કરી દેવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે જે કાયદો લગભગ 10 વર્ષ પહેલાં સાંસદો, ધારાસભ્યોને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક ગેરલાયક ઠરવા સામે રક્ષણ આપવા લવાયો હતો, એ કાયદાનો વિરોધ રાહુલ ગાંધીએ ખુદ કર્યો હતો અને એને પરત લેવા કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએની સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું અને એ વટહુકમને પાછો ખેંચવાની ફરજ પડી હતી.

જેને રાહુલ ગાંધીએ ‘બકવાસ’ ગણાવ્યો હતો 10 વર્ષ પહેલાં લાવવામાં આવેલો એ વટહુકમ શું હતો?

વાત વર્ષ 2013ના સપ્ટેમ્બર મહિનાની છે. દિલ્હી ખાતે કૉંગ્રેસના નેતા અજય માકન મનમોહન સિંહની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે લાવેલા વટહુકમ પર પત્રકાર પરિષદ કરી રહ્યા હતા.

એકાએક તેમને રાહુલ ગાંધીનો ફોન આવે છે અને અજય માકન પત્રકારોને જણાવે છે કે, ‘તેમને રાહુલ ગાંધીનો ફોન આવ્યો હતો, તેઓ પત્રકાર પરિષદમાં આવીને કંઈક વાત કરવા માગે છે.’

ત્યાર બાદ રાહુલ ગાંધી પત્રકાર પરિષદમાં ધસી આવ્યા હતા. આ દૃશ્યોએ એ સમયે દેશમાં ઘણી ચર્ચા જગાવી હતી.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં બોલવાનું શરૂ કર્યું, ‘હું આજે એક ખાસ વાત કરવા આવ્યો છે. મેં અજય માકનને ફોન કર્યો અને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો. એમણે મને કહ્યું કે તેઓ વટહુકમ વિશે પત્રકારો સાથે વાત કરવા આવ્યા છે. તેમણે મને ખાસ રાજકીય શૈલીમાં એક વાક્ય કીધું.’

‘એટલે મેં તેમને કહ્યું કે હું પણ ત્યાં આવી રહ્યો છું. અને હું અહીં આવ્યો છું. મારે તમને આ વટહુકમ વિશે કહેવું છે કે તે એકદમ બકવાસ છે. નિર્થરક છે. તેને ફાડીને ફેંકી દેવો જોઈએ.’

‘મારી પાર્ટીનું ભલે કંઈ પણ કહેવું હોય પણ આ મારો અંગત અભિપ્રાય છે. હવે સમય પાકી ગયો છે કે રાજકીય કારણોસર થતાં આવા કામો બંધ કરવામાં આવે. કૉંગ્રેસ ખોટું કરી રહી છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, એ સમયે વડા પ્રધાન મનમોહન સિંહ અમેરિકા પ્રવાસે ગયા હતા. એટલું જ નહીં જે વટહુકમ લવાયો હતો એના માટેનું બિલ પણ એ પહેલાં રાજ્યસભામાં લાવી દેવાયું હતું.

એટલે એક તરફ કૉંગ્રેસની જ સરકારે લાવેલો પ્રસ્તુત કાયદો તેની જ પાર્ટીના નેતાએ આ રીતે જાહેરમાં ‘બકવાસ’ ગણાવી એને ‘ફાડીને ફેંકી દેવાની’ વાત કરતા આખા દેશમાં કૉંગ્રેસ પાર્ટી માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી.

એટલું જ નહીં પણ વડા પ્રધાન મનમોહન સિંહની ગરિમાના ઉલ્લંઘનના પણ રાહુલ ગાંધી પર આરોપ લાગ્યા હતા.

પણ બન્યું એવું કે મનમોહન સિંહ વિદેશ પ્રવાસ પછી ભારત આવ્યા અને કેટલીક બેઠકો થયા બાદ એ વટહુકમ અને રાજ્યસભામાં લવાયેલું બિલ પાછું ખેંચી લેવાયું.

આ એ જ બિલ અને વટહુકમ હતો જે કદાચ જો એ સમયે પાસ થઈ ગયા હોત તો સુરતની કોર્ટના ચુકાદાના લીધે રાહુલ ગાંધીના સાંસદસભ્ય પદ પર જે જોખમ આવ્યું છે, તે હાલના સંજોગોમાં ટળી શક્યું હોત.

રાહુલ ગાંધીએ ‘બકવાસ’ ગણાવેલો વટહુકમ શું હતો?

વાત એમ છે કે 10 જુલાઈ, 2013ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ જસ્ટિસ એ.કે. પટનાયક અને એસ.જે.મુખોપાધ્યાયે લીલી થૉમસ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં પીઠે રિપ્રિઝેન્ટેશન ઑફ પીપલ ઍક્ટની કલમ 8(4)ને ગેરબંધારણીય ઠેરવી દીધી હતી.

આ કલમ સાંસદો, ધારાસભ્યો અથવા વિધાનસભા પરિષદના સભ્યો જેમને ગુના માટે કોર્ટે દોષિત ઠેરવ્યા હોય, તો તેમને અપીલ માટે 3 મહિનાનો સમયગાળો મળતો હતો અને તેમનું સભ્યપદ તરત જ ગેરલાયક ન ઠેરવાય તે સુનિશ્ચિત કરતી હતી. ઉપરાંત જ્યાં સુધી તેમની પાસે તમામ કાયદાકીય વિકલ્પો જેમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી તેઓ જઈને નિર્ણય પડકારી શકે તેની જોગવાઈ સામેલ હતી, અને ત્યાં સુધી તેમના સંસદ અથવા વિધાનસભામાં તેમનાં સભ્યપદ જળવાઈ રહેતા હતા.

પરંતુ આ કલમને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવી રદ કરી દીધી હતી, અને ચુકાદો આપ્યો કે, ‘જે સંસદસભ્ય અથવા ધારાસભ્યને કોર્ટ દ્વારા ગુના માટે દોષિત ઠેરવી ઓછામાં ઓછી 2 વર્ષની સજા ફટકારાઈ હતી તેમનું સંસદ કે વિધાનસભામાં સભ્યપદ તાત્કાલિકરૂપે ગેરલાયક ઠરે છે.’

વળી ચુકાદા અનુસાર દોષિત નેતાને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ આવી જતો હતો.

એ સમયે ચારાકૌભાંડ કેસમાં આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચાલતો હતો અને તેમની સામે ચુકાદો આવવાનો હતો.

એ સમયે એવી પણ ચર્ચા હતી કે તેમને સજા થઈ શકે છે એટલે કૉંગ્રેસે સુપ્રીમના ચુકાદા સામે વટહુકમ લાવ્યો હતો. જેથી તેમને રક્ષણ મળી શકે અને ચૂંટણી પછી તેમની પાર્ટી સાથે ગઠબંધન કરી શકાય.

તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે લાવેલો એ વટહુકમ કેન્દ્રની યુપીએ સરકારની કૅબિનેટે સર્વાનુમતે પસાર કર્યો હતો અને એ વટહુકમ દોષિત સાંસદો, ધારાસભ્યોને પદ ચાલુ રાખવા તથા ચૂંટણી લડવા માટે મંજૂરી આપતું હતું.

પણ પછી કૉંગ્રેસ સરકારે બિલ અને વટહુકમ બંને પાછા ખેંચી લીધા હતા.

સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ કેસ શું હતો?

ઍડ્વોકેટ લીલી થૉમસ અને લોક પ્રહરીએ તેમના જનરલ સેક્રેટરી એસ.એન. શુક્લા દ્વારા બે પિટિશન દાખલ કરાઈ હતી. જેમાં સવાલ હતો કે ક્રિમિનલ કેસમાં સંસદસભ્યો અને ધારાસભ્યો દોષિત ઠરે તો શું તેમને સંસદ અથવા ધારાસબામાં તેમના સભ્યપદ માટે ગેરલાયક ઠેરવવા કે નહીં.

એટલે કે રિપ્રિઝેન્ટેટેશન ઑફ પીપલ ઍક્ટ, 1951ની કલમ 8(4) જેમાં સંસદસભ્યો, ધારાસભ્યોને ગેરલાયક ઠરવા સામે ન્યાયિક રાહતો મેળવવા સાથેની રાહત અને સમયગાળો મળ્યો છે એ ગેરબંધારણીય છે કે નહીં એને પડકારતી પિટિશન થઈ હતી.

જેમાં 2013માં સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપી કલમ ગેરબંધારણીય ઠેરવી દીધી હતી અને તેને રદ પણ કરી હતી. પણ એની સામે મનમોહન સરકાર વટહુકમ અને બિલ લઈ આવી હતી.

અને આ જ વટહુકમને રાહુલ ગાંધીએ બકવાસ ગણાવતા પાછળથી પછી કૉંગ્રેસની સરકારે એ બંને પરત ખેંચી લીધા હતા.