You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વધુ એક ભરતીકૌભાંડનો યુવરાજસિંહનો આરોપ, બોગસ સર્ટિફિકેટથી કઈ રીતે મેળવાય છે નોકરી
વિદ્યાર્થીનેતા યુવરાજસિંહે ફરી એક વખત ગુજરાતમાં ભરતીકૌભાંડનો આરોપ લગાવ્યો છે.
પત્રકારો સાથેની વાતચીતમાં યુવરાજસિંહે બોગસ સર્ટિફિકેટના આધારે ગુજરાતમાં નોકરી મેળવવાનું કૌભાડ આચરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે.
યુવરાજે આરોપ લગાવ્યો છે કે, "આરોગ્ય વિભાગની, પંચાયતની અને કૉર્પોરેશનની આઠ હજાર જગ્યાની ભરતીઓમાં બહારના રાજ્યની યુનિવર્સિટીમાંથી બોગસ સર્ટિફિકેટ મેળવીને નોકરી મેળવવામાં આવી છે."
"આરોગ્ય વિભાગમાં આઠ હજાર ઉમેદવારોની ભરતીમાં આવી રીતે નોકરી મેળવનારા કેટલાય લોકો નોકરી કરી રહ્યા છે."
"પંચાયત વિભાગની પશુધન નિરીક્ષક, લૅબ ટેક, ફાર્માસિસ્ટ, એફએસડબલ્યુ જેવી આગામી પરીક્ષાઓમાં પણ આવા એજન્ટો ઍક્ટિવ થયા છે."
"જે નકલી સર્ટિફિકેટ વહેંચવામાં આવી રહ્યા છે, એમાં 70 હજારની ઉઘરાણી કરવામાં આવી રહી છે. એ સર્ટિફિકેટ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોની યુનિવર્સિટીમાંથી મેળવવામાં આવી રહ્યા છે."
આવા બોગસ ડિગ્રી કૌભાંડનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું, "MPHWનો કોસ એક વર્ષનો હોય છે અને તેમાં પ્રોફેસરો દ્વારા તાલીમ આપવામાં આવતી હોય છે. 70 હજાર રૂપિયામાં માત્ર 40 દિવસમાં આવાં સર્ટિફિકેટ મળી રહ્યાં છે. આવા સર્ટિફિકેટના આધારે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષા આપીને નોકરી પણ મેળવી રહ્યા છે."
તેમણે ઊર્જા વિભાગની નોકરીઓમાં પણ આવી રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઉમેર્યું, "આ પહેલાં જ્યારે પત્રકારપરિષદ યોજી ત્યારે ઓનલાઇન પરીક્ષાના કૌભાંડની વાત કરી હતી. એમાં જે એજન્ટો સંકળાયેલા હતા એ જ એજન્ટો આ બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં સંકળાયેલા છે.
2018 બાદની ઊર્જા વિભાગની તમામ ભરતીઓમાં આવી રીતે નકલી સર્ટિફિકેટ મેળવનારાઓની સંખ્યા પુષ્કળ છે.
2017-18માં પશુધન નિરીક્ષકની 400 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં આવું કૌભાંડ આચરીને 60 લોકો નોકરી કરી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.
આ અંગે વધુમાં તેમણે ઉમેર્યું, "આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ હતી અને એ વખતે તેમના અધ્યક્ષ આસિત વોરા હતા."
હેડ ક્લાર્કના પેપર લીકનો પણ કર્યો હતો દાવો
આ પહેલાં યુવરાજસિંહે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કર્યો હતો.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી હતી. જેની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો.
આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્રકારપરિષદ યોજીને સ્પષ્ટતા કરવામાં આવી હતી અને આ અંગે કાર્યવાહી થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો