You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિજાબ અંગેનો ચુકાદો ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય અંગે કેટલો મહત્ત્વપૂર્ણ?
- લેેખક, ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
મંગળવારે હિજાબ વિશે ચુકાદો આપતી વખતે કર્ણાટક હાઈકોર્ટના ત્રણ જજોની ખંડપીઠે ઠેરવ્યું, "હિજાબ સાંસ્કૃતિક મુદ્દો છે, ધાર્મિક તો ચોક્કસથી નથી." અદાલતે ઠેરવ્યું હતું કે 'ઇસ્લામના આધારે હિજાબ અનિવાર્ય નથી', આ સાથે કર્ણાટકની સરકારે શાળા તથા કૉલેજોમાં હિજાબ પહેરવા પર મૂકેલા પ્રતિબંધને બહાલ રાખ્યો હતો.
ચુકાદાના ગણતરીના કલાકોમાં જ ઉચ્ચ અદાલતના આદેશની સામે સર્વોચ્ચ અદાલતમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.
ભારત જેવા વિવિધતાસભર દેશમાં ધાર્મિક ચિહ્નો પહરેવા તથા તેનું નિદર્શન-પ્રદર્શન કરવું સહજ બાબત છે, ત્યારે આ ચુકાદાની શું અસર થઈ શકે તેના વિશે કાયદાના નિષ્ણાતો તથા વિદ્વાનો વિમર્શ કરી રહ્યા છે.
કોઈ પણ ધાર્મિક કેસનો ચુકાદો આપતી વખતે ભારતીય અદાલત દ્વારા મુદ્દાને 'અનિવાર્યતાની એરણ' પર ચકાસવામાં આવે છે, જે તાજેતરની ચર્ચાના મૂળમાં છે.
અદાલતના ચુકાદા વિરુદ્ધ કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં નારાજગી પ્રવર્તે છે અને લોકોએ બંધ પાડીને વિરોધ વ્યક્ત કર્યો છે.
ઇસ્લામમાં હિજાબ અનિવાર્ય?
કર્ણાટકના ઉડુપ્પી જિલ્લાની સરકારી કૉલેજમાં હિજાબ પહેરીને ક્લાસમાં આવતી મુસ્લિમ છોકરીઓને અટકાવવામાં આવી હતી - યુવતીઓએ તેનો વિરોધ કર્યો, પરંતુ કોર્ટે છૂટ ન આપી. આથી, તેમણે અદલાતના દરવાજા ખખડાવ્યા હતા.
છોકરીઓએ દલીલ કરી કે હિજાબ પરનો પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે, એટલું જ નહીં, તેમના વાણીસ્વાતંત્ર્ય તથા ધાર્મિકસ્વાતંત્ર્ય પર પણ તરાપસમાન છે.
છોકરીઓની દલીલ હતી કે તેમની ધાર્મિકમાન્યતા પ્રમાણે માથું ઢાંકવું જરૂરી છે. સરકારે આ દલીલને પડકારી અને ઠેરવ્યું કે ધાર્મિક દૃષ્ટિએ તે "અનિવાર્ય" છે, તે સાબિત કરવાની જવાબદારી અરજદારોની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
11 દિવસ સુધી ચાલેલી ઉગ્ર દલીલો અને ચર્ચા બાદ અદાલતે 129 પાનાંનો ચુકાદો આપ્યો અને ઠેરવ્યું કે અનિવાર્યતાને પુરવાર કરવામાં અરજદારો "ભયાનક રીતે નિષ્ફળ" રહ્યા છે.
કુરાનની આયતોને ટાંકતાં અદાલતે ઠેરવ્યું, "જો હિજાબ પહેરવાની પ્રથાનું પાલન ન થાય કે કોઈ ન પહેરે તો તે પાપી થઈ જાય એવું નથી."
આથી, અદાલતે ઠેરવ્યું કે હિજાબ વગરનો ગણવેશ નક્કી કરવાની સત્તા સરકાર પાસે છે. અદાલતે વિદ્યાર્થીઓના વાંધાને ફગાવી દેતા ઠેરવ્યું હતું કે આ નિયમ તેમના બંધારણીય અધિકારો પર "વાજબી નિયંત્રણ" છે.
ચુકાદામાં અદાલતે નોંધ્યું, "જાહેર ધરણાં અથવા અદાલતમાં આવેશાત્મક દલીલો આપીને ધાર્મિક દૃષ્ટિએ જે જરૂરી નથી તેને અનિવાર્ય ન બનાવી શકાય."
અનિવાર્યતાની એરણ - ત્યારે અને અત્યારે
કેટલાક બંધારણીય નિષ્ણાતો અને વિદ્વાનોનું કહેવું છે કે આ અંગે અદાલત નિર્ણય ન લઈ શકે.
સુપ્રીમ કોર્ટના વકીલ રિબેકા જોહ્નના કહેવા પ્રમાણે, "આ થિયોલૉજીનો વિષય બની રહે છે અને વકીલો તથા જજોને તેના વિશે બહુ થોડી માહિતી હોય છે. જ્યારે શ્રદ્ધાની વાત આવે ત્યારે ધાર્મિક રીતરિવાજોમાં પણ એકસૂત્રતા નથી હોતી - બે વ્યક્તિ ચોક્કસ ધર્મની હોય, તો પણ તેમાં અલગ-અલગ પ્રથા હોઈ શકે છે."
"અમુક લોકો માટે હિજાબ પણ પ્રતીકાત્મક હોઈ શકે છે. તેને વખોડી કાઢવા માટેની સહેલામાં સહેલી દલીલ એવી છે કે તે દમનકારી છે, પરંતુ વિશ્વભરમાં તેનો ઉપયોગ પ્રતિકારના પ્રતીક તરીકે પણ થાય છે. આથી, આપણે એ નક્કી ન કરી શકીએ કે શું અનિવાર્ય છે - લોકો તેને અલગ-અલગ કારણોસર અપનાવતા હોય છે."
રિબેકાના કહેવા પ્રમાણે, અદાલત મહિલાઓને તેમના અધિકારોથી વંચિત કરી રહી છે અને જટિલ તથા વ્યક્તિગત બાબતોને દ્વિઅંગી બનાવી રહી છે.
બંધારણીય જોગવાઈઓ પ્રમાણે, સાર્વજનિક વ્યવસ્થા, આરોગ્ય તથા નૈતિકના આધાર પર સરકાર ધાર્મિક સ્વાતંત્ર્યતા પર નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ ધાર્મિક દૃષ્ટિએ 'અનિવાર્યની એરણ'નો જન્મ અદાલતમાં થયો હતો, જેના આધારે કોઈ પણ પ્રથા કે પ્રણાલી સંરક્ષિત છે કે નહીં, તે નક્કી કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા સૌપ્રથમ વખત વર્ષ 1954માં "ધાર્મિક દૃષ્ટિએ અનિવાર્ય હિસ્સા"નો ઉપયોગ કર્યો હતો. જો કોઈ ચોક્કસ રીતરિવાજ કે આચરણને હઠાવી દેવામાં આવે તો "ધર્મમાં મૂળભૂત બદલાવ આવે છે કે નહીં" તે નક્કી કરવામાં આવે છે.
કાયદાકીય વિદ્વાન તથા પ્રાધ્યાપક દીપા દાસ એસવેદોના કહેવા પ્રમાણે, તેના કારણે ધાર્મિક સમુદાયોનું સશક્તિકરણ થયું. મતલબ કે "ધાર્મિક સમુદાયો જાતે નક્કી કરશે કે શું સરકારના અધિકાર તથા નિયમનથી પર છે."
દીપા માને છે કે કાળક્રમે અદાલતો આ સિદ્ધાંતનો "બિલકુલ વિપરીત" રીતે ઉપયોગ કરવા લાગી છે. તેઓ કહે છે, "આજે આ સિદ્ધાંતને 'મૂળભૂત રીતે ધાર્મિક'માંથી 'ધર્મ માટે મૂળભૂત' કરી દેવામાં આવ્યો છે."
દાસ કહે છે કે અન્ય દેશોમાં આનાથી અલગ વ્યવસ્થા છે, જેમ કે અમેરિકામાં અરજદાર દ્વારા ધાર્મિક આચરણસંબંધિત છે એવું ભારપૂર્વક જણાવવામાં આવે તો વધુ સવાલ પૂછ્યા વગર તેમની અરજી સ્વીકારી લેવામાં આવે છે.
ઇચ્છાનો અધિકાર
વર્ષ 2017માં ભારતની સર્વોચ્ચ અદાલતે ઇસ્લામમાં 'તત્કાળ ટ્રીપલ તલાક' પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ઠેરવ્યું હતું કે તે ધર્મનું અનિવાર્ય અંગ નથી અને એટલે જ તેને કાયદાકીય સંરક્ષણ ન મળી શકે.
1994માં હિંદુઓ થતા મુસ્લિમોની વચ્ચેના એક જમીન વિવાદની સુનાવણી કરતી વખતે ઠેરવ્યું હતું કે ઇસ્લામમાં ઇબાદત કે નમાજ ગમે ત્યાં થઈ શકે એટલે મસ્જિદ "અનિવાર્ય" નથી. આથી જ મસ્જિદની આજુબાજુની જમીન હિંદુઓને આપી શકાય તેમ ઠેરવ્યું હતું.
સબરીમાલા મંદિરમાં ચોક્કસ ઉંમરની હિંદુ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. એટલે વર્ષ 2018માં અદાલતે વધુ એક વખત આ મુદ્દો "અનિવાર્યતાની એરણ" પર મૂક્યો હતો અને ઠેરવ્યું હતું કે મહિલાઓ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ ધાર્મિક રીતે અનિવાર્ય પ્રણાલી નથી.
હિજાબ પહેરીને મેડિકલની પરીક્ષામાં બેસનારી યુવતીઓને ચોરી કરવામાં મદદ મળી શકે છે, એવી આશંકાથી મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરતાં અટકાવવામાં આવી હતી. વર્ષ 2016માં કેરળની હાઈકોર્ટે કુરાનને ટાંકતા ઠેરવ્યું હતું કે માથું ઢાંકવું એ ધાર્મિક ફરજ છે અને એટલે જ તે ઇસ્લામમાં અનિવાર્ય છે.
કર્ણાટકના અરજદારોએ પોતાની દલીલ ટાંકતી વખતે કેરળ હાઈકોર્ટના ચુકાદાને ટાંક્યો હતો, પરંતુ આ વખતે ઉચ્ચ અદાલતે તેમની દલીલને ફગાવી દીધી હતી.
કાયદાકીય નિષ્ણાત ફૈઝાન મુસ્તફાએ વર્ષ 2017માં ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય પર એક શોધપત્ર લખ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, "અદાલત દ્વારા આ કસોટીનો (અનિવાર્યતા) સુસંગત રીતે ઉપયોગ નથી કર્યો અને અનિવાર્યતાને નક્કી કરવાની પદ્ધતિને સતત બદલી છે, જેના કારણે ધાર્મિક સ્વાતંત્ર્યતાને આઘાત પહોંચે છે."
મુસ્તફાનું કહેવું છે કે હવે, આ પરીક્ષણને કારણે બંધારણ દ્વારા આપવામાં આવેલા ધાર્મિકસ્વાતંત્ર્યનો અવકાશ અવરોધાય છે. બીજી બાજુ, નિષ્ણાતોનું માનવું છે કે તેના વિકલ્પરૂપે કોઈ સિદ્ધાંતને અનુસરી શકાય કે નહીં, તેના વિશે નિષ્ણાતો અવઢવમાં છે.
દીપા કહે છે, "આનો કોઈ સરળ જવાબ નથી. સત્ય એ છે કે ક્યારેય કોઈ સિદ્ધાંત ચોક્કસ ન હોઈ શકે. આપણે એવી આશા કરી શકીએ કે જે લોકો કાયદા ઘડે અને જે લોકો તેનું અર્થઘટન કરે તથા જે લોકો તેને લાગુ કરે તેઓ નિષ્પક્ષ અને શક્ય હોય ત્યાં સુધી ઉદારતાપૂર્વક પોતાનું કામ કરે."
"પરંતુ દરેક વખતે આવું થતું નથી અને તેનો મતલબ એવો પણ નથી કે ચોક્કસ સિદ્ધાંત આવશે તો બધી સમસ્યાઓ ઉકેલાઈ જશે."
રિબેકા માને છે કે પસંદ પર ભાર મૂકવો જોઈએ. તેઓ પૂછે છે, "હિજાબ પહેરવાની મહિલાની પસંદગી પુખ્તવિચારણા પછીની છે, એવું કહેનારા આપણે કોણ છીએ?"
તેઓ ઉમેરે છે, "અદાલતે માત્ર અનિવાર્યતાની એરણ પર વિચાર કરવાના બદલે પસંદગીના અધિકાર પર ધ્યાન આપવાની જરૂર છે."
"જો તમે એકસૂત્રતા લાગુ કરવા માગતા હો તો બધા પર લાગુ પડવી જોઈએ. તમે કોઈકને ચાંદલો અને હાથમાં દોરાધાગા પહેરવાની છૂટ ન આપી શકો. જ્યારે તમે માત્ર એક જ વર્ગના લોકોની ઉપર લાગુ કરો, ત્યારે તે ભેદભાવપૂર્ણ બની રહે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો