વાજપેયી જેમને હઠાવવા માગતા હતા તે નરેન્દ્ર મોદી PM કઈ રીતે બની ગયા?

    • લેેખક, દર્શન દેસાઈ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

નરેન્દ્ર મોદી 7 ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે બે અખબારોની હેડલાઇનમાંથી ભવિષ્યમાં તેમની કાર્યપદ્ધતિ કેવી હશે તેનો અંદાજ આવી જતો હતો. ભવિષ્યમાં ખરેખર એવી જ કાર્યપદ્ધતિ અને વિચારસરણી તેમણે વહીવટમાં દેખાડી હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં હેડલાઈન હતી "પ્રચારક વિધ કાર્ટિયર ગ્લાસીઝ", જે તેમની આધુનિક છટાદાર જીવનશૈલી દર્શાવતી હતી. આવી જીવનશૈલી સાદાઈથી ભરેલા સંઘના પ્રચારકથી વિપરીત લાગે. આધુનિકતા તરફનો તેમનો ઝોક મુખ્ય મંત્રી તરીકે દેખાવા લાગ્યો હતો, કેમ કે તેઓ હવે વિદેશમાંથી મૂડીરોકાણ લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા લાગ્યા હતા.

શિક્ષણ અને આરોગ્ય જેવા કલ્યાણ રાજ્ય માટે અગત્યના ગણાતા ક્ષેત્રમાં પણ તેઓ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા લાગ્યા હતા.

સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગ લાવ્યા અને શહેરના મધ્યમ વર્ગને પસંદ પડે તેવી નીતિઓ અપનાવવા લાગ્યા.

મોંઘાદાટ બ્રાન્ડેડ ચશ્માં અને તેમના નામ સાથે જોડાઈ ગયેલા અડધી બાંયના મોદી કુરતાથી માંડીને જાકીટ, શાલ અને જૂતાં સહિતની તેમની વેશભૂષા અને શોખ પણ સંઘની પરંપરાથી અલગ જ પ્રકારના દેખાતાં હતાં.

નાનપણથી તેમને ઓળખતા લોકો કહે છે કે વડનગરમાં કિશોર તરીકે પણ હંમેશાં તેઓ કોલસાની સગડીથી ઇસ્ત્રી કરેલાં વસ્ત્રો જ પહેરવાનો આગ્રહ રાખતા હતા.

આજે એક નગર બનવા આવેલું વડનગર ત્યારે ગામડું જ હતું અને ગામમાં ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરવાનો ચીલો હતો નહીં.

તેમના ટીકાકારો કહે છે કે તેમનું મૉડલ પક્ષપાતી છે અને ઉદ્યોગો તથા વિદેશી મૂડીરોકાણ પર ભાર મૂકનારું છે. સામી બાજુ પાયાની માનવીય સુવિધાઓની બાબતમાં ધ્યાન અપાયું નથી અને ગુજરાતમાં ગામડાંની ઉપેક્ષા જ થતી રહી હતી.

નરેન્દ્ર મોદીની 'હિન્દુ હૃદયસમ્રાટ'ની છાપ

બીજી હેડલાઇન ઇન્ડિયન એક્સપ્રેસની પણ સૂચક હતી - "રથયાત્રા ઓન મોદી ટાયર".

મોદીના હિન્દુત્વનો ઇશારો કરનારું આ મથાળું એ યાદ અપાવતું હતું કે એલ. કે. અડવાણીની રથયાત્રાના મહત્ત્વના વ્યવસ્થાપકોમાં તેઓ હતા.

સોમનાથથી અયોધ્યાની એ રથયાત્રા ઉપરાંત મુરલી મનોહર જોષીએ કાશ્મીર સુધીની એકતાયાત્રા કાઢી ત્યારે તેના આયોજકોમાં પણ તેમનું મુખ્ય સ્થાન હતું.

સમય વીતવા સાથે તેમની છાપ 'મુસ્લિમોના તુષ્ટિકરણ'ને સહન ના કરનારા, ગુજરાતના ગૌરવનું રક્ષણ કરનારા "હિન્દુ હૃદયસમ્રાટ" તરીકે દૃઢ થઈ હતી.

ખાસ કરીને ગુજરાતમાં ગોધરાના બનાવ પછી 2002માં ગુજરાતમાં રમખાણો થયાં અને મહદંશે મુસ્લિમો સહિત 2000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોદી પર ટીકાનો મારો થયો હતો. તે પછી તેમની "હિન્દુ હૃદયસમ્રાટ" તરીકેની છાપ વધારે નક્કર બની હતી.

'રાજ્યમાં સરકાર પ્રેરિત રમખાણો થયાં' તે પ્રકારની વૈશ્વિક ટીકા તેમની સરકારની થઈ હતી, તે પછી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી તેમને મુખ્ય મંત્રીપદેથી હઠાવવા માગતા હતા, પરંતુ ગૃહમંત્રી એલ. કે અડવાણી અને સંઘ પરિવારે તેમ થવા દીધું નહોતું.

ખૂબ સારા વક્તા અને ગુજરાતના લોકોની નાડ પારખી શકનારા નરેન્દ્ર મોદીએ રમખાણોના મામલે તેમની સરકારની ટીકા થઈ તેને બહુ સિફતપૂર્વક ગુજરાતને બદનામ કરવાના કાવતરા તરીકે વાળી દીધી હતી.

તે પછી ડિસેમ્બર 2002માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને વિધાનસભાની 182માંથી 127 બેઠકો મળી ગઈ હતી. એટલું જ નહીં તે પછી 2007 અને 2012ની ચૂંટણીમાં પણ મુખ્ય મંત્રી તરીકે તેઓ ચૂંટણી જીત્યા અને આખરે 2014માં વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા.

સૌથી લાંબા સમય સુધી PM રહેનાર બિનકૉંગ્રેસી નેતા

2002નાં તોફાનોને કારણે લાગેલા ડાઘને દૂર કરવા માટે મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું.

ત્યારબાદ દર બે વર્ષે ગુજરાતમાં મૂડીરોકાણ લાવવા અને આર્થિક વિકાસને વેગ આપવાના આ કાર્યક્રમ દ્વારા તેમણે પોતાની છાપ એક વિકાસલક્ષી મુખ્ય મંત્રી તરીકેની ઊભી કરી હતી.

જરૂર પડે ત્યારે તેઓ પોતાની હિન્દુત્વની પાઘડી તો પહેરી જ શકતા હતા અને તે રીતે હિન્દુત્વ અને વિકાસને એક સિક્કાની બે બાજુ બનાવીને જરૂર પ્રમાણે તેને ઉછાળતા રહ્યા હતા.

આના પરથી જ ખ્યાલ આવે છે કે કઈ રીતે કાર્ટિયરનાં ચશ્માં અને રથયાત્રાનો સંગમ કરીને નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના સૌથી લાંબો સમય શાસન કરનારા મુખ્ય મંત્રી બની શક્યા.

આગળ જતાં કેન્દ્રમાં વડા પ્રધાન બન્યા અને કૉંગ્રેસ સિવાયના કોઈ પક્ષના સૌથી લાંબો સમય વડા પ્રધાનપદે રહેનારા નેતા પણ બની ગયા છે. રાજ્યમાં 12 વર્ષ અને 2020ના વર્ષ સુધીમાં કેન્દ્રમાં આઠ વર્ષ એમ સળંગ 20 વર્ષ તેમણે શાસનનાં પૂર્ણ કર્યાં છે.

'શાસનનું મોદી મૉડલ'

ગુજરાતમાં ભાજપની સ્થિતિ ડામડોળ હતી ત્યારે 7 ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્ય મંત્રી બનતી વખતે નરેન્દ્ર મોદીએ કહેલું કે: "હું તો વન-ડે મૅચ રમવા આવ્યો છું."

1995માં ભાજપને એકલે હાથે ગુજરાતમાં સત્તા મળી હતી, પણ તેનાં છ વર્ષ પછી પક્ષની સ્થિતિ નબળી પડી હતી.

શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં બળવો થયો હતો. મુખ્ય મંત્રી બન્યા પછી પ્રથમવાર પત્રકારપરિષદ મળી ત્યારે એક પત્રકારે તેમને પૂછેલું કે મુખ્ય મંત્રી તરીકે તેમનો એજન્ડા શું રહેશે, ત્યારે તેમણે ઇન્ડિયન એક્સપ્રેસની હેડલાઇનનો ઉલ્લેખ કરીને કટાક્ષ કરેલો કે: "કોઈએ કહ્યું છે તે પ્રમાણે મોદીના ટાયર પર રથયાત્રા".

આજે 20 વર્ષ પછી એવું લાગે છે કે વન-ડે નહીં, પણ ક્યારેય પૂરી ના થનારી ટેસ્ટ મૅચ નરેન્દ્ર મોદી રમી રહ્યા છે, જેમાં તેઓ પોતે જ બૅટ્સમૅન છે, પોતે જ બૉલર છે અને અમ્પાયર પણ તેઓ જ છે.

આ ત્રણેય ભૂમિકાઓ તેઓ એકલા હાથે ભજવતા થાય તેવું કંઈ તબક્કાવાર નથી થયું - 7 ઑક્ટોબર, 2001ના રોજ તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારે પણ આવી જ સ્થિતિ હતી.

એક મજબૂત મુખ્ય મંત્રીની જગ્યાએ હવે તેઓ મજબૂત વડા પ્રધાન બન્યા છે, એટલું જ. તેમણે ગુજરાતમાં જ એવી સ્થિતિ ઊભી કરી દીધી હતી કે તેમને હઠાવી દેવામાં આવે તો પક્ષ પડી ભાંગે.

આ વાત એ હકીકત પરથી પણ સ્પષ્ટ થઈ જશે કે 2014માં તેમણે ગુજરાત છોડ્યું, તે પછી 2021 સુધીનાં સાત વર્ષમાં ગુજરાતે ત્રણ મુખ્ય મંત્રી જોયા છે. છેલ્લે વર્ષ પહેલાં ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા છે.

'ગુજરાતમાં પહેલાં મોદી પછી ભાજપ'

ગુજરાતમાં મોદી પહેલાં આવે અને પછી ભાજપ, કેન્દ્રમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. 2021માં તેમણે અચાનક વિજય રૂપાણી અને તેમની આખી કૅબિનેટને હઠાવીને નવા સીએમ અને નવા મંત્રીઓ મૂકી દીધા.

આવી જ રીતે તેઓ કેન્દ્ર સરકારની કૅબિનેટમાં પણ ફેરફારો કરી શકે છે અને કોઈ તેની સામે સવાલો કરી શકતું નથી. ગયા વર્ષે તેમણે પ્રધાનમંડળમાં ફેરફારો કર્યા અને ઘણા પ્રધાનોને ઘરે બેસાડી દીધા ત્યારે કોઈએ સવાલો પૂછવાની હિંમત કરી નહોતી.

ગુજરાતમાં ત્રણ મુખ્ય મંત્રી બદલાયાં તો ઉત્તરાખંડમાં પણ ચાર વર્ષમાં ત્રણ મુખ્ય મંત્રી બદલી નખાયા છે.

ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે તેમની જે કાર્યપદ્ધતિ હતી તેની સરખામણી કરો તો કેન્દ્રમાં વડા પ્રધાન તરીકે પણ તેઓ એવી રીતે જ કામ કરી રહ્યા છે.

કોમવાદી ચૂંટણી પ્રચારનો આશરો

ભાજપની સ્થિતિની વાત જોઈએ. 2002માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણીથી શરૂ કરીને 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓ સુધીમાં તેઓ ભાજપને એક નવી ઊંચાઈએ લઈ ગયા છે.

તેઓ કૉંગ્રેસમુક્ત ભારતનો નારો આપતા રહ્યા છે અને 2019માં કૉંગ્રેસ જેવા સૌથી જૂના પક્ષની બેઠકોની સંખ્યા માત્ર 44 પર આવીને અટકી ગઈ હતી. કૉંગ્રેસ પાસે એટલા ઓછા સાંસદો છે કે તેને સત્તાવાર રીતે વિપક્ષનું પદ પણ ના મળે.

ચૂંટણીમાં ભાજપને વિજય ના મળ્યો તેવાં રાજ્યોમાં પણ ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. ગુજરાત જેવા રાજ્યમાં લાગે કે થોડું ઘણું પણ જોખમ છે, ત્યારે કૉંગ્રેસને તોડી નાખવામાં આવે અને તેના ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દેવાય છે.

2002ની ચૂંટણી વખતે તેમણે અમર્યાદ રીતે કોમવાદી ચૂંટણી પ્રચાર કરીને સત્તા મેળવી હતી. મોદી પોતાની જાહેરસભામાં "મિયાં મુશર્રફ"ની વાત કરતા ત્યારે તેનો અર્થ મુસ્લિમો થતો અને ખ્રિસ્તી લઘુમતી તરફ ઇશારો કરવા માટે તેઓ (ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર) "જેમ્સ માઇકલ લિંગ્દોહ" એવું આખું નામ બોલતા.

તેના દ્વારા એવો ઇશારો થતો કે તેઓ ખ્રિસ્તી હોવાથી કૉંગ્રેસતરફી અને મુસ્લિમતરફી છે. મોદી ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવી લેવા માગતા હતા, પણ ચૂંટણીપંચે મંજૂરી આપી નહોતી તે પછી પ્રચારમાં તેઓ જેએમ લિંગ્દોહને બદલે તેમનું આખું નામ બોલતા હતા.

ગોધરાના બનાવ પછી રાજ્યમાં રમખાણો થયાં ત્યારે તે સરકાર પ્રેરિત હતાં તેવી ટીકાઓ થઈ રહી હતી તેની વચ્ચે તેમણે સૌથી લાંબી ચૂંટણીપ્રચારની ઝુંબેશ ચલાવી હતી.

એપ્રિલથી પ્રચારની ઝુંબેશ શરૂ થઈ તે છેક ડિસેમ્બર 2002માં ચૂંટણી આવી ત્યાં સુધી ચાલી અને તેમાં સત્તા પણ મળી.

વૈશ્વિક ધોરણે તેમની સરકારની ટીકાઓ થઈ રહી હતી, ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગૌરવને આગળ કર્યું હતું અને તેના કારણે તેમની લોકપ્રિયતા વધી ગઈ હતી. કોઈને ગમે કે ના ગમે, પણ જનસમર્થન મોદીને મળવા લાગ્યું હતું અને તેઓ જનતા સાથે પોતાને જોડી શકતા હતા.

તેમનું વ્યક્તિત્વ વિરાટ બની ગયું છે. તેમણે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને તેમના સમગ્ર મંત્રીમંડળને રવાના કરી દીધું. તે અગાઉ તેમણે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર જેવા નેતાઓને પણ કેન્દ્રની કૅબિનેટમાં ફેરફારો થયા ત્યારે પડતા મૂકી દીધા હતા. આવું કંઈ તેઓ પહેલીવાર નહોતા કરી રહ્યા.

તેઓ મુખ્ય મંત્રી બન્યા તે પછી તેમણે ગુજરાતમાં નો-રિપિટ થિયરી અમલમાં મૂકી હતી. તેમણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી આવી ત્યારે બધા જ વર્તમાન કૉર્પોરેટરોને પડતા મૂકીને નવા ચહેરાઓને ટિકિટ આપી હતી.

તેમના માટે તેઓ પ્રચારમાં નીકળી પડ્યા હતા અને જોરદાર વિજય અપાવ્યો હતો. પોતાના નામે જ પ્રચાર કર્યો હતો અને આગળ જતાં 2019ની લોકસભાની ચૂંટણી સભાઓમાં એ જ અંદાજમાં તેમણે સભાઓ ગજવી હતી કે, "આપ કા એક એક વોટ નરેન્દ્ર મોદી કે ખાતે મેં જાયેગા".

બીજી હરોળની નેતાગીરી તૈયાર ન થઈ શકી

જોકે વ્યક્તિત્વની આભા ઊભી થાય તેની આડઅસરો પણ હોય છે. તેમનું કદ વિરાટ થયું, પણ તેના કારણે પક્ષમાં બાકીના લોકોનું કોઈ મહત્ત્વ ના રહ્યું અને પક્ષમાં બીજી હરોળની નેતાગીરી જ ના ઊભી થઈ. ગુજરાત આ બાબતનું ઉત્તમ ઉદાહરણ છે.

ગુજરાતમાં પ્રથમ વાર સત્તા મળી ત્યારે કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા હતા, પણ આગળ જતાં સંબંધો બગડ્યા ત્યારે તેમણે 1998માં નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર મોકલી દીધા હતા. ઑક્ટોબર 2001માં ગુજરાત પાછા ફર્યા અને મુખ્ય મંત્રી બન્યા તે પછી કેશુભાઈ રાજકીય રીતે સમાપ્ત થઈ ગયા.

આગળ જતાં કેશુભાઈએ પટેલ સમાજને કેન્દ્રમાં રાખીને અલગ પક્ષ બનાવ્યો પણ તેને સફળતા મળી નહોતી. ગુજરાત પરિવર્તન પાર્ટીને સફળતા મળી નહીં અને આખી પાર્ટીને જ આગળ જતાં ભાજપમાં ભેળવી દેવી પડી.

ગુજરાત પરિવર્તન પાર્ટીના અગત્યના નેતા ગોરધન ઝડફિયા એક જમાનાના મોદીના પ્રખર ટીકાકાર હતા, પણ આજે તેઓ વારાણસીમાં મોદીના મતવિસ્તારની સંભાળ લેવાનું કામ કરી રહ્યા છે.

મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલન સામે ટક્કર આપીને સરદાર સરોવર પ્રોજેક્ટને આગળ વધારનારા જયનારાયણ વ્યાસની હાલત પણ એવી જ થઈ.

તેમને ટિકિટ આપવામાં આવી હતી ખરી, પણ અંદરખાને ભાંગફોડ કરીને તેમને હરાવી દેવાયા હોવાની ચર્ચા થઈ હતી. જયનારાયણ વ્યાસનું હવે ભાજપમાં કોઈ સ્થાન રહ્યું નથી.

અમદાવાદના કોટ વિસ્તારના અડગ નેતા અશોક ભટ્ટને પણ વિધાનસભામાં સ્પીકર બનાવી દેવાયા હતા.

મોદી મુખ્ય મંત્રી બન્યા તે પછી તેમના માટે એલિસબ્રિજ બેઠક ખાલી કરવાની ના પાડનારા હરેન પંડ્યાને ડિસેમ્બર 2002માં ટિકિટ આપવામાં આવી નહોતી.

આજે ગુજરાતમાં કોઈ એવો નેતા નથી જે નરેન્દ્ર મોદીની જગ્યાએ અસરકારક મુખ્ય મંત્રી બની શકે.

વીજળી પુરવઠા ક્ષેત્રે કર્યા ધરમૂળથી ફેરફાર

નરેન્દ્ર મોદી સમજે છે કે પોતાની અને પોતાની સરકારની એક છાપ ઊભી કરવાનો જ આખો ખેલ છે. સરકારનો વહીવટ ચલાવવા કરતાં એક પ્રકારની છાપ ઊભી કરવી વધારે જરૂરી છે.

તેના કારણે જ મુખ્ય મંત્રી બન્યા પછી એક જ વર્ષમાં તેમણે ધમાકેદાર રીતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું, જેથી પોતાની "મીડિયા અને વિપક્ષ દ્વારા ઊભી કરાયેલી છાપ" ભૂંસી શકાય, અને ગુજરાત મૂડીરોકાણ માટે આદર્શ રાજ્ય છે તે સ્થાપિત કરી શકાય.

પોતાના નેતૃત્વમાં ગુજરાત આધુનિક દૃષ્ટિકોણથી આગળ વધી રહ્યું છે તેવી છાપ તેઓ ઊભી કરવા માગતા હતા. અરુણ શૌરી જેવા વિદ્વાન નેતાઓ અને ઘણા બધા પત્રકારો પણ તેમનાથી અંજાઈ ગયા હતા.

તેમણે બહુ ઝડપથી હિન્દુત્વના પ્રખર નેતાની જગ્યાએ વિકાસના એજન્ડા સાથે ચાલનારા દીર્ઘદૃષ્ટા નેતા તરીકેની છાપ ઊભી કરી દીધી હતી. તેઓ આજ સુધી સફળતાપૂર્વક હિન્દુત્વ અને વિકાસના એજન્ડાને એક સાથે ચલાવતા આવ્યા છે. તેમાં એટલી સફળતા મળી છે કે આ બંને મુદ્દાઓ એક બીજાના પર્યાય હોય તેવું જ લાગે.

ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી યોજનામાં સૌથી વધુ સફળ રહી હતી, જ્યોતિગ્રામ યોજના, જેના આધારે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પણ 24 કલાક વીજળી મળતી થઈ હતી.

2003માં શરૂ થયેલી આ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારમાં વીજવિતરણમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા.

આ યોજના હેઠળ 11 કેવીના અલગ ફીડર ઊભા કરવામાં આવ્યા હતા અને ઘરો તથા દુકાનોમાં વીજળી આપવા માટે અલગથી 78,454 કિમીની વીજલાઈનો નાખવામાં આવી હતી.

અલગ વીજવિતરણને કારણે રાજ્યના 18,000 ગામડાં અને 9,700 જેટલા કસબામાં વીજળી પહોંચાડી શકાઈ હતી. જોકે વીજળીના તાર ભલે ઘરે-ઘરે પહોંચ્યા, પણ વીજળીના મુદ્દે આજેય ખાસ કરીને ખેડૂતોમાં ઘણી ફરિયાદો ઊભી છે.

એશિયાનો સૌથી મોટો સોલર ઍનર્જી ઇન્વેસ્ટમેન્ટ ઝોન બનાવવા માટે ઉત્તર ગુજરાતમાં ચારણકામાં સોલર પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો.

અલ્ટ્રા-મેગા પ્રોજેક્ટ તરીકે આ યોજનામાં 900 મેગા વૉટ જેટલી સૌરઊર્જાના ઉત્પાદન માટે કંપનીઓને મૂડીરોકાણ માટે આકર્ષવામાં આવી હતી.

આ પ્રારંભિક પ્રયાસોને કારણે ગુજરાત વૈકલ્પિક સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે. વડા પ્રધાન તરીકે પણ નરેન્દ્ર મોદીએ વૈકલ્પિક સ્વચ્છ ઊર્જાના ઉત્પાદન પર ખાસ કરીને સૌરઊર્જા પર ધ્યાન આપ્યું છે.

મત ઊભો કરવાની બાબતે ચૅમ્પિયન

ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક અને દેશના એકથી વધુ રાજ્યો વચ્ચે બનેલા સૌથી મોટા ડૅમ તરીકે સરદાર સરોવર નર્મદા યોજનાને પૂર્ણ કરવા માટે એકથી વધુ મુખ્ય મંત્રીઓએ ફાળો આપ્યો હતો તેને ભૂલી શકાય નહીં.

યોજનાની વિરુદ્ધમાં મેધા પાટકરે નર્મદા બચાઓ આંદોલન શરૂ કર્યું હતું. તેની સામે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત આપીને ડૅમની ઊંચાઈ વધારવા માટેનો આદેશ મેળવાયો ત્યારે કેશુભાઈ પટેલ જ સત્તામાં હતા.

જોકે વડા પ્રધાન બન્યા પછી નર્મદા યોજનાને પૂર્ણ કરવા માટે જરૂરી આખરી મંજૂરી તેમણે તરત આપી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે તબક્કાવાર ઊંચાઈ વધારવા માટે આદેશ કર્યો હતો અને તે પ્રમાણે નર્મદા કંટ્રોલ ઑથૉરિટી અને ઘણા બધા પર્યાવરણવાદીઓ કહેતા હતા કે અદાલતના આદેશ પ્રમાણે પારી પાસુ ઊંચાઈ વધવી જોઈએ. એટલે કે વિસ્થાપિતોને થાળે પાડવાનું કામ થતું જાય તે રીતે જ ઊંચાઈ વધારવાની મંજૂરી મળવી જોઈએ.

જોકે કેન્દ્રમાં મોદી સરકાર બની તે પછી જણાવાયું કે યોજનાના અસરગ્રસ્ત લોકોને સૌથી સારું વળતર પૅકેજ આપવામાં આવ્યું છે અને ગુજરાતે પુનઃસ્થાપનનું કામ ઉત્તમ રીતે કરી બતાવ્યું છે.

તેના કારણે આ વખતે કોઈ મોટો વિરોધ થયો નહીં અને ડૅમની ઊંચાઈ 138 મિટર સુધીની પૂર્ણ કરી શકાઈ.

હાલમાં જ મુખ્ય નહેરમાંથી કચ્છ પેટા નહેરનું કામ પૂર્ણ કરીને કચ્છમાં છેવાડે સુધી પાણી પહોંચાડવાની યોજનાનું લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે.

જોકે એ બાબતને બહુ જાહેર કરવામાં આવતી નથી કે નાની નહેરો બનાવવાનું, ખેતરો સુધી પહોંચાડવા માટે જરૂરી સૌથી છેવાડેની નહેરનું કામ કચ્છમાં પણ હજી બાકી છે.

ટેકનિકલ જાણકારો કહે છે કચ્છમાં થોડા વર્ષો અગાઉથી જ નર્મદાનું પાણી પહોંચી ગયું છે, પણ તેનો ઉપયોગ ઉદ્યોગો માટે થઈ રહ્યો છે. તેમાંથી નહેરો કાઢીને સિંચાઈનું કામ ભાગ્યે જ થઈ રહ્યું છે.

જોકે ભાજપ હંમેશાં એવો દાવો કરતો રહ્યો છે કે ગુજરાતના દુકાળગ્રસ્ત બધા જ વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડી દેવાયું છે.

ગુજરાતમાં હવે દુકાળ અને પાણીની તંગી ભૂતકાળ થઈ ગયો છે એવા દાવા થઈ રહ્યા છે અને લોકશાહીમાં જનમત જ સૌથી અગત્યનો ગણાય છે અને તે જનમત આ વાત માની પણ રહ્યો હોય તેમ લાગે છે.

મોદીના ટીકાકારોએ નાખુશી સાથે કબૂલવું પડે છે કે તેમણે સફળતાપૂર્વક પોતાની મજબૂત નેતાની છાપ ઊભી કરી છે અને ભલે સમગ્ર દેશમાં નહીં, પણ ઘણાં બધાં મહત્ત્વનાં રાજ્યોમાં સીધા જ જનમાનસ સાથે પોતાને જોડી શકે છે.

ભારતમાં આજે એવો કોઈ પણ નેતા નથી, જે એક પર્સેપ્શન ઊભું કરવાની બાબતમાં તેમની તોલે આવી શકે. આ બાબતમાં તેઓ ચૅમ્પિયન સાબિત થયા છે.

જોકે તેમની સામે ક્રોની કૅપિટલિઝમનો, ધનિક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો, અને સામી બાજુ ગરીબો, આદિવાસી, વંચિતો, ખેડૂતો અને લઘુમતીઓને નુકસાનકર્તા સાબિત થાય એવી એકપક્ષી નીતિઓ અમલમાં લાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

આ પ્રકારના આક્ષેપો તેમની સામે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ થતા હતા અને વડા પ્રધાન તરીકે પણ તેમની સામે આ આક્ષેપો થતા રહ્યા છે.

આવી ટીકાઓના મારા છતાં તેમની તથા ભાજપની ચૂંટણીઓ જીતવાની ક્ષમતાને કોઈ અસર થઈ નથી.

તેમના નસીબ પણ એટલા સારા છે કે તેમની સામે પડકાર ફેંકી શકે તેવો મજબૂત વિપક્ષ નથી અને વિરોધ પક્ષો વિખેરાઈ ગયેલા છે. રાષ્ટ્રીય સ્તરે એક માત્ર પક્ષ કૉંગ્રેસ છે, પણ તે આંતરિક રીતે જ તેના અસ્તિત્વને બચાવવાના પડકારનો સામનો કરી રહી છે.

(લેખક ડેલપમૅન્ટ ન્યૂઝ નેટવર્ક (ડીએનએન), ગુજરાતના તંત્રી છે)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો