ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બંગાળની ચૂંટણીમાં બનેલો એ રેકૉર્ડ જેને નરેન્દ્ર મોદી પણ નથી તોડી શક્યા

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્યની કુલ 182 બેઠકમાંથી 151 બેઠક પર વિજય મેળવવાની વાત પાર્ટીના આંતરિક ફોરમ તથા અમુક સાર્વજનિક કાર્યક્રમોમાં પણ કહી ચૂક્યા છે.

આવો જ પ્રયાસ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે વર્ષ 2012માં કરી ચૂક્યા છે, પરંતુ તેમને સફળતા મળી નથી. નોંધનીય છે કે પાર્ટી માધવસિંહ સોલંકીના વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠક જીતવાના રેકૉર્ડને તોડવા માગે છે.

જો પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવી લે તો દેશના રાજકારણમાં પ્રવર્તમાન રેકૉર્ડની નજીક તો પહોંચી જશે, પરંતુ તેને તોડવા માટે વધુ એક ટર્મ પૂર્ણ કરવાની રાહ જોવી પડશે.

આ રેકૉર્ડ સાથે દેશના મહત્ત્વપૂર્ણ ડાબેરી પરિબળના ઉદય અને સંધ્યાકાળનો પ્રવાસ પણ વણાયેલો છે.

સંક્ષિપ્તમાં : એ રેકર્ડ જેને તોડવા માટે ભાજપે ઘણી રાહ જોવી પડશે

  • ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ રાજ્યની કુલ 182 બેઠકમાંથી 151 બેઠક પર વિજય મેળવવાની વાત પાર્ટીના આંતરિક ફોરમ તથા અમુક સાર્વજનિક કાર્યક્રમોમાં પણ કહી ચૂક્યા છે
  • જો પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવી લે, તો દેશના રાજકારણમાં પ્રવર્તમાન રેકર્ડની નજીક તો પહોંચી જશે, પરંતુ તેને તોડવા માટે વધુ એક ટર્મ પૂર્ણ કરવાની રાહ જોવી પડશે
  • 1977થી 2011 સુધી પશ્ચિમ બંગાળમાં, 1993થી 2018 ત્રિપુરામાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાએ સળંગ શાસન કર્યું છે. આ પહેલાં 1978થી1988 દરમિયાન દસ વર્ષ સુધી ત્રિપુરામાં પાર્ટીની સરકાર રહી હતી
  • પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી આ પાર્ટીનાં વળતાં પાણી થયાં છે
  • એક સમયે આ પક્ષ એટલો શક્તિશાળી હતો કે તેના પશ્ચિમ બંગાળના નેતા જ્યોતિ બસુને વડા પ્રધાનપદની ઑફર કરાઈ હતી
  • કેમ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા - માઓઇસ્ટના લોકશાહીકેન્દ્રી રાજકારણમાં આવા હાલ થયા છે?

ડાબેરી ભૂતકાળ

ભારતમાં 1920થી કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઈ) કાર્યરત્ છે, રશિયાની 'ઑક્ટોબર ક્રાંતિ'ના પ્રભાવ હેઠળ તે અસ્તિત્વમાં આવી હતી.

વર્ષ 1921માં અમદાવાદ ખાતે તેનું અધિવેશન મળ્યું હતું, જેમાં દેશની પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પાર્ટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી, છતાં તે ગુપ્ત રીતે કાર્યરત્ રહી હતી.

દેશની સ્વતંત્રતા પછી તે રાજકીય પરિદૃશ્ય પર સામે આવી અને તેની સ્વીકાર્યતા વધી.

1957માં કેરળમાં પ્રથમ વખત સીપીઆઈની સરકાર બની. એ પછી પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા પણ ડાબેરી મોરચાના ગઢ બન્યા. સીપીઆઈ દેશમાં 1964 સુધી તે કાર્યરત્ રહી.

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ડાબેરી વિચારમાં મંથન ચાલુ હતું, ત્યારે ભારતમાં માર્ક્સવાદ-લેનિનવાદના ક્રાંતિ તથા વૈજ્ઞાનિક અભિગમ જેવાં લક્ષણોને જાળવવાં માટે સીપીઆઈનું વિભાજન થયું અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્ક્સવાદી અસ્તિત્વમાં આવી.

હાલમાં તે દેશનો મુખ્ય ડાબેરી પક્ષ છે.

1977થી 2011 સુધી પશ્ચિમ બંગાળમાં, 1993થી 2018 ત્રિપુરામાં પાર્ટીએ સળંગ શાસન કર્યું છે. આ પહેલાં 1978થી 1988 દરમિયાન દસ વર્ષ સુધી ત્રિપુરામાં પાર્ટીની સરકાર રહી હતી.

રેકૉર્ડ સમય સુધી સરકાર

ગુજરાતમાં સત્તામાં ભાજપનો પગપેસારો 1980ના દાયકાના અંત ભાગમાં થઈ ગયો હતો.

માર્ચ-1995માં પાર્ટીએ પ્રથમ વખત આપબળે સરકાર બનવી હતી, પરંતુ શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે તેનું પતન થયું હતું.

છતાં માર્ચ 1998થી ગુજરાતમાં અવિરતપણે સળંગ અને સતત ભાજપ સરકાર સત્તા પર છે.

ભૂપેન્દ્ર પટેલની સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરે ત્યારે પાર્ટીને સત્તા ઉપર સળંગ 24 વર્ષ પૂર્ણ થશે.

1990માં કેશુભાઈ પટેલ યુતિ સરકારમાં નાયબ મુખ્ય મંત્રી બન્યા હતા, એને ગણતરીમાં લેવા છતાં તે ડાબેરી પક્ષના રેકૉર્ડથી તે દસ વર્ષ દૂર રહેશે.

પશ્ચિમ બંગાળમાં 34 વર્ષ સુધી સીપીઆઈ-એમના (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા) નેતૃત્વમાં ડાબેરી મોરચાએ શાસન કર્યું હતું અને જો ગઠબંધન સરકારની વાત કરવામાં આવે તો આ કાર્યકાળ લગભગ 44 વર્ષ જેટલો લાંબો રહ્યો હતો.

પ્રોશાંતા નંદીએ ડાબેરી સરકારનાં પ્રારંભિક વર્ષો અને તેની સફળતા વિશે (સૉશિયોલોજિકલ બુલેટિન, વૉલ્યુમ 54, નંબર 2, પેજ નંબર 171-194માં) લખ્યું છે:

સ્થાપના સમયથી જ સીપીઆઈ-એમએ દિલ્હી તથા કલકત્તામાં 'જમીનદારોની સરકાર' વિરુદ્ધ લોકજુવાળ ઊભો કર્યો. મોંઘવારી, મંદી, બેકારી અને અનાજની તંગી સામે જનતાની ચળવળ ઊભી કરી.

વર્ષ 1966 આસપાસ પશ્ચિમ બંગાળમાં ખોરાક, કેરોસીન તથા જીવનજરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓની તંગી ઊભી થઈ. સીપીઆઈ-એમએ 72 કલાકના બંધનું આહ્વાન આપ્યું.

1967માં પશ્ચિમ બંગાળમાં ચોથી વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી. રાજ્યમાં પ્રથમ વખત બિન-કૉંગ્રેસી સરકારની સ્થાપના થઈ. આ એક યુતિ સરકાર હતી એટલે તેને 'યુનાઇટેડ ફ્રન્ટ' (સંયુક્ત મોરચો) એવું નામ આપવામાં આવ્યું.

કૉંગ્રેસની આંતરિક જૂથબંધીને કારણે બાંગ્લા કૉંગ્રેસ નામનો અલગ ફાંટો અસ્તિત્વમાં આવ્યો હતો. જેના અજય મુખરજી મુખ્ય મંત્રી બન્યા, જ્યારે સીપીઆઈ-એમના જ્યોતિ બસુ નાયબ મુખ્ય મંત્રી બન્યા. આ સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ ન કરી શકી અને મધ્યસત્રી ચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ.

ફરી એક વખત સંયુક્ત મોરચા સરકાર અસ્તિત્વમાં આવી. આ દરમિયાનનાં વર્ષોમાં રાજ્યમાં રાજકીય અસ્થિરતા પ્રવર્તમાન રહી.

આ જ અરસામાં એક અલગ જ ચળવળ રાજકીય સામાજિક પટલ પર આકાર લઈ રહી હતી, જેનો જન્મ પશ્ચિમ બંગાળના નક્સલબાડી વિસ્તારમાં થયો હોવાથી તે નક્સલવાદ તરીકે પણ ઓળખાય છે.

