ઓમિક્રૉન BA.2: વિશ્વમાં કોરોનાના અડધોઅડધ કેસ માટે જવાબદાર આ વૅરિયન્ટથી ભારતે કેમ ચેતવું જોઈએ?

કોરોનાનો અત્યંત ચેપી ઓમિક્રૉન વૅરિયન્ટ હવે વિશ્વમાં કોવિડના કુલ રોગીઓ પૈકીના અડધોઅડધના સંક્રમણનું કારણ બની ગયો છે.

જોકે, ઓમિક્રૉન SARS-Cov-2 કોરોના વાયરસ સાથે ગાઢ રીતે સંકળાયેલા રોગ-વંશ માટેનો એકછત્ર શબ્દ છે, જેમાં સૌથી સામાન્ય રોગ-વંશ છે BA.1.

ખાસ કરીને એશિયા અને યુરોપ સહિતના વધુ દેશો હવે BA.2 પ્રકારના વૅરિયન્ટથી ગ્રસ્ત કેસ વધારે નોંધાઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

'સ્ટીલ્થ' વૅરિયન્ટ

BA.2નો ઉલ્લેખ ઘણીવાર સ્ટીલ્થ પેટા-પ્રકાર તરીકે કરવામાં આવે છે, કારણ કે ઈન્ફેક્શન ડેલ્ટાનું હોવાને બદલે 'સામાન્ય' BA.1 ઓમિક્રૉન હોવાની સંભાવના વ્યક્ત કરવા સંશોધકો જે જેનેટિક માર્કરનો ઉપયોગ કરતા હતા તે BA.2માં જોવા મળતું નથી.

અન્ય ઓમિક્રૉન વૅરિયન્ટની માફક BA.2ના ઈન્ફેક્શનની ભાળ પણ લેટરલ ફ્લો ટેસ્ટ અને પીસીઆર કોવિડ ટેસ્ટ કિટ વડે મેળવી શકાય છે, પરંતુ આવું પરીક્ષણ BA.2 અને ડેલ્ટા વચ્ચેનો ભેદ પારખી શકતું નથી. ચોકસાઈપૂર્ણ નિદાન માટે વધારે પરીક્ષણ કરવું પડે છે.

BA.2 પેટા-પ્રકાર અગાઉના વૅરિયન્ટ કરતાં વધારે ચેપી હોય તેવું લાગે છે, પરંતુ તે વધારે ઘાતક હોવાનું કોઈ ડેટા જણાવતા નથી.

તેથી સવાલ એ છે કે આ ઊભરતા વૅરિયન્ટની આપણે કેટલી હદે ચિંતા કરવી જોઈએ?

આ નવા વૅરિયન્ટ વિશે આપણે આટલું જાણીએ છીએ.

શું છે BA.2?

વાયરસ નવા પ્રકારોમાં પરિવર્તિત થતા રહે છે અને ક્યારેક તેના પેટા-વંશમાં વિભાજિત થાય છે અથવા નવી શાખાઓ બનાવે છે. દાખલા તરીકે, ડેલ્ટા વૅરિયન્ટ. તેમાં જુદા-જુદા 200 સબ-વૅરિયન્ટનો સમાવેશ થાય છે.

ઓમિક્રૉનની બાબતમાં પણ આવું જ બન્યું છે. તેના સબ-વૅરિયન્ટમાં BA.1, BA.2, BA.3 અને B.1.1.529.નો સમાવેશ થાય છે.

હાલ મોટા ભાગના કેસ માટે BA.1 સબ-વૅરિયન્ટ જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)ના જણાવ્યા મુજબ, વૈશ્વિક જીઆઈએસએઆઈડી ડેટાબેઝને 2022ની 25 જાન્યુઆરી સુધીમાં સુપરત કરવામાં આવેલા વાયરલ ડીએનએ પૈકીના લગભગ 99 ટકા આ સબ-વૅરિયન્ટ સાથે સંકળાયેલા છે.

તેની શરૂઆત ક્યાંથી થઈ હતી એ સ્પષ્ટ નથી થયું, પરંતુ ફિલિપાઇન્સના ડેટાબેઝમાંથી અપલોડ કરવામાં આવેલી સિકવન્સીસમાં તે સૌપ્રથમવાર નવેમ્બરમાં જોવા મળ્યો હતો.

BA.2 ક્યાં ફેલાઈ રહ્યો છે?

ગયા નવેમ્બરથી 40 દેશોએ BA.2ના હજારો સિકવન્સીસનો ડેટાબેઝમાં ઉમેરો કર્યો છે.

ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ, આ સબ-વૅરિયન્ટનો ફિલિપાઇન્સ, નેપાળ, કતાર, ભારત અને ડેન્માર્કમાં વધુને વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં તે મોટા પ્રમાણમાં પ્રસર્યો છે.

ડેન્માર્કની સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટિટ્યુટ(એસએસઆઈ)ના જણાવ્યા મુજબ, દેશમાં કોવિડના કેસ પૈકીના અડધોઅડધનું કારણ BA.2 સબ-વૅરિયન્ટ છે.

મોલિક્યુલર બાયોલૉજિસ્ટ બિજયા ધકાલના જણાવ્યા મુજબ, ભારત એવો બીજા ક્રમનો દેશ છે, જ્યાં BA.2 ઝડપભેર ડેલ્ટા અને ઓમિક્રૉન BA.1 વૅરિયન્ટનું સ્થાન લઈ રહ્યો છે.

અત્યારે જ તે અનેક રાજ્યોમાં પ્રસરી ચૂક્યો છે.

ફિલિપાઇન્સના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે અમને જાન્યુઆરીના અંતે મળેલા સૅમ્પલ્સમાં BA.2 પેટા-પ્રકારનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો છે.

બ્રિટનની હેલ્થ સિક્યૉરિટી એજન્સીના જણાવ્યા મુજબ, ઇંગ્લૅન્ડમાં BA.2ના 1,000થી વધુ કન્ફર્મ્ડ કેસ નોંધાઈ ચૂક્યા છે.

બ્રિટનના આરોગ્ય વિભાગના સત્તાવાળાઓએ BA.2ને 'તપાસ હેઠળના વૅરિયન્ટ' તરીકે વર્ગીકૃત કર્યો છે. તેનો અર્થ એ થાય કે આરોગ્ય વિભાગના સત્તાવાળાઓ તેના પર ઝીણી નજર જરૂર રાખી રહ્યા છે પણ તેનાથી વધુ પડતા ચિંતિત નથી.

બ્રિટનની હેલ્થ સિક્યૉરિટી એજન્સીનાં ડિરેક્ટર ડૉ. મીરા ચાંદના જણાવ્યા મુજબ, જર્મનીમાં પણ BA.1 અને ડેલ્ટા કરતાં BA.2નું સંક્રમણ વધારે ઝડપે વધી રહ્યું છે.

શું BA.2 વધારે ચેપી છે?

ડેન્માર્કની એસએસઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા 8,500 ઘર તથા 18,000 વ્યક્તિઓને આવરી લેતા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે BA.1ની સરખામણીએ BA.2 "નોંધપાત્ર રીતે" વધુ પ્રસારણક્ષમ છે.

અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અગાઉના વૅરિયન્ટની સરખામણીએ, વૅક્સિનેટેડ અને બૂસ્ટર ડોઝ લઈ ચૂકેલા લોકોને તે વધારે સંક્રમિત કરી શકે છે. જોકે, વૅક્સિનેટેડ લોકો મારફતે તેનો ચેપ ફેલાવવાની શક્યતા બહુ ઓછી છે. બ્રિટનના એક અલગ અભ્યાસમાં પણ જાણવા મળ્યું હતું કે BA.1ની સરખામણીએ BA.2ની સંક્રમણક્ષમતા વધારે છે.

જોકે, બન્ને પૈકીના એકેય સબ-વૅરિયન્ટના સિમ્પ્ટોમેટિક ચેપ સામે રસી ઓછી અસરકારક હોવાનો કોઈ પુરાવો ન મળ્યાનું એક પ્રારંભિક મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે.

BA.2 વધારે ખતરનાક છે?

ઓમિક્રૉનના અગાઉના સબ-વૅરિયન્ટોની સરખામણીએ BA.2 વધારે ઘાતક હોવાનું જણાવતા કોઈ ડેટા મળ્યા નથી.

ડબલ્યુએચઓની કોવિડ-19 રિસ્પૉન્સ ટીમના ડૉ. બોરિસ પાવ્લિને મંગળવારે કહ્યું હતું કે "જે દેશોમાં BA.1થી સંક્રમિતો કરતાં BA.2થી સંક્રમિત લોકોનું પ્રમાણ વધારે છે ત્યાં પણ દર્દીઓના હૉસ્પિટલાઈઝેશનમાં અપેક્ષા કરતાં વધારે ઉછાળો જોવા મળ્યો નથી."

તેમણે જણાવ્યું હતું કે BA.1નું સ્થાન BA.2 લેશે તો પણ મહામારી અને લોકોની સારવાર પદ્ધતિ પર તેની નજીવી અસર જ થશે.

ડૉ. પાવ્લિને કહ્યું હતું કે "તેની અસર નજીવી હશે. અલબત્ત, આ સંબંધે વધારે માહિતી મળવી જરૂરી છે."

અગાઉના વૅરિયન્ટોના સંદર્ભમાં નિષ્ણાતો માને છે કે બીમારી, હૉસ્પિટલાઈઝેશન અને મૃત્યુ સામે વૅક્સિન્સ અત્યંત અસરકારક સાબિત થશે.

ડૉ. પાવ્લિને કહ્યું હતું કે "ઓમિક્રૉન સહિતની ગંભીર બીમારી સામે વૅક્સિનેશન જોરદાર રક્ષણ આપે છે."

ડૉ. ચાંદે કહ્યું હતું કે "BA.1 કરતાં BA.2 વધુ ગંભીર બીમારીનો કારક હોવાનું સાબિત કરતા સજ્જડ પુરાવા અત્યાર સુધી મળ્યા નથી. ડેટા મર્યાદિત છે અને બ્રિટનની હેલ્થ સિક્યૉરિટી એજન્સી આ સંબંધે તપાસ ચાલુ રાખશે."

તેમણે ઉમેર્યું હતું કે "આપણે સાવધ રહેવું પડશે અને વૅક્સિનેશન પણ ચાલુ રાખવું પડશે. એ ઉપરાંત સંક્રમણનાં ચિહ્ન જણાય તો લેટરલ ફ્લો ડિવાઇસીસ ટેસ્ટ્સ અને પીસીઆર ટેસ્ટ્સ નિયમિત રીતે કરતા રહેવું પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો