You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ઐતિહાસિક જીતની વચ્ચે ભાજપ પાસેથી હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસે સત્તા કેવી રીતે આંચકી લીધી?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
સારાંશ
- હિમાચલ પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં અગ્નિવીર યોજનાને લઈને નારાજગી મળી જોવા
- “કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં કાંગડામાં સૌથી વધુ ફાયદો થયો હતો"
- હિમાચલ પ્રદેશના તાજેતરના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંની જનતા દર પાંચ વર્ષે સરકાર બદલે છે
- વર્ષ 2017ની ચૂંટણીમાં હાર્યા બાદ જયરામ ઠાકુરને તેમની જગ્યાએ મુખ્ય મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી
- હિમાચલ પ્રદેશમાં ભાજપને ધૂમલ ટુકડીની ઉદાસીનતાનું પણ નુકસાન વેઠવું પડ્યું હતું
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી 40 બેઠક જીતી છે. ત્યાં સત્તારૂઢ ભાજપના ખાતામાં અત્યાર સુધી માત્ર 25 બેઠકો આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં ઘણી રેલીઓ કાઢી હતી, આમ છતાં સફળતા ન મળી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનું વતન પણ હિમાચલ પ્રદેશ જ છે.
ભાજપે તેના ચૂંટણીપ્રચારમાં નારો આપ્યો હતો કે, ‘સરકાર નહીં રિવાજ બદલીશું’ પરંતુ ચૂંટણીનાં પરિણામોએ સરકાર જ બદલી કાઢી.
હવે સવાલ એ છે કે કૉંગ્રેસ હિમાચલ પ્રદેશમાં ફરી જીત મેળવવામાં કેવી રીતે સફળ રહી અને એ કયાં કારણો હતાં, જેનાથી ભાજપને નુકસાન થયું અને કૉંગ્રેસને ફાયદો થયો.
જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન
કૉંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણીઢંઢેરામાં કહ્યું હતું કે, તેઓ રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ શરૂ કરશે. આ એક એવો મુદ્દો છે જે હિમાચલ પ્રદેશની ગ્રામ્ય અને શહેરી બંને વસતી માટે ઘણો મહત્ત્વનો છે.
કારણકે હિમાચલ પ્રદેશમાં લગભગ અઢી લાખ સરકારી કર્મચારી છે, જેમાંથી દોઢ લાખ કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ લાગુ પડે છે.
જોકે, ભાજપ આ મામલા પર સ્પષ્ટ રીતે કોઈ પણ પ્રકારની ઑફર કરતી જોવા મળી નથી, પરંતુ હવે સવાલ એ છે કે કૉંગ્રેસ તેના આ ચૂંટણીવચનોને કેવી રીતે પૂરાં કરશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, છેલ્લાં પાંચ વર્ષમાં હિમાચલ પ્રદેશની સરકારનો ખર્ચ 17 હજાર કરોડથી વધીને 22 હજાર કરોડ થઈ ગયો છે.
હિમાચલ પ્રદેશની નાણાકીય સ્થિતિની ઑડિટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2020-21માં સરકારનો વ્યાજ, વેતન, મજૂરી અને પેન્શન વગેરેનો ખર્ચ 22,464.51 કરોડ રહ્યો હતો, જે 2016-17માં 17,164.75 કરોડ રૂપિયા હતો.
આ ખર્ચ સરકારને થનારી કમાણીના 67.19 ટકા છે, જે પાંચ વર્ષ પહેલાં સુધી 65.31 ટકા હતો. જો કૉંગ્રેસ પેન્શનસ્કીમનું વચન પૂરું કરે તો સરકાર પર પડનારો આર્થિક બોજો વધી જશે. એટલું જ નહીં, વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ માટે પણ રાજ્ય સરકારે ખર્ચ કરવાનો રહેશે.
એવામાં એ જોવાનું રહેશે કે, રાજ્ય સરકાર વિકાસ સાથે જોડાયેલી યોજનાઓ કે જૂની પેન્શનસ્કીમમાંથી કયો વિકલ્પ પસંદ કરશે.
