You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીના ઘરે દિલ્હી પોલીસના પહોંચવા પર કૉંગ્રેસનો સવાલ
ભારત જોડો યાત્રા દરમિયાન મહિલાઓ પર થઈ રહેલા જાતીય શોષણને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણી મામલે દિલ્હી પોલીસ રવિવારે તેમના ઘરે પહોંચી હતી.
રાહુલ ગાંધીના ઘર પર પોલીસના આવવાનો કૉંગ્રેસે વિરોધ કર્યો છે અને કૉંગ્રેસ કાર્યકરો પણ પ્રદર્શન કરી રહ્યા છે.
સ્પેશિયલ કમિશ્નર (કાયદા વ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે, " દિલ્હી પોલીસની રાહુલ ગાંધી સાથે બેઠક થઈ ગઈ છે. અમે તેમની પાસેથી જે માહિતી માગી છે તે અમને આપશે. તેમને એક નોટિસ આપવામાં આવી છે, નોટિસ તેમના કાર્યલયે પ્રાપ્ત કરી છે."
કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને " જાતીય સતામણીની ફરિયાદો સાથે સંપર્ક કરનાર મહિલાઓ વિશેની માહિતી" માગતી નોટિસ જારી કરી હતી.
સ્પેશ્યિલ કમિશનર (કાયદો-વ્યવસ્થા) સાગર પ્રીત હુડાએ જણાવ્યું, "દિલ્હી પોલીસની રાહુલ ગાંધી સાથે બેઠક થઈ ગઈ છે. નોટિસ તેમના કાર્યાલય દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી."
તેમણે આગળ કહ્યું, "અમે જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો પણ અમને કોઈ જાણકારી મળી ન હતી."
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
સ્પેશ્યિલ કમિશનરે જણાવ્યું કે 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યાત્રા દરમિયાન તેમને ઘણી મહિલાઓ મળી, જે રડી રહી હતી. તેમની સાથે બળાત્કાર થયો હતો. હવે તેમને જાણકારી એકઠી કરવામાં સમય લાગી શકે છે. પણ તેઓ જલદી જવાબ આપશે.
રાહુલ ગાંધીના ઘરે પોલીસ પહોંચતા જ કૉંગ્રેસ નેતાઓ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવા લાગ્યા. તેમનું કહેવું છે કે જ્યારે રાહુલ ગાંધી જવાબ આપી જ રહ્યા હતા, તો તેમના ઘરે જવાની શું જરૂર હતી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસની આકરી પ્રતિક્રિયા
રાહુલ ગાંધીના ઘર પર પોલીસ પહોંચ્યા બાદ કૉંગ્રેસ નેતાઓએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે.
તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી નોટિસનો જવાબ આપી રહ્યા છે તો પોલીસ તેમના ઘરે કેમ ગઈ?
દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને તેમના આ નિવેદન પર નોટિસ મોકલી હતી જેમાં તેમની પાસેથી કેટલાક સવાલોના જવાબ માગવામાં આવ્યા હતા.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું, "ગૃહમંત્રાલય અને ઉપરથી આદેશ સિવાય આ સંભવ નથી કે પોલીસ અહીંયા સુધી પહોંચે. જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને નોટિસ મળી છે અને તેઓ જવાબ આપશે છતાં પોલીસ પહોંચી છે."
તેમણે કહ્યું કે, "તેમની હિંમત કેવી રીતે થઈ કે તેઓ અહીંયા સુધી પહોંચ્યા. સમગ્ર દેશ તેમની હરકતો જોઈ રહ્યો છે. દેશ તેમને માફ નહીં કરે. આજની હરકત ખૂબ ગંભીર છે. તપાસથી કોઈ ઇન્કાર નહીં કરી શકે."
તો કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, "અમે ઘટનાક્રમનો નિયમ અનુસાર જવાબ આપશું પરંતુ આવી રીતે આવવું કેટલું યોગ્ય છે? ભારત જોડો યાત્રાને ખતમ થઈને આજે 45 દિવસ થઈ ગયા છે, એ લોકો આજે પૂછી રહ્યા છે. એવું દેખાય છે કે સરકાર ગભરાઈ છે. અત્યારે મને અંદર જવાથી રોકવામાં આવ્યો. કેમ રોકવામાં આવ્યો. આ રસ્તો છે અહીંયા કોઈ પણ આવી શકે છે."
ત્યારે જ કૉંગ્રેસ કમ્યુનિકેશન પ્રભારી જયરામ રમેશે પણ પોલીસના પહોંચવાની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, "ભારત જોડો યાત્રાને સમાપ્ત થયાને 45 દિવસ થઈ ગયા છે. તેઓ 45 દિવસ પછી સવાલ પૂછે છે. જો તેમને એટલી ચિંતા હતી તો તેઓ ફેબ્રુઆરીમાં જ તેમની પાસે કેમ ન ગઈ? રાહુલ ગાંધીની કાયદાકીય ટીમ કાયદા અનુસાર આનો જવાબ આપશે."
ભાજપ નેતાઓએ શું કહ્યું?
આ મામલે ભાજપ નેતાઓએ પણ રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા છે અને તેમને પોલીસને જાણકારી આપવાની સલાહ આપી છે.
હિમંત બિસ્વ સરમાએ શ્રીનગરમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન વિશે કહ્યું, "જો તેઓ કથિત યૌન ઉત્પીડનનો શિકાર બનેલી મહિલાઓનું નામ નહીં આપે તો તેમને ન્યાય કેવી રીતે મળશે? રાહુલ ગાંધી કહે છે કે તેઓ ચરમપંથીઓને મળ્યા છે. શું તેમણે આ વિશે સરકારને માહિતી ન આપવી જોઈએ?"
જ્યારે ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું, "રાહુલે જો દેશની સામે એક સાંસદ તરીકે કહ્યું છે કે મહિલા પર બળાત્કાર થયો છે તો પોલીસને તેની જાણકારી મેળવવાનો હક છે. આજે પોલીસ તેમના ઘરે એક નોટિસ લઈને એ આગ્રહ કરવા ગઈ કે તેઓ બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓના નામ જણાવે. પણ કૉંગ્રેસે તેને લોકતંત્ર પર હુમલો ગણી લીધો. તેઓ કહે છે કે લોકતંત્ર ખતરામાં છે."
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, "રાહુલની માનસિક સ્થિતિ બાળક જેવી છે. તેમણે લોકતંત્રના મંદિર, સંવિધાન અને લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડી છે. અમારા બૂથ વર્કર્સ પણ રાહુલ કરતા વધુ જાણકારી રાખે છે."