ગુજરાત સરકાર વિદ્યાસહાયકોની ભરતી કરશે, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત - પ્રેસ રિવ્યૂ

શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આજે વિધાનસભામાં સંબોધન કર્યા બાદ પત્રકારપરિષદ યોજી હતી. તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે તેઓ શિક્ષકો અને વર્ગખંડોની સંખ્યાને લઈને પ્રશ્નો પૂછીને ભ્રામક માહિતી ફેલાવે છે. આ સાથે જ તેમણે વિદ્યાસહાયકોની ભરતી કરવા અંગે જાહેરાત કરી છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, "વર્ષ 1993-94માં કૉંગ્રેસની સરકાર દરમિયાન શિક્ષણ વિભાગમાં 43 હજારથી વધારે જગ્યાઓ ખાલી હતી. હાલમાં અમારી સરકારનું બજેટ અગાઉની કૉંગ્રેસની સરકાર કરતાં 22 ગણું છે."

તેમણેઆગળ કહ્યું કે, "કૉંગ્રેસ દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો કે છેલ્લાં પાંચ વર્ષમાં 754 શાળાઓ બંધ કરવામાં આવી, પણ તેમાંથી 151 શાળાઓ 20થી ઓછા વિદ્યાર્થીઓ હોવાના કારણે બંધ કરવામાં આવી હતી."

તેમણે વધુ આંકડા રજૂ કરતાં કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં માત્ર 86 શાળાઓ બંધ થઈ અને 497 શાળાઓને મર્જ કરવામાં આવી છે. આની પાછળ પણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા જ જવાબદાર છે.

હિજાબ પર પ્રતિબંધના ચુકાદા બાદ ગુજરાત સરકારે શાળાઓને શું સૂચના આપી?

કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હિજાબ મામલે કરાયેલી અરજીને રદ કર્યાના બીજા દિવસે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર જારી કરીને સતર્ક રહેવા સૂચના આપી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, બુધવારે જારી કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે 'હિજાબ વિવાદને લઈને સતર્ક રહો અને ધ્યાન રાખો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.'

મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે વર્ગખંડમાં હિજાબ ન પહેરવા અંગેના નિર્ણય વિરુદ્ધ કરાયેલી અરજીઓ ખારિજ કરી હતી.

જેની પાછળ કારણ આપ્યું હતું કે હિજાબ એ ઇસ્લામમાં અનિવાર્ય નથી.

BSFએ ગુજરાતના પાસે બે પાકિસ્તાની બોટ જપ્ત કરી

16 માર્ચના રોજ BSF દ્વારા ગુજરાતના ખાડી સર ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરતા સાંજના 4:30 વાગ્યા ઘુસણખોરી જોવા મળી હતી.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાતમાં કચ્છ પાસે સર ક્રિક વિસ્તારમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ દ્વારા ભારતીય સીમામાંથી બે પાકિસ્તાની માછીમારોની બોટ જપ્ત કરાઈ હતી.

BSFના પેટ્રોલિંગ દરમિયાન સાંજના 4.30 વાગ્યે બે પાકિસ્તાની માછીમારોની બોટ જોવા મળી હતી. બુધવારે BSFએ જાહેર કરેલા નિવેદન મુજબ 4-5 પાકિસ્તાની માછીમારો બે બોટમાં જોવા મળ્યા હતા, જોકે BSFને તેમની તરફ આવતાં જોઈને તેઓ નાસી ગયા હતા.

બે બોટને ભારતીય હદની અંદરથી જપ્ત કરાઈ હતી. તેની તપાસ કરતાં માછલી પકડવાની જાળ અને સાધનો મળી આવ્યા હતા.

ભાજપ માટે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવી સહેલી નહીં રહે : મમતા બેનરજી

તૃણમૂલ કૉંગ્રેસના વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે ભાજપ માટે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવી સહેલી નહીં રહે, કારણ કે તેમની પાસે દેશભરમાંથી અડધા ધારાસભ્યો પણ નથી.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, મમતા બેનરજીએ બુધવારે કહ્યું કે ભાજપનો તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું જીતવું સહેલું નહીં રહે. કારણ કે તેમની પાસે દેશભરમાંથી 50 ટકા ધારાસભ્યો નથી.

મમતા બેનરજીએ 'રમત હજુ બાકી છે' કહેતાં જણાવ્યું કે, દેશભરમાંથી 50 ટકાથી વધારે ધારાસભ્યો ન હોય તેવી રાજકીય પાર્ટીએ સમાજવાદી પાર્ટી જેવી મોટી-મોટી વાત ન કરવી જોઈએ. તેઓ (સમાજવાદી પાર્ટી) ભલે ચૂંટણી ન જીત્યા હોય પણ તેમનું રાજકીય કદ ઘણું વધ્યું છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ રીતે સાંસદો અને ધારાસભ્યોના મતો પ્રમાણે યોજાતી હોય છે.

આ સિવાય મમત બેનરજીએ પૅગાસસ સહિત વિવિધ મુદ્દા પર ભાજપને આડેહાથ લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો