સમલૈંગિક સંબંધ બાંધનારા અમદાવાદના પ્રોફેસર કઈ રીતે ફસાયા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

''હું દસ વર્ષનો હતો ત્યારે મારા શિક્ષકે મારું જાતીય શોષણ કર્યું હતું. એ પછી કૉલેજમાં આવ્યો તો હૉસ્ટેલમાં મારા સિનિયરોએ મારું જાતીય શોષણ કર્યું. હું એને ભૂલી શકતો ન હતો.''

''હું ભણી ગણીને પ્રોફેસર થયો. મારાં લગ્ન થયાં, બાળકો થયાં. લગ્નજીવન સુખી હતું પણ મને સ્ત્રી કરતાં પુરુષોમાં વધુ રસ પડતો. કારણ કે ભૂતકાળમાં સમલૈંગિક સંબંધોમાં મારો પાર્ટનર મારી ખૂબ કાળજી રાખતો.''

''હું ઇન્ટરનેટ પર નવા પાર્ટનર શોધવા લાગ્યો. અને બે યુવાન છોકરાઓએ મારી સાથે સજાતીય સંબંધ રાખી બ્લૅકમેઇલ કરી લાખો રૂપિયા પડાવી લીધા.''

આ શબ્દો છે સમલૈંગિક સંબંધો રાખી ચૂકેલા 53 વર્ષના પ્રોફેસર સુબોધના (નામ બદલ્યું છે). તેમણે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદની એક જાણીતી કૉલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતા સુબોધે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "લગ્ન પહેલાં તેમનો સજાતીય સંબંધ હતો પરંતુ માતાપિતાના દબાણને લીધે તેમણે લગ્ન કર્યાં. લગ્નથી તેમને એક બાળક પણ છે પરંતુ સમય જતાં તેઓ પત્ની સાથેના સંબંધોમાં ઓછો રસ લેતા થઈ ગયા હતા અને તેઓ સમલૈંગિક પાર્ટનર શોધતા હતા."

તેઓ કહે છે કે તેઓ પોતે પૅસિવ ગે છે. તેમની સાથે સમલૈંગિક સંબંધ ધરાવનાર ત્રણ પાર્ટનરોને તેઓ પતિ માનતા અને તેમના ત્રણેય પાર્ટનર સાથે જે ભાવનાત્મક જોડાણ હતું એવું બૉન્ડિંગ એમને ક્યારેય પોતાની પત્ની સાથે નહોતું અનુભવાયું.

સુબોધ અનુસાર તેમના ત્રણેય પાર્ટનરોની અમદાવાદથી બદલી થઈ ગઈ અને તેઓ એકલા પડી ગયા. નવા પાર્ટનરને શોધે એ પહેલાં કોરોના મહામારી શરૂ થઈ ગઈ અને એ દમિયાન એમના જૂના પાર્ટનરે એમને સમલૈંગિકોના એક વૉટ્સઍપ ગ્રૂપમાં સામેલ કર્યા અને તેમનો અમદાવાદમાં અન્ય સમલૈંગિક લોકો સાથે સંપર્ક થયો.

ત્યાર બાદ તેઓ સમલૈંગિકો માટેની ગે ઍપમાં જોડાયા.

સુબોધ કહે છે કે, "હું ગ્રાઇન્ડર તથા પ્લૅટિનમ રોમિયો નામની ઍપમાં જોડાયો જેમાં સમલૈંગિક લોકોની તસવીરો અને વીડિયો જોવા મળે. ઍપમાં જુવાન છોકરાઓ વધુ હતા, મેં એમની સાથે સંબંધ કેળવ્યો. એ લોકોને હું પૈસા વાપરવા આપતો હતો. મારામાં એક ખાલીપો હતો એ હું પુરવા માગતો હતો."

"યુવાનો સાથે સંબંધ રાખવામાં મને મજા પણ આવતી હતી, એ લોકોને મારી લાગણી કરતાં પૈસાની વધુ પરવા હતી."

"એમણે મારી સાથે સમલૈંગિક સંબંધો બનવતી વખતે મારી તસવીરો અને વીડિયો બનાવી લીધા અને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું. મારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા અને મેં મારી પત્નીથી છુપાઈને એ લોકોને પૈસા આપ્યા, પણ એમની ડિમાન્ડ વધતી ગઈ. મારી પાસે પૈસા નહોતા તો એ લોકોએ મને ઢોર માર મારવાનું શરૂ કર્યું."

પોલીસ પાસે પહોંચ્યો મામલો

સુબોધ કહે છે કે એમના ત્રાસથી કંટાળીને તેમણે છેવટે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યાર બાદ પોલીસે એમને પકડી લીધા. સુબોધ માને છે કે 'એ લોકોએ આવી રીતે મારા જેવા ઘણા લોકોને સમલૈંગિક સંબંધો બાંધીને બ્લૅકમેઇલ કર્યા હશે.'

આ અંગે અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દિલીપ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''ગ્રાઇન્ડર નામની ઍપ પરથી આ પ્રોફેસર સમલૈંગિક સંબંધ માટે દીપેન પટેલ અને હર્ષિલ પટેલ નામના યુવાનના સંપર્કમાં આવ્યા હતા. દીપેન પટેલ દસમું ધોરણ સુધી ભણેલો યુવાન છે અને પ્રાઇવેટ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે, જયારે એનો મિત્ર 20 વર્ષીય હર્ષિલ પટેલ હમણાં ભણવાનું પૂરું કર્યું છે અને કામધંધાની શોધમાં છે. આ લોકોની છ લોકોની ગૅંગ છે જે આ ગ્રાઇન્ડર નામની ડેટિંગ અને ચૅટિંગ ઍપ પર લોકોને ફસાવે છે.''

''આ લોકોએ 10 ફેબ્રુઆરીએ ફરિયાદ કરનાર પ્રોફેસરને નિર્ણયનગર વિસ્તારના એક ફ્લૅટમાં બોલાવ્યા હતા, જ્યાં અગાઉથી ત્રણ લોકો આવેલા હતા.''

''આ લોકોએ પ્રોફેસરની પાસે પૈસાની માગણી કરી અને માર માર્યો હતો, કારની ચાવી પણ પડાવી લીધી હતી. મોબાઇલ ફોન ઝૂંટવીને એમના બૅન્ક ઍકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.''

પોલીસ ઇન્સપેક્ટર દિલીપ પટેલ અનુસાર આ અંગેની ફરિયાદ સાયબર સેલમાં થતાં બે લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ ચાલુ છે. આ લોકોએ બીજા કેટલા લોકોને ફસાવ્યા છે એની પણ તપાસ ચાલુ છે.

સજાતીય સંબંધો બાંધવા માટે પૈસાની આપ-લેમાં થતો દગો?

આ રીતે સમલૈંગિક સંબંધો માટેની ઍપમાં સપડાયેલા 51 વર્ષીય વ્યવસાયી નયન શાહે (નામ બદલ્યું છે) બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''મને પહેલેથી સમલૈંગિક સંબંધોમાં રસ છે , હું સરકારી નોકરીમાં છું અને ક્લાસ ટુ ઑફિસર તરીકે કામ કરું છું.''

''અમારા ગ્રૂપમાં લોકો યુવાન સમલૈંગિક છોકરાઓને નવીનતા માટે પસંદ કરે છે. હું પૅસિવ ગે છું પરંતુ મારા શારીરિક બાંધા પરથી કોઈ મને ઓળખી શકતું નથી.''

''સમલૈંગિક સંબંધો માટેની ઍપ પર કોરોના મહામારી પછી લોકોનો ધસારો વધ્યો છે. કોરોનાકાળમાં જે લોકો સજાતીય સંબંધો બાંધીને પૈસા કમાતા હતા એમની આવક બંધ થતાં ઓછા પૈસામાં સંપર્ક માટે પણ લોકો તૈયાર છે.''

''પરંતુ આવા કિસ્સામાં બદનામીના ડરથી કોઈ ફરિયાદ કરવા આવતું નથી. એટલે આવી રીતે બ્લૅક મેઇલિંગના કેસ વધી રહ્યા છે.''

નયન શાહ કહે છે કે ,''મારી સાથે પણ આવી જ રીતે પૈસા અને સોનાની ચેઇન, વીંટી અને મોબાઇલ પડાવી લેવાની બે યુવાન છોકરાઓએ કોશિશ કરી હતી પરંતુ મને એમના ઇરાદાની ખબર પડી એટલે મેં પથ્થરથી વળતો હુમલો કર્યો અને એ લોકો નાસી છૂટ્યા હતા, અમારા વૉટ્સઍપ ગ્રૂપમાં ઘણા લોકો આવી રીતે શિકાર થયા છે.''

સમલૈંગિક લોકો અને ટ્રાન્સજેન્ડર લોકો માટે 32 વર્ષથી કામ કરતી સંસ્થા ચુંવાળના પ્રમુખ ચંદુભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''સમલૈંગિકોમાં કેટલાક ઍક્ટિવ અને કેટલાક પૅસિવ, એમ બંને પ્રકારના ગે હોય છે. મોટા ભાગના લોકો એવા છે જેમનું નાનપણમાં જાતીય શોષણ થયું હોય છે.''

'' કેટલાક એવા લોકો પણ જે આર્થિક રીતે સધ્ધર નથી અને તેઓ પૈસાદાર લોકોના આ શોખને પૈસા લઈને પૂરો કરે છે.''

તેમનું કહેવું છે કે કેટલાક ગરીબ લોકોનું આ પ્રકારના સંબંધોમાં શોષણ પણ થતું હોય છે.

ચંદુ પટેલ અનુસાર, ''એવું પણ જોવા મળ્યું છે કે લોકો ગરીબ છે અને કોઈ કામધંધો નહીં મળવાને કારણે સમલૈંગિક સંબંધ બાંધવાના ધંધામાં જોડાય છે અને પછી તેઓ શોષણના શિકાર બને છે. એમને પૂરતા પૈસા મળતા નથી અને માર મારીને કાઢી મુકાય છે.''

''સમાજમાં બદનામીના ડરના લીધે એ લોકો ફરિયાદ કરતા નથી. સામાન્ય રીતે સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો એક બીજાને બ્લૅકમેઇલ કરતા નથી હોતા પણ કોરોના પછી આવા કિસ્સા જોવા મળી રહ્યા છે.''

'ઍપને કારણે ગોપનીયતા વધી અને બ્લૅકમેઇલિં પણ'

ચુંવાળ સંસ્થામાં ગે લોકો માટે ખાસ કામ કરતા રાકેશ રાઠોડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારી સંસ્થામાં સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો પોતાની સમસ્યા લઈને આવે છે."

"અમે એમને અનેક રીતે મદદ કરતા હોઈએ છીએ. સલામત જાતીય સંબંધ કેવી રીતે રાખવા, સામાજિક અને માનસિક સમસ્યાઓ મુદ્દે સમલૈંગિકોની મદદ કરીએ છીએ. અમારી પાસે નોંધાયેલા કેટલાય લોકો એવા છે કે જે પૈસાદાર સમલૈંગિક ઍક્ટિવ અને પૅસિવ ગે લોકોના શોખ પૈસા લઈને પૂરા કરે છે."

"સમલૈંગિકોના 200 જેટલાં વૉટ્સઍપ ગ્રૂપ છે. પહેલાં આ લોકો વૉટ્સઍપ ગ્રૂપમાં એકબીજાનો સંપર્ક કરતા હતા. કોરોના મહામારી દરમિયાન સમલૈંગિકો એકબીજાના સંપર્ક માટે બે ઍપ્સ પ્લૅટિનમ રોમિયો અને ગ્રાઇન્ડર ઍપ વધુ વાપરતા થયા છે."

તેઓ જણાવે છે કે આ ઍપમાં બધા અજાણ્યા લોકો હોય છે. આ ઍપમાં એકબીજાનો સંપર્ક કરીને વાતચીત કરે છે તથા મુલાકાત નક્કી કરે છે.

રાકેશ રાઠોડ અનુસાર 'ઍપમાં કોડવર્ડનો ઉપયોગ થાય છે જેથી તેને વાપરનારની પ્રાઇવસી જળવાઈ રહે. વૉટ્સઍપમાં પકડાઈ જવાના ડરથી લોકો ઍપ વાપરવાનું વધુ પસંદ કરે છે.'

''જો ઍપમાં કોઈ વ્યક્તિને લઈને એવો ભરોસો વ્યક્ત કરવામાં આવે કે તે સજાતીય સંબંધ બાંધતા માર મરવા કે પૈસા નહીં આપવા અથવા બ્લૅકમેઇલ કરવા જેવાં કામ નહીં કરે તો તેનો રેફરન્સ આપતી વખતે તેને કોડવર્ડમાં 'ચિસ્સો' કહેવાય છે. જો કોઈ વ્યક્તિ બ્લૅકમેઇલ કરે અથવા સમલૈંગિક સંબંધ બાંધવાના પૈસા ન આપવાનું નક્કી કરીને પૈસા ન આપે કે પછી મારામારી કરે તો તેને 'ગટીનો' કહે છે.''

''એક વખત સમલૈંગિક સંબંધ રાખ્યા પછી વારંવાર પરેશાન કરનારને 'બિલોધર' કહેવાય છે. આ શબ્દો વૉટ્સઍપ ગ્રૂપમાં વધુ વપરાતા હતા એટલે આા લોકો બ્લૅકમેઇલ થતા બચી જતા કારણ કે ગ્રૂપમાં કોઈ કોડવર્ડથી માહિતી આપી દેતું.''

''પરંતુ કોરોનાકાળ પછી આ બંને ઍપ આવી છે જેમાં કોણ કોના સંપર્કમાં રહે છે તેની અન્યોને જાણ ન હોવાથી બ્લૅકમેઇલના કિસ્સા વધ્યા છે.''

''સજાતીય સંબંધ બાંધીને પૈસા કમાતા કેટલાક આર્થિક રીતે નબળા વર્ગના લોકોનું પણ શોષણ વધ્યું છે, આવા લોકોને ઓછા પૈસા આપી દેવામાં આવે છે. બદનામીના ડરથી લોકો પોલીસમાં આ મામલે ફરિયાદ કરતા નથી.''

તો ગુજરાત પોલીસના રિટાયર્ડ એસીપી દિપક વ્યાસે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''સજાતીય સંબંધોનો વેપાર ઘણા વખતથી ચાલે છે.''

''થોડાં વર્ષો પહેલાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સજાતીય સંબંધોને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરાયા પછી હવે શહેરી વિસ્તારોમાં એનું પ્રમાણ વધ્યું છે. ઉચ્ચ હોદ્દાઓ પર બેસેલી અને આર્થિક રીતે મજબૂત વ્યક્તિઓને સજાતીય સંબંધ બાંધવા માટે બ્લૅકમેઇલ કરવાના કિસ્સા નવા નથી.''

''લોકો સમાજના ડરથી ફરિયાદ કરતા નથી. આવા લોકોના કેસ જયારે પોલીસ પાસે આવે ત્યારે અમે એમની ગોપનીયતાને ધ્યાને રાખીએ છીએ અને આવા લોકો ઝડપથી ડિપ્રેશનમાં આવી જાય છે એટલે અમે એમને કાઉન્સેલિંગ પણ કરાવીએ છીએ.''

''મેં જોયું છે કે મોટી ઉંમરના લોકો પૅસિવ ગે વધુ હોય છે અને જુવાન છોકરાઓ પૈસા મેળવવા ઍક્ટિવ ગે તરીકે કામ કરે છે . એક કેસમાં અમદાવાદમાં એક 65 વર્ષના વૃદ્ધ વારંવાર સમલૈંગિક સંબંધ બાંધવા 24 વર્ષના યુવાનને દબાણ કરતા, જેણે એ વૃદ્ધનું ખૂન કર્યું હતું. અમે એને એ વૃદ્ધની ફોનકૉલની ડિટેલ અને બૅન્ક ટ્રાન્ઝેક્શનના આધારે એ યુવાનની ધરપકડ કરી.''

''તે યુવાન સાથે એકવાર પૈસા આપી સજાતીય સંબંધ બાંધ્યા બાદ એ વૃદ્ધ એને તસવીરો બતાવી વારંવાર સજાતીય સંબંધ બાંધવા મજબૂર કરવાની વાત જાણવા મળી હતી.''

''અગાઉ સમલૈંગિકો માટેના વૉટ્સઍપ ગ્રૂપ્સ પ્રચલિત હતા. અમે વૉટ્સઍપના આધારે આરોપીની ધરપકડ કરતા પરંતુ સામાજિક ડરને કારણે લોકો ફરિયાદ નોંધાવતા નહોતા. હવે ઍપને કારણે ખાનગી વાતો જાહેર પણ નથી થતી. પહેલાં વૉટ્સઍપ ગ્રૂપમાં જો બે સભ્યો વચ્ચે દુશ્મની હોય તો ખાનગી રાહે બાતમી આપતા અને પોલીસ આવા લોકો ફરિયાદ ના કરે તો પણ એમને સામે ચાલીને મદદ કરતી પણ ઍપ બનવાથી આવા અનેક કેસ ઢંકાઈ ગયા છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો