'મોદી દેશને બરબાદ કરી રહ્યા છે', રાહુલ ગાંધીએ કૅમ્બ્રિજમાં શું કહ્યું?

બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા ગયેલા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

યુનિવર્સિટી લેક્ચરનો એક વીડિયો કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સૅમ પિત્રોડાએ પોતાની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કર્યો છે.

આ વીડિયોમાં રાહુલ ગાંધીએ ભારત જોડા યાત્રા, ભારતીય લોકશાહી, મીડિયા, ન્યાયપાલિકા જેવા મુદ્દાઓ પર વાત કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું, "મહિલાઓને ગૅસ સિલિન્ડર આપવું અને લોકોનું બૅન્ક એકાઉન્ટ ખોલાવવું સારું કદાચ સારું પગલું છે. આવાં પગલાંને ખોટાં ના ગણાવી શકાય પણ મારા વિચારમાં મોદી ભારતના ઘડતરને બરબાદ કરી રહ્યા છે. તેઓ ભારત પર એક એવો વિચાર થોપી રહ્યા છે, જેનો ભારત સ્વીકાર ના કરી શકે."

"ભારત રાજ્યોનો સંઘ છે. ભારતમાં ધાર્મિક વિવિધતા છે. ભારતમાં શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ છે પણ મોદી એમને બીજા દરજ્જાના નાગરિક સમજે છે. હું આનાથી સહમત નથી. જ્યારે તમારો વિરોધ આટલો પાયાનો હોય ત્યારે કોઈ ફેર ના પડે કે તમે કઈ બે-ત્રણ નીતિઓ સાથે સહમત થાઓ છો."

રાહુલે આ વાત એ સવાલના જવાબમાં જણાવી હતી, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીની કઈ સારી નીતિઓને જણાવી શકે, જે ભારતના હિતમાં હોય.

રાહુલ ગાંધીએ ક્રૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'લર્નિંગ ટુ લિસ્નિંગ' એટલે કે સાંભળવાનું શીખવાના વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.

રાહુલ ગાંધીના લેક્ચરના કયા મુદ્દા આવરી લેવાયા?

  • મીડિયા અને ન્યાયપાલિકા નિયંત્રણમાં છે.
  • મારા ફોનમાં પેગાસસ છે. મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં પણ પેગાસસ છે. ઘણા અન્ય નેતાઓના ફોનમાં પણ પેગાસસ છે.
  • કેટલાક ખુફિયા અધિકારીઓએ મને ફોન પર વાત કરતી વખતે સાવધાન રહેવાનું કહ્યું છે કારણ કે મારો ફોન રેકૉર્ડ થઈ રહ્યો છે. મારી ઉપર ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા છે.
  • મારી વિરુદ્ધ કેટલાક ગુનાહિત મામલાના કેસ દાખલ કરવામાં આવ્યા છે જેને ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય.
  • અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતજોડો યાત્રા કરી. યાત્રામાં ભારે સંખ્યામાં લોકો અમારી સાથે જોડાયા.
  • જ્યારે હું કાશ્મીર પહોંચ્યો તો સિક્યૉરિટી ગાર્ડ્સ્ આવ્યા અને કહ્યું કે – તમે કાશ્મીરમાં યાત્રા ન કરી શકો કારણ કે તમારી પર હૅન્ડ ગ્રેનેડથી હુમલો થઈ શકે છે.
  • એ પછી અમે આપસમાં જ વાત કરી અને કાશ્મીરમાં યાત્રા શરૂ કરી. અમે જોયું કે હજારો લોકો તિરંગો લઈને યાત્રામાં જોડાતા ગયા.

ભાજપની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના લેક્ચર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પત્રકારપરિષદ યોજીને જણાવ્યું છે કે 'કૉંગ્રેસ નેતા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય પ્લેટફૉર્મ પર રડી રહ્યા છે. '

કેન્દ્રના મંત્રીએ જણાવ્યું, "તેઓ જાણે છે કે આનાં પરિણામ કેવાં આવશે. પેગાસસનો મુદ્દો એમના મગજ અને મનમાં છવાયેલો છે. આજે વિશ્વમાં મોદીજીને જે સન્માન મળે છે કે એમની આગેવાનીમાં ભારતને જે ઓળખ મળી છે... રાહુલ ગાંધીએ એ જાણવું હોય તો બીજા કોઈ નહીં તો કમ સે કમ ઇટાલીના વડા પ્રધાનને સાંભળવા જોઈએ."