અમેરિકામાં એક માણસમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કરાયું?

વિશ્વમાં પ્રથમ વખત જિનેટિકલી મૉડિફાઈડ ડુક્કરના હૃદયને અમેરિકન ડેવિડ બેનેટમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

ડૉક્ટરોએ જણાવ્યું છે કે બાલ્ટીમોરમાં સાત કલાકના ઑપરેશનની પ્રક્રિયા પછી ત્રણ દિવસ બાદ 57 વર્ષીય ડેવિડ બેનેટ સ્વસ્થ થઈ રહ્યા છે.

આ ટ્રાન્સપ્લાન્ટ બેનેટના જીવનને બચાવવાની છેલ્લી આશા હતી.

ડેવિડ બેનેટે સર્જરીના આગલા દિવસે કહ્યું હતું કે 'આ પ્રત્યારોપણ જીવો કે મરો જેવું છે'. તેમણે કહ્યું, "હું જાણું છું કે આ અંધારામાં તીર મારવા જેવું છે, પરંતુ આ મારી છેલ્લી તક છે."

જો બેનેટની આ સર્જરી ન થઈ હોત, તો તેઓ અત્યાર સુધી જીવી શક્યા ન હોત.

આના આધારે, યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા યુનિવર્સિટી ઑફ મેરીલૅન્ડ મેડિકલ સેન્ટરના ડૉકટરોને આ પ્રક્રિયા માટે વિશેષ છૂટ આપવામાં આવી હતી.

મોટી સફળતા

આ પ્રત્યારોપણ કરનારી મેડિકલ ટીમે ઘણાં વર્ષો સુધી સંશોધન કર્યુ હતું, જે હવે દુનિયાભરના ઘણા લોકોનાં જીવનને બદલી શકે છે.

એક નિવેદનમાં, યુનિવર્સિટી ઓફ મેરીલૅન્ડ સ્કૂલ ઑફ મેડિસિને સર્જન બાર્ટલી પી. ગ્રિફિથને ટાંકીને જણાવ્યું હતું કે સર્જરીએ વિશ્વને "માનવ અંગ-ઉપાંગોની અછતની કટોકટીના ઉકેલની નજીક લાવી દીધું છે."

અમેરિકામાં, પ્રત્યારોપણની રાહમાં દરરોજ 17 લોકો મૃત્યુ પામે છે અને પ્રત્યારોપણની રાહ જોઈ રહેલા દર્દીઓની યાદી એક લાખથી વધુની છે.

આ અવકાશની પૂર્તિ માટે પ્રાણીઓનાં અંગોનો ઉપયોગ કરવાની શક્યતા લાંબા સમયથી તપાસવામાં આવી રહી છે અને તેને 'ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન' કહેવામાં આવે છે. તેમાં ડુક્કરના હૃદયના વાલ્વનો ઉપયોગ હવે સામાન્ય બની ગયો છે.

ઑક્ટોબર 2021માં, ન્યુયૉર્કના સર્જનોએ જાહેરાત કરી હતી કે તેમણે એક વ્યક્તિમાં ડુક્કરની કિડનીનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કર્યું છે. તે સમયે આ ઑપરેશન આ ક્ષેત્રનો સૌથી આધુનિક પ્રયોગ હતો.

જોકે, તે સમયે જે વ્યક્તિમાં ડુક્કરની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું તે વ્યક્તિ બ્રેઈન ડેડ હતી અને તેના સાજા થવાની કોઈ આશા નહોતી.

આગળ શું થશે

ડેવિડ બેનેટને લાગે છે કે આ પ્રત્યારોપણ પછી તે બાકીનું જીવન જીવી શકશે.

સર્જરી માટે તેઓ છેલ્લાં છ અઠવાડિયાંથી પથારીવશ હતા. તેઓ હૃદયની ગંભીર બીમારીથી પીડાતા હોવાથી તેમને મશીનની મદદથી જીવિત રાખવામાં આવ્યા હતા.

ગયા અઠવાડિયે બેનેટે કહ્યું હતું, "હું સ્વસ્થ થઈને પથારીમાંથી બહાર નીકળવા આતુર છું."

સોમવારે ડૉક્ટરોએ જણાવ્યું હતું કે બેનેટ જાતે શ્વાસ લઈ રહ્યા છે. જોકે તેમની તબિયત પર હજુ નજર રાખવામાં આવી રહી છે.

જોકે આગળ શું થશે તે હજુ સ્પષ્ટ નથી.

એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ડુક્કરના હૃદયને સૌપ્રથમ જિનેટિકલી મૉડિફાઇડ કરવામાં આવ્યું હતું, જેથી બેનેટનું શરીર તેને સ્વીકારી શકે.

બેનેટની તબિયત વિશે સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં.

બેનેટના પુત્રે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પરિવારને અત્યારે વધુ જાણકારી નથી. તેમણે એમ પણ કહ્યું કે ડૉકટરોએ જે પણ કર્યું છે તે ખૂબ મહત્વનું છે.

ગ્રિફિથે કહ્યું છે કે, "આપણે પહેલાં ક્યારેય મનુષ્યોમાં આવું કર્યું નથી. મને લાગે છે કે આ વધુ સારો વિકલ્પ છે. આપણે બસ આગળ શું થાય છે તે જોવાનું છે."

બેનેટનું જીવન કેટલા દિવસો, મહિનાઓ કે વર્ષોનું હશે તે જાણી શકાયું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો