એવો વાઇરસ જે શરીરમાં દાયકા સુધી સુષુપ્ત રહે છે અને પછી ચેપ લગાવે છે

    • લેેખક, એન્ડ્રે બર્નેથ
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝીલ

એક પ્રકારના લક્ષણથી વાઇરસને ઓળખી લેવાની વાત એક સારો વિકલ્પ છે. આમ જુઓ તો વાઇરસનો એક જ હેતુ હોય છે : કોઈ પણ જીવના કોષમાં ઘૂસી જવું અને પછી પોતાની નકલો બનાવી લેવી અને તે રીતે પોતાની સંખ્યા વધારતા જ જવું.

કોષમાં વાઇરસ ઘૂસી જાય અને પોતાની સંખ્યા વધારવા લાગે તે સામાન્ય રીતે થોડા દિવસોમાં બનતું હોય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ જો આ સ્થિતિનો સામનો ના કરી શકે તો શરીરની સ્થિતિ ગંભીર અને ઘાતક બની જાય છે.

પરંતુ કેટલાક વાઇરસ એવા પ્રકારના છે, જે આનાથી પણ આગળ વધે છે.

પ્રારંભમાં થોડો ચેપ લગાવ્યા પછી શરીરના એક ખૂણે સંતાઈને બેસી જાય છે.

તેની સુષુપ્તાવસ્થા મહિનાઓ સુધી, વર્ષો સુધી અને ક્યારેક તો દાયકા સુધી ચાલે છે. આખરે રક્ષણ કરનારા કોષ થાકે ત્યારે તે ફરી સક્રિય થઈ જાય છે.

વાઇરસ ફરી સક્રિય થાય એટલે ચેપ ફરી લાગે અને ફરી વાર શારીરિક સમસ્યાઓ અને બીમારી ઊભી થાય છે.

આવા પ્રકારના વાઇરસના જૂથમાંથી કેટલાક વાઇરસ જાણીતા પણ છે, તેમાં એઇડ્સ લગાવનારા એચઆઈવી, મોઢા પર, હોઠ પાસે અને ગુપ્તાંગોમાં ચાંદા કરનારા હર્પીસ સિમ્પ્લેક્સ 1 અને 2 વગેરેનો સમાવેશ થાય છે.

સવાલ એ છે કે લાંબા સમય સુધી આ વાઇરસ કેવી રીતે સુષુપ્ત પડ્યા રહે છે? શા માટે વર્ષો પછી તે ફરી સક્રિય થઈ જાય છે? શું કોવિડ-19 માટે જવાબદાર સાર્સ-કોવ-2માં પણ આવું થશે?

વાઇરસ ચાર રીતે શરીરમાં સંતાઈને રહે છે.

આમાની પ્રથમ રીત સામાન્ય રીતે હર્પીસ પ્રકારના વાઇરસ અજમાવે છે.

સિમ્પ્લેક્સ ટાઇપ 1 અને ટાઇપ 2 ઉપરાંત ચિકનપોક્સ, એપ્સ્ટેન-બેર વાઇરસ પણ આ રીતે સુષુપ્ત રહે છે.

સાઓ પાઉલોની આઇન્સ્ટાઇન હૉસ્પિટલના ચેપી રોગના નિષ્ણાત ડેસીયો ડાયમેન્ટ કહે છે, "તેના જેનેટિક મટિરિયલ તરીકે ડીએનએ રહેલા હોય છે અને તેથી કોષ કેન્દ્રમાં રહી શકે છે, આપણા પોતાના જેનેટિક કોડની સાથે જોડાઈને રહી જાય છે."

દરેક જીવના કોષમાં ડીએનએ હોય છે અને ડબલ હેલિક્સ આકારમાં તેની જોડીઓ ગોઠવાયેલી હોય છે.

બ્રાઝિલિયન ઇન્ફેક્ટોલૉજી સોસાયટી સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરતાં ડૉ. ડાયમેન્ટ કહે છે, "હર્પીસ પ્રકારના વાઇરસ લાંબો સમય સુધી સુષુપ્ત રહે છે અને તેની સંખ્યા વધતી નથી. કોષની પ્રતિકારક શક્તિથી બચીને, પોતાની હાજરી છતી કર્યા વિના પડ્યા રહે છે".

આરએનએ વાઇરસ

રેટ્રોવાઇરસ તરીકે ઓળખાતા એઆઈવી અને એચટીએલવી જેવા વાઇરસ બીજી રીત અજમાવે છે.

આ પ્રકારના વાઇરસમાં ડીએનએ નહીં, પણ આરએનએ હોય છે.

એટલે કે તેના જેનેટિક કોડ વધારે સરળ રીતે ગોઠવાયેલા હોય છે અને બે જોડીમાં નહીં, પણ એક નાઇટ્રોજિનિસ બેઝની એક જ સિક્વન્સ હોય છે.

રેટ્રોવાઇરસ પણ જેનેટિક કોડ સાથે જોડાઈ જઈ શકે છે.

સામાન્ય રીતે આવું જોડાણ ટી સેલ્સમાં અને મેક્રોફેગસમાં થતું હોય છે, જે આપણી પ્રતિકારક શક્તિના બે અગત્યના હિસ્સા છે.

પરંતુ આપણા કોષની રચના ડીએનએ પ્રકારે હોય અને આવા આરએનએ વાઇરસ કેવી રીતે તેની સાથે જોડાઈ જાય?

એઆઈવી અને એચટીએલવી બંને વાઇરસમાં રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેઝ નામના એન્ઝાઇમ હોય છે.

તેનો અર્થ એ થયો કે એન્ઝાઇમનો ઉપયોગકરીને તે પોતાના જેનેટિક કોડને આરએનએમાંથી ડીએનએમાં પરિવર્તિત કરી શકે છે.

આ રીતે પોતાનું સ્વરૂપ બદલીને તે મનુષ્યના જેનોમ સાથે ભળી જાય છે અને લાંબો સમય સુષુપ્ત રહે છે.

રિયો દે જેનેરોની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શિયસ ડિસીઝના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. એસ્ટેવાઓ પોર્તેલા ન્યૂન્સ કહે છે, "આના કારણે એવી મુશ્કેલી ઊભી થાય છે આપણી પાસે ઉપલબ્ધ દવાઓ છે તેનાથી આ વાઇરસને હઠાવી શકાતા નથી."

એટલે કે એચઆઈવીના દર્દીને એન્ટિરિટ્રોવાઇરલ કોકટેલ આપવામાં આવે ત્યારે તે વાઇરસની સંખ્યા વધતી અટકાવી રાખે છે, પરંતુ એક વાર દવા લેવાનું બંધ કરવામાં આવે ત્યારે એચઆઈવી ફરીથી સક્રિય બની શકે છે.

સુરક્ષિત સ્થાન અને રહસ્ય

કેટલાક વાઇરસ ત્રીજા પ્રકારની રીત અજમાવે છે, જેમાં તે ઇમ્યુનોપ્રિવિલેજ્ડ સાઇટ્સ તરીકે ઓળખાતી શરીરની સુરક્ષિત જગ્યામાં બેસી જાય છે.

શરીરના આ એવા હિસ્સા છે જ્યાં સુધી શરીરની રોગપ્રતિકારક શક્તિ પહોંચી શકતી નથી, જેમ કે ટેસ્ટિઝ, આંખ અને (કરોડરજ્જુ તથા મગજની) મધ્યસ્થ નર્વસ સિસ્ટિમ.

સોજો થવાની પ્રક્રિયાને અટકાવવા માટે શરીરનાં આવાં અંગો અને નાજુક હિસ્સામાં પ્રતિકારક કોષનું કાર્ય મર્યાદિત રહે છે. ચેપ લાગે ત્યારે તેને હઠાવવા માટે પ્રક્રિયા થાય ત્યારે સોજો વગેરે થાય છે, જેના કારણે નર્વસ સિસ્ટિમ અને પ્રજોપ્તતિના નાજુક સ્વરૂપને નુકસાન થઈ શકે છે.

આ રીતે એક બાજુ શરીરનાં નાજુક અંગોને બચાવવા માટે શરીરમાં આવી સુરક્ષિત જગ્યાઓ છે, પણ એ જ જગ્યાનો ઉપયોગ કેટલાક વાઇરસ સુષુપ્ત રહેવા માટે કરે છે.

દાખલા તરીકે હાલના સમયમાં પ્રકાશિત થયેલા સંશોધન લેખો અનુસાર દર્દીના વીર્યમાં ઝિકા અને ઇબોલાના વાઇરસ મળી આવ્યા છે.

અમેરિકાની રોકફેલર યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇમ્યુનોલૉજિસ્ટ ડેનિયલ મસિડા કહે છે કે વીર્યમાં કે શરીરના અમુક હિસ્સામાં વાઇરસ મળી આવે તેનો અર્થ એ નથી કે તે સક્રિય છે અને ભવિષ્યમાં મુશ્કેલી પેદા કરી શકે છે.

તેઓ કહે છે, "આ રીતે વાઇરસ ટકી જાય છે તેની શી અસર થાય છે તે હજી સ્પષ્ટ નથી."

સાથે આપણે એટલું જાણીએ છીએ કે આ રીતની સુરક્ષિત જગ્યામાં વાઇરસ બહુ લાંબો સમય રહી શકતા નથી.

થોડા મહિનામાં અને કદાચ મર્યાદિત સફળતા સાથે પણ શરીરની પ્રતિકારક શક્તિ આખરે આ વાઇરસને નાબૂદ કરી દે છે.

આ ઉપરાંત ચોથું એક એવું જૂથ છે, જેના વાઇરસ સુરક્ષિત જગ્યાની બહાર રહીને પણ બહુ લાંબો સમય સુધી શરીરમાં ટકી જાય છે.

અમેરિકાની યેલે યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનના ઇમ્યુનોલૉજિસ્ટ કેરોલાઇના લ્યૂકાસ કહે છે,

"શ્વાસોચ્છવાસને લાગતા સિન્સિટાયલ વાઇરસ આવા જ છે, જે ફેફસાંમાં લાંબો સમય રહે છે અને તેના કારણે ખાસ કરીને બાળકોમાં સતત સોજો રહે છે. એ જ રીતે ચિકનગુનિયા વાઇરસ છે, જે સ્નાયુઓ અને સાંધામાં લાંબો સમય રહે છે."

વિજ્ઞાનીઓ એની તપાસ કરી રહ્યા છે કે શા માટે કેટલાક દર્દીઓમાં આ રીતે વાઇરસ પડ્યા રહે છે, જ્યારે અન્યમાં વાઇરસ ટકી શકતા નથી.

રોગપ્રતિકારક શક્તિમાં અવરોધ

આ બધા વાઇરસ સુષુપ્ત પડ્યા રહે છે અને કોઈ ચિંતાનું કારણ ના લાગતું હોય, પરંતુ કેટલાક વાઇરસ અમુક વર્ષે કે દાયકે ફરીથી સક્રિય થઈ જાય છે.

ડાયમેન્ટ કહે છે, "કોઈ કારણસર રોગપ્રતિકારક શક્તિ ગફલત કરી બેસે ત્યારે આ વાઇરસ સક્રિય થઈ જાય છે અને હાનિ પહોંચાડે છે."

આ ગફલત દરેક રોગમાં અલગ પ્રકારની હોય છે.

હર્પીસ સિમ્પ્લેક્સ જેનામાં પડ્યા હોય તે વ્યક્તિ બહુ લાંબો સમય તડકામાં રહે અથવા બહુ તણાવમાં આવી જાય ત્યારે વાઇરસ સક્રિય થઈ જતા હોય છે.

કેટલાક કિસ્સામાં શરીરની કુદરતી રીતે ઉંમર વધવાની પ્રક્રિયા હોય છે તેના કારણે પણ વાઇરસ સક્રિય થઈ જાય છે.

આનો ક્લાસિક દાખલો વેરિસેલ્લા-ઝોસ્ટર વાઇરસનો છે, જેનાથી બચપણમાં ચિકનપોક્સ થાય છે અને પછી શરીરમાં દાયકા સુધી છુપાઈને રહે છે.

મોટી ઉંમરે 50 કે 60 વર્ષ થાય તે પછી આ વાઇરસ ફરી આવી શકે છે અને તેના કારણે હર્પીસ ઝોસ્ટર તરીકે ઓળખાતી સમસ્યા ઊભી થાય છે. તેના કારણે શરીરમાં બહુ બળતરા કરનારા ચકામા, ખાસ કરીને પેટની આસપાસ થતા હોય છે.

આજે આ પ્રકારના વૃદ્ધો માટે વૅક્સિન મળતી થઈ છે.

આ ઉપરાંત બીજાં પણ પરિબળો હોય છે, જેના કારણે ઘણા રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને ત્યારે આ સુષુપ્ત વાઇરસને સક્રિય થઈ જવાની તક મળી જાય છે.

ડાયમેન્ટ આ વિશે કહે છે, "ગંભીર અકસ્માત કે ઈજા થાય, મોટી સર્જરી કરવાની હોય, ટ્રાન્સપ્લાન્ટ હોય, ગાંઠ થાય, આકરી દવાઓ લેવાની થાય કે બીજા કોઈ ગંભીર ચેપ લાગે ત્યારે પણ રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે."

આવા કિસ્સા થાય ત્યારે ડૉક્ટર સામાન્ય રીતે તેની કાળજી લેતા હોય છે અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટેની સારવાર આપે છે.

આ ઉપરાંત એવું પણ થાય છે કે વાઇરસના ચેપના કારણે જે સ્થિતિ થાય તેના કરતાં જુદી મુશ્કેલી પણ ઊભી થતી હોય છે.

હેપેટાઇટિટિસ વાઇરસમાં આવું થાય છે, જેનાથી લીવરનું કેન્સર થાય છે, જ્યારે એચપીવીને કારણે ઘણા પ્રકારની ગાંઠ થાય છે.

આ ઉપરાંત હાલના સમયમાં એસ્પસ્ટેઇન-બારને કારણે સિરોસીસ થતું હોવાનું પણ જોવામાં આવ્યું છે.

કોરોના વાઇરસનું શું થશે?

આ પ્રકારના વાઇરસની જેમ શું કોવિડ-19 માટે જવાબદારી સાર્સ-કોવ-2 પણ લાંબો સમય શરીરમાં સુષુપ્ત રહી શકે છે ખરો?

બીબીસી ન્યૂઝ બ્રાઝિલે નિષ્ણાતો સાથે વાતચીત કરી તેઓનું કહેવું છે કે હાલમાં આવી કોઈ શક્યતા દેખાતી નથી.

સાઓ પાઓલો યુનિવર્સિટીના માઇક્રોબાયોલૉજી વિભાગના બાયૉલૉજિસ્ટ કાર્લોસ મેન્ક કહે છે, "સાર્સ-કોવ-2 આરએનએ વાઇરસ છે અને તેમાં એચઆઈવીની જેમ ટ્રાન્સસ્ક્રિપ્ટેઝ એન્ઝાઇમ નથી એટલે તે આપણા જેનોમ સાથે જોડાઈ શકતો નથી."

હર્પીસ પ્રકારના વાઇરસમાં હોય છે તે રીતે તેમાં ડીએનએ પણ નથી હોતા, જેથી તે લાંબો સમય સુધી કોષમાં સચવાઈને રહી શકે.

મેન્ક સમજાવતાં કહે છે, "હાલમાં આપણને ફરીથી કોવિડના કેસ મળે છે તેનું કારણ એ હોય છે કે તેમને ફરીથી ચેપ લાગ્યો હોય છે અને નહીં કે તેમના શરીરમાં તે મહિનાઓ સુધી સચવાઈને રહ્યો હોય છે."

"કોવિડના આ વાઇરસનું જુદું સ્વરૂપ જોવા મળશે તો તે આપણા સૌ માટે મોટું આશ્ચર્ય હશે."

પરંતુ કેટલા કોવિડ દર્દીમાં સાજા થઈ ગયા પછી પણ મહિનાઓ સુધી સમસ્યા રહે છે તેનું કારણ શું?

ડાયમેન્ટ કહે છે કે કોરોના વાઇરસ થાય ત્યારે રોગ પ્રતિકારકશક્તિ જે રીતે પ્રતિસાદ આપે છે તેના કારણે આવું થતું હોય છે.

"કેટલાક દર્દીઓમાં કોવિડને કારણે ખરેખર બહુ નુકસાન થાય છે અને મહિલાઓ સુધી થાક, ધ્યાન કેન્દ્રીત કરવામાં મુશ્કેલી, ગંધ ના આવવી વગેરે મુશ્કેલીઓ થતી રહે છે."

તેઓ સમજાવતાં કહે છે, "ચેપ લાગે તેના પ્રારંભિક દિવસોમાં જે સ્થિતિ થાય તેના પરિણામે આવું થતું હોય છે. કેટલાક કિસ્સામાં પ્રતિકારક શક્તિ બહુ તીવ્રતાથી પ્રતિકાર કરે છે અને તેના કારણે તેની અસર લાંબો સમય રહે છે."

જોકે લ્યુકાસ અને મસિડા કહે છે કે આવા કિસ્સામાં શરીરમાં પ્રોટીન કે આરએનએ જેવા અંશો રહી ગયા હોય તેવું બની શકે છે.

તેઓ કહે છે, "એવા પુરાવા મળ્યા છે કે આંતરડાંમાં આરએનએ લાંબો સમય જળવાઈ રહ્યા હોય."

એ જોવાનું રહે છે કે આવા અંશો રહી ગયા હોય તેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ લાંબો સમય સક્રિય રહે અને તેના કારણે મહિનાઓ સુધી મુશ્કેલીઓ થાય છે કે કેમ અને શું તેનાથી આરોગ્યને ખાસ કોઈ નુકસાન થતું નથી.

જોકે ફિઓક્રૂઝના પોર્તેલા ન્યુન્સ કહે છે તે રીતે સારા સમાચાર એ છે કે કોવિડ-19 સામે રસી અસરકારક રહી છે અને તેના કારણે થોડા સમય પછી અન્ય અસરો પણ મર્યાદિત થઈ જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો