રાહુલ ગાંધીના RSSને '21મી સદીના કૌરવ' કહેવા છતાં સંઘ નેતૃત્વ મૌન કેમ?

    • લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
  • રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રામાં અવારનવાર સંઘ પર શાબ્દિક પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે
  • તેમણે એક નિવેદનમાં તો સંઘને ‘21મી સદીના કૌરવ’ કહ્યા હતા
  • ભૂતકાળમાં સંઘનું નામ મહાત્મા ગાંધીની હત્યા સાથે જોડવાની બાબતને લઈને સંઘ તેમને કોર્ટ ઢસડી ગયું હતું
  • પરંતુ તાજેતરનાં નિવેદનોને લઈને સંઘનું શીર્ષ નેતૃત્વ ગૂઢ મૌન ધારણ કરીને બેઠું છે
  • સંઘસરચાલક મોહન ભાગવત તાજેતરમાં ઘણી વાર મીડિયા સાથે વાત કરી ચૂક્યા છે, પરંતુ તેમણે રાહુલ ગાંધીનાં નિવેદનો મામલે કોઈ ટિપ્પણી કરી નથી

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ‘21મી સદીના કૌરવ ગણાવ્યા છે અને કહ્યું છે કે ધનવાનો સાથે તેમની સાઠગાંઠ છે.’

ભારત જોડો યાત્રાના ક્રમમાં હરિયાણા અને પંજાબના રસ્તે પદયાત્રા કરી રહેલ ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, “કૌરવ કોણ હતા? હું તમને 21મી સદીના કૌરવો વિશે જણાવવા માગું છું, તેઓ ખાખી હાફ-પૅન્ટ પહેરે છે, હાથોમાં લાઠી લઈને ચાલે છે અને શાખાનું આયોજન કરે છે. ભારતના બે-ત્રણ અબજપતિ આ કૌરવો સાથે ઊભા છે.”

ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં દક્ષિણ ભારતીય રાજ્ય કેરળની રાજધાની તિરુવનંતપુરમથી શરૂ થયેલ પદયાત્રા દરમિયાન ભાજપ અને આરએસએસ સતત રાહુલ ગાંધીના નિશાના પર છે.

રાહુલ ગાંધીએ આરએસએસ-ભાજપને અસલી ‘ટુકડે-ટુકડે ગૅંગ’, ‘ભય અને નફરતનું રાજકારણ’ કરનારા ગણાવ્યા હતા.

તેમણે સંઘની સરખામણી મિસરમાં પ્રતિબંધિત સંગઠન મુસ્લિમ બ્રદરહૂડ સાથે કરી હતી.

રાહુલ ગાંધીના આટલા તીવ્ર પ્રહારો છતાં આરએસએસના વલણને લઈને ચર્ચા થઈ રહી છે.

રાજકીય વિશ્લેષક સવાલ કરી રહ્યા છે કે જે સંઘને મહાત્મા ગાંધીની હત્યા સાથે જોડનારા નિવેદન પર રાહુલ ગાંધીને કોર્ટમાં ઢસડી લઈ ગયા હતા, તેઓ હાલનાં નિવેદનો પર અગાઉ જેટલો હલ્લો કેમ નથી કરી રહ્યો.

જોકે આરએસએસના નેતા ઇંદ્રેશકુમારે તાજેતરમાં જરૂર રાહુલ ગાંધીની યાત્રા પર સવાલ ઉઠાવ્યા હતા.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે – ભારતમાં ઘણા લોકોએ યાત્રાઓ કરી છે, પરંતુ રાહુલ ગાંધી નફરતવાળી ભાષાનો ઉપયોગ કરે છે. આરએસએસ પર વારંવાર નિશાન સાધીને તેઓ ભારતને જોડવાની નહીં પરંતુ તોડવાની વાત કરી રહ્યા છે.

પરંતુ આરએસએસનું શીર્ષ નેતૃત્વ આના પર ચૂપ છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હાલ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે અને મીડિયા સાથે પણ તેમણે ઘણી વાર વાત કરી છે. પરંતુ આ મુદ્દે તેઓ ખામોશ રહ્યા છે.

રામમંદિર ટ્રસ્ટના પદાધિકારીઓએ શું કહ્યું?

આનાથી ઊલટું રામમંદિર ટ્રસ્ટના બે પદાધિકારીઓ – જનરલ સેક્રેટરી ચંપત રાય અને કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદદેવગિરિએ ભારત જોડો યાત્રાને લઈને એવાં નિવેદન આપ્યાં છે, જેને અમુક લોકો રાહુલ ગાંધીની પ્રશંસા તરીકે જોઈ રહ્યા છે.

ચંપત રાયે પોતાના નિવેદનમાં આરએસએસ સાથે પોતાના સંબંધની વાત પર ભાર મૂક્યો.

ચંપત રાયે કહ્યું, “દેશમાં નવયુવક પગપાળા ચાલી રહ્યો છે. તેમાં ખરાબ વાત શું છે? હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર્તા છું. સંઘમાંથી કોઈએ ટીકા કરી છે? વડા પ્રધાન સાહેબે તેમની ટીકા કરી છે? એક નવયુવક દેશનું ભ્રમણ કરી રહ્યો છે, દેશને સમજી રહ્યો છે, આ પ્રશંસાપાત્ર બાબત છે. પચાસ વર્ષની વ્યક્તિ ભારતનું 3,000 કિલોમીટરનું અંતર પગપાળા કાપશે, અને આવી ઋતુમાં પણ ચાલશે તો આ વાતની અમે સરાહના જ કરીશું.”

ચંપત રાય વિશ્વ હિંદુ પરિષદના ઉપાધ્યક્ષ પણ છે. તેમણે આ નિવેદન એ પ્રશ્નના જવાબમાં આપ્યું હતું, જેમાં પુછાયું હતું કે રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે ભારત જોડો યાત્રાને આશીર્વાદ આપ્યા છે, એ અંગે શું કહેશો.

સ્વામી ગોવિંદગિરિએ કહ્યું, “જે વ્યક્તિ ભગવાન રામનું નામ લે છે, જે ભારત માતાનું નામ લે છે અને એના માટે કંઈક કરે છે, અમે તેની સરાહના કરીશું અને કહીશુ કે ભગવાન રામ તેને પ્રેરણા આપે જેથી દેશ સંગઠિત અને સક્ષમ રહી શકે.”

સંઘ અને ભાજપના સંબંધ

કૉંગ્રેસ આ નિવેદનોને રાહુલ ગાંધી અને યાત્રાની પ્રશંસા તરીકે રજૂ કરી રહી છે, ખાસ કરીને રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નિવેદનને.

કેટલાક અન્ય લોકો પણ આ નિવેદનોને એવી જ રીતે જોઈ રહ્યા છે.

રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી કહે છે કે, “એવું લાગે છે કે સંઘ અને ભાજપ વચ્ચે બધું ઠીક નથી.”

તેમજ લેખક ધીરેન્દ્ર ઝાનું કહેવું છે કે, “સંઘના લોકો ખિન્ન તો છે, પરંતુ તેમને ખબર નથી પડી રહી કે હવે શું કરવું.”

‘ગાંધીના હત્યારા – ધ મેકિંગ ઑફ નાથુરામ ગોડસે ઍન્ડ હિઝ આઇડિયા ઑફ ઇન્ડિયા’થી માંડીને, સંઘનાં સંગઠનો પર પુસ્તકો લખી ચૂકેલા ધીરેન્દ્ર ઝા કહે છે કે, “રાહુલ ગાંધી જે પ્રકારે ભાજપ-આરએસએસનું નામ લઈને નફરત ફેલાવાની વાત કરી રહ્યા છે, દેશને વિભાજિત કરાયાની વાતને લઈને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, તેમ છતાં જે પ્રકારનો જવાબ તેને મળી રહ્યો છે, તેનાથી સંઘવાળાને એ વાત નથી સમજાઈ રહી કે પબ્લિકનો મિજાજ કેવો છે? તેથી તેમની વ્યૂહરચના હાલ મૌન ધારણ કરવાની બની ગઈ છે.”

જોકે સંઘ અને ‘કૌરવો’વાલા નિવેદન બાદ આરએસએસના વરિષ્ઠ સભ્ય ઇંદ્રેશકુમારે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી નફરત ફેલાવી રહ્યા છે.’

અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ અને મેઇલ ટુડેના ભૂતપૂર્વ સંપાદક ભારતભૂષણ સંઘના કાર્યકર્તાઓ તરફથી રાહુલ ગાંધીની પ્રશંસાના મામલાને મિસરીડિંગ (ખોટું સમજવું) માને છે.

જોકે મૌનના પ્રશ્નને લઈને સંઘના પ્રવક્તા સુનીલ આંબેકર કહે છે કે, “આરએસએ આવી વાતોને લઈને કોઈ ટિપ્પણી નથી કરતું.”

શું મોદીનો સંઘ પર પ્રભાવ છે?

નીરજા ચૌધરી કહે છે કે ‘સંઘમાં એક પ્રકારની ફિલિંગ છે કે નરેન્દ્ર મોદી ભાજપની આગેવાની કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ આરએસએસનું સંચાલન પણ કરી રહ્યા છે. સંઘ અને આરએસએસના સંબંધોનાં સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યાં છે અને સ્વાભાવિક છે કે આનાથી સંઘનો એક વર્ગ અસહજ છે.’

નરેન્દ્ર મોદીની સતત બે વખતની પ્રચંડ જીત અને જનતા પર તેમની પકડે આરએસએસ કાર્યકર્તાઓને પણ અસર કરી છે અને મત છે કે જો આજે કાર્યકર્તાઓને સરસંઘચાલક મોહન ભાગવત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૈકી એકને પસંદ કરવા પડે, તો તેઓ નરેન્દ્ર મોદીના પક્ષે ઊભા રહેશે.

લેખક અને પત્રકાર ધીરેન્દ્ર ઝા કહે છે કે, “વર્તમાન સમયમાં આરએસએસ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીને આધીન છે, પરંતુ તેમની મુશ્કેલી એ છે કે તેઓ કંઈ કરી નથી શકતા. આનું એક કારણ તો એ છે કે તેમના પર સમગ્ર દેશમાં-માલેગાંવથી માંડીને અજમેર અને મક્કા મસ્જિદથી લઈને સમજૌતા એક્સપ્રેસ બૉમ્બ ધડાકાને લઈને કેસ થયા છે, જે સરકાર બદલાય તો ગમે ત્યારે ખૂલી શકે છે.”

ઝા કહે છે કે, “દેશના અલગઅલગ ભાગોમાં થયેલ આ ધડાકામાંથી એકમાં તો આરએસએસના શીર્ષ નેતા ઇંદ્રેશકુમાર વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી તે પૈકી ઘણા કેસ તો સમાપ્ત થઈ ગયા, પરંતુ ઘણા મામલામાં આરોપીઓ હજુ સુધી જેલમાં બંધ છે.”

પુરાણા જમાનામાં સંઘ એક નૈતિક તાકત તરીકે કામ કરતો હતો, અને રાજકીય મેદાનમાં તે ખૂલીને નહોતો જોવા મળતો, પરંતુ ધીરેન્દ્ર ઝા અનુસાર, “ગત વર્ષોમાં ચૂંટણીને લઈને જેવી રીતે ખૂલીને આરએસએસ કાર્યકર્તાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, એના કારણે બંને સંગઠનોમાં જે એક ફરક દેખાતો હતો તે ખતમ થઈ ગયો.”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

મહાત્મા ગાંધીની હત્યા બાદ સંઘ પર લદાયેલ પ્રતિબંધને સમાપ્ત કરવાની એક શરત સંસ્થાને રાજકારણથી દૂર રાખવાની હતી.

આરએસએસે 1970 અને 1980ના દાયકામાં એવા અમુક નિર્ણય લીધા, જેનાથી પ્રત્યક્ષપણે કોઈ રાજકીય દળ સાથે ઊભેલા ન દેખાયા.

1977માં તેમણે જનસંઘને એ નવા રાજકીય સંગઠનમાં વિલય કરાવ્યું, જેને ઇંદિરા ગાંધીનો સામનો કરવા માટે તૈયાર કરાયું હતું.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ દેસની એકતાના હવાલાથી સંઘે રાજીવ ગાંધીને સમર્થન આપ્યું, જ્યારે ભાજપ 1980મા તૈયાર થઈ ચૂક્યો હતો.

સંગના વરિષ્ઠ નેતા નાનાજી દેશમુખે પોતાના એક લેખમાં રાજીવ ગાંધીને સમર્થન આપવાની વાત કરી હતી.

પરંતુ નરેન્દ્ર મોદીએ જે પ્રકારે હિંદુત્વના એજન્ડાને સંપૂર્ણપણે આત્મસાત કરી લીધો છે, સંઘ માટે પોતાની જાતને ભાજપથી દૂર રાખવી એ કદાચ સંભવ નથી.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પોતાના લેખમાં ભારતભૂષણે લખ્યું છે, “સામાન્ય સમજથી ઊલટું હિંદુત્વવાદી તાકતોએ રાહુલ ગાંધીની યાત્રાને યોગ્ય ઠેરવી છે” પરંતુ સાથે જ તેઓ એક રસપ્રદ ઘટના અંગે ઇશારો કરે છે – એ છે રામમંદિરનિર્માણનું શ્રેય.

ચૂંટણીલક્ષી મુદ્દા

ગૃહમંત્રી અને નરેન્દ્ર મોદીના સૌથી નિકટના લોકો પૈકી એક મનાતા અમિત શાહે ત્રિપુરામાં એક ભાષણ દરમિયાન કહ્યું કે રામમંદિર 1 જાન્યુઆરી, 2024 સુધી તૈયાર થઈ જશે.

અમિત શાહના નિવેદનના બીજા દિવસે જ ચંપત રાયે નિવેદન આપ્યું કે મંદિરનો મુખ્ય ભાગ 14 જાન્યુઆરી, 2024 સુધી તૈયાર થશે.

ભારતભૂષણ માને છે કે મંદિર અંગે ગૃહમંત્રી દ્વારા વાત કરાય છે એ વાત પરથી એ સ્પષ્ટ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મુખ્ય મુદ્દો મંદિર જ રહેશે, જ્યારે રાહુલ ગાંધી જે મુદ્દા ઉઠાવી રહ્યા છે તેમાં બેરોજગારી, મોંઘવારી, ચીનની ઘૂસણખોરી સામેલ છે, સાથે જ તેઓ દેશનું ધર્મ-જાતિના નામ પર વિભાજન કરવાનું રાજકારણ કરી રહ્યા છે.

જાણકારોનું માનવું છે કે મથુરા અને વારાણસી મંદિરનો મામલો પણ કોર્ટમાં પહોંચી ગયો છે અને અમિત શાહ રામમંદિરનિર્માણની વાત અત્યારથી કરવા લાગ્યા છે.

આ પરિસ્થિતિમાં આગામી ચૂંટણીઓમાં કૉંગ્રેસની સફર સરળ નથી રહેવાની.