You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Azithromycin : કોરોનામાં એઝિથ્રોમાઇસિન દવા કેટલી ઉપયોગી અને એની આડઅસર શું થાય?
ગુજરાતમાં કોરોના-વિસ્ફોટ થયો હોય એ રીતે નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ અંગે જાગૃતિ અને રોકથામ માટેનાં જરૂરી પગલાંના પ્રયાર માટે રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ અને ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
જેમાં પત્રકારોના એક સવાલના જવાબમાં નિષ્ણાત ડૉક્ટરોની ટીમ પૈકીના એક ચેપી રોગના નિષ્ણાત ડૉ. અતુલ પટેલે કોરોનાના સંભવિત કેસોમાં 'એઝિથ્રોમાઇસિન' દવાની ઉપયોગિતા અને તેની અસરકારતા અંગે વાત કરી હતી.
નોંધનીય છે કે સ્થાનિક સમાચારો અનુસાર હાલ જ્યારે કોરોનાના કેસોમાં વધારો છે, ત્યારે કોરોનાના સંભવિત દર્દીઓને રાજ્યનાં ઘણાં અર્બન હેલ્થ સેન્ટરોમાં એઝિથ્રોમાઇસિન દવા અપાઈ રહી છે.
એઝિથ્રોમાઇસિનના લાભાલાભ અને કોરોનાના સંભવિત કેસોમાં તેની ઉપયોગિતા અને મર્યાદાઓ વિશે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.
કોરોનામાં શી છે ઉપયોગિતા?
જો રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. અતુલ પટેલની સમજાવટ અંગે વાત કરીએ તો ગુજરાતમાં ઘણાં અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોનાના ટેસ્ટના પરિણામની રાહ જોઈ રહેલી વ્યક્તિઓને એઝિથ્રોમાઇસિન દવા આપવામાં આવે છે.
તેમના મતાનુસાર, "એઝિથ્રોમાઇસિન જેવી ઍન્ટિબાયૉટિક, કૉમ્યુનિટી એક્વાયર્ડ ઍટિપિકલ પેથૉજન, કોરોના જેવાં લક્ષણો ધરાવતાં માઇક્રોપ્લાઝ્મા, લિજિયોનેલા સામે અસરકારક હોય છે. જો જે-તે વ્યક્તિને તેનો ચેપ લાગ્યો હોય તો તે શક્યતાને ધ્યાને લઈને પહેલાં તેને એઝિથ્રોમાઇસિન આપવામાં આવે છે.
તેઓ આગળ જણાવે છે કે એઝિથ્રોમાઇસિન હાલમાં કોરોના સિવાય પ્રસરી રહેલા ઇન્ફ્લુએન્ઝા, માઇક્રોપ્લાઝ્મા અને લિજિયોનેલાના ઉપચાર માટે ઉપયોગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દવા શરીરની રોગપ્રતિકારક શક્તિને સારી રીતે સહાય કરતા ડ્રગ તરીકે પણ ઉપયોગી છે.
જોકે, મહારાજા અગ્રસેન હૉસ્પિટલના ડૉ. દુર્ગેશ મોદી ડૉ. અતુલ પટેલ દ્વારા કોરોનાના સંભવિત દર્દીઓને એઝિથ્રોમાઇસિન જેવી ઍન્ટિબાયૉટિક દવા આપવાની સલાહ સાથે સંમત થતા નથી.
તેઓ કહે છે કે, "હાલમાં ઇન્ફેક્શનનું વ્યાપક કારણ બૅક્ટેરિયા નહીં પરંતુ વાઇરલ ઇન્ફેક્શન છે. અને તેમાં પણ કોવિડ-19 મુખ્ય છે."
"તેથી જો કોરોનાની સંભાવના ધરાવતા દર્દીને રિપોર્ટનો ઇંતેજાર હોય તો પણ અન્ય સંભાવનાઓ નકારવા માટે પણ એઝિથ્રોમાઇસિનનો ઉપયોગ કરવો એ સલાહભર્યું નથી."
"આવું કરીને આવા સંભવિત દર્દીની એઝિથ્રોમાઇસિન આપીને હાલના સમયમાં ઍન્ટિમાઇક્રોબની પ્રતિકારક્ષમતામાં વધારો થાય છે. જે સમસ્યા વધુ વિકટ બનાવે છે. તેથી કોરોનાની શક્યતાના કિસ્સામાં પણ એઝિથ્રોમાઇસિન આપવું એ સલાહભર્યું નથી."
કયા કયા સંજોગોમાં એઝિથ્રોમાઇસિન આપી શકાય?
ડૉ. દુર્ગેશ મોદીના મતાનુસાર એઝિથ્રોમાઇસિનનો ઉપયોગ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ (શ્વસનતંત્રનો ઉપલો માર્ગ)માં થયેલા બૅક્ટેરિયાના ઇન્ફેક્શન માટે કરાય છે, જેમ કે ફેરિન્જાઇટિસ અને મેરિન્જાઇટિસ.
આ પ્રકારના ઇન્ફેક્શનમાં ગળામાંથી નીકળતા કફમાં પીળા રંગનું પ્રવાહી નીકળે તો અને તો જ એઝિથ્રોમાઇસિનનો ઉપયોગ કરાય. કારણ કે એઝિથ્રોમાઇસિન તેની સામે અસરકારક છે.
જોકે, તેઓ હાલ જ્યારે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઍન્ટિબૅક્ટેરિયલ દવાનો ઉપયોગ કરવાનું સલાહભર્યું નથી માનતા.
એઝિથ્રોમાઇસિનનો ઉપયોગ બૅક્ટેરિયાના ઇન્ફેક્શન સામે કરાય છે. સાઇનસ, નાક, કાન, ગળા, ત્વચા અને નાજુક માંસપેશી અને ન્યૂમોનિયા જેવી પરિસ્થિતિમાં ઉપયોગી તે ઉપયોગી છે.
તે બૅક્ટેરિયા દ્વારા જરૂરી કાર્યો કરવા માટે તૈયાર કરાતા પ્રોટીનનાં સંયોજનોની વૃદ્ધિ અટકાવે છે. જેથી તે બૅક્ટેરિયાની વૃદ્ધિમાં અવરોધક બને છે. અને ચેપને આગળ વધતો અટકાવે છે.
આગળ જોયું તેમ ડૉ. અતુલ પટેલ કોરોના સિવાયના બૅક્ટેરિયલ ઇન્ફેક્શનોની શક્યતા નિવારવા માટે એઝિથ્રોમાઇસિનનો ઉપયોગ કરાતો હોવાની વાત કરે છે.
ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ?
જુદાજુદા મીડિયા અહેવાલો અનુસાર એઝિથ્રોમાઇસિન ડૉક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગમાં લેવાનું જણાવવામાં આવ્યું છે.
જોકે, ડૉ. દુર્ગેશ મોદી જણાવે છે કે એઇમ્સ અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા કોરોનાની સારવાર માટે બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકામાં ઍન્ટિબૅક્ટેરિયલ ડ્રગનો ઉપયોગ ન કરવાનું સૂચવવામાં આવ્યું છે.
હવે વાત કરીએ એઝિથ્રોમાઇસિનના ઉપયોગ સામે રહેલાં ભયસ્થાનોની.
ઊલટી, પેટમાં દુખાવો અને ડાયરિયા એઝિથ્રોમાઇસિનની આડઅસરોમાં સામેલ છે.
નિષ્ણાતોની સલાહ વિશે વાત કરીએ તો નિષ્ણાતોની સલાહ પ્રમાણે એક વખત એઝિથ્રોમાઇસિન લેવાનું શરૂ કર્યા પછી જો રોગ ઠીક થઈ જાય તો પણ નક્કી કરાયેલ સમય સુધી એ દવા લેવી હિતાવહ હોય છે. જેથી જે તે રોગ વધુ પ્રભાવશાળી બનીને પાછો ન ફરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો