You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું, ભાજપે કૉંગ્રેસનો 'ઇતિહાસ' યાદ અપાવ્યો
કૉંગ્રેસની રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સમૂહને ખોટી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે સરકારી સંસાધનો મારફતે અદાણી સમૂહનો કારોબાર આગળ વધારવામાં મદદ કરી છે.
અદાણી મામલે થયેલી ચર્ચામાં તેમણે મંગળવારે લોકસભામાં આ આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ દેશની વિદેશનીતિને અદાણીનો કારોબાર વધારવા માટેની નીતિ ગણાવી.
તેમણે આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં ઍરપૉર્ટ મૅનેજમૅન્ટમાં અદાણી સમૂહનો ભાગ 30 ટકા અને ઇઝરાયલ સાથે સંરક્ષણ કારોબારમાં 90 ટકા સુધી છે, જે મોદી સરકારની 'સીધી મદદ'ના કારણે થયું છે.
ગાંધીએ કહ્યું વડા પ્રધાન જ્યારે ઑસ્ટ્રેલિયા જાય છે, તો એસબીઆઈ તેમને એક અબજ ડૉલરની લૉન આપે છે.
તેમણે કહ્યું કે મોદીજીની પ્રથમ યાત્રા બાંગ્લાદેશની થાય છે, ત્યારે ખબર પડે છે કે ત્યાં 1500 મેગાવૉટ વીજળી વેચવાની સમજૂતી થાય છે, એ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય છે.
તેમણે આરોપ લગાવ્યો કે 2022માં શ્રીલંકાના ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચૅરમૅને સંસદીય સમિતિ સામે એક ખૂલી સુનાવણીમાં દાવો કર્યો છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજપક્ષાએ તેમને કહ્યું કે તેમના પર વડા પ્રધાન મોદીનું દબાણ છે અને આ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય.
એલઆઈસીનાં નાણાં અદાણીના શૅરોમાં રોકવાનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે તેમના શૅર ખૂબ 'વૉલેટાઇલ' છે. તેમ છતાં સરકારે 36 હજાર કરોડ રૂપિયા અદાણી સમૂહની કંપનીઓમાં નાખી દીધા.
તેમણે આરોપ લગાવ્યો કે સરકારી બૅંકોએ હજારો કરોડ રૂપિયાની લૉન અદાણી સમૂહને આપી, જેનાથી સમૂહનો કારોબાર આગળ વધ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સત્તા પક્ષે કર્યો વિરોધ
રાહુલ ગાંધી જ્યારે આ આરોપ લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ વિરોધ કર્યો.
સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તમે વડા પ્રધાન પર આરોપ લગાવી રહ્યા છો, તમે આરોપોના પુરાવા આપો અને જણાવો કે મોદી સરકારે કયા નિયમ બદલી દીધા.
તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ સરકારે દરમિયાન જીએમઆર અને જીવીકે કંપની પાસે ઍરપૉર્ટ મૅનેજમૅન્ટનો કેટલો અનુભવ હતો, તેમ છતાં તેમને કૉન્ટ્રેક્ટ આપી દેવાયા.
તેમજ સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તમે પોતાના આરોપોને પ્રમાણિત કરો. તેમણે ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ નિરાધાર આરોપ લગાવી રહ્યા છે.
તેમજ રવિશંકર પ્રસાદે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે પુરાવા વગર ગૃહમાં ગમે એ વ્યક્તિ પર આરોપ ન લગાવી શકાય. તેમણે માગ કરી કે ગાંધીના આરોપોને રેકર્ડમાં સામેલ ન કરવામાં આવે.
'લોકોના પૈસા અદાણીમાં કેમ રોક્યા?'
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અદાણી ગ્રૂપની મદદ માટે સરકારે એલઆઇસી અને એસબીઆઇનાં નાણાં તેમની કંપનીઓમાં રોક્યાં.
રાહુલે કહ્યું, "એસબીઆઇના 27 હજાર કરોડ રૂપિયા, પીએનબીના સાત હજાર કરોડ, બૅંક ઑફ બરોડાના પાંચ હજાર 500 કરોડ" અદાણીની કંપનીઓમાં લગાવ્યાં છે.
તેમણે કહ્યું, "એલઆઇસીનું ઍક્સપોઝર 36 હજાર કરોડ રૂપિયા, ત્રણ કરોડ એસબીઆઇ અને બીજી પીએસયુ બૅંક હોલ્ડરનાં નાણાં અદાણીમાં લગાવ્યાં."
રાહુલ ગાંધીએ હિંડનબર્ગના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે શેલ કંપનીઓ હજારો કરોડ રૂપિયા ભારત મોકલી રહ્યા છે.
વડા પ્રધાને રાહુલ ગાંધીને પૂછેલા સવાલ
- વડા પ્રધાન સાથે ગૌતમ અદાણી કેટલી વખત વિદેશ યાત્રા પર ગયા?
- ગૌતમ અદાણીએ કેટલી યાત્રાઓમાં પાછળથી વડા પ્રધાનને જૉઇન કર્યા?
- વડા પ્રધાન અમુક દેશમાં ગયા હોય તે પછી તરત અદાણી આ દેશમાં કેટલી વખત પહોંચ્યા?
- કેટલા એવા દેશ છે જેમણે વડા પ્રધાનની યાત્રા બાદ ગૌતમ અદાણીને કૉન્ટ્રેક્ટ આપ્યા?
- અદાણીએ ભાજપને પાછલાં 20 વર્ષમાં કેટલાં નાણાં આપ્યાં?
- અદાણીએ ઇલેક્ટોરલ બૉન્ડમાં કટેલા પૈસા આપ્યા?
ભાજપનો પલટવાર
રાહુલ ગાંધી જ્યારે આ આરોપ નરેન્દ્ર મોદી પર કરી રહ્યા હતા ત્યારે પણ લોકસભામાં ભાજપના કેટલાક નેતાઓએ તેમના પટલવાર કર્યો હતો.
કાયદામંત્રી કિરેન રિજિજૂએ કહ્યું, "રાહુલ ગાંધી કોઈ તર્ક વગર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરી રહ્યા છે. તેઓ આવું ન કરી શકે. જો આક્ષેપ કરો છો કો તર્ક સાથે દસ્તાવેજ બતાવવા પડશે. માત્ર આક્ષેપ કરવાથી કામ નહીં ચાલે."
ઝારખંડમાં ગોડ્ડા લોકસભા સીટથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર જામીને પલટવાર કર્યો.
તેમણે કહ્યું, "જો ચોરી અને સીનાજોરીનું ઉદાહરણ જોવું હોય તો કૉંગ્રેસ પાર્ટીને જોવી જોઈએ."
નિશિકાંત દુબેએ કહ્યું કે ઑગસ્ટ 2010માં કૉંગ્રેસ સરકારે અદાણીને ઑસ્ટ્રેલિયામાં કોલસાની ખાણનું ટૅન્ડર આપ્યું.
સદનમાં તેમણે પણ રાહુલ ગાંધી તરફથી રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત, ઓમાન ચાંડી અને કમલનાથ સાથે અદાણીના સંબંધોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કૉંગ્રેસની હાલ, 100 ઉંદર ખાઈને હજ પર જનારી બિલાડી જેવી છે.
તેમણે અશોક ગેલોત અને અદાણીની તસવીર પણ લોકસભામાં બતાવી.
ત્યારે ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કૉંગ્રેસને તેના સમયમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાની યાદ અપાવી.
રવિશંકર પ્રસાદે કહ્યું કે કૉંગ્રેસે મનપસંદ લોકોને 2જી સ્પેક્ટ્રમના લાઇસન્સ આપ્યા અને દેશને એક લાખ 90 ગજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું. બોફોર્સ મામલે રાહુલ ગાંધીના પિતા પર આરોપ છે. કેસમાં આરોપીઓને ભગાડી દેવાનું કામ કરવામાં આવ્યું.
તેમણે કહ્યું, "તમારા પરિવારનો ભ્રષ્ટાચાર કરવાનો અને ભ્રષ્ટાચારીઓનું સંરક્ષણ કરવાનો ઇતિહાસ રહ્યો છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં- Facebook પર અહીં , Instagram પર અહીં , YouTube પર અહીં , Twitter પર ફૉલો કરવા અહીં ક્લિક કરો.