You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૉંગ્રેસ સ્થાપના દિવસ : કૉંગ્રેસના પ્રમુખોનું ગુજરાત કનેક્શન શું છે?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
- 137 વર્ષ પહેલાં બૉમ્બે (હાલનાં મુંબઈ)માં કૉંગ્રેસની સ્થાપના થઈ હતી
- વ્યોમેશચંદ્ર બેનરજી હતા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ અધ્યક્ષ
- સ્થાપનાથી લઈને અત્યાર સુધી કૉંગ્રેસમાં ગુજરાતીઓનો ફાળો મહત્ત્વપૂર્ણ
- વાંચો ગુજરાતીઓ અને કૉંગ્રેસ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ સંબંધ
આજે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનો 138મો સ્થાપના દિવસ છે. ભારતની આઝાદીના આંદોલન વેળા કૉંગ્રેસ પાર્ટીની સ્થાપના 137 વર્ષ પહેલાં બૉમ્બે(હાલનું મુંબઈ)માં થઈ.
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીનો સ્થાપના દિવસ દેશભરમાં ધૂમધામથી મનાવાઈ રહ્યો છે.
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ બૉમ્બેના દાસ તેજપાલ સંસ્કૃત કૉલેજમાં 72 પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં થઈ હતી.
કૉંગ્રેસના સંસ્થાપક અને મહાસચિવ એ. ઓ. હ્યૂમ હતા. ત્યારે વરિષ્ઠ નેતા વ્યોમેશચંન્દ્ર બેનરજીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ દર વર્ષે 28 ડિસેમ્બરે કૉંગ્રેસ પોતાનો સ્થાપના દિવસ મનાવે છે.
હાલના કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને દેશના લોકોને કૉંગ્રેસ સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી અને આ સમયે તેમણે મહત્ત્વના પ્રસંગોને આવરી લેતી તસવીરો શેયર કરી.
કૉંગ્રેસની વર્કિંગ કમિટી સાથે ગુજરાતનો પણ જૂનો નાતો છે.
ત્યારે આજે જોઈએ કે કૉંગ્રેસનાં 137 વર્ષના કાર્યકાળમાં કેટલા ગુજરાતીઓ અને કેટલા ગુજરાતી મૂળના લોકોનો ફાળો હતો અને કૉંગ્રેસનું શું છે ગુજરાત કનેક્શન.
ઉચ્છંગરાય ઢેબર
કૉંગ્રેસની પહેલી વર્કિંગ કમિટીની બેઠક બૉમ્બેમાં 28 ડિસેમ્બર, 1885માં મળી હતી, જેના અધ્યક્ષ હતા વ્યોમેશચન્દ્ર બેનરજી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા ગુજરાતીઓએ આ વર્કિંગ કમિટીના અધ્યક્ષપદે રહ્યા છે, જેમાં જામનગરના ગંગાજળા ગામે જન્મેલા ઉચ્છંગરાય ઢેબરે પાંચ વખત બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
તો ગુજરાતના નવસારીમાં જન્મેલા (તેમના જન્મસ્થળ અંગે વિવાદ છે. કેટલાક તેમનો જન્મ નવસારીમાં થયો હોવાનું કહે છે, જ્યારે કેટલાક બૉમ્બેમાં.) અને બૉમ્બેમાં ઉછરેલા પારસી એવા દાદાભાઈ નવરોજીના અધ્યક્ષપદ હેઠળ આ બેઠક ત્રણ વખત મળી હતી.
મહાત્મા ગાંધી, સરદાર પટેલ પણ આ કારોબારી સમિતિનું અધ્યક્ષપદ સંભાળી ચૂક્યા છે.
13 વખત એવું બન્યું છે, જ્યારે કોઈ ગુજરાતીના અધ્યક્ષપદે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હોય. ગુજરાત પંથકમાં આ વર્કિંગ કમિટીની ચાર વખત બેઠકો થઈ છે.
છેલ્લે આ બેઠક ભાવનગરમાં મળી હતી. 1961માં મળેલી આ બેઠકમાં અધ્યક્ષ નીલમ સંજીવ રેડ્ડી હતા અને તે કૉંગ્રેસની 66મી વર્કિંગ કમિટીની બેઠક હતી.
દાદાભાઈ નવરોજી
કૉંગ્રેસની બીજી વર્કિંગ કમિટીની બેઠક વર્ષ 1886માં કલકત્તા (હાલનું કોલકાતા)માં મળી હતી. તેમાં હિંદના 'દાદા' કહેવાતા એવા દાદાભાઈ નવરોજીએ આ બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
દાદાભાઈ નવરોજી પહેલા ભારતીય બ્રિટિશ સાંસદ પણ બન્યા હતા. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમનો મોટો ફાળો હતો.
તેમણે 9મી અને 22મી વર્કિંગ કમિટીની બેઠકોનું અનુક્રમે 1893માં અને 1906માં લાહોર તથા કલકત્તામાં અધ્યક્ષપદ શોભાવ્યું હતું.
છઠ્ઠી વર્કિંગ કમિટીની બેઠકમાં અધ્યક્ષ હતા ફિરોજશાહ મહેતા. બૉમ્બેમાં પારસી પરિવારમાં જન્મેલા ફિરોજશાહની માતૃભાષા ગુજરાતી હતી.
તેઓ ન માત્ર કલકત્તામાં 1890માં યોજાયેલી 6ઠ્ઠી કારોબારીની બેઠકમાં અધ્યક્ષ હતા, પરંતુ કૉંગ્રેસની રિસેપ્શન કમિટીની બૉમ્બેમાં વર્ષ 1889 અને 1904માં મળેલી બેઠકોમાં પણ અધ્યક્ષ હતા.
12મી વર્કિંગ કમિટીની બેઠક કલકત્તામાં વર્ષ 1896માં મળી, જેના અધ્યક્ષ હતા રહીમુલ્લાહ એમ સયાની.
5 એપ્રિલ, 1847માં કચ્છમાં જન્મેલા રહીમુલ્લાહ ખોજા મુસ્લિમ સમાજમાંથી આવતા હતા.
રહીમુલ્લાહે મુસ્લિમોને કૉંગ્રેસના માધ્યમથી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડ્યા હતા. તેઓ કૉંગ્રેસની પહેલી વર્કિંગ કમિટીની વર્ષ 1885માં મળેલી બેઠકમાં સામેલ બે મુસ્લિમ સભ્યો પૈકીના એક હતા.
ગુજરાતીઓ અને કૉંગ્રેસ
17મી કારોબારીની બેઠક ફરી કલકત્તામાં વર્ષ 1901માં મળી. આ વખતે કૉગ્રેસના અધ્યક્ષ હતા પારસી અને ગુજરાતી એવા દીનશા એદલજી વાચ્છા.
તા. 2જી ઑગસ્ટ, 1844ના રોજ પારસી પરિવારમાં બૉમ્બેમાં જન્મેલા દીનશાએ તત્કાલીન શાસક અંગ્રેજોની અર્થનીતિનો જોરદાર વિરોધ કર્યો.
18મી કારોબારીની બેઠકના અધ્યક્ષ હતા સુરેન્દ્રનાથ બેનરજી. સુરેન્દ્રનાથ બંગાળી હતા, પરંતુ 1902માં મળેલી આ બેઠકનું ગુજરાત કનેક્શન એટલા માટે છે કે એ બેઠક અમદાવાદમાં મળી હતી. .
કૉંગ્રેસની વર્કિંગ કમિટીની 36મી બેઠકનું પણ ગુજરાત કનેક્શન હતું. આ બેઠક અમદાવાદમાં વર્ષ 1921માં હકીમ અજમલ ખાનના અધ્યક્ષપદ હેઠળ મળી હતી.
સરદાર પટેલ અને ગાંધીજી
39મી વર્કિંગ કમિટીની બેઠક 2જી, ઑક્ટોબર 1869માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના અધ્યક્ષપદે બેલગામમાં વર્ષ 1924માં મળી હતી.
ગાંધીએ દેશની આઝાદીની લડતમાં ફેલાયલા જુવાળમાં સિંહફાળો આપ્યો હતો.
તો સરદાર પટેલને કેમ ભૂલાય? સરદાર વલ્લભભાઈ પટેલે કરાચીમાં વર્ષ 1931માં યોજાયેલી 45મી વર્કિંગ કમિટીનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
પહેલાં ખેડા અને બાદમાં બારડોલી સત્યાગ્રહ આંદોલનથી તેઓ 'સરદાર'નું બિરુદ પામ્યા હતા.
કૉંગ્રેસનું 51મું રાષ્ટ્રીય સંમેલનનું પણ ગુજરાત કનેક્શન હતું. આ બેઠક વર્ષ 1938માં સુરતના હરિપુરામાં મળી હતી અને અધ્યક્ષ હતા નેતાજી સુભાષચન્દ્ર બોઝ.
વર્ષ 1955થી લઈને વર્ષ 1959 સુધી અનુક્રમે મદ્રાસ (આજનું ચેન્નાઈ), અમૃતસર, ગૌહાટી (આજનું ગુવાહાટી), નાગપુર અને બેંગ્લોર (આજનું બેંગલુરુ)માં મળેલી બેઠકના અધ્યક્ષ હતા, ગુજરાતના સૌરાષ્ટ્રના ઉચ્છંગરાય ઢેબર.
સ્વતંત્રતાની ચળવળમાં અગ્રસર રહેનારા ઉચ્છંગરાય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી પણ રહ્યા હતા. કાઠિયાવાડનાં રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણમાં તેમનો સિંહફાળો હતો.
કૉંગ્રેસ માટે ગુજરાત નસીબવંતુ
કૉંગ્રેસનું 66મું સંમેલન ભાવનગરમાં મળ્યું હતું. જેમાં નીલમ સંજીવ રેડ્ડી પ્રમુખપદે હતા. અને હવે 58 વર્ષ પછી કૉંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગુજરાતમાં મળી હતી અને આ બેઠકના અધ્યક્ષ હતા રાહુલ ગાંધી.
કહેવાય છે કે ગુજરાત ગાંધી પરિવાર માટે લકી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ-ધરમપુરના લાલ ડુંગરી ગામથી જ પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ 1980માં પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.
આ જ ગામથી વર્ષ 1984માં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને વર્ષ 2004માં સોનિયા ગાંધીએ પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.