ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને મળી Y કૅટેગરીની સુરક્ષા - પ્રેસ રિવ્યૂ

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા 'ધ કશ્મીર ફાઇલ્સ' ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને Y કૅટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

11 માર્ચના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ'ને લઇને વિવાદ સર્જાયો છે. એક તરફ દેશભરમાંથી લોકો તેને સમર્થન આપી રહ્યા છે. જ્યારે એક વર્ગ એવો છે, જે ફિલ્મની ટીકા કરી રહ્યો છે.

કેટલાક લોકોનું માનવું છે કે ફિલ્મમાં જે તે સમયે કાશ્મીરી પંડિતોને પડેલી યાતનાઓ યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે તો કેટલાક લોકો માને છે કે તથ્યોને મરોડીને રજૂ કરવામાં આવ્યાં છે.

ગત મંગળવારે યોજાયેલી ભાજપની પાર્લામૅન્ટ્રી બૉર્ડની બેઠકમાં વડા પ્રધાન મોદીએ પણ આ ફિલ્મની પ્રશંષા કરી હતી.

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં કસ્ટોડિયલ ડૅથના 188 કેસ નોધાયા

ગુજરાત સરકારે ગુરુવારે વિધાનસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં કસ્ટોડિયલ ડૅથના 188 કેસ નોંધાયા છે.

ન્યુ ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે આ 188 કેસ પૈકી 88 કેસ 2020માં અને 100 કેસ 2021માં નોંધાયા હતા.

કસ્ટોડિયલ ડૅથના આ મામલા પૈકી કેટલા મામલામાં પોલીસકર્મીઓ સામે પગલાં લેવાયાં છે? આ પેટાપ્રશ્નના જવાબમાં મુખ્ય મંત્રીએ કહ્યું કે "તમામ મામલામાં ફરિયાદ નોંધાઈ છે. ખાતાકીય તપાસ કરવામાં આવી છે. પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કેટલાક કિસ્સામાં દંડ પણ કરવામાં આવ્યો છે."

કસ્ટોડિયલ ડૅથનો ભોગ બનેલા તમામ મૃતકોના પરિવારજનોને છ લાખ રૂપિયા વળતર પણ આપવામાં આવ્યું હોવાનું મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં વિદ્યાર્થીઓને પહેલા ધોરણથી અંગ્રેજી ફરજિયાત, છઠ્ઠા ધોરણથી ગીતાના પાઠ ભણાવાશે

ગુજરાત સરકારના શિક્ષણવિભાગે ગુરુવારે જાહેરાત કરી છે કે તેઓ આગામી શૈક્ષણિક સત્રથી તમામ સરકારી શાળામાં પહેલા ધોરણથી ફરજિયાત અંગ્રેજી ભણાવશે અને છઠ્ઠા ધોરણથી અભ્યાસક્રમમાં ભગવદ્ગીતાના પાઠનો ઉમેરો કરશે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ગુરુવારે વિધાનસભામાં શિક્ષણબજેટ અંગેની ચર્ચા દરમિયાન આ જાહેરાત કરી હતી.

જૂન મહિનાથી શરુ થતા નવા શૈક્ષણિક સત્રથી ભગવદ્ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાના સરકારના નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે ગીતાનાં બોધપાઠ અને પઠન ધોરણ છથી આઠમાં તબક્કાવાર ભણાવવામાં આવશે અને તેનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

શિક્ષણવિભાગના સૅક્રેટરી વિનોદ રાવે અખબારને જણાવ્યું કે "કેટલાક મહત્ત્વના લોકો જેમ કે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેએ ભગવદ્ગીતા વિષે કહેલી વાતો અને તેમના દ્વારા કરવામાં આવેલા અર્થઘટનને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જોકે, તેનો અલગ વિષય નહીં હોય. તે માત્ર જે તે વિષયમાં એક અલગ પાઠ તરીકે ભણાવવામાં આવશે."

તેમણે આગળ કહ્યું હતું કે "આમ થવાથી આગામી સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં 'મહાત્મા ગાંધીએ કરેલ ગીતાના અર્થઘટન વિષે જણાવો' આવો પ્રશ્ન પણ પુછાઈ શકે છે."

કોરોના કેસ વધતાં કેન્દ્રીય આરોગ્યમંત્રીએ તમામ રાજ્યોને સતર્ક રહેવા કહ્યું

દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને કોરોનાની પરિસ્થિતિને લઈને સતર્ક રહેવા કહ્યું હતું.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આ બેઠકમાં મનસુખ માંડવિયાએ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાના નિર્ણયની પણ સમીક્ષા કરી હતી. જોકે, આ નિર્ણય યથાવત્ રાખ્યો હોવાનું પણ બેઠકમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું હતું.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ રાજ્યોને સતર્ક રહેવાની સાથેસાથે યુદ્ધના ધોરણે જિનોમ સિક્વન્સિંગ અને કોરોના સર્વેલન્સ વધારવા માટે સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વદક્ષિણ એશિયાના દેશો સહિત ચીન અને યુરોપમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. વિશ્વમાં છેલ્લા એક સપ્તાહમાં 1.10 કરોડથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો