નીતિન પટેલ : એ પાટીદાર નેતા જેઓ ત્રણ વખત મુખ્ય મંત્રી બનતાં રહી ગયા

    • લેેખક, દિલીપ ગોહિલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • નીતિનભાઈને ચાર દાયકાના રાજકારણમાં તેમને અનેક મંત્રાલયો મળ્યાં છે. વજુભાઈ વાળા પછી બીજા નંબરે આઠ વખત તેમણે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું છે
  • વિજય રૂપાણીને 2017ની ચૂંટણી પછી પણ યથાવત્ રખાયા તે પછી નીતિનભાઈની નારાજી ચાલતી રહી હતી. બંને વચ્ચે ખટરાગ કોરોના મહામારી દરમિયાન સપાટી પર આવ્યો હતો
  • ગુજરાત ભાજપના સંગઠનની કોર કમિટીમાં ફરી નીતિન પટેલને સ્થાન મળ્યું પણ આ સમિતિમાં બેઠેલા લોકોને ટિકિટ નહીં મળે તેમ માનવામાં આવી રહ્યું છે
  • ધારાસભ્ય વીરજી ઠુમર વારંવાર નીતિન પટેલને કૉંગ્રેસમાં જોડવાનું આમંત્રણ આપી ચૂક્યા છે

નીતિન પટેલ એકવાર બોલવાનું શરૂ કરે તે પછી શ્વાસ પણ રોક્યા વિના બોલે અને પત્રકારોને વચ્ચે પ્રશ્ન પૂછવાની તક ના મળે. ટીવીમાં તેમની લાંબી બાઈટ ચલાવવી પડે અને પછી તેમાંથી સાર નીકળે. નીતિનભાઈની રાજકીય કારકિર્દી પણ ચાર દાયકા જેટલી લાંબી છે, પણ સાર એટલો છે કે સત્તાના ત્રિભેટે ત્રણત્રણ વાર અટવાયા છે.

ઑગસ્ટના છેલ્લા અઠવાડિયે બે મંત્રીઓનાં ખાતાં લઈ લેવાયાં તે પછી ગુજરાત ભાજપના સંગઠનની કોર કમિટીમાં (વિજય રૂપાણી સહિતના કેટલાક નેતાઓ સાથે) ફરી નીતિન પટેલને સ્થાન મળ્યું. ઉમેદવારોની પસંદગીથી માંડીને ચૂંટણીના મુદ્દાઓ સહિતના અગત્યના નિર્ણયો આ સમિતિ કરવાની છે.

નવાસવાને મંત્રી બનાવવાનો પ્રયોગ સદંતર નિષ્ફળ ગયો છે. જોકે આ સમિતિમાં બેઠેલા લોકોને ટિકિટ નહીં મળે તેમ માનવામાં આવી રહ્યું છે.

વિજય રૂપાણી અને નીતિન પટેલ જેવા નેતા આગામી ચૂંટણી લડવાના ન હોય તો પછી રાજકીય કારકિર્દી કેટલી ચાલશે તે સવાલ રહેવાનો.

વિજય રૂપાણી ભૂતકાળમાં સંગઠનમાં કામ કરી ચૂક્યા છે અને કરી શકે છે, પણ નીતિન પટેલ માટે તેવું કહી શકાય નહીં. ત્રણત્રણ વાર તેમનું મુખ્ય મંત્રી બનવાનું નક્કી લાગતું હતું, પણ ત્રણેય વાર સત્તા હાથ વેંત છેટે રહી ગઈ.

પદ ગુમાવ્યા પછી જાહેર ભાષણોમાં તેમણે પોતાના ચિરપરિચિત અંદાજમાં કહ્યું હતું, "હું એકલો બસ નથી ચૂકી ગયો, મારા જેવા બીજા કેટલાય છે. હું લોકોના દિલમાં રહું છું ને મને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે".

કૉંગ્રેસનું આમંત્રણ

ભારતના રાજકારણનો ઇતિહાસ નાટકીય ઘટનાક્રમથી ભરેલો છે - જેમકે દેવીલાલની જગ્યાએ વી.પી. સિંહ વડા પ્રધાન બની ગયા, દેવે ગૌડા પીએમ બની ગયા, બલરાજ મધોકને હાંકી કઢાયા, જમાઈ ચંદ્રબાબુ નાયડુએ સસરા રામરાવને ઉથલાવી નાખ્યા વગેરે.

ધારાસભ્ય વીરજી ઠુમર વારંવાર નીતિનભાઈને કૉંગ્રેસમાં જોડવાનું આમંત્રણ આપી ચૂક્યા છે.

ફેબ્રુઆરી 2020માં વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો કે "મને એકલો પાડી દેવાની કોશિશ થઈ રહી છે' ત્યારે અને તે પછી માર્ચમાં ગૃહમાં ફરી ઠુમરે કહ્યું, "15 ધારાસભ્યો સાથે આવી જાવ તમને મુખ્ય મંત્રી બનાવીશું."

જોકે નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રત્યુતરમાં કહેલું કે, "હું સિદ્ધાંતવાદી છું અને આજીવન ભાજપમાં જ રહીશ. કૉંગ્રેસવાળા દ્વાર જ નહીં, દીવાલો તોડીને મેદાન ખુલ્લું મૂકી દે, તો પણ કૉંગ્રેસમાં જવાનો નથી."

રૂપાણી સામે મોરચો

અત્યાર સુધી વિજયભાઈ અને નીતિનભાઈનાં જૂથો આમનેસામને હતાં.

વિજય રૂપાણીને 2017ની ચૂંટણી પછી પણ યથાવત્ રખાયા તે પછી નીતિનભાઈની નારાજી ચાલતી રહી હતી.

બંને વચ્ચે ખટરાગ કોરોના મહામારી દરમિયાન સપાટી પર આવી ગયો હતો.

રાજકોટના એક ઉદ્યોગપતિએ તાત્કાલિક બનાવેલા વૅન્ટિલેટરને રૂપાણીએ પ્રમોટ કર્યું હતું.

'ધમણ' તરીકે જાણીતું થયેલું તે વૅન્ટિલેટર તદ્દન નિષ્ફળ ગયું હતું અને ઊલટાનું તેના કારણે દર્દીઓમાં સમસ્યાઓ વધી હોવાના આક્ષેપો થયા હતા.

વિષય આરોગ્ય વિભાગનો હતો, છતાં સીએમ રૂપાણીએ 'ધમણ' સરકારી હૉસ્પિટલોમાં મુકાવ્યું એટલે મોકો જોઈને નીતિન પટેલે ઘા માર્યો હતો.

બીજી લહેરમાં પ્રજા પરેશાન હતી ત્યારે આરોગ્ય સચિવ અને વિભાગ પોતાની મરજી પ્રમાણે કામ કરતા હતા અને નીતિનભાઈને પૂછતા પણ નહોતા તે જાહેર થઈ ગયું હતું અને આવા કેટલાય અહેવાલો છપાયા હતા.

નીતિન પટેલને જાણ ના હોય અને નિર્ણય લેવાઈ જાય તેવા કડવા અનુભવ તેમને થતા રહ્યા છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે દિલ્હી ગયા તે પછી કોણ અનુગામી બનશે તેની ભારે ઉત્સુકતા હતી. તે વખેત પણ નીતિન પટેલનું નામ ચાલતું હતું, પણ આખરે આનંદીબહેનને પસંદ કરાયાં હતાં.

આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે આ વખતે તો પાક્કું એવું હતું, ફરી નીતિનભાઈને કડવો અનુભવ થયો.

નીતિનભાઈના ટેકેદારોએ ઉજવણી માટેની મીઠાઈ મગાવી લીધી હતી, પરંતુ છેલ્લી ઘડીએ અમિત શાહને કારણે વિજય રૂપાણીનું નામ જાહેર થયું. તે વખતે નીતિન પટેલને નાયબ મુખ્ય મંત્રી અને નાણાખાતું આપીને મનાવી લેવાયા હતા.

ત્રીજી વખતે પણ નીતિન પટેલને લાગ્યું હતું કે કમસે કમ હવે એક તક મોવડીમંડળ આપશે.

આ વખતે માત્ર નીતિનભાઈ નહીં, કોઈને જાણકારી નહોતી - પસંદ થનારા ભૂપેન્દ્ર પટેલને પણ જાણકારી નહોતી. સમગ્ર મંત્રીમંડળ બદલી નાખવાનું છે તેવી યોજનાની કોઈને જાણકારી નહોતી.

આઠ વખત બજેટ રજૂ કર્યુ

નીતિનભાઈને ચાર દાયકાના રાજકારણમાં તેમને અનેક મંત્રાલયો મળ્યાં છે. વજુભાઈ વાળા પછી બીજા નંબરે આઠ વખત તેમણે નાણામંત્રી તરીકે બજેટ રજુ કર્યું છે. આરોગ્ય, માર્ગ અને મકાન, કલ્પસર તથા નર્મદાયોજના જેવા અગત્યના મંત્રાલયો તેમણે સંભાળ્યાં છે.

વીસનગરમાં 22 જૂન 1956માં જન્મેલા નીતિનભાઈના દાદા ગર્ભશ્રીમંત હતા અને તેમનો તેલ- કાપડનો બહોળો વેપાર હતો. નીતિનભાઈ કૌટુંબિક વેપારમાં આગળ વધી શક્યા હોત પણ તેમને યુવાન વયે જ રાજકારણમાં રસ પડ્યો હતો. બી.કોમ.નો અભ્યાસ અધૂરો છોડીને તેઓ રાજકારણમાં આવ્યા.

તેમની રાજકીય કારકિર્દીના કેન્દ્રમાં કડીનગર રહ્યું છે. 1977માં કડી નગરપાલિકામાં તેઓ પ્રમુખ બન્યા હતા.

1974માં કડી તાલુકા નવનિર્માણસમિતિના મહામંત્રી તરીકે તેઓ જાહેરજીવનમાં સક્રિય થયા હતા. 1988 સુધી એક દાયકો કડી પાલિકામાં રહ્યા. મહેસાણા ડિસ્ટ્રીક્ટ કૉ-ઑપરેટિવ બૅન્કમાં પણ આઠ વર્ષ ડિરેક્ટર અને કડી એપીએમસીમાં પણ ડિરેક્ટર રહ્યા.

1997-98 દરમિયાન તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ હતા. આગળ જતાં ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડમાં અને રાષ્‍ટ્રીય કારોબારીમાં પણ સભ્ય બન્યા.

1990માં કડી બેઠક પરથી જ પ્રથમવાર ધારાસભ્યા બન્યા. 1995માં ભાજપની સરકાર બની ત્યારે આરોગ્યમંત્રી બન્યા હતા. 2001માં મોદીનું આગમન થયું અને વજુભાઈ વાળાએ તેમના માટે પોતાની બેઠક ખાલી કરી ત્યારે નીતિનભાઈને નાણાખાતું મળ્યું હતું.

આ રીતે ભાજપ સાથે તેમનો પણ સતત ઉદય થઈ રહ્યો હતો, પરંતુ 2002ની ચૂંટણીમાં તેઓ હારી ગયા અને પ્રથમ બ્રેક લાગી. 2007માં ફરીથી કડીમાં જ બળદેવજી ઠાકોરની સામે ઊભા રહ્યા અને આ વખતે માત્ર 1327 મતે જીતી શક્યા અને ફરીથી સરકારમાં પાછા ફર્યા.

સીમાંકન પછી કડી બેઠક અનામત થઈ એટલે 2012માં નીતિનભાઈ મહેસાણાથી જીત્યા અને 2017માં પણ, પણ હવે 2022માં ચૂંટણી લડશે કે કેમ તે સ્પષ્ટ નથી.

2016થી નાયબ મુખ્ય મંત્રી તરીકેનો દરજ્જો પણ મળ્યો, પણ અસલ સત્તા કદી તેમના હાથમાં આવી નહીં.

તેઓ આકરું બોલે છે. તેમનાં કેટલાંક નિવેદનો વિવાદાસ્પદ પણ બનતાં રહ્યાં છે.

ત્રીજી વાર સીએમ ન બની શક્યા અને એ સાથે જાહેર રાજકીય જીવન પુરૂ થવાની નોબત આવી તે દિવસે જ તેઓ મહેસાણામાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.

તેમણે હૈયાવરાળ કાઢતાં કહેલું કે, "હું એકલો નથી જેમની બસ છૂટી ગઈ છે, મારા જેવા બીજા કેટલાય છે. પણ હું લોકોનાં દિલમાં રહું છું અને મને ત્યાંથી કોઈ નહીં કાઢી શકે."

લોકોના દિલમાં રહેવાની વાત કદાચ સાચી પણ હશે, કેમ કે તેઓ સરળતાથી મળી શકતા હતા. અજાણ્યા નંબર પરથી ફોન આવે ત્યારે પણ તેઓ ઉપાડી લે છે. તેના કારણે જ તેમની સાથેની વાતચીતની ઑડિયો ક્લિપ પણ ઘણી વાર ફરતી થાય છે.

દેવેન્દ્ર પટેલે બીબીસી ગુજરાતી સાથે અગાઉની વાતચીમાં કહ્યું હતું કે "નીતિન પટેલ ચીવટથી કામ કરનારા નેતા છે. તેમના પિતા કૉંગ્રેસી હતા પરંતુ તેઓ 18 વર્ષના હતા ત્યારથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના વફાદાર કાર્યકર રહ્યા છે. મુખ્ય મંત્રીપદના સાચા દાવેદાર હોવા છતાં, આંતરિક બાબતોને કારણે અને તેમના થોડાંક બોલકા સ્વભાવને કારણે તેમને મુખ્ય મંત્રીપદ ગુમાવવું પડ્યું."

વિભિષણ અને મંથરા

લોકો અને કાર્યકરોમાં લોકપ્રિય પણ કદાચ પક્ષના કેટલાક નેતાઓને ગમતા નહોતા.

ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ થઈ ગયા તે પછી નીતિનભાઈએ એક વાર કહેલું કે પક્ષમાં જ વિભિષણ અને મંથરા છે. તેના જવાબમાં અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડિયાએ નીતિનભાઈનો ઊઘડો લીધો હતો.

ભૂતપૂર્વ થઈ ગયા પછી મોરબીમાં એક કાર્યક્રમમાં પોતાની આગવી શૈલીમાં તેમણે કહેલું, "ડેપ્યુટી સીએમ ના હોવા છતાં મને બોલાવ્યો તેનો આનંદ છે. પેલી કહેવત છે કે નાણા વગરનો નાથિયો, નાણે નાથાલાલ. હાલની પરિસ્થિતિએ અમે હવે નાથાલાલમાંથી નાથિયા જેવા થઈ ગયા છીએ."

મહત્ત્વના હોદ્દાઓ પર ચાર દાયકા પછીય પક્ષમાં ટોચના નેતાઓ માટે તેઓ અણમાનીતા રહ્યા તે પણ વક્રતા છે.

નરેન્દ્ર મોદીએ તેમને નાણાખાતું આપેલું, પણ તેમની ગૂડ બૂકમાં ક્યારેય રહ્યા નથી.

કેટલાક બનાવોને કારણે પણ નીતિનભાઈને સોખમાવું પડ્યું હતું. મે 2017માં અમદાવાદ ઍરપોર્ટ પર તેમના પુત્ર દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા.

આવો જ બીજો વીડિયો ઑગસ્ટ 2018માં વાઇરલ થયો હતો. સોમનાથ મંદિરે પરિવાર સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે તેમના પુત્ર દાનપેટીમાં પૈસા નાખતાં તમણે રોક્યા હતા.

વધુ એકવાર આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી 2022માં પણ સરદારધામના કાર્યક્રમમાં તેમના એક નિવેદનના કારણે સોશિયલ મીડિયામાં ટીકાનો મારો ચાલ્યો હતો.

ઉત્તર ગુજરાતના ડીંગુચા ગામનો એક પરિવાર કૅનેડાથી અમેરિકામાં ઘૂસવા કોશિશ કરી રહ્યો હતો ત્યારે ઠૂઠવાઈને મૃત્યુ પામ્યો હતો.

ત્યારબાદ એક કાર્યક્રમમાં નીતિનભાઈએ કહ્યું કે 'આપણા છોકરાઓને તક નથી મળતી, એટલે અમેરિકામાં ગેરકાયદે ઘૂસે છે'.

'25 વર્ષ તમારી પોતાની ભાજપ સરકાર, 21 વર્ષ તમે મંત્રી રહ્યા છતાં હવે અહીં તક મળતી નથી એવું કહો છો?' એવા સોશિયલ મીડિયામાં કટાક્ષો થયેલા.

નીતિન પટેલનું આગળનું ભવિષ્ય શું?

નીતિનભાઈ કડવું બોલે, પણ ઉગ્રતા ફેલાવે તેવું બોલવા માટે જાણીતા નથી.

તેના કારણે જ 'હિન્દુ બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ, લોકતંત્ર અને કોર્ટ કચેરી ટકી શકશે' એવું બોલેલા ત્યારે ઘણાને નવાઈ લાગેલી.

"બીજું બધું નહીં બોલું અહીં મીડિયા છે"... એવું બોલીને પણ નીતિનભાઈ દિલની વાત બોલી નાખતા હોય છે. પણ રાજકારણમાં દિલની વાત નહીં, દિમાગના કાવાદાવા ચાલતા હોય છે.

સૌથી વધારે મુલાકાતીઓ જેમની ઓફિસ આગળ બેઠા હોય તેવા મંત્રી, કાર્યકરોમાં લોકપ્રિય, નાગરિકનો ફોન ઉપાડીને પણ વાત કરી લે (એક વાર કોઈ યુવાને ફોન કરીને નીતિનભાઈને કહેલું કે એક દિવસ માટે મારે સીએમ બનવું છે તો તમે જોજો), વહીવટ પર પકડ પણ ખરી, અધિકારીઓ પાસેથી કામ કઢાવી શકે, રૂપાણી વિરુદ્ધ નીતિનભાઈનું જૂથ બન્યું હતું ખરું, પણ તે સિવાય પક્ષની શિસ્તમાં જ રહેલા અને કૉંગ્રેસની મુખ્ય મંત્રી બનવાની ઑફર પણ નહોતી સ્વીકારી.

રાજકીય ભવિષ્ય વિશે નીતિન પટેલે એવું કહ્યું છે કે ચૂંટણી લડવી કે નહીં તેનો નિર્ણય તેમણે જાતે લેવાનો છે. મંત્રી બનાવવા, કોઈ જવાબદારી સોંપવી તેનો નિર્ણય પક્ષમાં જ્યારે જે પણ હોય તે વ્યક્તિઓ કે હોદ્દેદારોએ લેવાનો છે.

સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલો રહીશ એમ તેઓ કહી ચૂક્યા છે.

હવે તેઓ પોતે પક્ષના કોર કમિટીમાં બેઠા છે ત્યારે બીજાના રાજકીય ભાવીના નિર્ણયમાં તેઓ સહભાગી બનશે પણ તેમનું પોતાનું રાજકીય ભાવી બીજાના હાથમાં હશે.

અત્યાર સુધીના અનુભવો કહે છે કે તેમના માટે હવે "માર્ગદર્શકમંડળ"નું સ્થાન જ બાકી રહ્યું છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો