રાહુલ ગાંધીને સજા મળતાં હવે એમના સાંસદપદનું શું થશે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વર્ષ 2019માં મોદી અટકને લઈને કરેલી ટિપ્પણીને લઈને સુરતની જિલ્લા કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે.

જોકે, કોર્ટે બાદમાં રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાના અમલ પર 30 દિવસનો સ્ટે આપ્યો છે અને તેમની જામીન અરજી મંજૂર રાખી છે.

હવે સવાલો એ થાય છે કે શું રાહુલ ગાંધીનું સંસદપદ જતું રહેશે કે પછી તેઓ સાંસદ પદ પર યથાવત્ રહેશે. આ વિશે અમે કેટલાક બંધારણ નિષ્ણાતો સાથે વાત કરી. શું કહે છે બંધારણ નિષ્ણાતો તે જોઈએ.

રાહુલ ગાંધીનું સંસદપદ જતું રહેશે?

લોક-પ્રતિનિધી કાયદો 1951ની કલમ 8(3) અનુસાર જો કોઈ નેતાને બે કે તેથી વધુ વર્ષની સજા સંભળાવાય તો સજા પૂરી થાય તે દિવસથી છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધની જોગવાઈ છે.

જો કોઈ ધારાસભ્ય કે સાંસદને સજા થાય તો તેઓ ધારાસભ્યપદ પરથી કે સાંસદપદ પરથી અયોગ્ય ઠરે છે અને તેમણે ધારાસભ્યપદ કે સાંસદપદ છોડવું પડે છે.

બંધારણ નિષ્ણાતો અનુસાર રાહુલની સજા બાદ પણ સાંસદપદ યથાવત્ રહી શકે છે. આ માટે રાહુલને ત્રીસ દિવસની અંદર આગળની કોર્ટમાં અપીલ કરવાની રહેશ અને જો એ કોર્ટે આ સજા પર રોક લગાવે તો તેમનું સંસદપદ યથાવત્ રહેશે.

બંધારણ નિષ્ણાત જી. સી. મલ્હોત્રાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે જો કોઈ સાંસદ કોર્ટ દ્વારા દોષિત સાબિત થાય અને તેને બે કે તેથી વધુ વર્ષની કેદની સજા થાય તો તે સાંસદનું સભ્યપદ રદ થઈ શકે છે.

જોકે લોક-પ્રતિનિધી કાયદો 1951ની કલમ 8(4) અનુસાર જો કોઈ દોષિત સભ્ય નીચલી અદાલતના આ આદેશ સામે ત્રણ મહીનાની અંદર ઉચ્ચ અદાલતમાં અપીલ કરે તો તે પોતાના પદ પર કાયમ રહી શકે છે.

આ અંગે અમે લોકસભાના પૂર્વ સચિવ અને બંધારણ નિષ્ણાત પી.ડી.ટી. અચારી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં અચારીએ કહ્યું કે રાહુલ ગાંધી પાસે આગળની કોર્ટમાં અપીલ કરવાનો સમય છે. જો આગળની કોર્ટ સજા પર રોક લગાવે અને સુનાવણી કરે તો તેઓ સાંસદપદે બન્યા રહેશે.

અચારી વધુમાં જણાવે છે કે, “રાહુલ ગાંધી પાસે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ વિકલ્પ છે. તેઓ ત્યાં સુધી અરજી કરી શકે છે પણ જો સુપ્રીમ કોર્ટ પણ તેમને આ કેસમાં બે વર્ષની સજા ફટકારે તો તેમને પદ ગુમાવવું પડી શકે છે.”

જ્યારે કૉંગ્રેસની સરકારે લાવેલ અધ્યાદેશ રાહુલ ગાંધીએ જાહેરમાં ફાડ્યો

વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે લોક-પ્રતિનિધિ કાયદાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 'લિલી થૉમસ વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા'ના કેસમાં સુપ્રીમ કોર્ટે તેની કલમ 8(4)ને ગેરબંધારણીય ગણાવી હતી. આ કલમમાં જોગવાઈ હતી કે જો કોઈ દોષિત સભ્ય નીચલી અદાલતના આદેશને ત્રણ મહિનામાં ઉચ્ચ અદાલતમાં પડકારે તો તે પોતાની બેઠક જાળવી શકે છે.

જોકે, 2013માં સુપ્રીમે તેને નિરસ્ત કરી હતી પણ તે વખતે મનમોહનસિંહની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લોક-પ્રતિનિધિત્વના કાયદામાં સુધારો કરવા વિધેયક રાજ્યસભામાં રજૂ કર્યું હતું.

જે મુજબ લોકપ્રતિનિધિને સજા મળ્યા બાદ તાત્કાલિક તેમને પદ પરથી અયોગ્ય ન ગણવા જોઈએ. આ સિવાય મનમોહન સિંહની સરકારે એક અધ્યાદેશ એવો પણ પારિત કર્યો હતો જેનો ઉદ્દેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિષ્ક્રિય કરવાનો હતો.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે દોષિત ઠર્યા બાદ ધારાસભ્યો અને સાંસદોનું સભ્યપદ રદ કરવામાં આવે. તે સમયે વિપક્ષે સરકાર આકરા પ્રહાર કરવાના શરૂ કર્યા હતા. કારણ કે આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ પર ચારાકાંડ મામલે અયોગ્યતાની તલવાર લટકી રહી હતી.

સુપ્રીમના ચુકાદાને પલટવા માટે સરકારે રિવ્યૂ પિટિશન પણ દાખલ કરી હતી. જેમાં તેમને સફળતા મળી નહીં. ચોંકાવનારી બાબત એ છે કે તે વખતે રાહુલ ગાંધી કૉંગ્રેસના ઉપ-પ્રમુખ હતા અને તેમણે પત્રકારપરિષદ યોજીને મનમોહન સિંહની સરકારે લાવેલ અધ્યાદેશને જાહેરમાં ફાડ્યો હતો.

અત્યાર સુધી કયા-કયા લોકપ્રતિનિધિઓ અયોગ્ય સાબિત ઠર્યા?

સૌથી પહેલા અયોગ્ય સાબિત થનારા લોકપ્રતિનિધિ હતા કૉંગ્રેસમાંથી ચૂંટાઈને આવેલા મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના ધારાસભ્ય પપ્પુ કાલાણી. 2013માં હત્યાના કેસમાં તેઓ દોષિત સાબિત ઠર્યા હતા.

  • એ પછી જેડીયુના ધારાસભ્ય જગદીશ શર્માને ચારાકાંડમાં સજા થતા તેમનું સંસદપદ છીનવાઈ ગયું હતું.
  • આરજેડીના સાસંદ લાલુપ્રસાદ યાદવ પણ ચારાકાંડમાં દોષિત થતા તેમને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
  • ભાજપમાંથી ચૂંટાયેલા મધ્ય પ્રદેશમાં ધારાસભ્ય આશા રાણી.
  • ઝારખંડના ધારાસભ્ય ઇનોઝ એક્કા.
  • શિવસેનાના બબનરાવ ધોલપે.
  • તામિલનાડુની ડીએમકે પાર્ટીના ટીએમ સેલ્વાગણપતિ
  • ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્ય સુરેશ હલવંકર

સૌથી ચર્ચિત કેસ હતો તામિલનાડુના મુખ્ય મંત્રી જયલલિતાનો. તેમનું ધારાસભ્યપદ જ્યાં સુધી કર્ણાટક હાઇકોર્ટે જ્યાં સુધી ટ્રાયલ કોર્ટના ચુકાદાને બદલ્યો નહીં, ત્યાં સુધી જતું રહ્યું હતું.

ચુકાદો બદલાયા બાદ તેઓ ફરી વખત મુખ્ય મંત્રી બન્યાં હતાં. જોકે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો એ દરમિયાન તેમનું મૃત્યુ થતાં કેસ બંધ કરી દેવાયો હતો.

રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ?

હવે રાહુલ ગાંધી વાયનાડથી કૉંગ્રેસ પાર્ટીના સાંસદ છે. નિયમ મુજબ જો રાહુલ ગાંધી ઉચ્ચ અદાલતમાં આ ચુકાદાને પડકારે છે અને તેની અપીલ પર જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી તેમના સભ્યપદને આંચ નહીં આવે.

હવે હાલ સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને આપેલી સજાને 30 દિવસ સુધી નિલંબિત કરી છે. એટલે રાહુલ ગાંધી ભલે દોષિત ઠર્યા હોય પરંતુ તેમને સજા તાત્કાલિક નહીં મળે. આ ત્રીસ દિવસમાં જો તેઓ જિલ્લા અદાલતના ચુકાદા પર સ્ટે લેવામાં સફળ થાય તો તેઓ સાંસદપદે રહેવા સફળ થઈ શકે છે.

આ મામલે રાહુલ ગાંધીના વકિલોએ કહ્યું હતું કે તેમની પાસે સજા સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમય પર્યાપ્ત છે. તો કૉંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ મીડિયામાં કહ્યું કે તેમની પાર્ટી રાહુલ ગાંધીને બચાવવા માટે જે કરવું પડે કે કરશે.