અમરસિંહ ચૌધરી : ગુજરાતના એ મુખ્ય મંત્રી જેમની સામે સરકારી કર્મચારીઓએ 73 દિવસ આંદોલન ચલાવ્યું

    • લેેખક, દર્શન દેસાઈ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ઇજનેર તરીકેની સરકારી નોકરી છોડીને અમરસિંહ રાજકારણમાં આવ્યા હતા અને 1970માં પ્રથમ વાર ધારાસભ્ય બન્યા હતા
  • અમરસિંહ ચૌધરી અગાઉની સોલંકી કૅબિનેટમાં સિનિયર મંત્રી તરીકે હતા અને 1985માં તેમને ગૃહ મંત્રાલય મળ્યું હતું
  • અમરસિંહના શાસનમાં સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના થઈ અને તેની જવાબદારી ચૅરમૅન તરીકે સનત મહેતાને સોંપાઈ હતી
  • અમરસિંહ ચૌધરીએ મુખ્ય મંત્રી તરીકે એસટી અને એસસી મહિલાઓ પોતાની રીતે વેપાર-ઉદ્યોગ શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર થાય તે માટે યોજના શરૂ કરેલી
  • તેમની સરકારમાં જુદા જુદા 13 વિભાગોએ આંદોલનો કરેલા અને તેની સાથે તેમણે સમાધાનો કરેલા. તેના કારણે સરકારી તિજોરી પર બહુ મોટો બોજો આવી ગયો હતો

અમરસિંહ ચૌધરી 1985માં ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય મંત્રી બન્યા ત્યારે તે કંઈ બહુ ઉજવણી કરવા જેવો પ્રસંગ બન્યો નહોતો, કેમ કે તેમની સામે રાજ્યમાં ફેલાયેલી કોમી હિંસાને ઠારવાનો મોટો પડકાર હતો.

મહિનાઓથી ચાલી રહેલાં કોમી રમખાણોને બંધ કરાવવા માટેની મોટી જવાબદારી તેમના માથે આવી પડી હતી.

કૉંગ્રેસ પક્ષ માટે એ બહુ મોટી વક્રતા હતી કે હજી થોડા મહિના પહેલાં માર્ચ 1985માં 149 બેઠકના વિક્રમ સાથે સત્તા પર આવેલા મુખ્ય મંત્રીને હટાવવા પડ્યા હતા. અનામત વિરોધી આંદોલન શરૂ થયું હતું અને તે બહુ ઝડપથી કોમી રખમાણોમાં ફેરવાઈ ગયું હતું.

એના પાંચ વર્ષ પહેલાં 1980માં પણ આ જ માધવસિંહ સોલંકીએ કૉંગ્રેસને 139 બેઠકો અપાવી હતી. આ બંને વિક્રમો આજે સુધી ગુજરાતમાં કોઈ પક્ષ તોડી શક્યો નથી.

2002માં નરેન્દ્ર મોદીએ તે પછીની સૌથી વધુ બેઠકો એટલે કે 127 બેઠકો મેળવી હતી. પાંચ જ વર્ષ પછી 2007માં તે બેઠકો ઘટીને 117 થઈ, 2012માં 115 થઈ અને 2017માં તે ઘટીને 99ના બે આંકડામાં આવી ગઈ હતી.

1985માં અનામત વિરોધી આંદોલન શરૂ થયું તેની સાથે જ કોમી તોફાનો શરૂ થઈ ગયાં હતાં અને 200થી વધુના જીવ ગયા હતા. તેના કારણે તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ માધવસિંહને રાજીનામું આપવાનું કહ્યું.

માધવસિંહ સોલંકીએ ઓબીસી માટે અનામતની ટકાવારી 18 ટકાથી વધારીને 27 ટકા કરી હતી. તેના કારણે અનામત વિરોધી આંદોલન થયું હતું. આ રીતે કુલ અનામત 49.5 ટકા સુધી પહોંચી ગઈ હતી, જે સુપ્રીમ કોર્ટની 50 ટકાની મર્યાદામાં જ હતી. અનામત એસટી માટે 15, એસસી માટે 7.5 ટકા અને હવે 27 ટકા બક્ષી પંચ માટે થઈ હતી.

અમરસિંહ ચૌધરી અગાઉની સોલંકી કૅબિનેટમાં સિનિયર મંત્રી તરીકે હતા અને 1985માં હવે તેમને ગૃહ મંત્રાલય મળ્યું હતું. સોલંકીને બદલવાની વાત આવી ત્યારે તેમની ભલામણ પ્રમાણે જ અમરસિંહને પસંદ કરવામાં આવ્યા હતા.

ગૃહમંત્રી તરીકે તેમની જ જવાબદારી હતી કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં તોફાનોને કાબૂમાં લેવામાં આવે. તે બાબતમાં તેઓ ખાસ જશ લઈ શકે તેમ નહોતા.

આદિવાસી વિસ્તારમાંથી આવેલા અને સિવિલ એન્જિનિયર બનેલા અમરસિંહ સૌમ્યભાષી હતા. વહીવટનો અનુભવ પણ હતો અને તે સાથે 44 વર્ષની ઉંમરે તેમને મુખ્ય મંત્રીપદ તાસકમાં મળ્યું હતું.

આંદોલનોમાં માગણીઓનો સ્વીકાર

ઇજનેર તરીકેની સરકારી નોકરી છોડીને અમરસિંહ રાજકારણમાં આવ્યા હતા અને 1970માં પ્રથમ વાર ધારાસભ્ય બન્યા હતા.

બનાસકાંઠાની રાધનપુર બેઠક પરથી 29 વર્ષની ઉંમરે જ ધારાસભ્ય બન્યા હતા અને બે વર્ષ પછી 1972માં ધનશ્યામ ઓઝાની સરકારમાં તેઓ જુનિયર મંત્રી બની ગયા હતા.

તે પછીની દરેક સરકારમાં તેઓ મંત્રી બનતા રહ્યા હતા અને આખરે 1985થી 1989 સુધી ચાર વર્ષ મુખ્ય મંત્રી બનવા મળ્યું.

જોકે તે પછીની ચૂંટણીમાં 1990માં વ્યારા બેઠક પર તેઓ ચૂંટણી લડ્યા ત્યારે તેમના જ નામેરી અમરસિંહ ઝેડ. ચૌધરીની સામે તેઓ પ્રથમ વાર હારી ગયા.

નાની ઉંમરે મંત્રી અને પછી મુખ્ય મંત્રી બનવાનું મળ્યું, પરંતુ સ્થિતિ એવી હતી કે તેની ઉજવણી કરવાને બદલે સ્થિતિને કાબૂમાં લેવા પર ધ્યાન આપવું પડે.

તેમણે સૌપ્રથમ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને થાળે પાડવાની હતી. મહિનાઓ સુધી ચાલેલી કોમી હિંસામાં ગુજરાતના જાણીતા અખબાર ગુજરાત સમાચારની ઈમારતને પણ આગ ચાંપી દેવામાં આવી હતી અને સ્થિતિ બહુ જ વણસી ગઈ હતી.

તેમણે સ્થિતિને થાળે પાડવા માટે સૌપ્રથમ તો ઓબીસી અનામતમાં વધારો થયો હતો તેનો અમલ સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. જોકે તેઓ સમાધાનકારી વલણ દાખવતા રહ્યા અને તેના કારણે 190 દિવસ ચાલેલાં રમખાણોને આખરે તેઓ 18 જુલાઈ, 1985 સુધીમાં કાબૂમાં લાવી શક્યા.

આની સાથે સરકારી કર્મચારીઓ દ્વારા પણ પોતાની જુદી જુદી માગણીઓ સાથે હડતાળો ચાલી રહી હતી. અમરસિંહની સરકારે કર્મચારીઓની મોટા ભાગની માગણીઓ સ્વીકારી લીધી અને તે રીતે 73 દિવસમાં આ વિરોધપ્રદર્શનોનો પણ અંત આવ્યો.

કર્મચારીઓએ અઢી મહિના હડતાળો કરી હતી તેનો પગાર ચૂકવી દેવાનું પણ સરકારે સ્વીકારી લેવું પડ્યું હતું.

મુંબઈ રાજ્ય હતું ત્યારે ધારાસભ્ય બનેલા અને બાદમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે રહી ચૂકેલા કુંદનલાલ ધોળકિયાએ રાજ્યના રાજકારણ વિશે 'સમયના સથવારે' પુસ્તક લખ્યું છે.

આ પુસ્તક આજે સહેલાઈથી મળતું નથી, પરંતુ તેમાં તેમણે 1960માં વિભાજન થયું અને ગુજરાત રાજ્ય બન્યું તે વખતથી શરૂ કરીને 40 વર્ષ સુધીના રાજકીય ઘટનાક્રમને આલેખ્યો છે.

તેમણે પુસ્તકમાં લખ્યું છે કે "દરેક પ્રકારના સરકારી કર્મચારીઓનાં આંદોલન સામે ચૌધરી ઝૂકતા ગયા અને સમાધાન કરતા રહ્યા એટલે શરૂઆતમાં તેમને લોકપ્રિયતા મળી, પણ તેના કારણે ખોટો દાખલો બેઠો. કર્મચારીઓને લાગ્યું કે સરકારને દબાવવા માટે હડતાળ બહુ ઉપયોગી થઈ પડશે."

કડક હાથે કામ

જોકે હિંસાને થાળે પાડી શકાય અને કર્મચારીઓ સાથે સમાધાન પછી જનજીવન ફરી રાબેતા મુજબ થયું તેના કારણે તેનો જશ અમરસિહને મળ્યો.

અશોક ભટ્ટ નામના એક ઈન્સ્પેક્ટરની આગેવાની હેઠળ પોલીસે બળવો કરેલો તેને પણ ચૌધરીએ થાળે પાડી દીધો તે બદલ ધોળકિયાએ ચૌધરીની પ્રસંશા પણ કરી છે.

બાબુભાઈ જશભાઈ પટેલે પોલીસ યુનિયન બનાવવા માટેની મંજૂરી આપી હતી, જે મંજૂરી ચૌધરીએ પાછી લઈ લીધી હતી. તેના કારણે ભટ્ટે બળવો કરવાની કોશિશ કરેલી, પણ તેને ચૌધરીએ ડામી દીધો હતો.

યુનિયનને રદ કરવાની જાહેરાત થઈ એટલે ગુજરાતના 30,000 જેટલા પોલીસો હડતાળ પર ઊતરી ગયા હતા અને તેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ હતી. પરંતુ કેન્દ્રના ગૃહમંત્રી બુટાસિંહનો સહયોગ મળ્યો એટલે અર્ધલશ્કરી દળો તથા સેનાને તાકિદે મોકલવામાં આવી.

તે રીતે સ્થિતિ કાબૂમાં લઈ લેવાઈ. તેમને મનમોહનસિંહ નામના કડક પોલીસ ઉપરીનો પણ સાથ મળ્યો અને પોલીસના બળવાને કડક હાથે ડામી દેવાયો.

અમદાવાદમાં જગન્નાથ મંદિરની રથયાત્રા શાંતિથી નીકળે તે બહુ મોટી ચેલેન્જ ગણાતી હતી. હિન્દુ અને મુસ્લિમ બંનેની વસતી હોય તેવા કોટ વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાંથી રથયાત્રા પસાર થતી હોય ત્યારે કોમી રમખાણ ફાટી નીકળવાનું જોખમ હોય છે.

ભૂતકાળમાં એવા બનાવો બન્યા પણ હતા. પોલીસ હડતાળ પર ઊતરી હોય તેવા સંજોગોમાં રથયાત્રા કાઢવા સામે મોટું જોખમ હતું. તેના કારણે 1988માં રથયાત્રા ના કાઢવામાં આવે તેવું સૂચન થયેલું.

આમ છતાં ચૌધરીએ રથયાત્રા રાબેતા મુજબ કાઢવા માટે નિર્ણય કરેલો અને ડીજીપી મનમોહનસિંહની આગેવાનીમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા કાઢવામાં આવી હતી.