હિમાચલ પ્રદેશના 'ગ્રામપરિવેશ'ના સંપાદક મહેન્દ્રપ્રતાપસિંહ રાણા જણાવે છે કે, “હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની જીતમાં જૂની પેન્શનસ્કીમ લાગુ કરવાના વચને મૌખિક ચૂંટણી પ્રચારનું કામ કર્યું. કારણકે કૉંગ્રેસે સત્તામાં આવતા જ આ સ્કીમ ફરી શરૂ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત હિમાચલમાં કૉગ્રેસના સમગ્ર પ્રચારમાં કોઈ મોટો ચહેરો હતો નહીં. તો એવામાં ઓપીએસનો મુદ્દો નબળો પડ્યો નહીં, જેને વાસ્તવમાં પર કૉંગ્રેસના સ્થાનિક નેતાઓની ઘણી મદદ કરી હતી.”
અગ્નિવીર યોજના અંગે આક્રોશ
આ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને કેન્દ્ર સરકારની અગ્નિવીર સ્કીમથી પણ મદદ મળી હતી. હિમાચલ પ્રદેશમાં દર વર્ષે હજારો યુવાન ભારતીય સેનાની ભરતી માટે પ્રયાસ કરે છે.
જોકે કેન્દ્ર સરકારની અગ્નિવીર યોજનાએ ચૂંટણીનું સમીકરણ એકાએક બદલી દીધું.
ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થનારા મેજર વિજય મનકોટિયાએ પણ આ સ્કીમને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
યુપીથી લઈને બિહાર સહિતનાં ઘણાં અન્ય રાજ્યોમાં આ સ્કીમને લઈને વિરોધપ્રદર્શનો થયાં અને આગચંપી જેવાં દૃશ્યો પણ જોવા મળ્યાં. હિમાચલ પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં પણ તેને લઈને સ્પષ્ટરીતે નારાજગીનો ભાવ જોવા મળ્યો હતો.
હિમાચલ પ્રદેશની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સેનાની નોકરી એ એક મહત્ત્વનો મુદ્દો હતો. તે ઉપરાંત મોંઘવારી અને બેરોજગારીને લઈને પણ લોકોમાં આક્રોશ હતો.
મહેન્દ્રપ્રતાપસિંહ રાણાએ કહ્યું હતું કે, “કાંગડા, હમીરપુર, ઊના અને મંડીમાં અગ્નિવીર પણ મોટો મુદ્દો હતો. કારણ કે અહીં એવા ઘણા પરિવાર છે, જેમના દીકરા સેનામાં છે.”
રાજકીય વિશ્લેષક કે. એસ. તોમર પણ માને છે કે 'કાંગડામાં ભાજપને ઘણું નુકસાન થયું હતું.'
તેઓ કહે છે કે, “કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં કાંગડામાં સૌથી વધુ ફાયદો થયો હતો. ત્યાં સૌથી વધુ વિધાનસભા બેઠકો છે અને ત્યાંથી જ હિમાચલ પ્રદેશની સત્તાનો રસ્તો જાય છે.”
નિશ્ચિત ચૂંટણી પ્રચાર
આ ચૂંટણીમાં કૉંગ્રેસે સ્થાનિક મુદ્દા પર વધારે ધ્યાન આપ્યું હતું, જ્યારે ભાજપ ગુજરાત અને બીજી તમામ ચૂંટણીની જેમ નરેન્દ્ર મોદીની ‘લાર્જર ધેન લાઇફ’ તસવીરના વિશ્વાસથી ચૂંટણી લડતો જોવા મળ્યો હતો.
આ ચૂંટણીમા ભાજપ સત્તાવિરોધી લહેરનો સામનો પણ કરી રહી હતી. હિમાચલ પ્રદેશના તાજેતરના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંની જનતા દર પાંચ વર્ષે સરકાર બદલે છે.
ભાજપે તેને ધ્યાનમાં રાખતા તેના ચૂંટણી પ્રચારમાં ‘સરકાર નહીં, રિવાજ બદલેગેં’નો નારો આપ્યો હતો. પરંતુ ત્યાર પછી પણ ભાજપને મોદી, અમિત શાહ અને જે. પી. નડ્ડાના પ્રવાસોનો ફાયદો મળ્યો નહીં.
કે. એસ. તોમરે કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં કૉંગ્રેસની જીત માટે તેની ચૂંટણી લડવાની રીતનાં વખાણ કરવા પડશે. કૉંગ્રેસ આ વખતે વીરભદ્રસિંહના વારસા પર ચૂંટણી લડી. મતદારો સાથે એક ભાવનાત્મક સંબંધ બનાવવાના પ્રયાસ કર્યા. તેમનાં પત્ની પ્રતિભાસિંહને કૉંગ્રેસ પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં અને એક રીતે વીરભદ્રસિંહ માટે શ્રદ્ધાંજલિરૂપે મત માગવામાં આવ્યા. એટલું જ નહીં, કૉંગ્રેસ નેતાઓએ સ્થાનિક નેતાઓને સ્થાન આપ્યું અને દિલ્હીના ચહેરા પર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો.”
ધૂમલ ટુકડીની ઉદાસીનતા
હિમાચલ પ્રદેશમાં ભાજપને ધૂમલ ટુકડીની ઉદાસીનતાનું પણ નુકસાન વેઠવું પડ્યું હતું. પ્રેમકુમાર ધૂમલ અત્યાર સુધી બે વાર પ્રદેશના મુખ્ય મંત્રી રહ્યા છે.
પરંતુ આ વખતે તેઓએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. કેટલાક પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે, શું તેઓ નારાજ છે? તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, તેઓ ‘પાર્ટીના એક સમર્પિત કાર્યકર્તા છે.’
વર્ષ 2017ની ચૂંટણીમાં હાર્યા બાદ જયરામ ઠાકુરને તેમની જગ્યાએ મુખ્ય મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી. તેમના પુત્ર અનુરાગ ઠાકુરને કેન્દ્ર સરકાર અને નાના પુત્ર અરુણ ધૂમલને બીસીસીઆઈમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
જોકે, ત્યારપછી પણ હિમાચલ પ્રદેશના ભાજપમાં જયરામ ઠાકુર અને ધૂમલ કૅમ્પ વચ્ચે સુલેહ થઈ ન હતી.
તોમરે કહ્યું હતું કે, “પ્રેમકુમાર ધૂમલની હિમાચલની રાજનીતિમાં હજુ પણ એક જગ્યા છે. તેમના પુત્ર અનુરાગ ઠાકુર કેન્દ્રમાં જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યાર પછી પણ જયરામ ઠાકુર તરફથી ધૂમલને ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું.”
“હિમાચલમાં જીતેલા ધારાસભ્યોમાંથી 20-22 નેતા તેમના સમર્થકોમાં મનાય છે. તેની સાથે જ ધૂમલ સાહેબને ચૂંટણીપ્રચારમાં સક્રિય ભૂમિકા આપવામાં ન આવી. તેની સાથે જ ધૂમલ કૅમ્પના કેટલાક સમર્થકોનાં પત્તાં પણ કપાયાં.”
ભાજપના બળવાખોર ધારાસભ્ય
ભાજપને આ ચૂંટણીમાં જે સમસ્યાનો સૌથી વધુ સામનો કરવો પડ્યો એ કદાચ પાર્ટીમાં આંતરિક કલેશની સમસ્યા હતી.
તોમરે કહ્યું હતું કે, “આ ચૂંટણીમાં ભાજપને આંતરિક વિખવાદનું ઘણું નુકસાન થયું. ઓછામાં ઓછા 10 ધારાસભ્યોની ટિકિટ કપાઈ, તેમાંથી ઘણા લોકો બળવાખોર થઈ ગયા અને બળવાખોરની સંખ્યા 19થી 21 વચ્ચે રહી છે. જ્યારે કૉંગ્રેસના બળવાખોરોની સંખ્યા 10-12ની આસપાસની રહી છે.”
“પરંતુ ભાજપના બળવાખોરોમાંથી કેટલાક નેતાઓમાં જીતવા માટે સક્ષમ પણ હતા. એવામાં ભાજપની કૅડર વહેંચાઈ ગઈ હતી, જેની ભાજપને મોટી કિંમત ચુૂકવવી પડી.”
(શીમલાથી પંકજ શર્મા સાથે)