You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી ગુજરાત આપના અધ્યક્ષ બનવા સુધીની સફર ખેડનાર ગોપાલ ઈટાલિયા કેમ હાર્યા?
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન અને ઊના દલિત આંદોલન બાદ જે કેટલાક યુવા ચહેરાઓ આક્રમક રીતે સરકારની સામે આવ્યા તેમાં હાર્દિક પટેલ, હાલ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને છેલ્લે રાજકારણમાં આવનાર ગોપાલ ઈટાલિયા હતા.
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો જુવાળ હતો ત્યારે હાર્દિક પટેલનું જબરદસ્ત ફેન-ફૉલોઈંગ હતું. હાર્દિકના એક અવાજ પર હજારો પાટીદાર યુવાનો શેરીઓમાં ઊતરી આવતા હતા. આ રીતે જ ગોપાલ ઈટાલિયાનું પણ સોશિયલ મીડિયા પર ફેન-ફૉલોઈંગ છે.
ગોપાલ ઈટાલિયાએ યુવાનોમાં લોકપ્રિયતા મેળવી છે પરંતુ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા એ પછી તેઓ જે રીતે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે તે તેમના અગાઉનાં નિવેદનો અને વર્તનથી અલગ છે એવો આરોપ પણ અનેક યુવાનો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા હતા.
ગુજરાતની જનતાએ અમને બે ભેટ આપી : ગોપાલ ઈટાલિયા
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી હારી ગયા છે અને તેમની સામે ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયાનો વિજય થયો છે. આ પરાજય બાદ તેમણે બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાએ આપને બે ભેટ આપી છે અને એટલે તેઓ ખુશ છે. તેમણે કહ્યું, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શુન્યમાંથી પાંચ ધારાસભ્યો થયા છે એટલે મને ખુશી થાય છે. અમને બે ભેટ મળી છે. ગુજરાતની જનતાએ આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે અને અમારા પાંચ ધારાસભ્યોને વિધાનસભામાં મોકલ્યા છે." તેમણે એવું પણ કહ્યું કે તેઓ મુદ્દાને વધુ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા અને આગામી પાંચ વર્ષ સુધીમાં આ માટે પ્રયાસ કરશે.
કોણ છે ગોપાલ ઈટાલિયા?
ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના વતની છે. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પૉલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે.
હાલ હવે તેઓ સુરતમાં રહે છે અને રાજનીતિમાં સક્રિય છે. સુરતમાં ઘણા યુવાનો અને રહીશો તેમને એક ઍક્ટિવિસ્ટ તરીકે ઓળખે છે. સુરતના વરાછા-કતારગામ વિસ્તારના યુવાઓમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં પણ ગોપાલ ઈટાલિયાના ઘણા ફૉલોઅર્સ છે. અનેક વાર તેઓ સમયે સમયે સત્તાપક્ષ ભાજપની નીતિઓ અને કૉંગ્રેસ પક્ષ સંબંધિત બાબતો પર શાબ્દિક પ્રહાર કરતાં પણ જોવા મળ્યા છે.
ગુજરાતમાં એલઆરડી પરીક્ષા વિવાદ વખતે તેમણે પ્રદર્શનકર્તા યુવાઓને સમર્થન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકારણમાં ઝંપલાવ્યું તે પૂર્વે તેઓ એક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા.
બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં ગોપાલ ઈટાલિયા તેમની સફર વિશે જણાવ્યું હતું કે, "રાજનીતિ અને જાહેર બાબતોમાં ઝંપલાવ્યું તે પહેલાંના જીવનની વાત કરું તો, 12મા ધોરણના શિક્ષણ પછી હું વધુ ભણી નહોતો શક્યો. કારણ કે મારા પર ઘણી જવાબદારી હતી. એટલે મેં ઘણા પ્રકારની નોકરી કરી. વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી."
"પછી હું લોકરક્ષક દળમાં જોડાયો અને ત્યાં મને મહત્ત્વાકાંક્ષા જાગી કે હવે હું હજી સારા પદ પર કામ કરું. પણ એના માટે શિક્ષણ ઓછું પડ્યું. એટલે નોકરીની સાથે સાથે મેં ડિગ્રી મેળવી. આ દરમિયાન હું શાસનવ્યવસ્થા સંબંધિત વિષયોથી પરિચિત થતો ગયો હતો એટલે જ મેં ડિગ્રી પણ પૉલિટિકલ સાયન્સની લીધી."
'રાજકારણી કરતાં ઍક્ટિવિસ્ટ વધુ'
બીબીસીએ ગોપાલ ઈટાલિયા સાથે જ એક સમયે કામ કરી ચૂકેલા સુરતના ઍક્ટિવિસ્ટ અજય જાંગીડ સાથે પણ વાતચીત કરી હતી.
ગોપાલ ઈટાલિયા વિશે વાત કરતાં તેઓ કહે છે,"ગોપાલ ઈટાલિયા સાથે આરટીઆઈના એક સેમિનારમાં મુલાકાત થઈ હતી. પછી ઘણી વખત મુલાકાતો થઈ અને સાથે કેટલુંક કામકાજ કરવાનું થયું."
"તે અભ્યાસુ છે અને વાંચન પણ સારું કરે છે. તેમને અધિકારોનું સારું નૉલેજ છે. અમે એક વાર શિયાળાની ઠંડીમાં એક કાર્યક્રમ કર્યો હતો તેમાં 4000 લોકો સાંભળવા આવ્યા હતા. એટલી ઠંડીમાં પણ લોકોએ એમનું ભાષણ સાંભળ્યું હતું. કેમ કે તેઓ શિક્ષિત છે અને સારા વક્તા પણ છે. યુવાઓમાં લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ હજુ મને તેઓ એક રાજકારણી કરતાં ઍક્ટિવિસ્ટ વધુ લાગે છે."
જાંગીડ કહે છે કે "તેમણે ભૂતકાળમાં કરેલી કેટલીક બાબતો તેમના રાજકીય વિરોધીઓને ફાયદો અપાવી શકે છે. જેમ કે ચંપલ ફેંકવાનો વિવાદ અને ધાર્મિક મામલે આપેલા કેટલાક નિવેદનો. આ બધુ રાજકારણમાં તેમની છબિ બને તે પહેલાં જ તેને નુકસાન કરવામાં અથવા તો કારકિર્દીમાં અવરોધ બનવામાં ભૂમિકા ભજવી શકે છે."
અજય જાંગીડે વધુમાં જણાવ્યું હતું કે, "સુરતમાં વરાછા-કતારગામ વિસ્તારોમાં યુવાઓ ગોપાલ (ઈટાલિયા)ને પસંદ કરે છે. તેઓ તેને સોશિયલ મીડિયામાં ફૉલો પણ કરે છે."
ચૂંટણી પહેલા અજય જાંગીડને પ્રશ્ન કરાયો હતો કે ફૅન-ફૉલોઇંગ ધરાવનાર અને ઍક્ટિવિસ્ટ તરીકેની છબિ ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટીને મત અપાવી શકશે? જેના જવાબમાં તેમણે કહ્યુ હતું,, "ભાજપનું સંગઠન મજબૂત છે એટલે સૌપ્રથમ તો ગોપાલ ઈટાલિયા માટે આ સૌથી મોટો પડકાર છે. વળી સુરત શહેરમાં તે કદાચ ચૂંટણીઓમાં અસર કરી શકે. પરંતુ ગ્રામ્ય સ્તરે હજુ પણ તેમણે ઘણું કામ કરવું પડશે."
ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચ સમક્ષ તેમની કૂલ પારિવારિક સંપત્તિ 7.86 લાખની જાહેર કરી હતી. જેમાં વાહનની કિંમત 30,000 અને સોનાની કિંમત 1.10 લાખ અને બૅંક ખાતામાં 5.33 લાખ ગણાવ્યા છે.
વિવાદિત ભૂતકાળ
ગોપાલ ઇટાલિયા ઇટાલિયાએ ભૂતકાળમાં કથા અને મંદિરો વિરુદ્ધમાં ચલાવેલું એક્ટિવિઝમ સૌથી વધુ નડી રહ્યું હતું. વીડિયો ક્લીપમાં તેઓ કેટલાક પુસ્તકો બતાવીને કહી રહ્યા છે કે “હું તમારી માતા, બહેનો અને દિકરીઓને વિનંતી કરૂ છું કે કથા અને મંદિરોમાં તમારું કઈ નહીં વળે, એ શોષણના ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઈતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જોઈતો હોય તો કથાઓમાં જઈને નાચવાને બદલે મારી બહેનો, મારી માવડીયું આ વાંચો.”
ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા ગોપાલ ઇટાલિયાની આવી ઘણી વીડિયો ક્લીપ વાયરલ કરવામાં આવી હતી.
ભાજપના આઈટી વિભાગના ઇન-ચાર્જ અમિત માલવિયાએ આવી વીડિયો ક્લીપો શેર કરી હતી.
આવી જ એક ક્લીપમાં ગોપાલભાઈ કહે છે, “આપણા સમાજમાં અત્યારે સુરતથી જે લોકો આવ્યા છે તેઓ બિનઉત્પાદક અને બિનવૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય અને પૈસા બગાડે છે. સત્ય નારાયણની કથા કરશે, ભાગવતની કથા કરશે વગેરે બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે. ધાર્મિક પરંપરાઓના નામે અનુસરવામાં આવતી પ્રવૃતિઓ પાછળ દરેક માણસ પોતાનો સમય અને પૈસા બગાડે છે છતા એમને ખબર નથી કે આ બધુ કરવાથી શું મળવાનું છે. હજારો લોકોનો ટાઇમ બગાડે છે. લાકડાના ભારાવાળો કઠિયારો અને કલાવતી, લીલાવતીની હજારો વર્ષો જુની કેસેટો ચલાવ્યા કરે છે. આવી ફાલતું પ્રવૃત્તિઓ પાછળ પાંચ પૈસા પણ ખર્ચાય તો આપણને માણસ તરીકે જીવવાનો પણ હક્ક નથી.”
સોશિયલ મીડિયા પર સામે આવેલ એક વીડિયોમાં કથિતપણે ગોપાલ ઈટાલિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે 'વાંધાજનક ભાષા'નો પ્રયોગ કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો.
આ વાતનું સ્વસંજ્ઞાન લઈ મહિલા આયોગે દ્વારા ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારાઈ હતી. જેમાં વીડિયોની ભાષા 'જાતિ અંગે પૂર્વગ્રહવાળી, સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા ધરાવતી, વાંધાજનક' હોવાની વાત કરાઈ હતી. ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે અટકમાં લીધા બાદ મુક્ત કર્યા હતા.
ગોપાલ ઇટાલિયા સામે 2020 અને 2022 વચ્ચે 17 કેસ દાખલ થયેલા છે.
જેમાં સરકારી કર્મીની ફરજમાં અવરોધ ઊભો કરવો, સરકારી આદેશોનો અનાદર કરવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ એક વીડિયોના આધારે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ સીઆરપીસીની કલમ 154 હેઠળ FIR નોંધાઈ હતી.
ફરિયાદ અનુસાર, વીડિયોમાં ગોપાલ ઇટાલિયાએ આમ જનતાને સંબોધીને 'ભાજપને લુખ્ખા અને ગુંડાઓની પાર્ટી' ગણાવી હતી અને આપના નેતા મનોજ સોરઠિયા પરનો હુમલો ભાજપ સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કોઈપણ આધાર પુરાવા વગર કર્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે 'લોહીના એક એક ટીપાનો હિસાબ લઈશું' તેમજ 'બેટાઓ કરી લો હુમલા, ચૂંટણી સુધી હુમલા કરી લો પછી નાની યાદી કરાવી દેવાની છે' એમ કહ્યું હતું
વીડિયોમાં ભાજપના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને 'માજી બુટલેગર' કહ્યા હતા.
વરાછા બેઠકના સમીકરણ
સુરત શહેરમાં 12 વિધાનસભા બેઠકો છે અને 2017માં તમામ પર ભાજપની જીત થઈ હતી. આ 12 બેઠકમાંથી સૌથી અગત્યની ગણાય છે વરાછા વિધાનસભાની બેઠક. કારણ કે અહીં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી છે.
જોકે આ 2022ની ચૂંટણીમાં આ બેઠક પર મુખ્ય જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને ભાજપના બે વખતથી જીતતા આવેલા અને ત્રીજી ટર્મના ઉમેદવાર કિશોર કાનાણી વચ્ચે હતો.
વરાછા બેઠક પાટીદારોના દબદબાવાળી બેઠક છે. 2017માં આ બેઠક પર ભાજપના કિશોર કાનાણીને 68.472 મત મળ્યા હતા જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરાને 54,474 મત મળ્યા હતા. 2012માં કિશોર કાનાણીને 68,529 મત મળ્યા હતા જ્યારે ધીરૂ ગજેરાને 48,170 મત મળ્યા હતા.
2012ની ચૂંટણીમાં ભાજપને 20 હજાર કરતા વધુ મતોની લીડ મળી હતી જ્યારે 2017માં આ લીડ ઘટીને 14 હજાર થઈ ગઈ હતી.
પાટીદાર આંદોલનના કારણે વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. અહીં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો ચૂંટાઈને આવ્યાં હતા. જેમાંથી 20 જેટલા ઉમેદવારો વરાછા વિધાનસભા બેઠકના કોર્પોરેટર છે. એટલે આ વખતે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર કાંટાની ટક્કર આપશે એ નિશ્ચિત મનાતું હતું.
જોકે આ ચૂંટણીમાં એક ફરક એ હતો કે છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાઈ ગયા.