નર્મદા ડૅમના પાયાના પથ્થર

અમરસિંહના શાસનની એક સિદ્ધિ એ ગણી શકાય કે તેમણે સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કરી અને તેની જવાબદારી ચૅરમૅન તરીકે સનત મહેતાને સોંપી હતી.

આજે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે કે નર્મદા ડૅમના બાંધકામના પાયા નાખવાનું કામ ચૌધરીના કાર્યકાળમાં જ બન્યું હતું.

જોકે તેમની આગળની માધવસિંહ સોલંકીની તથા અન્ય સરકારોએ આ માટેની તૈયારીઓ કરી હતી તેને આગળ વધારવાનું જ તેમના ભાગે આવ્યું હતું.

આજે ભાજપ નર્મદા યોજનાનો જશ ખાટી જવાની કોશિશ કરે છે, પણ સાચી વાત એ છે કે નર્મદા બચાવ આંદોલન શરૂ થયું ત્યારે તેનો અસરકારક સામનો કૉંગ્રેસ સરકારોએ જ કર્યો હતો. તેના કારણે જ ખરેખર આજે સરદાર સરોવર ડૅમ ઊભો છે, પણ આ વાતને સારી રીતે રજૂ કરવાનું ગુજરાત કૉંગ્રેસ ચૂકતી આવી છે.

અગાઉ નર્મદા યોજના માટે બાબુભાઈ જશભાઈ પટેલના જનતા પક્ષે પણ અગત્યની ભૂમિકા ભજવી હતી. ડૅમ આગળ વધે તે માટે વધારે જોશપૂર્વકના પ્રયાસો જનતા દળની ચીમનભાઈ પટેલની સરકારે પણ કર્યા હતા.

બાદમાં તે જનતા દળ (જી) બન્યો અને કૉંગ્રેસમાં ભળી ગયો. આ રીતે ખરેખર તો ગુજરાતમાં નર્મદા યોજનાને સંભવ બનાવવા માટે બધા જ રાજકીય પક્ષોનો ફાળો છે તે ભૂલવું ના જોઈએ.

અમરસિંહ ચૌધરીએ મુખ્ય મંત્રી તરીકે એસટી અને એસસી મહિલાઓ પોતાની રીતે વેપાર-ઉદ્યોગ શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર થાય તે માટેની યોજના શરૂ કરેલી.

ધોળકિયા એ બાબત તરફ પણ ધ્યાન દોરે છે કે 1985-86 અને 1987-88ના વર્ષમાં દુકાળ પડ્યા ત્યારે પણ તેમણે સ્થિતિને સંભાળી હતી. તેમણે અનુક્રમ 804 કરોડ અને 950 કરોડ રૂપિયા આ બંને વર્ષમાં દુષ્કાળ રાહત માટે ફાળવ્યા હતા.

જોકે તેમના સમાધાનકારી વલણને કારણે જ આખરે તેમને નુકસાન પણ થયું. તેઓ બહુ ઝડપથી દબાણ હેઠળ આવીને ઝૂકી જતા હતા.

સરકારના જુદા જુદા 13 વિભાગોએ આંદોલનો કરેલા અને તેમની સાથે તેમણે સમાધાનો કરેલા. તેના કારણે સરકારી તિજોરી પર બહુ મોટો બોજો આવી ગયો હતો.

248 કરોડની ખાધવાળું બજેટ

અમરસિંહની સરકારનું છેલ્લું બજેટ 1989-1990માં રજૂ થયું તે 3,499 કરોડ રૂપિયાનું હતું, જેમાં 248 કરોડ રૂપિયાની રેવેન્યૂ ખાધ હતી. 10 વર્ષ પહેલાં જનતા પક્ષે 1979-80માં બજેટ રજૂ કરેલું ત્યારે તેમાં 690 કરોડ રૂપિયાના મહેસૂલી ખર્ચ સામે 36 કરોડ રૂપિયાની ખાધ હતી.

ગુજરાતનું સૌપ્રથમ બજેટ 50 કરોડ રૂપિયાનું હતું અને તેમાં 2 કરોડની રાજકોષીય ખાધ હતી.

અમરસિંહનો જન્મ સુરત જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામમાં 31 જુલાઈ, 1941માં થયો હતો, પણ તેઓ પ્રથમ ચૂંટણી રાધનપુરમાંથી લડ્યા હતા. તે પછી નજીકની ખેડબ્રહ્મા બેઠક પરથી જીતેલા અને છેલ્લે 1985માં વ્યારામાંથી જીત્યા હતા.

જોકે 1990માં તેમના જેવું જ નામ ધરાવતા અમરસિંહ ઝેડ. ચૌધરીએ તેમને હરાવેલા. આ બીજા ચૌધરી જૂના નેતા હતા અને સિત્તેરના દાયકામાં લોકસભામાં પણ જીત્યા હતા.

આદિવાસી નેતા તરીકે આગળ આવ્યા અને મુખ્ય મંત્રી પણ બની શક્યા, પણ આદિવાસીઓના ઉદ્ધાર માટે તેઓ ખાસ કોઈ યોજનાઓ કરી શક્યા નહીં. તેનું કારણ કદાચ એ હતું કે તેઓ સતત વહીવટમાં અને સરકાર સામેના પડકારો ઉકેલવામાં જ વ્યસ્ત રહ્યા હતા.

બીજું કે તેમની સામે તેઓ 1980માં વનમંત્રી હતા ત્યારે જંગલમાંથી કિંમતી સાગનું લાકડું કાપીને તેને વેચી નાખવાના આરોપો મુકાયા હતા. આ માટે લોકાયુક્તે તપાસ કરેલી અને છેક ફેબ્રુઆરી 2014માં તેનો અહેવાલ વિધાનસભામાં રજૂ થયેલો.

અહેવાલ આવ્યો તેના 10 વર્ષ પહેલાં 15 ઑગસ્ટ, 2004ના રોજ તેમનું અવસાન થયું હતું. અહેવાલમાં તેમની સામે આક્ષેપ થયો હતો કે તેમણે 1983થી 1985 દરમિયાન ગેરકાયદે રીતે વૃક્ષોનું છેદન થવા દીધું હતું અને તેમણે વન અધિકારીઓને ગેરકાયદે લાકડાંની હેરફેરને અટકાવતા પણ રોક્યા હતા.

હકીકતમાં અમરસિંહ ચૌધરી વ્યારામાંથી ચૂંટણી લડવા માગતા હતા અને આદિવાસીઓના વોટ પણ પક્ષને મળે તેમ ઈચ્છતા હતા. તેથી તેમણે એક વ્યૂહરચનાના ભાગરૂપે ઝાડ કાપવા માટેની આડકતરી મંજૂરી આપેલી.

તેઓ આદિવાસી લોકોને તથા સુરત જિલ્લાના લાકડાંના વેપારીઓને રાજી રાખવા માગતા હતા. તે વખતે આ વાતને 'એક ઝાડ કાપો, એક મત આપો' એવી રીતે પ્રચલિત કરાઈ હતી.

લોકાયુક્તના અહેવાલ અનુસાર બે વર્ષમાં 2.13 લાખથી વધારે વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં હતાં. તે વખતે વન વિભાગે દરોડા પાડીને ત્રણ કરોડ ઘનફૂટ લાકડું પડ્યું હતું, જેની કિંમત 14 કરોડ રૂપિયા જેટલી થતી હતી. 1985માં તેઓ વ્યારામાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા, પરંતુ 1990માં એ જ બેઠક પરથી હારી ગયા.

અમરસિંહ ચૌધરીએ પોતાની સાથે કામ કરતાં નિશા ગામેતી સાથે લગ્ન કરી લીધાં ત્યારે પણ વિવાદ થયો હતો, કેમ કે તેમણે પોતાનાં પ્રથમ પત્ની ગજરાબહેનને છૂટાછેડા આપ્યા નહોતા.

પતિએ બીજા લગ્ન કરી લીધાં તે પછી પ્રથમ વાર ગજરાબહેને મારી સાથે પત્રકાર તરીકે વાત કરી હતી. હું ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં દક્ષિણ ગુજરાતમાં સંવાદદાતા હતા. તેમણે નિસાસો નાખતા મને કહ્યું હતું કે નિશા વિષકન્યા છે અને મારા પતિને મારાથી અગળા કરી ગઈ છે.

જોકે અમરસિંહે જણાવ્યું હતું કે આદિવાસીઓમાં એકથી વધુ પત્ની કરવાની પરંપરા છે. આ ઘટના બાદ તેમણે ઉત્તર ગુજરાતને જ પોતાનું રહેઠાણ બનાવ્યું હતું.

નિશા ચૌધરી પણ સાબરકાંઠામાંથી લોકસભાના સભ્ય બન્યાં હતાં. નિશા ચૌધરીનું 2001માં અવસાન થયું હતું.

2002માં ચૌધરી ખેડબ્રહ્મામાંથી વિધાનસભામાં પ્રવેશ્યા હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા.

અહેસાન જાફરીનો ફોન

2002માં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું અને તે જ વખતે ગોધરાના બનાવ પછી રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે વખતે વિપક્ષના નેતા તરીકે ચૌધરીની ફરી આકરી કસોટી થઈ હતી.

પોલીસ તરફથી સુરક્ષા મળી નહીં અને અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પર હુમલો થયો હતો અને તેમાં જાફરી સહિત 68 મુસ્લિમોના જીવ ગયા હતા.

વિધાનસભાનું કવરેજ કરનારા પત્રકારોએ જોયું હતું કે 28 ફેબ્રુઆરીએ તોફાનો વચ્ચે તેમને ભૂતપૂર્વ કૉંગ્રેસી સાંસદ અહેસાન જાફરીના ફોન આવ્યા હતા. તેઓ પોતાની વિધાનસભાની વિપક્ષની કચેરીમાંથી તે વખતના અમદાવાદ પોલીસ કમિશનર પી.સી. પાંડેનો સંપર્ક કરવા માટે સતત મથામણ કરતા રહ્યા હતા. બીજા પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવાની પણ તેમણે કોશિશો કરેલી. તેમણે એ વિસ્તારમાં શું સ્થિતિ છે તે જાણવા માટે બે કૉંગ્રેસી નેતાઓને પણ દોડાવેલા.

જોકે બાદમાં તોફાનોની તપાસ માટે બેસાડાયેલા જી.ટી. નાણાવટી પંચે એવું જણાવ્યું હતું કે ગોધરા અને તે પછીનાં તોફાનો વિશે ચૌધરીએ જે સોગંદનામું આપ્યું હતું તે અસ્પષ્ટ હતું. બીજા કોઈ કૉંગ્રેસી નેતાઓ પંચ સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા નહોતા.

આનો એ જ અર્થ નીકળી શકે કે ચૌધરી કે કૉંગ્રેસના અન્ય નેતાઓ પણ પોતાના જ પક્ષના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીને બચાવવા માટે કશું કરી શક્યા નહોતા. ચૌધરી તથા બીજા કૉંગ્રેસી નેતાઓએ પણ પોલીસ મદદ માટે પોલીસને તથા મંત્રીઓને ફોન કર્યા હતા, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

આ બાબતોમાં દાવા અને પ્રતિદાવા થઈ શકે છે, પરંતુ એ હકીકત છે કે 1985માં ગુજરાતમાં સત્તા ગુમાવ્યા પછી આજ સુધી ફરીથી તે સત્તા મેળવી શકી નથી.

1990માં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે ફરીથી માધવસિંહ સોલંકીને યાદ કરાયા અને તેમને ફરીથી મુખ્ય મંત્રી બનાવાયા.

જોકે તેઓ છેલ્લા થોડા મહિનામાં કશું કરી શકે તેમ નહોતા. તે પછીની ચૂંટણીમાં જનતા દળના નેતા ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા અને તેમની સાથે ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા.

1995માં ભાજપે એકલે હાથે સત્તા મેળવી લીધી અને તે પછી આજ સુધી સત્તા છોડી નથી. આવી સ્થિતિ વચ્ચે ફરીથી 2022ની ચૂંટણી આવી પહોંચી છે અને ત્યારે કૉંગ્રેસ સામે હવે આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે.

(લેખક ડેવલપમૅન્ટ ન્યૂઝ નેટવર્ક (DNN), ગુજરાતના તંત્રી છે)

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો