ભૂપેન્દ્ર પટેલ : CMએ કહ્યું, 'સાચી તકલીફમાંથી બહાર કાઢવાની જવાબદારી સરકારની', તો જનતાએ ગણાવી 'સાચી' તકલીફો

‘એક કહે છે તકલીફ હોય તો ગુજરાત બહાર જતા રહો, એક કહે છે કે તકલીફમાંથી બહાર કાઢવાની જવાબદારી અમારી’

‘મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર એ પાયાના પ્રશ્નો છે પણ તે સાચી તકલીફમાં નહીં આવે’, આ નિવેદનો છે ગુજરાતની જનતાના.

વાત આખી એમ છે કે ગઈકાલે ગુજરાત કૉન્ટ્રેક્ટર્સ ઍસોસિયેશનનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિત અન્ય નેતાઓએ પણ હાજરી આપી હતી. દરેક નેતાઓએ નિવેદનો આપ્યા, ભાષણ આપ્યા, અભિવાદન કર્યું પણ આ દરેક ભાષણની વચ્ચે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી એક વાત આ સમગ્ર ચર્ચાનું કારણ બની છે.

ગુજરાત કૉન્ટ્રેક્ટર્સ ઍસોસિયેશનના અભિવાદન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “ગુજરાત રાજ્યમાં કોઈને પણ સાચી તકલીફ હોય તો તેમાંથી બહાર કાઢવાની જવાબદારી સરકારની છે”

તેમની આ જ વાત મુદ્દે બીબીસી ન્યૂઝ ગુજરાતીએ ગુજરાતની જનતા પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે તેમની ‘સાચી’ તકલીફ શું છે.

સોશિયલ મીડિયા પર આ મુદ્દે લોકોએ પોતાની અઢળક પ્રતિક્રિયાઓ આપી. કોઈને બેરોજગારીની તકલીફ હતી, તો કોઈને મોંઘવારીની. કોઈને પેપર લીકની સમસ્યા છે તો કોઈને ગૅસ-પેટ્રોલ, સીએનજીના વધતાં ભાવોની. ઘણા લોકોને તો શિક્ષણમંત્રી જિતુ વાઘાણી પણ મોટી સમસ્યા લાગે છે.

મહિલાઓની ‘સાચી’ તકલીફ -'સાહેબ મારો માસિક ખર્ચ કહી દઉં, તમે મારું ઘર ચલાવી આપો'

ગુજરાત જ નહીં આજે આખા દેશમાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો બન્યો છે. દરરોજ વધતા તેલ, અનાજ, શાકભાજીના ભાવે લોકોની કમર તોડી છે અને મિડલ ક્લાસ પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે. પોતાની આ સમસ્યાને ‘સાચી’ સમસ્યા ગણાવતા કેટલાક લોકોએ મુખ્ય મંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપી.

ફેસબુક યૂઝર શીતલ પ્રદીપ નામનાં એક મહિલાએ કહ્યું, “સાહેબ, તમે મારું ઘર ચલાવી આપો. હું તમને માસિક ખર્ચ કહી દઉં.”

અન્ય ફેસબુક યૂઝર પારૂલ વાળા લખે છે, “ભાજપની સત્તા મન ફાવે તેમ નિર્ણય લે છે, મન ફાવે તેમ મોંઘવારી વધારે છે. ભાજપની સત્તા છે એ જ મોટી અને સાચી તકલીફ છે.”

તો પારૂલ વસાવડા નામનાં મહિલાને કદાચ લીંબુનો આસમાને પહોંચેલો ભાવ સાચી તકલીફ લાગ્યો. તેમણે સીએમને કહી દીધું, “લીંબુ મોકલાવો”

મોંઘવારીને તકલીફ બતાવતા ભરત પંડ્યા નામની એક વ્યક્તિ પણ લખે છે, “મોંઘવારીની તકલીફ એ સાચી અને અસહ્ય છે. સરકાર રાહત આપે.”

ચેતન પ્રેસવાલા કહે છે, “સાહેબ તેલનો ડબ્બો એક અઠવાડિયામાં 2300નો 3000 થયો. ગૅસ લાઇનનું બિલ 1500નું 3000 થયું. દરેક વસ્તુ મિડલ ક્લાસની પહોંચની બહાર છે. ગુજરાતની પ્રજાની સહનશક્તિ અને ધીરજ ખૂટી ગઈ છે.”

રમેશ ચૌહાણ લખે છે, “મુખ્ય મંત્રી સાહેબ, એકવખત કરિયાણું લેવા જજો, શાકભાજી લેવા જજો, દૂધની થેલી લેવા જજો. ખબર પડશે કે તકલીફ શું છે.”

‘તકલીફ કહીશું તો દેશદ્રોહી બની જઈશું’

યુવરાજસિંહ જાડેજાની ધરપકડની વાતનો સંદર્ભ લઈને લોકોએ સરકાર અંગે કટાક્ષ પણ કર્યો.

રાજેન્દ્રસિંહ રાઓલ નામના ફેસબુક યૂઝર લખે છે, “તકલીફ દૂર નહીં કરવામાં આવે, તમને દૂર કરી દેવામાં આવશે. યુવરાજસિંહને પેપર ફૂટવાથી તકલીફ પડતી હતી તો એમને જ દૂર કરી દીધા. બોલો બીજા કોને તકલીફ છે.’

તેમણે તો જિતુ વાઘાણીની વાતનો સંદર્ભ લઈને પણ કટાક્ષ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, “જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય”

રાજેન્દ્રસિંહ આ બાબતે લખે છે, “આ એ દર્શાવે છે કે તકલીફ છે ત્યાં જ રહેવા દો. તમે દૂર જાઓ.”

જિતુ વાઘાણીની વાત મુદ્દે જ કટાક્ષ કરતાં અન્ય સોશિયલ મીડિયા યૂઝર કનકસિંહ ગોહિલ લખે છે, “તકલીફ ઘણી બધી છે. તમારા શિક્ષણમંત્રી બેફામ બોલે છે. પેપર ફૂટે છે અને અમારા છોકરાઓ હેરાન થાય છે.”

મોંઘવારીથી ત્રસ્ત મહિલા શીતલ પ્રદીપને જિતુ વાઘાણીનું નિવેદન પણ તકલીફ લાગે છે, તો તેમણે એમની વાત પર પણ કૉમેન્ટ કરતાં લખ્યું, “જિતુભાઈએ કાલે કહ્યું કે જેમને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય તેઓ જ્યાં સારું શિક્ષણ મળે ત્યાં જતા રહો. તો સારું અમે મત પણ એ જ રાજ્યને આપીશું.”

તો બીજા ફેસબુક યૂઝર ધીરેન્દ્ર પ્રજાપતિ લખે છે, “તમારા રાજમાં જલસા મંત્રીઓને છે, બાકી જનતા કંઈક બોલે તો તેને હક નથી અને તેને સીધી જેલમાં નાખી દેવામાં આવે છે.”

નૈનેશ ધોબી લખે છે, “જે પક્ષ કહે છે કે ઑક્સિજનની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી, તેમની પાસે સાચા ખોટાની શું આશા રાખવાની.”

જનતાએ તકલીફમાંથી બહાર નીકળવાનું સોલ્યુશન પણ આપ્યું, જાણો શું?

આપણા દેશમાં કોઈ વ્યક્તિ નેતા બને ત્યારે તેને ઘર-વાહનથી માંડીને બીજી ઘણી સુવિધાઓ મળતી હોય છે. તેના પર નિશાન સાધતા દીપક પંડ્યા નામની વ્યક્તિ લખે છે, “નેતાઓના પગારો 15 થી 50 હજારથી વધારે ન હોવા જોઈએ અને તેમને કોઈ પણ જાતની સુવિધાઓ ન મળવી જોઈએ. તો જ દેશનો સાચો વિકાસ થાય.”

નરેશ નાયક પણ આ વાત સાથે પોતાની સહમતિ દર્શાવતા લખે છે, “જે લોકો એસી ગાડીમાં અને બંગલામાં રહે છે તેમને તકલીફ ન દેખાય. એકલા બહાર નીકળે તો સમજાય કે નાગરિક કેટલો પીડાય છે.”

રાજેશ રાજદેવ કહે છે, “સાંસદો અને ધારાસભ્યોનાં પગાર ભથ્થાં પેન્શન બંધ કરો.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો