You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજમાં બનેલી પહેલી 'સુપર કાર' કેવી દેખાય છે?
- લેેખક, અઝીઝુલ્લાહ ખાન
- પદ, બીબીસી સંવાદદાતા, પેશાવર
- કાબુલના એન્જિનિયર મુહમ્મદ રઝા અહમદીએ અફઘાનિસ્તાનમાં પોતાની પ્રથમ 'સુપર કાર' તૈયાર કરી છે
- આ કારને એનટૉપ કાર ડિઝાઈન સ્ટુડિયો દ્વારા ટેકનિકલ ઍન્ડ વોકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અફઘાનિસ્તાન સાથે મળીને તૈયાર કરવામાં આવી છે
- આ એક પ્રોટોટાઈપ સ્પૉર્ટ્સ કાર છે અને જાણકારી અનુસાર તેમાં ટોયોટાના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે
- આ કાર પાછળ અત્યાર સુધીમાં 40થી 50 હજાર ડૉલરનો ખર્ચ થઈ ચૂક્યો છે' અને હવે ઈન્ટીરિયર ડિઝાઈન પાછળ ખર્ચ થશે
"જ્યારે અમેરિકા અને તેમના મિત્ર દેશોની સેના કાબુલ બગરામ ઍરબેઝ પર હાજર હતી ત્યારે ત્યાં રાત્રે જબરદસ્ત લાઈટો ચમકતી રહેતી હતી અને મારું સપનું હતું કે કોઈ દિવસ હું મારી કાર તે ઍરબેઝ પર ચલાવીશ."
"તે મને એક સપના જેવું લાગતું હતું અને તે પૂરું થાય એવું લાગતું ન હતું પરંતુ હવે તે પૂરું થઈ ગયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મારી કારનું બગરામ ઍરબેઝ પર પ્રદર્શન કર્યું અને તેના માટે એવી જ રોશની કરવામાં આવી જેવી મારા સપનામાં આવતી હતી."
આ સપનું કાબુલના એન્જિનિયર મુહમ્મદ રઝા અહમદીનું હતું, જેમણે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં પોતાની પ્રથમ 'સુપર કાર' તૈયાર કરી છે.
એનટૉપ નામના સ્થાનિક ડિઝાઈન સ્ટુડિયોના સોશિયલ મીડિયા પેજ પર તેમનો આ વીડિયો સંદેશ ઉપલબ્ધ છે.
આ કારને એનટૉપ કાર ડિઝાઈન સ્ટુડિયો દ્વારા ટેકનિકલ ઍન્ડ વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અફઘાનિસ્તાન સાથે મળીને તૈયાર કરવામાં આવી છે.
મુહમ્મદ રઝા અહમદી સાથે ટેલિફોન પર વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના સેક્રેટરીએ કહ્યું કે તેઓ પછીથી જવાબ આપશે પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.
અમે તેમની પાસેથી જાણવા માગતા હતા કે તેમને આ સુપર કાર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને તેમણે તેના માટે ટેક્નોલૉજી અને પાર્ટ્સ ક્યાંથી મેળવ્યા, કારણ કે અફઘાનિસ્તાનમાં હજુ સુધી કોઈ કારનું ઉત્પાદન કરતો ઉદ્યોગ નથી.
મુહમ્મદ રઝા અહમદીના સેક્રેટરીએ ટેલિફોન પર જણાવ્યું કે આ કારની તૈયારી માટે 10થી 12 લોકોનું જૂથ કામ કરી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એક પ્રોટોટાઈપ સ્પૉર્ટ્સ કાર છે અને જાણકારી અનુસાર તેમાં ટોયોટાના એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
'અત્યાર સુધીમાં 40થી 50 હજાર ડૉલરનો ખર્ચ થયો'
અફઘાનિસ્તાનમાં શિક્ષણ અને તકનીકી શિક્ષણના વડા મૌલવી ગુલામ હૈદર શહામતે અફઘાનિસ્તાનથી બીબીસીને ટેલિફોન પર જણાવ્યું હતું કે પાંચ વર્ષથી આ કાર પર કામ ચાલી રહ્યું હતું એટલે કે કાર પર કામ અગાઉની સરકારમાં શરૂ થયું હતું, પરંતુ આ કામ પૂરું થયું ન હતું.
તેમનો દાવો છે કે તાલિબાન સત્તામાં આવ્યા બાદ આ કાર પૂરી થઈ હતી.
તેમણે કહ્યું કે પહેલા તેના પર માત્ર 50 ટકા કામ થયું હતું અને જ્યારે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક શાસન સ્થપાયું ત્યારે મુહમ્મદ સઝા અહમદીએ આઠ મહિના પહેલાં તેમની સંસ્થાનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેનો અમલ કરવામાં લાગી ગયા હતા અને હવે ઘણું કામ પૂરું થઈ ગયું છે. જોકે કારનું ઇન્ટીરિયરનું કામ હજુ પૂરું નથી થયું.
તેમણે કહ્યું કે 'આ કાર પાછળ અત્યાર સુધીમાં 40થી 50 હજાર ડૉલરનો ખર્ચ થઈ ચૂક્યો છે' અને હવે ઈન્ટીરિયર ડિઝાઈન પાછળ ખર્ચ થશે.
તેમણે કહ્યું કે એવી કોશિશ કરાશે કે આ કારને તૈયાર કરીને દુનિયામાં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવે અને અફઘાનિસ્તાનની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્યને દેખાડવામાં આવે.
એવી માહિતી છે કે અફઘાનિસ્તાનની સરકાર આ વર્ષે કતારમાં યોજાઈ રહેલા કાર પ્રદર્શનમાં પણ આ કારને રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે કારને રજૂ કરવામાં આવી
જોકે ગયા વર્ષે નવેમ્બરમાં આ કારની તસવીરો અને કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યાં હતાં, પરંતુ અફઘાનિસ્તાનમાં થોડા દિવસો પહેલાં જ તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના પ્રતિનિધિ તરીકે નામાંકિત સુહેલ શાહીને ત્રણ દિવસ પહેલાં ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે અફઘાન એન્જિનિયર દ્વારા બનાવેલી કારના પ્રદર્શનને લઈને ટ્વીટ કર્યું હતું.
એક વીડિયો પણ હતો જેમાં તેમણે લખ્યું હતું કે અફઘાનિસ્તાનના વિકાસ માટે તમામ અફઘાન યુવાનોએ પોતપોતાની ભૂમિકા ભજવવી જોઈએ.
અફઘાનિસ્તાનના માહિતી વિભાગના વડા ઝબિહુલ્લાહ મુજાહિદે આ કામની પ્રશંસા કરી છે.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ કામની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે જે દેશમાં 40 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં આવા કુશળ લોકો છે જે આવું કામ કરી બતાવે છે.
બીજી તરફ, ઘણા ટીકાકારોનું કહેવું છે કે મૂળભૂત રીતે આ કારના પાર્ટ્સ અને એસેસરીઝ અન્ય કાર કંપનીઓના છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અફઘાનિસ્તાને એવો પ્રયાસ કરવો જોઈએ કે તે તેમના દેશમાં પાર્ટસ અને અન્ય એસેસરીઝનું ઉત્પાદન કરે.
મુહમ્મદ રઝા અહમદી અને તેની પાર્ટનર કંપની એનટૉપના સોશિયલ મીડિયા પેજ પર વાહનની તૈયારીનો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે પાર્ટ્સ અને બૉડી કેવી રીતે બનાવવામાં આવી રહી છે.