You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીમનભાઈ : ગુજરાતના પ્રથમ પાટીદાર CM જેઓ ઇંદિરા ગાંધીના આદેશની અવજ્ઞા કરતા પણ નહોતા ગભરાતા
- લેેખક, દર્શન દેસાઈ
- પદ, બીબીસી ગુજરાતી માટે
જીવનજરૂરી ચીજોના આસમાન આંબતા ભાવ, પ્રતિ લિટર રૂપિયા 100 થયેલા ઈંધણના ભાવ અને વીજળીના ઊંચા દર વગેરેની ફરિયાદ ન કરતો હોય એવો એકેય મધ્યમવર્ગીય પરિવાર આજે દેશમાં નહીં હોય. લોકોની હતાશા શેરીઓમાં ઊભરાય અને ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે ત્યારે શું થાય તેનો જાતઅનુભવ ગુજરાતના પાંચમા મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલે 1974માં કર્યો હતો.
હવે 19, ડિસેમ્બર, 1973ની વાત કરીએ. પોતાની હૉસ્ટેલ મેસનું માસિક બિલ રૂ. 70થી વધારીને રૂ. 100 કરવામાં આવ્યાનું જાણીને અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ તે વધારા સામે આંદોલન શરૂ કર્યું હતું. તેની સાથે મોરબી એન્જિનિયરિંગ કૉલેજમાંથી પણ હૉસ્ટેલના ફૂડ બિલમાં કરવામાં આવેલા વધારા બાબતે આંદોલન શરૂ કર્યું હતું.
તે આંદોલન સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં દાવાનળની જેમ ફેલાયું હતું, કારણ કે તેને લીધે ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી કૉલેજોના હજારો પ્રોફેસરોમાંનું આક્રોશનું વાતાવરણ વકર્યું હતું. તેઓ કોલેજ કૅમ્પસમાં ચાલતા ભ્રષ્ટાચાર તથા રાજકારણથી હતાશ હતા અને તે માટે ચીમનભાઈ પટેલને જવાબદાર ઠરાવતા હતા.
અર્થશાસ્ત્રના પ્રોફેસર ચીમનભાઈ પટેલ એ દિવસોમાં સમૃદ્ધ ગણાતી પચ્ચીસેક કૉલેજના ટ્રસ્ટી હતા અને યુનિવર્સિટી પૉલિટિક્સમાં સક્રિય હોવાથી ઘણા શક્તિશાળી પણ હતા. પોતાની ઓળખ જાહેર ન કરવા ઇચ્છતા કેટલાક પ્રોફેસરોના જણાવ્યા મુજબ, શિક્ષકો પાસે રૂ. 350 ચૂકવાયાની માસિક સૅલરી સ્લિપ પર સહી કરાવવામાં આવતી હતી, પરંતુ વાસ્તવમાં તેમના હાથમાં માત્ર રૂ. 200 આવતા હતા. એક વ્યક્તિએ કહ્યું હતું કે, "તેઓ ક્લાર્ક અને પટાવાળાની નિમણૂકમાં પણ રસ લેતા હતા."
- લોકોની હતાશા શેરીઓમાં ઊભરાય અને ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારે ત્યારે શું થાય તેનો જાતઅનુભવ ગુજરાતના પાંચમા મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલે 1974માં કર્યો હતો
- હૉસ્ટેલ મેસનું માસિક બિલ રૂ. 70થી વધારીને રૂ. 100 કરવામાં આવ્યા તે જાણીને અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું હતું
- વિદ્યાર્થીઓએ સિટી બસો હાઈજેક કરી હતી, મુખ્ય મંત્રી તથા તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની નનામીઓ બાળી હતી અને આમરણાંત ઉપવાસ આદર્યા હતા
- વિદ્યાર્થીઓએ અમદાવાદની કૉલેજોના ફર્નિચરની હોળી કરી હતી. પોલીસે હિંસક આંદોલનકર્તાઓ પર અમદાવાદમાં ગોળીબાર કર્યો હતો અને એ પછી કરફ્યુ લાદવામાં આવ્યો હતો
- અર્થશાસ્ત્રના પ્રોફેસર ચીમનભાઈ પટેલ એ દિવસોમાં સમૃદ્ધ ગણાતી પચ્ચીસેક કૉલેજના ટ્રસ્ટી હતા અને યુનિવર્સિટી પૉલિટિક્સમાં સક્રિય હોવાથી ઘણા શક્તિશાળી પણ હતા
- એક વ્યક્તિએ કહ્યું હતું કે "તેઓ ક્લાર્ક અને પટાવાળાની નિમણૂકમાં પણ રસ લેતા હતા."
- ત્રણ કૅબિનેટ મંત્રીઓએ ચીમનભાઈ સામે 15 મુદ્દાનું આરોપનામું રજૂ કર્યું હતું અને માગણી કરી હતી કે તેમણે 48 કલાકમાં રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ જિદ્દી ચીમનભાઈએ મંત્રીઓને કૅબિનેટમાંથી કાઢી મૂક્યા હતા
તેલે બગાડ્યો ખેલ
એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં સર્જાયેલી ચિનગારીએ જીવનજરૂરી ચીજોના કમરતોડ ભાવ વધારાના મુદ્દે લોકઆંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ખાદ્યાન્નનો અપૂરતા પુરવઠાને લીધે આંદોલન તીવ્ર બન્યું હતું. તેના પરિણામે વેપારીઓ ખાદ્યતેલ જેવી જીવનજરૂરી ચીજોની સંગ્રહખોરી અને કાળા બજાર કરવા લાગ્યા હતા.
1,000 વિદ્યાર્થીઓને જમાડતી એલ. ડી. કૉલેજની સાત કૅન્ટીનો ભાવવધારા સામેના લોકોની ક્રાંતિનું ઉદાહરણ બની ગઈ હતી અને આંદોલન વકરવાની સાથે મુખ્ય મંત્રીના રાજીનામાની માગે વેગ પકડ્યો હતો. પ્રતિ કિલો સીંગતેલના ભાવ સાત રૂપિયાથી વધીને સાડા નવ રૂપિયા થઈ ગયા હતા અને જીવનજરૂરી ચીજોના ભાવમાં 20 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો હતો. તેથી કૉલેજ હૉસ્ટેલના ભોજનાલયની ફીમાં વધારાના મુદ્દે શરૂ થયેલો વિરોધ વ્યાપક લોકઆંદોલન બની ગયો હતો.
ગુજરાત યુનિવર્સિટીના કામકાજ સામેના વિરોધનો ગણગણાટ અમદાવાદથી માંડીને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધીની કૉલેજો સુધી પહેલાંથી જ પહોંચી ગયો હતો. તે આંદોલનમાં ભળ્યો હતો.
કૉલેજ કૅમ્પસમાં બંધના એલાનની અસર શેરીઓમાં પહોંચી હતી અને આંદોલન ટૂંક સમયમાં જ હિંસક બની ગયું હતું. વિદ્યાર્થીઓએ સિટી બસો હાઈજેક કરી હતી, મુખ્ય મંત્રી તથા તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની નનામીઓ બાળી હતી અને આમરણાંત ઉપવાસ આદર્યા હતા. ઉદ્ધત ગુજરાત સરકારે ફેબ્રુઆરી, 1974માં આંદોલનકારીઓ સામે રાક્ષસી મેન્ટનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ (મિસા)નો અમલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો વાત સરકારના અંકુશમાંથી સરી પડી હતી અને ઉશ્કેરાયેલા ટોળાને અટકાવવાનું અશક્ય બની ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1974ની 12 જાન્યુઆરીએ આ યુવા આંદોલને નવનિર્માણ યુવક સમિતિ નામે ઔપચારિક સ્વરૂપ ધારણ કર્યું હતું અને હાલ ગુજરાતના વિખ્યાત પ્રગતિશીલ લેખક, કવિ તથા માનવાધિકાર કાર્યકર મનીષી જાની તેના પ્રમુખ બન્યા હતા. નવનિર્માણના અન્ય અગ્રણી નેતાઓમાં ઉમાકાંત માંકડ, રાજકુમાર ગુપ્તા, મુકેશ પટેલ અને સોનલ દેસાઈનો સમાવેશ થતો હતો. સમગ્ર ગુજરાતમાં 405 નવનિર્માણ સમિતિની રચના કરવામાં આવી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મનીષી જાનીએ કહ્યું હતું કે, "મને યાદ છે કે મિસા હેઠળ પોલીસે મારી વાઈસ-ચાન્સેલરના રૂમમાંથી ધરપકડ કરી હતી. જોકે, પોલીસને તે ફ્લોર પર જવાની પરવાનગી ન હતી."
તેમના જણાવ્યા મુજબ, તેઓ અને નવનિર્માણના બીજા નેતાઓ ચીમનભાઈ પટેલ માટે ભોજનમાંના કાંકરા જેવા બની ગયા હતા.
રાજ્યમાં અરાજકતા
તેમણે કહ્યું હતું કે, "અમે ચૂંટણી લડીને સેનેટના સભ્ય બન્યા હતા. હું જીતીને, સર્વોચ્ચ નિર્ણાયક મંડળ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પહોંચ્યો હતો અને આકરા સવાલો પૂછવા લાગ્યો હતો. ચીમનભાઈ સાથેની મારી પહેલી મુલાકાત માત્ર અડધી મિનિટની હતી. તેમણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક પછી મને એક વાર બોલાવ્યો હતો અને કહ્યું હતું કે આજકાલ તમારું નામ અખબારોમાં વારંવાર વાંચવા મળે છે. ઓકે, તમને ક્યારેક મળીશું. તેમનો પ્રભાવ બહુ આકરો હતો અને તેઓ આવું કહે ત્યારે ઘણા લોકો ધ્રૂજી જતા હતા."
1974ની 12 જાન્યુઆરીએ નવનિર્માણ યુવક સમિતિની રચના થઈ એ પહેલાં 9 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓએ અમદાવાદની કૉલેજોના ફર્નિચરની હોળી કરી હતી. પોલીસે હિંસક આંદોલનકર્તાઓ પર અમદાવાદમાં ગોળીબાર કર્યો હતો અને એ પછી કરફ્યુ લાદવામાં આવ્યો હતો. 10 જાન્યુઆરીએ વડોદરામાં હુલ્લડ થયું હતું અને વડોદરા ઉપરાંત મોડાસા, વિસનગર તથા અન્ય ગામોમાં લૂંટફાટ, આગચંપી, હિંસા તથા પોલીસ ગોળીબારની સંખ્યાબંધ ઘટનાઓ 11 જાન્યુઆરીએ નોંધાઈ હતી. ત્રણથી ચાર મહિના ચાલેલા એ આંદોલનની દુઃખદ બાબત એ હતી કે તેમાં ઓછામાં ઓછા 100 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને મોટાભાગના પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા.
નવનિર્માણ યુવક સમિતિ પછી 14 જાન્યુઆરીએ શ્રમજીવી સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમણે તેમનું આંદોલન શરૂ કર્યું હતું. એ બધાને ચીમનભાઈના પ્રતિસ્પર્ધી રાજકારણીઓનો નૈતિક ટેકો હતો અને તેમણે રાજ્યના તમામ ધારાસભ્યોને 16 જાન્યુઆરીએ બંગડીઓ ભેટ આપી હતી.
એ પછી ટૂંક સમયમાં આખું ગુજરાત હિંસા, લૂંટફાટ, આગચંપી અને પોલીસ તથા ખાનગી ગોળીબારમાં ઘેરાઈ ગયું હતું. રાજ્યનાં 43 શહેરો તથા નગરોમાં કરફ્યુ લાદવામાં આવ્યો હતો. આક્રોશને શાંત પાડવા માટે ઘણાં શહેરોમાં સૈન્યની મદદ લેવામાં આવી હતી, જ્યારે અમદાવાદ શહેર 25થી 27 જાન્યુઆરી, 1974 દરમિયાન સૈન્યને હવાલે કરવામાં આવ્યું હતું.
જાન્યુઆરીના અંત સુધીમાં તો ડૉક્ટરો, વકીલો, કવિઓ, મહિલાઓ, શાળા-કોલેજોના શિક્ષકો અને સામાન્ય લોકો 'ચીમન ચોર'નું રાજીનામું માગતા આંદોલનમાં જોડાઈ ગયા હતા. સમગ્ર રાજ્યમાં સરકારી ઇમારતોની દીવાલો તથા દરવાજાઓ પર તેમજ બેનરો તથા પોસ્ટરોમાં 'ચીમન ચોર' જેવાં શબ્દો અને ચિતરામણ જોવા મળતાં હતાં.
મનીષી જાનીએ કહ્યું હતું કે, "લોકોના ગુસ્સાને પ્રતિબિંબિત કરતી ચીમનભાઈનાં પૂતળાં સાથેની હજારો નનામીઓ કાઢવામાં આવી હતી."
આ બધાની વચ્ચે 1974ની 13 જાન્યુઆરીએ આઠ પ્રધાનો સહિતના કૉંગ્રેસના 23 ધારાસભ્યોએ ચીમનભાઈના રાજીનામાની માગણી કરી હતી. એ પછી ચીમનભાઈ પટેલને હાંકી કાઢવાની માગણી કરતા 38 ધારાસભ્યોની સહીવાળા પત્ર સાથે ભૂતપૂર્વ પ્રધાન રતુભાઈ અદાણી વિમાન મારફતે દિલ્હી પહોંચ્યા હતા. એટલું જ નહીં, ત્રણ કૅબિનેટ મંત્રીઓ અમુલ દેસાઈ, દિવ્યકાંત નાણાવટી અને અમરસિંહ ચૌધરીએ તો સાતમી ફેબ્રુઆરીએ ચીમનભાઈ સામે 15 મુદ્દાનું આરોપનામું રજૂ કર્યું હતું અને માગણી કરી હતી કે તેમણે 48 કલાકમાં રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ જિદ્દી ચીમનભાઈએ પ્રધાનોને કૅબિનેટમાંથી કાઢી મૂક્યા હતા.
ચીમનભાઈની તકલીફોનો અંત આવ્યો ન હતો. જે પ્રધાનોએ મુખ્ય મંત્રી સામે તહોમતનામું રજૂ કર્યું હતું તેમણે 11 ફેબ્રુઆરીથી અનિશ્ચિત મુદ્દતની હડતાળનું એલાન આઠમી ફેબ્રુઆરીએ આપ્યું હતું. એ દિવસોમાં ટેલિવિઝન ન હતું એટલે 1974ની નવમી ફેબ્રુઆરીએ ઑલ ઇન્ડિયા રેડિયો પર જાહેરાત કરવામાં આવી હતી કે ચીમનભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. જોરદાર દબાણને ધ્યાનમાં લઈને તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ ચીમનભાઈને રાજીનામું આપવા જણાવ્યું હતું અને રાજ્યપાલે રાજ્ય વિધાનસભાને અનિશ્ચિત મુદ્દત માટે સ્થગિત રાખી હતી. અલબત્ત, તેમણે વિધાનસભા ભંગ કરી ન હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
અવિભાજિત મુંબઈ રાજ્ય વિધાનસભાના સ્પીકર કુંદનલાલ ધોળકિયાએ 'સમયને સથવારે ગુજરાત' નામના તેમના રસપ્રદ પુસ્તકમાં લખ્યું છે કે, "સમગ્ર ગુજરાતમાં તત્કાળ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને ચારે તરફ ગુલાલ ઉડાડ્યો હતો. મને યાદ છે કે 10 ફેબ્રુઆરીએ ખુશખુશાલ વિદ્યાર્થીઓનું એક જૂથ મારી પાસે આવ્યું હતું અને તેઓ મને ઊંચકીને ભુજની શેરીઓમાંના વિજય સરઘસમાં લઈ ગયા હતા."
યુવાનોના નેતૃત્વ હેઠળના નવનિર્માણ આંદોલન માટે આ મોટી સફળતા હતી. આ નવનિર્માણ આંદોલન જાહેર જીવનમાંના ભ્રષ્ટાચાર સામેનો લોકોનો સામૂહિક આક્રોશ હતું અને સ્વતંત્રતા પછીનો પહેલો તથા છેલ્લો બળવો પણ હતું. એ આંદોલને ચૂંટાયેલી સરકારને સત્તા પરથી ફેંકી દીધી હતી. વાસ્તવમાં નવનિર્માણ આંદોલને જેપીના લોકપ્રિય નામે ઓળખાતા જયપ્રકાશ નારાયણને પ્રેરણા આપી હતી. જેપીએ તેમના રાષ્ટ્રીય આંદોલનનો પ્રારંભ ગુજરાતથી કર્યો હતો.
ચીમનભાઈ પટેલે રાજીનામું આપ્યાના બે દિવસ પછી 1974ની 11 ફેબ્રુઆરીએ જયપ્રકાશ નારાયણ નવનિર્માણના નેતાઓને મળવા આવ્યા હતા. મનીષી જાનીએ કહ્યું હતું કે, "અમે તેમને આમંત્રણ આપ્યું હતું. અમે તેમનાં ભાષણો સાંભળ્યાં હતાં અને તેઓ અમને અમારી જેવી મજબૂત નીતિ-મૂલ્યો ધરાવતી વ્યક્તિ જણાઈ હતી."
જયપ્રકાશ નારાયણની અસર
જેપીએ વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેમને વધાવી લીધા હતા. પોતે ગુજરાત પાછા આવશે એવું વચન આપીને તેઓ રવાના થયા હતા. એક આખી પેઢી માટે પ્રેરણારૂપ બનેલા જેપીએ ગુજરાતના યુવાનો પર પણ ગાઢ છાપ છોડી હતી.
જેપીની ચળવળને લીધે ઇંદિરા ગાંધીએ 1975માં કુખ્યાત કટોકટી લાદવી પડી હતી અને પછી ચૂંટણીમાં હારી ગયાં હતાં. કૉંગ્રેસના સ્થાને મોરારજીભાઈ દેસાઈને વડા પ્રધાનપદે કોૉગ્રેસ (ઑ), ભારતીય જનસંઘ અને ભારતીય લોકદળ સહિતના વિવિધ પક્ષોની યુતિની જનતા પક્ષ સરકાર કેન્દ્રમાં 1977માં રચાઈ હતી. જોકે, જનતા પાર્ટીનો પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો અને તેની સરકાર 1980માં ગબડી પડી હતી. એ પછી યોજાયેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધી જંગી બહુમતીથી ફરી ચૂંટાઈ આવ્યાં હતાં અને ગુજરાતમાં માધવસિંહ સોલંકીના મુખ્ય મંત્રીપદે કૉંગ્રેસ ફરી સત્તા પર આવી હતી.
ગુજરાતની વાત કરીએ તો રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું ન હતું. તેને સસ્પેન્ડેડ ઍનિમેશનમાં રાખવામાં આવી હતી. તેથી વધુ એક આંદોલન શરૂ થવાનું હતું. કૉંગ્રેસ (ઓ)ના 15 ધારાસભ્યોનાં રાજીનામાં સાથે તે આંદોલન શરૂ થયું હતું. જોકે, ત્યાં સુધીમાં 167 પૈકીના 95 ધારાસભ્યોને રાજીનામાં આપવાની ફરજ આક્રમક વિદ્યાર્થી નેતાઓએ, વિધાનસભાના વિસર્જનની માગણી સાથે પાડી હતી.
વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પોતાની જીદને વળગી રહ્યાં હતાં ત્યારે ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ (ઑરિજિનલ) અથવા તો કૉંગ્રેસ (ઑ)ના નેતા મોરારજી દેસાઈએ, ગાંધીજીએ 1920માં સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં અનિશ્ચિત મુદ્દતના ઉપવાસ આદર્યા હતા. ચીમનભાઈના રાજીનામાને પગલે ગુજરાતમાં લાદવામાં આવેલું રાષ્ટ્રપતિ શાસન એક વર્ષ એટલે કે 1975ની 18 જૂન સુઘી અમલમાં રહ્યું હતું.
ચીમનભાઈ સામે આંદોલન કરી રહેલા કૉંગ્રેસ (ઑ)ના નેતા બાબુભાઈ જસભાઈ પટેલ 1975ની 12 જૂને મુખ્ય મંત્રી બન્યા હતા. બરાબર એ જ દિવસે જ્યારે અલાહાબાદ હાઈકોર્ટે ઇંદિરા ગાંધીને ચૂંટણીમાં ભ્રષ્ટ નીતિરીતિ અપનાવવા બદલ ગુનેગાર જાહેર કર્યાં હતાં. એ પછી ટૂંક સમયમાં જ ઇંદિરા ગાંધીએ દેશમાં કુખ્યાત કટોકટી લાદી હતી. 1975થી લાદવામાં આવેલી કટોકટીનો અમલ 1977 સુધી ચાલુ રહ્યો હતો.
એ પછી યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ (ઑ), ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, સ્વતંત્ર પક્ષ અને અન્ય પક્ષોના બનેલા જનતા દળ ગઠબંધને ઇંદિરા ગાંધીની કૉંગ્રેસને જંગી જનાદેશ સાથે હરાવી હતી. અલબત્ત, એ પછી 1980માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ઇંદિરા ગાંધી ધડાકાભેર સત્તા પર પાછાં ફર્યાં હતાં. ગુજરાતમાં પણ માધવસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસે 182 બેઠકોમાંથી 139 બેઠકો જીતી હતી. માધવસિંહે 1985માં 149 બેઠકો જીતીને પોતાનું જ કીર્તિમાન તોડ્યું હતું. અલબત્ત, 1973માં ઘનશ્યામ ઓઝાને ગબડાવીને ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા ત્યારે કૉંગ્રેસનો 140 બેઠકો પર વિજય થયો હતો.
ચીમનભાઈનો વિદ્રોહ અને ઉદય
નવનિર્માણ આંદોલન ચીમનભાઈની કારકિર્દીનો કદાચ સૌથી વધારે ખરાબ તબક્કો હશે, પણ અહંકારની હદ સુધીનો આત્મવિશ્વાસ અને આક્રમક કાર્યશૈલી ધરાવતા ચીમનભાઈ કોઈ કામ કરાવવું હોય ત્યારે નીતિ-નિયમો કે જરૂરી પ્રક્રિયાની પરવા કરતા ન હતા.
તેમણે શક્તિશાળી ઇંદિરા ગાંધી સુધ્ધાંના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. ઇંદિરા ગાંધી મુખ્ય મંત્રી ઘનશ્યામ ઓઝાના સ્થાને પોતાની પસંદગીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ મંત્રી રતુભાઈ અદાણીને ગોઠવવા ઇચ્છતાં હતાં, પરંતુ ચીમનભાઈ તેમને જણાવ્યું હતું કે દિલ્હી નહીં, પણ ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે. ચીમનભાઈએ તેમના પંચવટી ફાર્મમાં યોજેલી બેઠકમાં, તેમને મુખ્ય મંત્રી બનાવવા ઇચ્છતા મોટાભાગના ધારાસભ્યોએ હાજરી આપી હતી.
મોટાભાગના ધારાસભ્યો મને કૉંગ્રેસ વિધાનસભા પક્ષનો નેતા, મુખ્ય મંત્રી બનાવવા ઇચ્છે છે, એવું પુરવાર કરવા ચીમનભાઈએ તમામ વિધાનસભ્યોને પંચવટી ફાર્મ ખાતે એકત્ર કર્યા હતા. જોકે, કેટલાક જૂના જોગીઓ કહે છે કે વાસ્તવમાં ચીમનભાઈએ તેમને કેદમાં રાખ્યા હતા. ચીમનભાઈએ મુખ્ય મંત્રી બનવા માટે આ માર્ગ અપનાવ્યો હતો અને કૉંગ્રેસ હાઈકમાન્ડ પાસે તેમને તાબે સિવાયનો અન્ય કોઈ વિકલ્પ ન હતો.
મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ ચીમનભાઈએ કિસાન મઝદૂર લોક પંચાયત (કિમલોપ) નામનો બીજો પક્ષ રચ્યો હતો. કિમલોપ 1975ની ચૂંટણી લડ્યો હતો અને તેણે 16 બેઠકો જીતી હતી. એ ચૂંટણીમાં જનતા મોરચાનો વિજય થયો હતો અને જનતા મોરચાએ બાબુભાઈ જસભાઈ પટેલના મુખ્ય મંત્રી પદ હેઠળ સરકારની રચના કરી હતી.
તેના લગભગ 15 વર્ષ પછી ચીમનભાઈ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવ્યા હતા અને 1990માં ભાજપ સાથે જોડાણ કરીને સત્તા પર પાછા ફર્યા હતા.
અલબત્ત, બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી એ પછી 1992માં ભાજપ જોડાણમાંથી બહાર નીકળી ગયો હતો અને ચીમનભાઈએ તેમના જનતા દળનું કૉંગ્રેસમાં ઝડપભેર વિલિનીકરણ કર્યું હતું અને ફરી મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ વિધિનું વિધાન જુઓ કે મુખ્ય મંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો થવા આડે 100થી વધુ દિવસ બાકી હતા ત્યારે ચીમનભાઈનું અવસાન થયું હતું.
(લેખક ડેવલપમૅન્ટ ન્યૂઝ નેટવર્ક (DNN), ગુજરાતના તંત્રી છે)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો