You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી 2022 : વિધાનસભાની ચૂંટણી પર કયાં પરિબળો અસર કરશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે અને દરરોજ રાજકીય આબોહવામાં નવો જ પવન ફૂંકાઈ રહ્યો છે.
ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોવાને નાતે ગુજરાતની ચૂંટણી પર દેશ અને દુનિયાની નજર છે ત્યારે અનેક પરિબળો તેની પર અસર કરશે એમ દેખાઈ રહ્યું છે.
પાટીદાર ફેકટર
સામાજિક-આર્થિક અને રાજકીય રીતે સમૃદ્ધ ગણાતા પાટીદારોએ લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં દબદબો જમાવેલો છે અને અત્યારે પણ ગુજરાતના પૉલિટિક્સમાં સૌથી વધારે ચર્ચા પાટીદારોની જ થઈ રહી છે.
એક તરફ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે તો પાટીદાર અગ્રણી નરેશ પટેલની કૉંગ્રેસમાં જોડાવાની વાત લાંબા સમયથી ચાલી રહી હતી તેમાં વિરામ આવ્યો છે. નરેશ પટેલે હાલ તેઓ સક્રિય રાજનીતિમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી છે.
ગુજરાતમાં આશરે 12 ટકા જેટલી વસતિ પાટીદારોની છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ એમ બંન્ને પક્ષોના થઈને 51 ધારાસભ્યો પાટીદાર હતા, જે કોઈ પણ સમુદાય માટે મોટી વાત કહી શકાય.
ગુજરાતમાં પાટીદારોની વસતિ મુખ્યત્વે કડવા અને લેઉઆ સમાજમાં વહેંચાયેલી છે. આ સમુદાય ગુજરાતની 182માંથી 70 જેટલી બેઠક ઉપર અસર કરી શકે છે.
2017માં પાટીદારોની નારાજગી ભાજપને નડી હતી અને બેઠકો ઘટી હતી. આ વખતની ચૂંટણીમાં હાર્દિક પટેલ ભાજપમાં છે. પાટીદાર મુખ્ય મંત્રી માગણી સંતોષી દેવામાં આવી છે અને પાટીદારોને સરકાર તરફથી થઈ રહેલાં થાબડભાણાંને પગલે અન્ય સમાજોએ પણ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે ત્યારે આ પરિબળ ઘણું અસર કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્ઞાતિવાદી રાજકારણ આમ તો પડદાની પાછળ થતું હોય છે 2017થી લઈ અત્યાર સુધી પાટીદારો પ્રત્યેનો ભાજપનો વિશેષ પ્રેમ સતત સીધી રીતે બહાર આવી રહ્યો છે જે અન્ય સમાજને નારાજ કરી શકે છે.
કોરોનાકાળમાં લોકોને વ્યાપક આર્થિક અસર થઈ છે અને તેમાંથી ધંધાદારી પાટીદાર સમાજ પણ બાકાત નથી એ પણ મહત્ત્વનું ફૅક્ટર બની શકે છે.
કૉંગ્રેસ અને ભાજપ બે ઉપરાંત પાટીદારો પાસે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ છે જે તેમણે સુરત કૉર્પોરેશનમાં આપનો ઉદય કરાવીને બતાવી આપ્યું છે તે ભૂલી ન શકાય. આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઇટાલિયાને ગુજરાતનું સુકાન સોંપ્યું છે ત્યારે જ્યાં પાટીદાર અનામત આંદોલનની ઘેરી અસર થઈ હતી એવી શહેરી બેઠકો પર સ્થિતિ બદલાઈ શકે છે.
આદિવાસી-દલિત ફૅક્ટર
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ યાને આદિવાસીઓની વસતિ આશરે 15.5 ટકા જેટલી છે અને અનુસૂચિત જાતિ યાને દલિતોની વસતિ 6.7 ટકા જેટલી છે.
વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
દલિત અને આદિવાસી મતમાં તફાવત એ છે 6.7 ટકા વસતિ ધરાવતા દલિતો તમામ અનામત બેઠકો ઉપર પણ નિર્ણાયક અસર માટે અન્ય સમાજ પર આધારિત છે અને અન્ય બિનઅનામત બેઠકો પર તેમની અસર ઓછી છે. દલિત સમુદાય ભૌગોલિક રીતે વહેંચાયેલો છે અને તેની સરખામણીમાં આદિવાસી સમુદાય વધારે સંગઠિત અને આખી બેઠકનું પરિણામ બદલી શકે તે સ્થિતિમાં રહે છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 27 એસ.ટી. અનામત બેઠકો પૈકી 15 બેઠકો જીતી લીધી હતી અને 13 એસ.સી. અનામત બેઠકો પરથી 5 બેઠક જીતી હતી તથા જિગ્નેશ મેવાણી અપક્ષ તરીકે વડગામ બેઠક જીત્યા તેને પણ કૉંગ્રેસને ટેકો આપ્યો હતો. આમ કુલ 40 પૈકી 21 બેઠકો કૉંગ્રેસ જીતી હતી અને બે બેઠકો ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ફાળે ગઈ હતી.
2017ની ચૂંટણીમાં દલિતો અને આદિવાસીઓની નારાજગી પણ મોટું પરિબળ હતું અને 2022માં આ મામલે હજી કોઈ ફેરફાર લાગી રહ્યો નથી. ગુજરાતમાં 'દલિતોને ઘોડી પર નહીં બેસવા દેવાની' તાજેતરની ઘટનાઓ હોય કે 'દલિત સફાઈકર્મીઓનાં મૃત્યુ'થી લઈ કૉન્ટ્રેક્ટ પ્રથા સુધીના પ્રશ્નો હોય, દલિત સમુદાયની નારાજગી એક મોટું પરિબળ બને છે. 2022માં પાટીદારોની જેમ ઉના આંદોલન વખતના કેસ પરત લેવાની દલિતોની માગણી છે.
આદિવાસી સમાજ જંગલ જમીનથી લઈને બેરોજગારી અને વિસ્થાપનથી પીડિત છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી બની ગયા બાદ ત્યાં વિસ્થાપનને લઈને અનેક સવાલો સામે આવ્યા છે. આદિવાસીઓએ પાર-તાપી લિંક યોજનાને લઈને આકરો વિરોધ કરતાં ગુજરાત સરકારે યોજના રદ કરવાની જાહેરાત કરવી પડી છે પરંતુ હજી પણ શ્વેતપત્રની માગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં અનેક આદિવાસી બેઠકો તમામ ડૅમોમાં થયેલા વિસ્થાપન મામલે થઈ છે.
દલિતો અને આદિવાસીઓ કુલ થઈને ગુજરાતની 22 ટકા વસતિ છે જે મહદ્અંશે ગરીબ છે અને કારમી મોંઘવારી અને બેરોજગારીનો સૌથી મોટો ભોગ પણ તેઓ જ પહેલા બને છે.
વાઇબ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દલિત-આદિવાસી બેઠકોની જવાબદારી ઉઠાવી છે.
દિગ્ગજ આદિવાસી નેતા છોટુ ભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ગત ચૂંટણીમાં બે બેઠકો જીતી હતી. આ વખતે તેમણે આમ આદમી પાર્ટી અને ઓવૈસી બેઉ સાથે જોડાણની વાત કરી છે એ પરિબળ પણ મહત્ત્વનું બની શકે છે. કૉંગ્રેસે વરિષ્ઠ આદિવાસી નેતા સુખરામ રાઠવાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે તે પણ આદિવાસી મતને અસર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આદિવાસીઓ વ્યાપક અન્યાયને પગલે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી અલગ ભીલીસ્તાન રાજ્યની માગણી પણ કરી રહ્યાં છે.
મોઘવારી-બેરોજગારીનું ફૅક્ટર
મોઘવારી એક એવો મુદ્દો છે જેની અસર સમાજના દરેક વર્ગની દરેક વ્યક્તિને થઈ રહી છે. ગરીબ વર્ગ અભાવો અને અગવડોમાં ચલાવી લે છે, અમીર વર્ગ બળાપો કાઢીને મન મનાવી લે છે પણ ગુજરાતમાં ભાજપની જે મુખ્ય વોટબૅન્ક છે તે શહેરી મધ્યમ વર્ગ અને નવો સામે રહેલો મધ્યમવર્ગ મોઘવારીનો એવો શિકાર છે જે સતત તરફડે છે.
મોઘવારીની સાથે સાથે ગુજરાતમાં બેરોજગારીનો મામલો પણ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં ગુજરાતમાં તલાટીની 3,437 જગ્યાઓ માટે 23 લાખ ફોર્મ ભરાયાં અને 18.21 લાખ ફોર્મ કન્ફર્મ થયાં એ સમાચારે ચર્ચા જગવી હતી.
દેશના ઇતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલના ભાવ રૂ. 100 પ્રતિ લિટરને પાર કરી ગયા હતા. ડીઝલના ભાવ વધવાને કારણે માલસામાનનું પરિવહન મોંઘું બન્યું અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી બનવા લાગી. આ સિવાય શાકભાજી વગેરેના ભાવ વધ્યા છે. જેને નિયંત્રિત રાખવાની તથા તેનું નિયમન કરવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશો પરની એક્સાઇઝ ડ્યૂટી તથા રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વેલ્યૂ ઍડેડ ટૅક્સને ઘટાડીને ભાવોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
વિપક્ષ વારંવાર બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હું કે, પાંચ વર્ષમાં બે કરોડ 10 લાખ નોકરીઓ ઘટી અને 45 લાખ લોકોએ નોકરી શોધવાનું જ માડી વાળ્યું.
ગુજરાત સરકારનો દાવો છે કે ગુજરાત રોજગારી આપવામાં પ્રથમ ક્રમે છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે આ નિવેદન વિધાનસભામાં કર્યું હતું.
ગુજરાતમાં બેરોજગારીની સાથે સંકળાયેલો એક મુદ્દો પેપરલીક કૌભાંડનો પણ છે. તાજેતરમાં ગુજરાતમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનો આરોપ થયો છે અને એને લઈને આંદોલનો પણ થયાં છે.
બેરોજગારી સાથે જ ગુજરાતમાં ફિક્સ પગાર અને કૉન્ટ્રેક્ટ સિસ્ટમ મુદ્દે પણ લોકોમાં નારાજગી છે. અનેક મુદ્દે સરકારે સમાધાન કર્યું છે પરંતુ તે સવાલનો પૂરો ઉકેલ હજી આવ્યો નથી.
બેરોજગારી વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો બનશે એ વાતનો અંદાજ એ પરથી પણ લગાવી શકાય કે કૉંગ્રેસે 'રોજગારી આપો'ની યાત્રા શરૂ કરી હતી. વળી, અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી સાથે ગુજરાતના રોજગારી દરની સરખામણી કરીને 'ગુજરાત મૉડલ' પર સવાલ ઉઠાવી રહ્યા છે.
એપ્રિલ મહિનામાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "ગુજરાત રાજ્યમાં કોઈને પણ સાચી તકલીફ હોય તો તેમાંથી બહાર કાઢવાની જવાબદારી સરકારની છે" બીબીસી ગુજરાતી પર મુખ્ય મંત્રીની આ વાત પર અનેક લોકોએ કૉમેન્ટ કરી હતી અને એમનો સૂર હતો. 'મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર એ પાયાના પ્રશ્નો છે પણ તે સાચી તકલીફમાં નહીં આવે'.
હિંદુ-મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ
ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી ચૂંટણીની મોસમ કાગળ પર અલગ અને હવામાં અલગ રહેતી આવી છે. 2002ના ગોધરાકાંડ અને એ પછી થયેલાં રાજ્યવ્યાપી તોફાનો પછીની તમામ ચૂંટણીઓમાં કોમી ઘ્રુવીકરણ એક અઘોષિત પરિબળ બની ગયું છે.
અમુક રાજકીય નિષ્ણાતો અને વરિષ્ઠ પત્રકારો ગુજરાતમાં કોમી ઘ્રુવીકરણ એ ઇન્સ્ટિટ્યૂશનલ યાને સંસ્થાગત બની ગયું હોવાનું માને છે.
ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી અને કેન્દ્રમાં 2014થી સત્તારૂઢ ભાજપનું સૂત્ર તો 'સબકા સાથ સબકા વિકાસ' છે પણ એ સાથે તેણે પોતાની છબિ 'હિંદુવાદી' પક્ષ તરીકે અંકે કરી છે અને એ સાથે જ ભાજપના નેતાઓની સતત એ કોશિશ રહી છે કે તેઓ ગુજરાત કે અન્ય રાજ્યમાં કૉંગ્રેસ સહિત જે પણ વિપક્ષ હોય તેને 'હિંદુવિરોધી' ચિતરવાની કરવાની કોશિશ કરવી. તાજેતરમાં ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે પૉલિટિક્સમાંથી બ્રેક લેનાર ભરતસિંહના રાજકીય નિવેદનને લઈને કૉંગ્રેસને 'હિંદુવિરોધી' કહી હતી જેનો જવાબ ભરતસિંહે 'રામનું મંદિર બને અને ભરતને ન ગમે?' એમ કહીને વાળ્યો હતો.
ગુજરાતમાં તાજેતરમાં ખંભાત અને હિમંતનગરમાં કોમી હિંસા થઈ. આની આસપાસ સૌરાષ્ટ્ર અને વડોદરામાં પણ કોમી છમકલું થયું.
તાજેતરમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જેમ 'મહમદ અલી ઝીણા' છવાયા હતા તેમ ગુજરાતની ચૂંટણીમાં એવા નારાઓ અને રૂપકો હવાને બદલી શકે છે. સત્તાપક્ષ ભાજપ એકતરફ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નહીં આપવાની રણનીતિ અપનાવી મતદારોને સીધો સંદેશ આપે છે તો બીજી તરફ ટીકાકારોને 'ગુજરાતવિરોધી', 'દેશવિરોધી' કે 'વિકાસવિરોધી' તરીકે ખપાવી દેવાની મહારત ધરાવે છે. છેલ્લી બે ચૂંટણીઓથી કૉંગ્રેસ પણ આ મામલે સતર્ક રહીને વર્તી રહી છે અને ટોચના નેતાઓ ભાજપના નેતાની જેમ હિંદુ ધર્મસ્થળોએ દેખાય છે.
ઉલ્લેખનીય છે 2022ની ચૂંટણીની શરૂઆત કૉંગ્રેસે દ્રારકામાં ચિંતન શિબિરથી કરી હતી. આ શિબિરમાં રાહુલ ગાંધીએ દ્રારકાધીશના દર્શન બાદ ભાજપને 'કૌરવ' અને કૉંગ્રેસને 'પાંડવ' ગણાવી 'સત્ય માટે લડવા'ની વાત કહી હતી.
અગાઉની જેમ 2022માં પણ ચૂંટણીના જંગમાં ભાજપના નેતાઓ રામમંદિરની સફળતાથી લઈને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સુધી અનેક મુદ્દે ધ્રુવીકરણની આક્રમક કોશિશ કરશે અને કૉંગ્રેસ તેને કેવી રીતે ખાળે છે અથવા તેનો શું જવાબ આપે છે તે જોવું ઘણું મહત્ત્વનું બની રહેશે.
આ વખતે કોમી ધ્રુવીકરણની રમતમાં 'સોફ્ટ હિંદુવાદી' ગણાતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ સામેલ છે તો જેને કૉંગ્રેસ 'ભાજપની બી ટીમ' ગણાવે છે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી પણ સામેલ છે. ગુજરાતમાં પ્રવાસ કરનારા ઓવૈસી 'ગુજરાતમાં મુસ્લિમોને પાટીદારોની જેમ રાજકીય સ્થાન મળવું જોઈએ' એવું નિવેદન આપી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણીની સમાંતર સમાન નાગરિક સંહિતા ઘડવા માટે અમુક ભાજપશાસિત રાજ્યો તૈયારી કરી રહ્યાં છે અને એ ગુજરાતમાં પણ કોમી ધ્રુવીકરણનો મોટો મુદ્દો બની શકે છે.
2022ની ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિસમીકરણો અને કોમી ધ્રુવીકરણની મોટી ટક્કર થશે અને જે પક્ષ બેઉને સાધવામાં બાજી મારશે એ ફાયદામાં રહેશે એવું દેખાઈ રહ્યું છે.
વિકાસ: 2017માં 'વિકાસ ગાંડો થયો' 2022માં શું થશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ ગુજરાતથી દિલ્હી સુધી ન ફક્ત પોતે મોટી સફળતા મેળવી છે પણ દેશમાં ભાજપનો ગ્રાફ પણ સતત ઉપર ચડાવ્યો છે અને આ રાજકીય સફરમાં સૌથી વધારે ચર્ચાયેલો અને વગોવાયેલો મુદ્દો 'વિકાસ' અને 'ગુજરાત મૉડલ' છે.
'સહુનો સાથ, સહુનો વિકાસ' ભાજપનો નારો છે અને વિપક્ષ કૉંગ્રેસ સતત તેને પડકારતી રહી છે.
2017ની ચૂંટણીમાં કૉંગ્રેસે સોશિયલ મીડિયામાં 'વિકાસ ગાંડો થયો છે' ઝુંબેશ સફળતાપૂર્વક ચલાવી હતી તો સામે ભાજપે 'હું છું ગુજરાત, હું છું વિકાસ'નો જવાબ વાળ્યો હતો. 2017ની ગુજરાત ચૂંટણીમાં જ રાહુલ ગાંધીએ વિવાદિત ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સને 'ગબ્બરસિંહ ટૅક્સ'ની ઉપમા આપી હતી.
ગુજરાતના વિકાસની વાતો વચ્ચે કોરોનાકાળમાં જનતાએ કદી ન વિચાર્યું પણ ન હોય એવું વેઠવાનો વારો આવ્યો, ઇંજેક્શનોથી લઈને ઑક્સિજન માટેની લાઇનો લાગી અને અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા ત્યારે ગુજરાતનો વિકાસ ફરી ચર્ચામાં આવી ગયો હતો.
ભાજપે વિજય રૂપાણી સહિત આખી સરકાર બદલી કાઢીને સાવ નવી સરકાર રચી ભૂતકાળનો ભાર ઓછો તો કરી જ દીધો છે પણ વિકાસ સામે સવાલ તાજેતરમાં વધી રહ્યા છે,
2022ની ચૂંટણી સત્તાવિરોધી જુવાળની છે અને એ જુવાળમાં સૌથી વધારે ચર્ચા વિકાસની થવાની છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો