ગુજરાત ચૂંટણી પરિણામો વચ્ચે સોશિયલ મીડિયા પર મોરબી દુર્ઘટના અને ઍન્ટી ઇન્કમ્બન્સીની ચર્ચા કેમ થઈ રહી છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના વલણો જોતા ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછડાતી જોવા મળી રહી છે.

ચૂંટણી પંચ અનુસાર અત્યાર સુધીના વલણોમાં કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 150 બેઠકો પર ભાજપ આગળ છે. ત્યારે 21 બેઠકો પર કૉંગ્રેસ અને 6 પર આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર ગુજરાત ચૂંટણી ટ્રેન્ડમાં છે અને રાજકીય નેતાથી લઈને સામાન્ય લોકો ચૂંટણી વલણોને લઈને ટિપ્પણી કરી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈએ લખ્યું છે કે, “ગાંધીનગરમાં ભાજપની ઓફિસ બહાર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.”

રાજ્યસભામાં ભાજપના સાંસદ વિનય તેંડુલકરે લખ્યું હતું કે, “ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે.”

વરિષ્ઠ પત્રકાર અનુજ સિંઘલે લખ્યું હતું કે, “ભારતની ચૂંટણીના ઇતિહાસમાં આ સૌથી મોટી લૅંડસ્લાઇડ જીત છે. ભાજપનો વોટ શેર 55 ટકા સુધીનો થઈ ગયો છે.”

ડૉક્ટર શર્મિલાએ લખ્યું હતું કે, “ગુજરાતે આજે સાબિત કરી દીધુ છે કે, બીજેપીનું ધાર્મિક ધ્રુવીકરણ અહીં પૂર્ણ થઈ ચુક્યું છે. આશા રાખીએ છે કે, આ પરિણામને ભારત 2024માં ફરી પુનરાવર્તિત નહીં કરે.”

કુરલ નામના એક યુઝરે લખ્યું હતું કે, “27 વર્ષ પછી પણ ગુજરાતમાં ઍન્ટી-ઇન્કમ્બન્સી જોવા મળી નથી?”

અલયરાજ નાયડૂએ લખ્યું હતું કે, “પ્રદેશમાં અને દેશમાં મોટા નેતા ઊભા કરવામાં કૉંગ્રેસ બધી રીતે નિષ્ફળ રહી છે. જો રાહુલ ગાંધીને લાગે છે કે તેઓ દેશને બચાવવા માગે છે તો તેઓએ લીકથી ઉપર જઈને વિચારવું પડશે. નહીં તો...”

હર્ષ સિંહ નામના એક યૂઝર લખ્યું છે કે, “ફરી એકવાર ગુજરાતે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓને મફતની રેવડી જોઈતી નથી. વિચારો 27 વર્ષ સુધી ભાજપના સતત સત્તામાં રહ્યા છતાં પણ લોકોએ અહીં આ જ પાર્ટીને મત આપ્યા છે. આ 2024ની લોકસભા ચૂંટણીની એક ઝલક છે.”

ત્યાં સુચિત્રા દાસે લખ્યું હતું કે, “ભાજપ ગુજરાતનું બિગ બૉસ છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ માટે આ સમસ્યાઓ સામે ઝઝૂમવાના પ્રયાસો કરવાની સ્થિતિ છે.”

મોરબીમાં મોટી દુર્ઘટના ઘટ્યા પછી પણ ત્યાંથી ભાજપના નેતા કાંતિલાલ અમૃતિયાની જીત પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે.

ભાજપના નેતા વાય સત્યકુમારે લખ્યું છે કે, “ઘટના દરમિયાન કાંતિલાલ અમૃતિયાએ ઘણાં લોકોના જીવ બચાવ્યાં હતાં.”

ઋત્વિક નામના એક યૂઝરે લખ્યું હતું કે, “મોરબી પુલ દુર્ઘટનામાં 144 લોકોનાં મૃત્યુ થયાં હતાં, તેને એક મહિના અગાઉ જ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંથી ભાજપના નેતાની જીત દર્શાવે છે કે દેશના લોકોની પ્રાથમિકતા શું છે?”

સાથે મૌલીન શાહે સવાલ કર્યો હતો કે, “જે ઘટનામાં સો કરતાં વધુ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં, ત્યાંના પરિણામોને જોઈને કોઈને આશ્ચર્ય થઈ રહ્યું નથી.”

‘કોઈ ફરક પડતો નથી’

યતીશ નાયરે લખ્યું હતું કે, “બિલકિસ બાનો કેસ, મોરબી પુલ દુર્ઘટના, ભ્રષ્ટાચાર, મૃત્યુ, ઇલેક્ટોરલ બૉન્ડ્સ, સાંપ્રદાયિક ભેદભાવ અને માનવ વિકાસ ઇન્ડેક્સમાં ભારતનું પાછળ હોવું. ગુજરાતમાં કોઈ વસ્તુથી કોઈ ફરક પડતો નથી.”

માનવ વિકાસ ઇન્ડેક્સમાં 189 દેશની સૂચીમાં ભારત 131 નંબર પર છે.

રિયા નામની એક યૂઝરે લખ્યું છે કે, “ગુજરાતીઓ ઘણા પ્રેમાળ હોય છે, 100થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા, કોઈ પણ જવાબદાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી, કોઈ સામે ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. લાગે છે કે લોકોનું દિમાગ તેમની જગ્યાએ છે જ નહીં. આ દુખની વાત છે.”

રાજ નામના એક યુઝરે લખ્યું હતું કે, “મોરબી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયા પછી પણ ફરી એકવાર ત્યાંથી ભાજપને વોટ આપવા માટે તમે લોકોને દોષી ન ઠેરવી શકો.”

તેઓએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “એવું ક્યારે પણ બન્યુ છે કે મોટી સંખ્યામાં આટલા મૃત્યુ થવા પર કોઈ સરકારને દોષી ઠેરવવામાં આવી હોય. મને લાગે છે કે આ પ્રકારની ઘટનાઓ વિશે વિચાર કરવાને લઈને તેઓ અંદરથી મરી ચુક્યા છે.”

સાથે શૅંકીજીએ લખ્યું છે કે, “હાથરસમાં ભાજપ જીત્યો, લખીમપુર ખીરીમાં ભાજપ જીત્યો, મોરબીમાં ભાજપ જીતી રહ્યો છે. ઈવીએમમાં ગડબડ નથી, પરંતુ ગડબડ બીજે ક્યાંક થઈ છે, કદાચ આપણી અંદર જ ગડબડ છે.”

નીરવ પટેલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ગુજરાતમાં ભાજપ જીતી રહ્યો છે, હિમાચલમાં કૉંગ્રેસ જીતી રહ્યો છે અને દિલ્હીની મ્યુનિસિપલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત મેળવી લીધી છે. ભારતીય મતદારો બધાને ખુશ કરી રહ્યાં છે.”