તેનો હેતુ જમીનો ઉપર કબજો કરીને ત્યાં 'જનતાનું શાસન' સ્થાપિત કરવાનો હતો. જે કોઈ ક્રાંતિની આડે આવે તે ને મારી નાખવામાં, તોડફોડ અને અરાજકતા ફેલાવવામાં તેના ચળવળકર્તાઓને કોઈ છોછ ન હતો, જેના કારણે ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ ચળવળકર્તાઓને ભારતના સામ્યવાદીઓનું આંશિક સમર્થન હાંસલ હતું.

તંત્રમાં નક્સલવાદીઓનો ભય

છેવટે, 1977માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચા સરકારની સ્થાપના થઈ. જેનું નેતૃત્વ સીપીઆઈ-એમ કરી રહી હતી અને અગાઉની અજય મુખરજી સરકારમાં નાયબમુખ્ય મંત્રી જ્યોતિ બસુ રાજ્યના પ્રથમ ડાબેરી મુખ્ય મંત્રી બન્યા.

પ્રારંભિક વર્ષોમાં ડાબેરી સત્તાધીશોએ ભારતનું બંધારણીય માળખું ક્રાંતિકારી સામ્યવાદી આર્થિક-સામાજિક પરિવર્તનને માટે અવરોધરૂપ હોવાની વાત કહી.

છતાં તેમણે ગ્રામ્યસ્તરેથી શરૂઆત કરી, જ્યાં રાજ્યની સૌથી વધુ (લગભગ 75 ટકા) વસતિ રહેતી હતી. આ વસ્તીમાં ખેતમજૂર, ગણોતિયા તથા નાના ખેડૂત હતા. એ સમયે રાજ્ય સરકાર પાસે લગભગ 29 લાખ એકર જમીન હતી, જેમાંથી દસ લાખ એકર જમીન 23 લાખ 50 હજાર ખેડૂત પરિવારોને સોંપી દીધી.

'વેસ્ટ બૅન્ગાલ લૅન્ડ રિફૉર્મ્સ ઍક્ટ' પસાર કરવામાં આવ્યો, જેમાં લઘુતમ વેતન, ખેતીનું કામ ન હોય તેવાં મહિનાઓમાં વૈકલ્પિક કામ અને ઘર બનાવી દેવાની જોગવાઈ કરવામાં આવી. ગણોતપટ્ટાના અભાવે જ્યારે વ્યક્તિએ ખેતર ખેડવા માટે લીધું હોય ત્યારે તે ગણોતિયો નથી તેવું પુરવાર કરવાની જવાબદારી જમીનમાલિક પર નાખવામાં આવી.

ખેડૂતોને શાહુકારો તથા જમીનદારોના ચુંગાલમાંથી છોડાવવા માટે રાહતદરે લૉનની જોગવાઈ કરવામાં આવી.

આ કૃષિસુધારાની અસર અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં પણ જોવા મળી. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું તથા કૂલ ખર્ચની લગભગ 50 ટકા રકમ જિલ્લા-તાલુકા સ્તરે ક્યાં ખર્ચવી તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી.

આ બધાં પગલાંને કારણે મતદારોએ સામાન્ય ચઢાવ-ઉતાર સાથે 1977થી 2011 સુધીની દરેક વિધાનસભા ચૂંટણી વખતે જનતાએ સ્પષ્ટ રીતે ડાબેરી મોરચાની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

વર્તમાન ડાબેરી મોરચામાં સીપીઆઈ-એમ ઉપરાંત સીપીઆઈ, ફૉરવર્ડ બ્લૉક, રિવૉલ્યુશનરી સૉશિયાલિસ્ટ પાર્ટી, રિવૉલ્યુશનરી કૉમ્યુનિસ્ટ પાર્ટી જેવા પક્ષોનો સમાવેશ થાય છે.

રેકૉર્ડ સમય સુધી CM

જૂન-1977થી નવેમ્બર-2000 સુધી જ્યોતિ બસુ પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રીપદે રહ્યા, જે એક રેકૉર્ડ છે, એ પછી સીપીઆઈ-એમના બુદ્ધદેબ ભટ્ટાચારજી મે-2011 સુધી આ પદ પર રહ્યા.

મે-2019માં સિક્કિમ ડેમૉક્રેટિક ફ્રન્ટના પવનકુમાર ચામલિંગએ સિક્કિમનું મુખ્ય મંત્રીપદ છોડ્યું. એ સમયે તેમણે 24 વર્ષ અને ચાર મહિનાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેમણે 2018માં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ઓડિશાના મુખ્ય મંત્રી જ્યોતિ બસુ તથા ચામલિંગના રેકૉર્ડની નજીક છે. તેઓ માર્ચ-2000ની સાલથી ઓડિશાના મુખ્ય મંત્રીપદે છે. તેઓ લગભગ 22 વર્ષ અને છ મહિનાથી આ પદ પર છે.

ટેકનિકલી નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી તરીકેનો આ રેકૉર્ડ તોડી શકે તેમ નથી, પરંતુ વડા પ્રધાન તરીકેના વર્તમાન કાર્યકાળના અંતે તેઓ સત્તાના સર્વોચ્ચ સ્થાને (પહેલાં રાજ્ય અને પછી દેશ) રહેવાનો અલગ પ્રકારનો રેકૉર્ડ બનાવી શકે છે, જે લગભગ 22 વર્ષ અને છ મહિના જેટલો સમય થયો હશે.

1991માં સોવિયેટ સંઘના વિઘટન પછી વિશ્વભરમાં જ્યારે સામ્યવાદનું પતન થઈ રહ્યું હતું, આમ છતાં ભારત જેવા દેશમાં લોકશાહી ઢબે એ પછી 20 વર્ષ સુધી ચૂંટાઈ આવવું એ પાર્ટીની સામાન્ય સિદ્ધિ નથી.

પતનનાં કારણો

એક સમયે કોલકતા બ્રૂક બૉન્ડ, ગોયેન્કા જૂથ, બિરલા જૂથની અનેક કંપનીઓનું મુખ્યમથક હતું, પરંતુ ઘેરાવો, હડતાલ, દેખાવોને કારણે નવું રોકાણ આવતું ઘટ્યું અને હયાત ઉદ્યોગો બંધ થતા રહ્યા. રાજ્યના ઉદ્યોગગૃહોએ અન્ય રાજ્યોમાં નવા પ્રોજેક્ટ નાખવાનું શરૂ કર્યું.

નંદીગ્રામ અને સિંગુરમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ દ્વારા ડાબેરી સરકારે સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે પ્રયાસ કર્યો, પરંતુ ત્યાર સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. ઊલટું, આનાથી સીપીઆઈ-એમના બે મુખ્ય આધારસ્તંભ શ્રમિકો અને ખેડૂતો નારાજ થઈ ગયા.

આ સિવાયના કારણ વિશે વિશ્લેષણ કરતાં વરિષ્ઠ વિશ્લેષક કાંચા ઇલૈયા માને છે, કેરળમાં ડાબેરી પક્ષના નેતા કોઈ એક સમુદાયમાંથી નથી આવતા.

પહેલાં ઈએમએસ નંબુદ્રીપાદ (બ્રાહ્મણ), પછી નાયર અને હાલ મુખ્ય મંત્રી પી. વિજયન (ઇઝાવા સમુદાયના) છે, જે તાડી એકઠી કરતી જાતિમાંથી આવે છે.

વીએસ અચ્યુતાનંદન તથા કેઆર ગૌરી અમ્મા જેવાં નેતાઓએ નાયર નેતૃત્વની વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું અને તેને મજબૂત બનાવ્યું. આજે નાયર તથા બ્રાહ્મણ નેતૃત્વનું કેરળ સીપીઆઈ-એમ પર પ્રભુત્વ નથી.

2021ની કેરળ વિધાનસભા ચૂંટણી સમયે અનેક મંત્રીઓ તથા જીતી શકે તેવા વ્યક્તિગત કદાવર નેતાને પણ પડતા મૂકવામાં આવ્યા, પરિણામ સ્વરૂપે 1977 પછી પહેલી વખત દર પાંચ વર્ષે સત્તાનું પરિવર્તન અટક્યું અને ડાબેરી મોરચાનું સત્તા પર પુનરાગમન થયું.

જ્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરી નેતૃત્વ મુખ્યત્વે 'ભદ્રલોક'ના (બ્રાહ્મણ, કાયસ્થ તથા બૈદ્ય) પ્રભુત્વ હેઠળ છે, જેમણે દલિત કે સમાજના અન્ય વર્ગોમાંથી નવું નેતૃત્વ ઊભું થવા જ ન દીધું અને તેમને શ્રમિકવર્ગ સુધી મર્યાદિત રાખ્યા. પશ્ચિમ બંગાળની 27 ટકા વસતિ મુસ્લિમોની હોવા છતાં તેમનામાંથી પણ કોઈ નોંધપાત્ર નેતૃત્વ ઊભું ન કરી શક્યા.

એક સમયે સ્પષ્ટ, આક્રમક અને સમર્પિત વિચારસરણી ધરાવતાં સીપીઆઈ-એમે મમતા બેનરજીને સત્તા પરથી હઠાવવા માટે વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણી સમયે કટ્ટર વિરોધી એવી કૉંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કર્યું.

એટલું જ નહીં, 2021ની વિધાનસભા ચૂંટણી સમયે કૉંગ્રેસ ઉપરાંત આઈએસએફ સાથે ગઠબંધન કર્યું. જેનું નેતૃત્વ અબ્બાસ સિદ્દિકી નામના ધાર્મિક પ્રચારક કરી રહ્યા હતા, જેમના પિત્તૃસત્તાક રૂઢિવાદી વિચારો સાર્વજનિક હતા.

ધર્મથી દૂર રહેવાની તથા બિનસાંપ્રદાયિક છાપને ભારે આઘાત લાગ્યો, જેના કારણે પહેલી વખત પશ્ચિમ બંગાળની વિધાનસભામાં સીપીઆઈ-એમ કે કૉંગ્રેસનો એક પણ ધારાસભ્ય નથી.

2011થી પાર્ટીના મતની ટકાવારી તથા બેઠકસંખ્યામાં સતત ઘટાડો થતો રહ્યો છે.

ખુદ સીપીઆઈના (માર્કસવાદી લેનીનવાદી) મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યે ચૂંટણીપરિણામો પછી લખ્યું કે સીપીઆઈ-એમની એકતરફી તથા ટૂંકી દૃષ્ટિને કારણે ગત ચૂંટણી સમયે ભાજપને ફાયદો થયો, જ્યારે આ વખતે ટીએમસીને.

ગઠબંધનની સરકારોને બહારથી ટેકો આપવાની નીતિને કારણે પાર્ટીનો વ્યાપ તથા જનાધાર ન વધ્યા.

1996માં પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય મંત્રી જ્યોતિ બસુને વડા પ્રધાનનું પદ ઑફર કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત (અને કદાચ છેલ્લી વખત) દેશનો વડા પ્રધાન સામ્યવાદી નેતા હોય તેવા સંજોગો ઊભા થયા, પરંતુ ડાબેરી પક્ષોએ સરકારમાં સામેલ થવાને બદલે બહારથી ટેકો આપ્યો.

2004માં પાર્ટીએ યુપીએ સરકારને ટેકો આપ્યો, પરંતુ કોઈ મંત્રીપદ ન લીધું.

આથી વિપરીત ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસનાં મમતા બેનરજીએ પહેલાં વાજપેયી તથા એ પછી યુપીએ સરકારમાં રેલવેમંત્રીનું પદ લીધું અને પશ્ચિમ બંગાળને માટે પ્રોજેક્ટો તથા ટ્રેનોની ઉદાર હાથે લહાણી કરી.

2008માં ભારત-અમેરિકા ડીલને કારણે પાર્ટીએ યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. ડૉ. સિંહની સરકાર તો બચી ગઈ, પરંતુ 2009થી પાર્ટીનું પતન શરૂ થયું, જે આજપર્યંત ચાલુ છે. 2011માં મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી બન્યાં.

ડાબેરી વર્તમાન

સીપીઆઈ-એમની 23મી કૉંગ્રેસના રાજકીય ઠરાવ (મુદ્દા નંબર 2.164)માં પાર્ટી સ્વીકારે છે કે પશ્ચિમ બંગાળમાં પાર્ટીનો જનાધાર ધોવાઈ ગયો છે, જ્યારે ત્રિપુરામાં જનાધાર ધોવાઈ રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને સૌથી ઓછા મત મળ્યા હતા.

પાર્ટીએ તાત્કાલિક તેના જનાધારને ધોવાતો અટકાવવા તથા તેને વધારવા માટે પ્રયાસ કરવાની જરૂર છે. જોકે, પાર્ટીએ તેની 16મી અને 17મી કૉંગ્રેસમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ધોવાણ પછી પણ આવી જ વાત કહી હતી.

પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર એ વાસ્તવમાં સીપીઆઈ-એમના નેતૃત્વમાં ડાબેરી મોરચા સરકાર હતી. જેમાં ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લૉક તથા રિવૉલ્યુશનરી સૉશિયાલિસ્ટ પાર્ટી પણ સામેલ હતી.

કેરળમાં આ બંને પક્ષો કૉંગ્રેસના નેતૃત્વવાળા મોરચામાં સામેલ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં તે ડાબેરી મોરચા સાથે છે.

સીપીઆઈ-એમ દ્વારા આપવામાં આવેલા ઔપચારિક આંકડા પ્રમાણે 1964માં સ્થાપના સમયે પાર્ટીના એક લાખ 18 હજાર 683 સભ્ય હતા, જે 9,85,757 પર પહોંચી છે.

ગુજરાતમાં પાર્ટીના 3,724 સભ્ય છે, 2018ની સરખામણીમાં 25 સભ્યોનો ઘટાડો થયો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં એક લાખ 92 હજાર 454 (2018માં) સભ્ય હતા, જે સંખ્યા ઘટીને એક લાખ 60 હજાર 827 પર આવી ગઈ છે. કેરળમાં પાર્ટીને માટે આશાસ્પદ ચિત્ર દેખાઈ રહ્યું છે.

અહીં વર્ષ 2018માં પાર્ટીની સભ્યસંખ્યા 4,89,000 ત્રણ વર્ષમાં વધીને 5,27,124 પર પહોંચી હતી.

એની સામે 18 કરોડ સભ્યો સાથે ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરવામાં આવે છે, એટલે સુધી કે ચીનની સામ્યવાદી પાર્ટી લગભગ સાડા નવ કરોડ સભ્યો સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.

આજે લોકસભામાં સીપીઆઈ-એમના ત્રણ સંસદસભ્યો છે, જેમાંથી પશ્ચિમ બંગાળમાંથી એક પણ નથી. રાજ્યસભામાં પાર્ટીના પાંચ સંસદસભ્યો છે, જેમાંથી પશ્ચિમ બંગાળમાંથી માત્ર એક છે. ત્રિપુરામાં માત્ર લોકસભાની બે બેઠક પર તે ભાજપની મુખ્ય હરીફ છે.

ડાબેરી ભવિષ્ય

સીપીઆઈ-એમ (તથા ડાબેરી પક્ષો) એ સમજવું રહ્યું કે વર્ગવિહિન સમાજની વિભાવના અન્ય દેશોના સંદર્ભમાં ખરી હોય શકે છે, પરંતુ ભારતીય સંદર્ભમાં 'જ્ઞાતિવાદી ઓળખ' તેમાં અભિપ્રેત છે.

દલિત કે આદિવાસીના આર્થિક પછાતપણા સાથે તેમના શૈક્ષણિક-સામાજિક પછાતપણાંનો સીધો સંબંધ છે.

માર્ચ-2022માં પાર્ટીના અસ્તિત્વમાં આવ્યાને લગભગ 60 વર્ષ પછી પ્રથમ વખત રામ ચંદ્ર દોમ નામના દલિત ડાબેરી નેતાને પોલિટ બ્યૂરોમાં સ્થાન મળ્યું છે, જે પાર્ટીસંબંધિત નિર્ણય લેતી સર્વોચ્ચ સમિતિ છે.

પાર્ટી હાઇટેક બને અને યુવાનો સુધી પહોંચે તે જરૂરી છે.

પાર્ટીએ પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન યુવા નેતાઓને તક આપી હતી, પરંતુ તેઓ લાંબા સમયથી બંગાળથી દૂર હતા અને 'બહારથી આવેલા ઉમેદવાર'ની છાપને ભૂંસી શક્યા ન હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો