શું યુક્રેન યુરોપનું અફઘાનિસ્તાન બનવા જઈ રહ્યું છે?

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

યુક્રેનમાં સંઘર્ષ હજુ શરૂઆતના દોરમાં છે પરંતુ પશ્ચિમી દેશોને ડર છે કે એ મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે.

યુક્રેન પર રશિયાના હુમલાની તુલના કાં તો 1979ના સોવિયત સંઘના અફઘાનિસ્તાન પરના હુમલા સાથે કરાઈ રહી છે કાં તો 2001માં અફઘાનિસ્તાન પર અમેરિકાના નેતૃત્વવાળા આક્રમણ સાથે.

સોવિયત સંઘને દસ વર્ષની અંદર હાર માનીને પાછા ફરવું પડ્યું હતું અને બીજા મામલામાં અમેરિકાએ 20 વર્ષ પછી કશુંય હાંસલ કર્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું. બંને ઘટનામાં આક્રમણ કરનારા દેશની હાર થઈ હતી.

તો શું રશિયાના હુમલા પછી યુક્રેનની હાલત અફઘાનિસ્તાન જેવી થઈ શકે છે? અમેરિકન હુમલા પછીના અફઘાનિસ્તાન કે પછી સોવિયત હુમલા પછીના અફઘાનિસ્તાન જેવી?

અમેરિકામાં કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓ એમ ઇચ્છે છે કે રશિયાને યુક્રેનના કળણમાં એવી જ રીતે ફસાવી દેવાય જે રીતે અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘને ફસાવાયો હતો, જેના પછી હુમલો કરનારા સૈન્યની જોરદાર હાર થઈ હતી અને દસ વર્ષ પછી એમણે અફઘાનિસ્તાન છોડીને પાછા જતા રહેવું પડ્યું હતું.

એમનો તર્ક એ છે કે, અમેરિકા અને નેટો એ જ રીતે વૉલન્ટિયર અને બિનસરકારી ઍક્ટરોને શસ્ત્રો અને ટ્રેનિંગ આપશે જે રીતે આ દેશોએ અફઘાનિસ્તાનમાં સોવિયત યુનિયન સામે લડવા માટે મુજાહિદ્દીનને તૈયાર કર્યા હતા. અહીં પણ એવું જ થશે.

અમેરિકાનાં ભૂતપૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "યાદ રાખો, 1980માં રશિયનોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. રશિયનો માટે એનો અંત સારો નહોતો… સત્ય એ છે કે એક અતિ પ્રેરિત, સારી રીતે ફંડેડ અને સશસ્ત્ર વિદ્રોહે મૂળરૂપે રશિયનોને અફઘાનિસ્તાનમાંથી બહાર ફેંકી દીધા."

સોવિયત સૈનિકોએ 24 ડિસેમ્બર, 1979એ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું અને દસ વર્ષ સુધી ત્યાં રહ્યા પછી 1989માં એમણે પોતાના દેશ પરત ફરવું પડ્યું હતું. અફઘાનિસ્તાનમાં પોતાની મરજી પ્રમાણેનું શાસન લાગુ કરવામાં અસફળ રહ્યા બાદ સોવિયત સંઘે 1988માં અમેરિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને 15 ફેબ્રુઆરી, 1989એ બધા જ સોવિયત સૈનિકોની ઘરવાપસી થઈ ગઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના તાજેતરના 'સ્ટેટ ઑફ ધ યુનિયન' સંબોધનમાં આ જ પૉલિસી અપનાવવા તરફ ઇશારો પણ કર્યો હતો. એ ભાષણમાં એમણે કહેલું કે, યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે.

શિકાગોમાં રહેતા લેખક બ્રૅન્કો માર્સેટિકે જો બાઇડન પર ચર્ચિત પુસ્તક લખ્યું છે. તેમણે જણાવ્યું કે, અત્યારે વૉશિંગ્ટનમાં ઘણા બધા સૂર સાંભળવા મળી રહ્યા છે. એમાંનો એક એવો છે કે રશિયાને યુક્રેનના કળણમાં ફસાવી દેવાય.

બીબીસી સાથેના એક ઇમેઇલ ઇન્ટરવ્યૂમાં એમણે જણાવ્યું છે કે, "મારી દૃષ્ટિએ બંને તરફના રાજનેતાઓ (રિપબ્લિક અને ડેમૉક્રેટિક પાર્ટી) તથા બાઇડનના વહીવટીતંત્રના અધિકારીઓના મત જુદા જુદા છે. પરંતુ એ (રશિયાને યુક્રેનમાં ફસાવી રાખવો) નિશ્ચિત રૂપે કેટલાક લોકો માટે પસંદગીનો વિકલ્પ છે. આપણે જાણીએ છીએ કે બાઇડન વહીવટીતંત્ર કમ સે કમ ગયા ડિસેમ્બરથી આ પ્રકારના પરિણામ માટે સ્પષ્ટ રૂપે યોજના ઘડી રહ્યું છે."

અમેરિકા અને નેટો યુદ્ધમાં સામેલ થાય તેવી સંભાવના

અચલકુમાર મલ્હોત્રા યુક્રેનના પડોશી દેશ જ્યૉર્જિયા અને આર્મેનિયામાં ભારતના રાજદૂત રહી ચૂક્યા છે.

એમણે જણાવ્યું કે, "આ વખતે અમેરિકા અને એના નેટો સહયોગી દેશોએ સ્પષ્ટપણે નક્કી કરી લીધું છે કે તેઓ પ્રત્યક્ષરૂપે આ સંઘર્ષમાં સામેલ નહીં થાય. મારા મતે એમનો પ્રયાસ એવો રહેશે કે રશિયાને અવઢવમાં રહેવા દેવાય. યુક્રેનની અખંડિતતા પર આક્રમણ થયું છે, એ જોતાં રશિયા પર ઘણા પ્રકારના સખત પ્રતિબંધો મૂકવામાં આવે. એમનું અંતિમ લક્ષ્ય એ છે કે રશિયાને આર્થિક અને સૈન્ય બંને રીતે નબળો પાડી દેવાય."

અચલ મલ્હોત્રાએ જણાવ્યું કે, "જે તમે પશ્ચિમી દેશોને જોશો તો પુતિનને એક વિલન તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત, રશિયાને રાજદ્વારી રીતે એકલોઅટૂલો પાડી દેવાઈ રહ્યો છે. બીજી બાજુ, એમના પ્રયાસ એવા છે કે યુક્રેનની અંદર ચાલી રહેલા પ્રતિરોધને રાજદ્વારી, નૈતિક, રાજકીય, આર્થિક અને સૈન્ય સહાયતા આપીને જીવંત રાખે. જો એનો કોઈ હલ ના નીકળે તો આ યુદ્ધ વર્ષો સુધી ચાલી શકે એમ છે અને યુક્રેન એક સ્થાયી યુદ્ધ ક્ષેત્ર બની શકે છે."

હાલનો સંઘર્ષ 2014થી ચાલી રહ્યો છે, જ્યારે રશિયાએ યુક્રેનને અડીને આવેલા પૂર્વ ક્રાઇમિયા પર હુમલો કરીને કબજે કરી લીધો હતો. યુક્રેનને નેટો અને અમેરિકા દ્વારા એ સમયથી જ લશ્કરી મદદ મળવી શરૂ થઈ ગઈ હતી.

સ્કૉટ રિટર અમેરિકામાં રશિયન બાબતોના વિશેષજ્ઞ છે અને અમેરિકન મરીન ફોર્સમાં કમાન્ડર હતા. તેઓ બગદાદમાં શસ્ત્ર-નિરીક્ષક તરીકે પણ હતા. એમના જણાવ્યા અનુસાર અમેરિકા અને નેટો 2015થી જ યુક્રેનના લશ્કરને પ્રશિક્ષિત કરી રહ્યા છે.

એક ટ્વીટમાં એમણે લખ્યું છે કે અમેરિકા અને નેટોના સૈનિકો નેટોના યવોરિવ સુવિધા કેન્દ્રમાં ડોનબાસ (પૂર્વ યુક્રેન)માં 2015થી પ્રત્યેક વર્ષે યુક્રેનની સેનાની પાંચ બટાલિયનને યુદ્ધ માટેની તાલીમ આપવાનું કામ કરે છે. એનો અર્થ એ થયો કે આઠ વર્ષમાં યુક્રેનની 40 બટાલિયનને ટ્રેનિંગ અપાઈ ચૂકી છે.

સામાન્ય નાગરિકોને અપાઈ રહી છે ટ્રેનિંગ

પશ્ચિમી દેશોના સેંકડો વૉલન્ટિયર રશિયન સેના સામે લડવા માટે યુક્રેન પહોંચી રહ્યા છે, એમને શસ્ત્ર પણ પહોંચાડવામાં આવે છે. યુક્રેનના સામાન્ય નાગરિકોને પણ યુદ્ધ માટે સશસ્ત્ર અને પ્રશિક્ષિત કરાઈ રહ્યા છે.

શિકાગોમાં અમેરિકન વિશ્લેષક બ્રૅન્કો માર્સેટિકે જણાવ્યા અનુસાર, યુક્રેનમાં સક્રિય નિયો-નાઝી અને વિદેશથી આવી રહેલા રંગભેદ સમર્થકોના હાથમાં હથિયાર આપવાં એ જોખમી છે. તેમણે જણાવ્યું કે, "પશ્ચિમી દેશોના સમર્થનવાળા યુક્રેનમાં પ્રતિરોધ કરનારાં દળો દ્વારા અમેરિકા સામે પણ જોખમ ઊભું રહેશે, એ વાતનો ઇનકાર ન કરી શકાય."

એમનું કહેવું છે કે, યુક્રેનમાં ચાલી રહેલા પ્રતિરોધ માટે હથિયાર અને ટ્રેનિંગ આપવાની બાબતને એ રીતે જ જોવી જોઈએ જે રીતે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ મુજાહિદ્દીનને આપ્યાં હતાં. એમને એ વાતનું જોખમ લાગે છે કે, પોતાના હાથમાં હથિયાર ઉઠાવનારા રંગભેદના સમર્થક ગોરા લોકો અમેરિકા પાછા આવીને હિંસક ન થઈ જાય.

તેમણે ઉમેર્યું કે, "યુક્રેનમાં અલ્ટ્રા-નેશનાલિસ્ટ અને અન્ય સુદૂર દક્ષિણપંથી ચરમપંથીઓની લાંબા અરસાથી ખતરનાક અને પ્રભાવશાળી હાજરી રહી છે અને જે ઝડપે અને આસાનીથી પશ્ચિમી દેશોનાં શસ્ત્રો યુક્રેનમાં આવી રહ્યાં છે, એમાં કશી શંકા નથી કે તે એમના હાથમાં આવશે, વાસ્તવમાં, આપણે જાણીએ છીએ કે એમની પાસે આવાં હથિયાર પહેલાંથી જ છે."

બ્રૅન્કો માર્સેટિકના જણાવ્યા અનુસાર, હવે એમાંના ઘણા પશ્ચિમી ચરમપંથીઓ પોતાની હિંસક પ્રવૃત્તિઓ માટે વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવવા માટે યુક્રેનનો પ્રવાસ પણ કરી રહ્યા છે. "ચિંતાની વાત એ છે કે આપણે આ બધાનું પરિણામ ત્યારે જ જાણી શકીશું જ્યારે ખૂબ મોડું થઈ ગયું હશે."

જો યુક્રેન અમેરિકાનું અફઘાનિસ્તાન બની ગયું તો?

અમેરિકા અને નેટો દેશોએ 11 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલા પછી અફઘાનિસ્તાન પર હુમલો કરી દીધો હતો.

વીસ વર્ષ પછી અર્થાત્ ગયા વર્ષે એમણે અફઘાનિસ્તાન છોડીને જવું પડ્યું હતું.

અચાનક જે રીતે પશ્ચિમી દેશોના સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યો એનાથી અમેરિકાની ભારે બદનામી થઈ અને કહેવાયું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નેટોની હાર થઈ છે.

અચલ મલ્હોત્રાએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઇડન માટે યુક્રેન એક મોટો પડકાર છે. ચાલુ વર્ષના નવેમ્બરમાં અમેરિકન કૉંગ્રેસની ચૂંટણી છે. બાઇડને અમેરિકામાં દેખાડવું છે કે અમેરિકા આજે પણ વર્લ્ડ લીડર છે અને તેઓ યુક્રેનમાં રશિયા સામે બરાબરની ટક્કર આપી રહ્યા છે. જો યુક્રેન પર રશિયાની જીત થઈ તો અમેરિકાની છબીને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે.

અચલ મલ્હોત્રાએ જણાવ્યું કે, "એવું બની શકે છે. અફઘાનિસ્તાનમાં રશિયા એવી સ્થિતિનો સામનો કરી ચૂક્યું છે. અમેરિકા પણ અફઘાનિસ્તાનમાં નિષ્ફળતા જોઈ ચૂક્યો છે. અમેરિકા વિયેતનામમાં હારી ચૂક્યું છે. અમેરિકા અને એના સાથી દેશો યુક્રેનના પ્રતિરોધને ક્યાં સુધી મજબૂતીથી ચલાવી શકે છે એ વાત પર બધો આધાર રહેશે."

હાલના સમયે યુદ્ધની સાથે સાથે વાતચીત દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે સમસ્યાનો હલ શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ સંકેતો એવા મળી રહ્યા છે કે રશિયા માત્ર પોતાની શરતે જ યુક્રેનમાંથી પાછો ફરશે.

એની શરતોમાં જે જે વાતો સામેલ છે એમાં ખાસ આ છેઃ યુક્રેન નેટોમાં સામેલ ન થાય, યુક્રેનનું લશ્કર શસ્ત્ર મૂકી દે અને યુક્રેન ક્રાઇમિયાને માન્યતા આપે.

રાષ્ટ્રપતિ પુતિન એવું પણ ઇચ્છે છે કે યુક્રેનમાં એમના સમર્થનવાળી સરકાર સ્થપાય. જો યુક્રેને શરતો માન્ય કરી તો અમેરિકા અને નેટોની હાર થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો