ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં આટલી ગરમી કેમ, હીટ વેવ શું છે?

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

ઉનાળાની શરૂઆતથી ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, એવામાં ફરી હીટ વેવની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચે જઈ શકે છે.

'હીટ વેવ'ને આપણે સરળ ભાષામાં લૂ કહીએ છીએ. જે એક અત્યંત ગરમ આબોહવાની સ્થિતિ છે. તે સામાન્ય રીતે બે અથવા તેથી વધુ દિવસો સુધી રહે છે. જ્યારે તાપમાન કોઈ નિશ્ચિત વિસ્તારના ભૂતકાળના સરેરાશથી વધી જાય છે. ત્યારે તેને હીટ વેવ અથવા લૂ કહે છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી અને પર્વતીય વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ત્યારે તેને ભયાનક લૂની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

જ્યારે તટીય વિસ્તારોમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય ત્યારે હીટ વેવની શરૂઆત થતી હોય છે.

હીટ વેવ કેવી રીતે બને છે?

હીટ વેવ સામાન્ય રીતે થંભી ગયેલી હવાને કારણે પેદા થાય છે. ઉચ્ચ દબાણ વાળી સિસ્ટમ હવાને નીચેની તરફ લઈ જાય છે.

આ શક્તિ જમીન પાસે હવાને વધતા રોકે છે. નીચે વહેતી હવા એક ટોપીની જેમ કામ કરે છે. તે ગરમ હવાને એક જગ્યાએ એકઠી કરે છે.

હવા ચાલે નહીં ત્યાં સુધી વરસાદ શક્ય નથી. ગરમ હવાને વધુ ગરમ થતી રોકવાનો કોઈ ઉપાય હોતો નથી.

ભારતમાં ક્યાં સૌથી વધારે હીટ વેવ અનુભવાય છે?

ભારતમાં મુખ્યત્વે માર્ચથી જૂન દરમિયાન હીટ વેવ આવતી હોય છે. કેટલીક અપવાદરૂપ ઘટનાઓમાં તે જુલાઈમાં પણ આવે છે. સૌથી વધારે મે મહિનામાં તે અનુભવાય છે.

હીટ વેવની ઘટનાઓ સામાન્ય રીતે માર્ચથી જૂન મહિના દરમિયાન ઉત્તર પશ્ચિમનાં રાજ્યો, પૂર્વ અને ઉત્તરના તટીય વિસ્તારોમાં અનુભાતી હોય છે.

આ રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સામેલ છે.

ક્યારેક તામિલનાડુ અને કેરળમાં પણ તેની અસર વર્તાય છે. જોકે હવે હિમાલયનાં કેટલાંક રાજ્યોમાં પણ લૂની અસર જોવા મળતી હોય છે.

લૂ કે હીટ વેવથી બચવા શું કરવું?

હીટ વેવ અથવા લૂ માણસ સહિત અનેક જીવોને અસર કરે છે. હીટ વેવના કારણે શરીરમાં પાણીની ઘટ, થાક લાગવો, નબળાઈ આવવી, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઊલટી, આંતરડામાં દુખાવો, પરસેવો થવો અથવા હીટ સ્ટ્રોક થઈ શકે છે.

હીટ વેવના કારણે માનસિક તણાવ પણ વધી શકે છે. લૂ લાગવાનાં લક્ષણોમાં ગરમીથી શરીર જકડાઈ જવાથી માંડીને તાવ પણ આવી શકે છે.

જો શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય તો ઍટેક આવી શકે છે અને માણસ કોમામાં પણ જઈ શકે છે.

ગરમીના કારણે શરીરમાંથી પ્રવાહી ખૂબ જ ઝડપથી ઓછું થાય છે. જેથી વધુ પાણી પીવું જોઈએ. ગરમીમાં વાસી ખોરાક ટાળીને તાજો ખોરાક લેવો જોઈએ. ચામડીની સુરક્ષા માટે સનસ્ક્રીન લગાવવું જોઈએ.

દિવસ દરમિયાન બહાર જવાથી બચવું જોઈએ. ગરમીના દિવસોમાં સૂર્યનાં કિરણો ખૂબ જ હાનિકારક હોય છે. હળવા રંગનાં સુતરાઉ કપડાં પહેરવાં જોઈએ અને શક્ય હોય તો તડકામાં જવાનું ટાળવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો